નરેન્દ્ર મોદી દૂરંદેશી ધરાવનાર જિનિયસ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરૂણ મિશ્રા TOP NEWS

નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'દૂરદર્શી તથા જિનિયસ' ગણાવ્યા છે.

જસ્ટિસ મિશ્રાએ 1500 જેટલા જૂના કાયદા ખતમ કરવા બદલ વડા પ્રધાન તથા કાયદામંત્રી રવિશંકર પ્રસાદની પ્રશંસા કરી હતી.

આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલન 2020ને સંબોધિત કરતી વખતે જસ્ટિસ મિશ્રાએ કહ્યું :

"અમારી સૌથી મોટી ચિંતા નાગરિકોને ગરિમાપૂર્ણ જીવન આપવાની છે. અમે બહુમુખી પ્રતિભાવાન નરેન્દ્ર મોદીના આભારી છીએ, જેઓ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે, પરંતુ સ્થાનિ કસ્થિતિ મુજબ કામ કરે છે."

"ભારતનું નેતૃત્વ કરનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્ય છે."

જસ્ટિસ મિશ્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દૂરંદેશી ધરાવનાર વ્યક્તિ કહ્યા અને ભારતીય ન્યાયતંત્રની જરૂરિયાતો વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું, "આપણે 21મી સદીમાં છીએ. આપણે વર્તમાન જ નહીં, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખીને આધુનિક માળખું તૈયાર કરવાની જરૂર છે."

"ન્યાયતંત્રએ લોકશાહીની કરોડરજ્જૂ હોય છે, એટલે તેને મજબૂત કરવું એ આજના સમયની જરૂરિયાત છે."

જસ્ટિસ મિશ્રાએ વૈશ્વિકરણનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે "લોકોમાં પાછળ રહી જવાનો અને વૈશ્વિકરણના લાભથી વંચિત રહી જવાનો ભય વધી રહ્યો છે."

"આ ચિંતા કોરોના વાઇરસ જેટલી ખતરનાક બની જાય તે પહેલાં આપણે તેની ઉપર ધ્યાન આપવાની જરૂર છે."

'CAA-NPR મહારાષ્ટ્રમાં લાગુ થશે'

ઇમેજ સ્રોત, Twitter/@OfficeofUT

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં CAA અને NPR લાગુ કરવાની વાત કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મહારાષ્ટ્રના મુદ્દાઓ અંગે મારી ચર્ચા વડા પ્રધાન સાથે થઈ. મેં તેમની સાથે CAA, NRC અને NPR મુદ્દે પણ તેમની સાથે ચર્ચા કરી. કોઈએ CAAથી ડરવાની જરૂર નથી. NPR કોઈને દેશની બહાર કાઢવા માટે નથી."

ગૃહમંત્રી અમિત શાહે NRC લાગુ કરવાની વાત કરી ત્યારબાદ પીએમ મોદીએ એ વાત ફગાવી હતી.

વડા પ્રધાને કહ્યું હતું તેમની સરકારે આખા દેશમાં NRC લાગુ કરવા માટે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને NRC લાગુ કરવાની વાત માત્ર આસામ સુધી જ છે.

મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે અને ઉદ્ઘવ ઠાકરેનું આ નિવેદન અનેક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રભારી મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આવો કોઈ નિર્ણય તેઓ એકલા ન લઈ શકે.

ટ્રમ્પ વડા પ્રધાન મોદી સાથે CAA-NRC મામલે ચર્ચા કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ CAA અને NRC મામલે અમેરિકાની ચિંતા વ્યક્ત કરી શકે છે.

ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે શુક્રવારે વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી.

વધુ માહિતી પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવા અને બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાને પ્રોત્સાહન આપી શકે છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્ને દેશોને શાંતિ જાળવવા અને LOC પર સ્થિરતા જાળવી રાખવા કહેશે. આ સાથે જ બન્ને દેશોને સલાહ આપી શકે છે કે તે એવી વાતો અને પ્રતિક્રિયાઓ આપવાથી બચે, જેનાથી બન્ને દેશો વચ્ચે તણાવ વધી શકે."

વરિષ્ઠ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ ધાર્મિક સ્વતંત્રતા જેવા મહત્ત્વના મુદ્દે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી શકે છે."

FATFની ગ્રે લિસ્ટમાં હજુ 4 મહિના રહેશે પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

મની લૉન્ડ્રિંગ અને ટેરર ફંડિંગ પર કાર્યવાહી કરતા આંતરરાષ્ટ્રીય સંગઠન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFએ પાકિસ્તાનને જુન 2020 સુધી ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખવા નિર્ણય લીધો છે.

ભારત અને તેના સમર્થકોનો પ્રયાસ હતો કે પાકિસ્તાનને FATFની બ્લૅક લિસ્ટમાં મૂકવામાં આવે. પેરિસમાં યોજાનારી FATFની બેઠકમાં ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન ઉગ્રવાદને રોકવા અને તેને મળતી આર્થિક મદદને રોકવામાં કોઈ ગંભીર પ્રયાસ કરી શક્યું નથી.

પાકિસ્તાનનો પ્રયાસ હતો કે તેને ગ્રે લિસ્ટમાંથી કાઢવામાં આવે પરંતુ પાકિસ્તાનનો આ પ્રયાસ હાલ સફળ થઈ શક્યો નથી.

પરંતુ ચીન, તુર્કી અને મલેશિયા સહિત પાકિસ્તાનના સમર્થક દેશોનું કહેવું હતું કે પાકિસ્તાન પોતાના મર્યાદિત સંસાધનોથી જેટલા પગલાં ઉઠાવે છે તેનાથી સ્પષ્ટ છે કે પાકિસ્તાન ટેરર ફંડિગને રોકવા માટે કડક કાર્યવાહી કરી રહ્યું છે.

પાકિસ્તાનના લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાના પૂર્વ પ્રમુખ હાફિઝ સઈદને હાલ જ સંભળાવવામાં આવેલી સજાનું ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો