સોનભદ્રમાં સોનું : ખોદ્યો પહાડ ને નીકળ્યો ઉંદર, હજારો ટન સોનું હોવાનો દાવો કેન્દ્ર સરકારે ફગાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારની સંસ્થા જીઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે એણે સોનભદ્રમાં 3350 ટન સોનું હોવાનું કોઈ અનુમાન નથી લગાવ્યું અને મીડિયામાં ચાલી રહેલી ખબરોની તે પુષ્ટિ નથી કરતા.

જિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ શનિવારે એક નિવેદન પ્રકાશિત કરીને કહ્યું કે એણે સોનભદ્રમાં સોનું શોધવા માટે અનેક વાર ખનન કર્યું પરંતુ કોઈ પ્રોત્સાહક પરિણામ નથી મળ્યું.

આ અગાઉ ઉત્તર પ્રદેશના ખનિજ વિભાગે કહ્યું હતું કે રાજ્યમાં હજારો ટન સોનું હોવાની સંભાવના છે અને આને ધ્યાને લઈને રાજ્ય સરકારે હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે.

જોકે, જિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ આપેલા નિવેદનથી ઉત્તર પ્રદેશ ખનિજ વિભાગના દાવા પર સવાલ થઈ રહ્યો છે.

શું કહ્યું જિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ

ઇમેજ સ્રોત, GSI

ઇમેજ કૅપ્શન,

જેએસઆઈની અખબારી યાદી

જિઓલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જેએસઆઈએ 1998-99 અને 1999-2000માં સોનભદ્રમાં ખનન કર્યું હતું અને તેનો અહેવાલ ઉત્તર પ્રદેશના ડાયરેક્ટર જનરલ ઑફ માઇનિંગને આપ્યો હતો.

જેએસઆઈએ કહ્યું કે એ અહેવાલ મુજબ સોનભદ્રમાં જે ખનિજસંપદા છે તેમાંથી 160 કિલોગ્રામ જેટલું સોનું નીકળી શકે છે નહીં કે 3350 ટન.

પરંતુ ઉત્તર પ્રદેશમાં ખનન વિભાગના પ્રમુખ રોશન જૈકબે કહ્યું હતું કે સોનપહાડીમાં અમને 2940 ટન સોનું મળ્યું છે અને હર્દી પહાડીમાં 646 કિલોગ્રામ સોનું હોવાની માહિતી મળી છે.

સમાચાર સંસ્થા રૉયટર્સ મુજબ જૈકબ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ ખોદકામ કરીને આ તારણ પર પહોંચ્યા હતા.

બીબીસી ગુજરાતી માટે સમીરાત્મજ મિશ્રએ કરેલા અહેવાલમાં પણ ખનન અધિકારી કેકે રાયે સોનું હોવાની અને હરાજી શરૂ થવાની વાતની પુષ્ટિ કરી હતી.

બીબીસી ગુજરાતીના એ અહેવાલમાં સોનભદ્રના જિલ્લા અધિકારી એન. રામલિંગમે કહ્યું હતું કે ''જે પહાડીમાં સોનું મળ્યું છે તેનું ક્ષેત્રફળ આશરે 108 હૅકટર છે. સોન પહાડીઓમાં તમામ ખનિજ સંપદા હોવાને કારણે પાછલા 15 દિવસથી સતત આ વિસ્તારમાં હૅલિકૉપ્ટર સર્વેક્ષણ કરાઈ રહ્યું છે.''

સોનભદ્રના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે કહ્યું હતું કે ''સોનભદ્ર ઉપરાંત ભારત સરકાર મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં, ઉત્તર પ્રદેશના બલરામ અને ઝારખંડના ગઢવા જિલ્લાના અમુક ભૂભાગોમાં પણ આવું સર્વેક્ષણ થઈ રહ્યું છે.''

જોકે, હવે જેએસઆઈની અખબારી યાદી પછી આ વાત પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ સ્થિતિ દેખાઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો