ઓવૈસીની સભામાં નારેબાજી : ''પાકિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન ઝિંદાબાદમાં ફરક એ છે કે...''

  • ઈમરાન કુરેશી
  • બેંગલુરુથી બીબીસી ગુજરાતી માટે
અમૂલ્યા મંચ પર

બેંગલુરુમાં યોજાયેલી સીએએ-વિરોધી રેલીમાં એક વિદ્યાર્થિનીએ લગાવેલા પાકિસ્તાન તરફી નારાઓને ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના નેતાઓએ દેશવિરોધી કૃત્ય ગણાવ્યા છે.

કર્ણાટક બીજેપીના નેતાએ આ કૃત્યને 'પાકિસ્તાનના ટેકેદારો દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ' ગણાવ્યું છે.

અમૂલ્યાના પિતાના કહેવા પ્રમાણે સમગ્ર ઘટના બાદ અમુક લોકો તેમના ઘરે આવ્યા હતા અને તેમને 'ભારત માતા કી જય' બોલવાની ફરજ પાડી હતી.

ફ્રીડમ પાર્કમાં આયોજિત સીએએ-વિરોધી રેલીમાં 18 વર્ષની વિદ્યાર્થિની અમૂલ્યા લિયોના કરેલી કથિત નારાબાજીની પોલીસે જાતે નોંધ લીધી હતી. પોલીસે અમૂલ્યાના હાથમાંથી માઈક છીનવી લીધું હતું અને તેના પર ઈન્ડિયન પીનલ કોડ(આઈપીસી)ની કલમક્રમાંક 124એ હેઠળ દેશદ્રોહનો આરોપ મૂક્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, અમૂલ્યાએ દેશના લોકોમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. અમૂલ્યાને 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

ડીસીપી (વેસ્ટ) બી. રમેશે જણાવ્યું હતું કે અમૂલ્યા સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.

અમૂલ્યાના પિતાએ શું કહ્યું?

સોશિયલ મીડિયા પર નારાબાજીની ઘટના વાયરલ થયા બાદ કેટલાક લોકો અમૂલ્યાનાં ચિકમંગલુરુમાં આવેલા ઘરે પહોંચી ગયા હતા અને તેના પિતા સાથે ગેરવર્તન કર્યું હતું.

અમૂલ્યાનાં પિતાને "ભારત માતાકી જય" બોલવાની ફરજ પાડવામાં આવતું હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે. તેમની પાસેથી એવું બોલાવવામાં આવ્યું છે કે તેમણે તેમની દીકરીનો ઉછેર યોગ્ય રીતે કર્યો નથી.

અમૂલ્યાના પિતાને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે તેમની દીકરીને જામીન નહીં મળે અને તેણે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે.

નારાબાજીની ઘટના બાદ ત્રણ જણાએ અમૂલ્યાનાં પિતા ઓસ્વાલ્ડ નોરોન્હાને પૂછપરછ કરી હતી. નોરોન્હાના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ઓસ્વાલ્ડ નોરોન્હાએ કહ્યું હતું, "એ લોકોની સંખ્યા મને ખબર નથી, પણ હું ઘરની બહાર નીકળતો હતો ત્યારે તેમણે મારા ઘર પર હુમલો કર્યો હતો. "

"હું ઘરમાં હોત તો જીવતો ન રહ્યો હોત. તેમણે મારા પર પ્રશ્નોની ઝડી વરસાવી હતી અને મારી દીકરી વિશે પૂછપરછ કરી હતી."

"મેં તરત જ પોલીસને જાણ કરી હતી. રસ્તા ખરાબ હોવાને કારણે પોલીસને મારા ઘરે પહોંચતાં થોડો સમય લાગ્યો હતો."

અમૂલ્યાનાં પિતાએ ભાજપને મત આપ્યો હતો

ઓસ્વાલ્ડ નોરોન્હા વ્યવસાયે ખેડૂત છે અને વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બીજેપી માટે કામ કર્યું હતું. "લોકસભાની ચૂંટણીમાં તેમણે બીજેપીને મત પણ આપ્યો હતો."

તેમણે કહ્યું હતું, "મારા ઘરે આવીને જેમણે મને પૂછપરછ કરી હતી એ લોકો બીજેપીના જ હતા. તેઓ મારા ગામના છે. તેમણે મારા ઘર પર હુમલો કર્યો ત્યારે તેમાં બહારના કેટલાક લોકો પણ હશે. પોલીસે મને તત્કાળ સંરક્ષણ આપ્યું હતું."

ઓસ્વાલ્ડ નોરોન્હાએ ઉમેર્યું હતું, "મારી દીકરી બેંગલુરુમાં ડિગ્રી કોર્સની બીજા વર્ષની વિદ્યાર્થિની છે. એ સારી રીતે અભ્યાસ કરતી રહી છે, પણ સીએએ-વિરોધી પ્રદર્શન શરૂ થયાં છે ત્યારે એ ભણવા પર ઓછું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અભ્યાસ પર ધ્યાન આપવા મેં તેને વારંવાર કહ્યું છે. પોતે સારી રીતે અભ્યાસ કરશે એવું વચન તેણે મને આપ્યું પછી, હજુ અઠવાડિયા પહેલાં જ હું બેંગલુરુથી પાછો આવ્યો હતો."

ઓસ્વાલ્ડ નોરોન્હાના ઘરે બનેલી ઘટના બાબતે ચિકમંગલુરુના પોલીસ વડા હરીશ પાંડેયએ બીબીસીને કહ્યું હતું, "તેમની ફરિયાદના આધારે અમે કેસ નોંધ્યો છે. નોરોન્હાને હેરાન કરનાર એ લોકો બજરંગ દળના નથી."

અમૂલ્યાની નારાબાજી પછી બીજેપી સાથે જોડાયેલા એબીવીપી અને તેના જેવાં અનેક સંગઠનોએ બેંગલુરુના ટાઉન હોલ તથા અન્ય જિલ્લામાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

અમૂલ્યાના પિતાનો એક વીડિયો વોટ્સએપ પર વાઈરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક કાર્યકરો અમૂલ્યાના પિતાને તેના ઘરમાં પૂછપરછ કરી રહ્યા છે.

અમૂલ્યાના પિતા પાસે કેમેરા સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવવામાં આવતું હોવાનું વીડિયોમાં દેખાય છે. એ લોકો પોતાના છે કે કેમ તેની સ્પષ્ટતા બજરંગ દળે હજુ સુધી કરી નથી. જોકે, એ પૈકીના કેટલાક લોકોએ અનૌપચારિક રીતે સ્વીકાર્યું હતું કે તેઓ બજરંગ દળ સાથે જોડાયેલા છે.

નિંદનીય હરકત માટે યુવતીને છ મહિનાની સજા થવી જોઈએ એવું જણાવતું તેમનું નિવેદન કેટલાંક અખબારોએ પ્રકાશિત કર્યું છે.

અમૂલ્યાની વાત અધૂરી રહી?

ઇમેજ સ્રોત, ANI

અમૂલ્યાએ રેલીમાં માઈક તેમનાં હાથમાં આવ્યું કે તરત જ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા. એ સાંભળતાંની સાથે જ રેલીના આયોજક, મુખ્ય વક્તા અને એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી માઇક છીનવવા માટે અમૂલ્યા તરફ દોડ્યા હતા.

નારા લગાવવામાં આવ્યા ત્યારે ઓવૈસી નમાઝ પઢવા જવા માટે મંચ પરથી ઉતરી રહ્યા હતા.

પોતે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા શા માટે લગાવ્યાં તેની સ્પષ્ટતા કરવાના પ્રયાસ અમૂલ્યાએ કર્યા હતાં, પણ શરમજનક સ્થિતિમાં મૂકાયેલા ઓવૈસી અને અન્ય આયોજકોએ અમૂલ્યાને તેની વાત પૂરી કરવા દીધી ન હતી.

અમૂલ્યા પાસેથી માઇક છીનવવામાં અને તેને મંચ પરથી હઠાવવામાં તેમણે પોલીસને મદદ કરી હતી.

એ દરમિયાન આયોજકો અને ઓવૈસીના આવવા છતાં અમૂલ્યા તેની જગ્યાએ ઉભા-ઉભા 'હિંદુસ્તાન ઝિંદાબાદ'ના નારા પણ લગાવતી રહી હતી.

ધ ટેલિગ્રાફમાં પ્રકાશિત એક સમાચાર મુજબ યુવતીને અર્ધી નારાબાજીમાં જ દેશદ્રોહી ગણાવવામાં આવી રહી છે.

ધ ટેલિગ્રાફ લખે છે કે, ''યુવતીએ 3 વાર પાકિસ્તાન ઝિંદાબાદ કહ્યું અને મંચ પરના લોકો તેમજ પોલીસ આસપાસ આવી ત્યારે તેઓ 4 વખત હિંદુસ્તાન ઝિંદાબાદ બોલ્યાં.''

ત્યારબાદ તેઓ એવું બોલતાં સંભળાય છે કે ''પાકિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન ઝિંદાબાદમાં ફરક એ છે કે...''

ટેલિગ્રાફના અહેવાલ મુજબ તેમને અધૂરી વાતમાં જ દેશદ્રોહી ગણાવાઈ રહ્યાં છે.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ અમૂલ્યાએ એમના ફેસબુક પર 16 ફેબ્રુઆરીએ લખ્યું હતું કે, હિંદુસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન ઝિંદાબાદ, બાંગ્લાદેશ ઝિંદાબાદ, શ્રીલંકા ઝિંદાબાદ, નેપાળ ઝિંદાબાદ, ચીન ઝિંદાબાદ, અમેરિકા ઝિંદાબાદ...દેશ કોઈ પણ હોય બધા ઝિંદાબાદ.

બેંગલુરુની એક કોલેજમાં અભ્યાસ કરતાં અમૂલ્યા આ અગાઉ સીએએ-વિરોધી રેલીમાં કન્નડ ભાષામાં જોરદાર ભાષણ કરવાના કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં.

ફેસબુક પરના પોતાના પરિચયમાં અમૂલ્યાએ જણાવ્યું છે કે તેઓ કોપ્પાની રહેવાસી છે અને બેંગલુરુની એનએમકેઆરવી કોલેજ ફોર વિમેનમાં અભ્યાસ કરે છે.

અસદુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI

એ પછી ગુસ્સે થયેલા ઓવૈસીએ 'પાકિસ્તાન મુર્દાબાદ'ના નારા લગાવ્યા હતા અને ઉદારમતવાદીઓ(લિબરલ્સ)ની ઝાટકણી કાઢી હતી.

તેમણે કહ્યું હતું, "હું આ કથિત લિબરલ્સને જણાવી રહ્યો છું કે તમે તમારા શાહીનબાગ, બિલાલબાગ બનાવો. અમને કશું સમજાવો નહીં.

"તમે ખુદને કાબેલ ગણો છો અને અમને કાબેલ માનતા નથી. અમારે તમારા સંરક્ષણવાદી વલણની જરૂર નથી."

ઓવૈસીએ એમ પણ કહ્યું હતું, "આવા લોકોને રેલીમાં ન બોલાવવા હું આયોજકોને પણ જણાવું છું. હું મગરિબની નમાઝ પઢવા જઈ રહ્યો હતો ત્યારે આ મહિલાએ લગાવેલા નારા સાંભળ્યા હતા."

"મારાથી રહેવાયું નહીં અને હું દોડીને અહીં આવ્યો. એ મહિલા ન હોત તો મેં શું કહ્યું હોત."

"હવે બીજેપીને મોકો મળી જશે. કાલે તેઓ કહેશે કે ઓવૈસીની રેલીમાં નારા લગાવવામાં આવ્યા."

રેલીમાં અમૂલ્યાએ પાકિસ્તાન તરફી નારાઓ શા માટે લગાવ્યા હતા એ કોઈને સમજાયું નથી તે સ્પષ્ટ છે.

ઓવૈસીએ તે રેલીને સંબોધન કર્યું હતું અને તેમાં હાજર રહેલા મોટાભાગના લોકો મુસ્લિમ હતા.

સીએએ-વિરોધી રેલીમાં સામેલ થયેલા એક વિદ્યાર્થીએ તેનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "મંચ પરથી આવી વાત કરતાં પહેલાં, તેની અસર શું થશે તેનો વિચાર અમૂલ્યા નહીં કરે તેવી આશા અમને ન હતી."

"અમારા મતભેદ છે અને કેટલાક લોકોએ તેને આવેશમાં ન આવવા કહ્યું હતું, પણ એ કોઈની વાત સાંભળતી નથી."

પાકિસ્તાન તરફી નારાબાજી વિશેની સ્પષ્ટતા અમૂલ્યાએ તેના સોશિયલ મીડિયા પેજ પર કરી હતી.

ત્યાં તેણે "હિંદુસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાલ, અફઘાનિસ્તાન, ચીન અને ભૂતાન ઝિંદાબાદ" લખ્યું છે.

અમૂલ્યાએ પેજ પર એવું પણ લખ્યું છે, "હું કોઈ રાષ્ટ્ર માટે ઝિંદાબાદના નારા લગાવું છું એટલે એ દેશનો હિસ્સો બની જતી નથી. કાયદા મુજબ હું ભારતીય નાગરિક છું."

"મારા દેશનો આદર કરવો અને દેશના લોકો માટે કામ કરવું એ મારી ફરજ છે. હું એ કરીશ."

"આરએસએસવાળા લોકો શું કરશે એ આપણે જોવું જોઈએ. સંઘી લોકો પરેશાન થઈ જશે. તમે કમેન્ટ્સ કરતા રહેજો. મારે જે કહેવું છે એ હું કહીશ."

બીજેપીના નેતાઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

અમૂલ્યાએ નારાબાજી કરી એ પછી તેની પાસેથી માઈક છીનવતા આયોજકો

આ ઘટના પછી તરત જ બીજેપીએ પ્રતિભાવ આપ્યો હતો. બીજેપીના રાષ્ટ્રીય આયોજન સચિવ બી એલ સંતોષ, ભૂતપૂર્વ પ્રધાન અનંત હેગડે, સંસદસભ્ય શોભા કરંદજલે અને કર્ણાટકના પ્રધાન સીટી રવિથી માંડીને બીજેપી સાથે જોડાયેલા તમામ સંગઠનોએ સીએએ-વિરોધી પ્રદર્શન કરતા લોકો સામે ઢગલાબંધ નિવેદન કર્યાં હતાં.

તેમના પૈકીના ઘણાએ પ્રદર્શનકર્તાઓને દેશદ્રોહી ગણાવ્યા હતા અને કેટલાકે જણાવ્યું હતું કે આ કૃત્ય પાકિસ્તાનના ટેકેદારો દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ છે.

બી એલ સંતોષે એક ટ્વીટમાં જણાવ્યું હતું, "સીએએ-વિરોધી પ્રદર્શનનું પાગલપણું જુઓ. બેંગલુરુમાં એક ડાબેરી એક્ટિવિસ્ટ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવી રહી છે. અસામાજિક તત્વોએ વિરોધપ્રદર્શન કબજે કરી લીધું છે. 'બસ બહુ થયું' એવું કહેવાનો સમય હવે આવી ગયો છે."

સંસદસભ્ય શોભા કરંદજલેએ એક ટ્વીટમાં જણાવ્યું હતું, "કથિત સ્ટુડન્ટ એક્ટિવિસ્ટનો છૂપો ઍજન્ડા જાહેર થઈ ગયો છે."

"રાષ્ટ્રવાદી મહેશ વિક્રમ હેગડે સાથે જેણે મેંગલુરુ એરપોર્ટ પર ગેરવર્તન કર્યું હતું એ અમૂલ્યા લિયોનાને સીએએ-વિરોધી રેલીમાં 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવા બદલ પકડવામાં આવી છે. આ પ્રદર્શન સીએએ વિરોધી નહીં, પણ પાકિસ્તાનના ટેકેદારોનું દેશમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું છે."

શોભા જે મહેશ વિક્રમની વાત કરી રહ્યાં છે તેઓ 'પોસ્ટકાર્ડ કન્નડ'ના તંત્રી છે. મેંગલુરુ એરપોર્ટ પર ત્રણ મહિલાઓએ વિક્રમને 'વંદે માતરમ' સંભળાવવા કહ્યું હતું. એ ત્રણ મહિલાઓમાં અમૂલ્યાનો સમાવેશ થતો હતો.

નારાબાજીની સીએએ-વિરોધી પ્રદર્શન પર શું અસર થશે?

જૈન યુનિવર્સિટીના ડેપ્યુટી વાઇસ ચાન્સલર પ્રો. સંદીપ શાસ્ત્રીએ કહ્યું હતું, "આ છૂટીછવાઈ નારાબાજી છે એવું માનવાનું મને ગમશે, પણ થાય છે શું કે આવો છૂટીછવાઈ નારાબાજી ઘ્રુવીકરણનું કેન્દ્ર બની જાય છે."

"આપણે આવું જોઈ ચૂક્યા છીએ. તેને કારણે ધ્યાન મુખ્ય મુદ્દાને બદલે બીજી બાબતો પર કેન્દ્રીત થઈ જાય છે. મુખ્ય મુદ્દા બહુ સંવેદનશીલ છે. સાચું હોય કે ખોટું, પણ અત્યારે ચર્ચા પર ધ્યાન કેન્દ્રીત કરી રાખવું જરૂરી છે. અસામાજિક તત્વોએ આવી નારાબાજી કરી હોય એવું અનેક આંદોલનોમાં થયું છે. એવી નારાબાજી થાય કે તરત જ સીએએ-વિરોધી પ્રદર્શનને દેશદ્રોહી કે પાકિસ્તાન સમર્થક ગણાવી દેવામાં આવે છે."

પ્રોફેસર શાસ્ત્રીએ ઉમેર્યું હતું, "હું આવી નારાબાજીની નિંદા કરું છું, પણ એ નારા તમામ વિરોધપ્રદર્શનકર્તાઓનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેથી તેના પર ધ્યાન આપવું ન જોઈએ."

આ ઘટનાથી વિરોધ પ્રદર્શન પર માઠી અસર થશે કે કેમ એવા સવાલના જવાબામં પ્રો. શાસ્ત્રીએ કહ્યું હતું, "એવું નહીં થાય તેવી મને આશા છે, પણ ધ્રુવીકરણને ધ્યાનમાં લેતાં આંદોલનને નબળું પાડવાના પ્રયાસ થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો