ICC Women's T20 World Cup : પૂનમ યાદવ હૅટ્રિક ચૂક્યાં પણ ઑસ્ટ્રેલિયા સામે ટીમનો કરાવ્યો વિજયી પ્રારંભ

પૂનમ યાદવ Image copyright Getty Images

ઑસ્ટ્રેલિયામાં મહિલા ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થયો તેના કેટલાક અઠવાડિયા અગાઉથી ત્રણ ટીમને ફેવરિટ માનવામાં આવી રહી હતી, જેમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ, ઇંગ્લૅન્ડ બીજા અને ભારત ત્રીજા ક્રમે હતું.

આમ હૉટ ફેવરિટ ગણવી હોય તો તે ઑસ્ટ્રેલિયન મહિલા ટીમ હતી જેને શુક્રવારે હરાવીને ભારતે મેજર અપસેટ સર્જી દીધો અને તેમાં સિંહફાળો રહ્યો સ્પિનર પૂનમ યાદવનો.

શુક્રવારે રમાયેલી પ્રારંભિક મૅચમાં ભારત માત્ર 132 રન કરી શક્યું હતું અને તે વખતે પણ તેનો પરાજય સામે દેખાતો હતો.

નવ ઓવરમાં 55 રનના સ્કોર સુધી ઑસ્ટ્રેલિયા આસાનીથી જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ અહીંથી મૅચનું પાસું પલટાઈ ગયું.

પૂનમ યાદવ બૉલિંગમાં આવ્યાં અને હરીફ ટીમની ઉપરા-ઉપરી વિકેટો ખેરવવા માંડી.

આમેય પૂનમ યાદવ તેમની વેધક બૉલિંગ માટે જાણીતા છે. તેઓ એક વાર વિકેટ ખેરવવાની શરૂઆત કરે ત્યાર બાદ તેમને અટકાવવા મુશ્કેલ છે.

ભારતના માર્ગમાં સૌથી મોટી અડચણ ઓપનર ઍલિસા હિલી હતાં.

જેમણે અડધી સદી ફટકારી અને તેઓ વિકેટ પર હતાં ત્યાં સુધી ભારતના વિજયની કલ્પના કરવી મુશ્કેલ હતી, પરંતુ પૂનમે દસમી ઓવરમાં હિલીને આઉટ કર્યાં તે સાથે કાંગારું ટીમની વિકેટ પત્તાના મહેલની માફક ખરી પડી.


19 રન આપીને ચાર વિકેટ

Image copyright Getty Images

પૂનમ યાદવે માત્ર 19 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી.

એક વાર તો તેઓ હૅટ્રિક મેળવવાની અણિ પર આવી ગયાં હતાં.

12મી ઓવરમાં તેમણે ઑસ્ટ્રેલિયાની અનુભવી ખેલાડી મૅન રચેલ હેઇન્સને આઉટ કર્યાં અને ત્યાર પછીના બૉલે ઍલિસી પેરીને પણ બૉલ્ડ કરી દીધાં.

આ સાથે ભારતનો વિજય લગભગ નિશ્ચિત થઈ ગયો હતો.

ભારત માટે 63મી મૅચ રમી રહેલાં પૂનમ યાદવે આ અગાઉ પણ ઑસ્ટ્રેલિયામાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ આ મૅચમાં તેમની પાસેથી મોટી આશા રખાતી ન હતી, કેમ કે તેઓ તાજેતરમાં જ ઈજામાંથી બહાર આવ્યાં હતાં.

ઈજામાંથી બહાર આવીને વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ માટે સજ્જ થવું તે જ કપરી બાબત હતી તેમાં પણ ઑસ્ટ્રેલિયા જેવા ચાર વખતના વર્લ્ડ ચૅમ્પિયન સામે તેમને રમવાનું હતું.

ખુદ પૂનમે જ મૅચ બાદ કહ્યું હતું કે ટીમના ફિઝિયોની મદદથી જ તેઓ સંપૂર્ણપણે ફિટ થઈને રમી શક્યાં હતાં.

પૂનમ યાદવ તેમની કારકિર્દીમાં ત્રીજી વાર મૅચમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે.

અગાઉ 2018માં તેઓ બાંગ્લાદેશ સામે નવ રનમાં ચાર વિકેટ ઝડપી ચૂક્યાં હતાં, પરંતુ નિશ્ચિતપણે શુક્રવારનું પ્રદર્શન તેમની કારકિર્દીનું સૌથી યાદગાર પ્રદર્શન હતું.


શિખા પાંડે અને દિપ્તીની કમાલ

Image copyright Getty Images

યાદવ ઉપરાંત શિખા પાંડેએ પણ ટીમને જરૂર હતી ત્યારે ત્રણ વિકેટ ખેરવીને ટીમની સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પૂનમ યાદવે તો બૉલિંગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો પરંતુ તે અગાઉ ભારતના વિજયનો પાયો નાખવામાં દિપ્તી શર્માનો ફાળો પણ વિશેષ રહ્યો હતો.

દિપ્તી શર્મા પાસેથી સામાન્ય રીતે બૉલિંગમાં યોગદાનની અપેક્ષા રખાતી હોય છે તેને બદલે તેમણે શુક્રવારે બૅટિંગમાં કમાલ કરી હતી.

ઓપનર શેફાલી વર્માએ તો તેમની આદત મુજબ ઝડપી પ્રારંભ કરાવ્યો અને 15 બૉલમાં 29 રન ફટકારી દીધા, તો જેમિમાહ રોડ્રિગ્સે પણ 26 રન નોંધાવ્યા હતા, પરંતુ ટીમનો સ્કોર 100 ઉપર પહોંચડાવામાં અને અંતે 132 સુધી લાવી દેવામાં દિપ્તી શર્માની મહેનત રંગ લાવી હતી.

દિપ્તીએ અણનમ 49 રન ફટકાર્યા હતા, જેને કારણે ભારત પડકારજનક સ્થિતિમાં આવી ગયું હતું.

ટી20 વર્લ્ડ કપમાં ભારતે આ વખતે મજબૂત પ્રારંભ કર્યો છે.

વર્લ્ડ ચૅમ્પિયનને આ રીતે હરાવવું તે ટીમની મોટી સિદ્ધિ લેખાશે.

ભારતને તેના ગ્રૂપમાં આથી કપરા હરીફનો સામનો કરવાનો નથી, તે જોતાં ટીમ માટે આગામી મૅચોમાં માર્ગ સરળ થઈ શકે તેમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા