Donald Trump India Visit : નમસ્તે ટ્રમ્પ : VVIP બંદોબસ્તની ગુજરાત પોલીસ પર શું અસર પડે છે?
- ભાર્ગવ પરીખ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, PTI
"મારા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. ઘરે મા બીમાર છે અને મારી બહેનનાં આ અઠવાડિયે લગ્ન છે અને હું અત્યારે અહીં ટ્રમ્પના સુરક્ષા બંદોબસ્તમાં વ્યસ્ત છું. ન ખાવાનું ઠેકાણું છે, ન રહેવાનું...ઉપરથી બેનની સાસરીવાળાના લગ્નની તૈયારીને લઈને ફોન આવે છે કે કેવો વહેવાર કરવાનો...અમારા અધિકારીઓ મિટિંગ લેતા હોય...કોઈ કામમાં ધ્યાન અપાતું નથી એટલે હું ચીડિયો થઈ ગયો છું."
આ શબ્દો છે ઉત્તર ગુજરાતથી ટ્રમ્પની સુરક્ષા માટે અમદાવાદ આવેલા પોલીસ કૉન્સ્ટેબલ મોહન દેસાઈના. [નામ બદલ્યું છે]
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદની મુલાકાત લીધી અને તેમના સ્વાગત-સુરક્ષાની તડામાર તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી હતી.
વી.વી.આઈ.પી. મુલાકાતને પગલે બંદોબસ્તમાં અલગ-અલગ સુરક્ષાસંસ્થાઓના 25,000 સુરક્ષાકર્મી લાગ્યા હતા.
અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ રવિવારની પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું, "સુરક્ષા બંદોબસ્તમાં 33 ડી.સી.પી. 75 એ.સી.પી. 300 પી.આઈ. 1000 પી.એસ.આઈ. 12,000 પોલીસ કૉન્સ્ટેબલો તહેનાત રહેશે."
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અને ડોનાલ્ડ ટ્રમ્પની વ્યક્તિગત સુરક્ષાવ્યવસ્થા પણ હતી.
ગુજરાત પોલીસવડા શિવાનંદ ઝાએ બી.બી.સી. ગુજરાતીને કહ્યું કે "અન્ય જિલ્લાઓમાંથી બોલાવાયેલી તમામ પોલીસની રહેવાની અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે."
જોકે, આ વ્યવસ્થા ઉપરાંત એક સવાલ એ પણ છે કે આવા મોટા વી.વી.આઈ.પી. બંદોબસ્તની પોલીસ પર શું અસર પડે છે?
આગળ જેમની વાત કરી તે મોહનભાઈ ચાર વર્ષથી કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. બહેનનાં આવતા અઠવાડિયે લગ્ન છે. એમણે મહિના અગાઉ રજા માગી હતી અને ઉપરી અધિકારીએ મૌખિક ખાતરી પણ આપી હતી, પણ અમેરિકાના પ્રમુખની મુલાકાત નક્કી થઈ એટલે રજા રદ થઈ અને એમને અમદાવાદ આવવું પડ્યું.
મોહનભાઈ કહે છે કે "બહેનનાં લગ્ન માટે ઘરેણાં, કપડાં તમામ ખરીદી કરવાની હતી. ઘરમાં હું સૌથી મોટો છું એટલે બધી વ્યવસ્થા મારે કરવાની હોય, પણ હવે બધુ મારા દોસ્તો કરી રહ્યા છે."
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી અનેક મહાનુભાવોએ ગુજરાતની મુલાકાત લીધી છે અને ગુજરાત પોલીસ માટે રૂટિન કાયદો-વ્યવસ્થા ઉપરાંત આંદોલનો અને આવી વી.આઈ.પી. મુલાકાતોનો બંદોબસ્ત વધતો જાય છે.
'પ્રસંગમાં કોઈ નહીં આવે તો?'
દુનિયાની મહાસત્તાના પ્રમુખ આવે છે એટલે ઉમળકો અને રાજદ્વારી સંબંધો તો સ્વાભાવિક છે, પરંતુ આ સંજોગોમાં પોલીસ પર કેટલું પ્રેશર છે તે અંગે મોહનભાઈ વાત કરે છે.
તેઓ કહે છે, "વેવાઈપક્ષ તરફથી કોઈ ફોન આવે તો મારે ઉપાડવો પડે અને સામે અધિકારી હોય તો એ ખખડાવે, ન ઉપાડીએ તો વેવાઈપક્ષને ખરાબ લાગે."
"આને કારણે ઘરમાં પણ ઝગડો થાય છે. આથી હું દિવસ દરમિયાન ફોન બંધ રાખું છું."
"આ બધા પ્રેશરમાં હું કારણ વગર હું મારી બેન પર, સગાંઓ પર કે દોસ્તો પર અકળાઈ જાઉ છું અને પછી પસ્તાવો થાય છે કે કોઈ લગ્નપ્રસંગમાં હાજર નહીં હોય તો શું કરીશ?"
'કુદરતી હાજત જવાનો પણ વિચાર કરવો પડે'
ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ગુજરાત પોલીસની પ્રતીકાત્મક તસવીર
ગુજરાત પોલીસની પરિસ્થિતિની વાત કરતા ભૂતપૂર્વ આઈ.પી.એસ. અધિકારી આર. જે. સવાણીએ બી.બી.સી. ગુજરાતીને કહ્યું કે, પોલીસવિભાગના મોટા અધિકારીઓ કરતાં નાના કર્મચારીઓને આવા વીઆઈપી બંદોબસ્તમાં ઘણી મુશ્કેલીઓ પડે છે.
"જ્યારે આવા બંદોબસ્ત હોય, ત્યારે નાનો કર્મચારી ડ્યૂટીની જગ્યા છોડી શકતો નથી. આવા સમયે કુદરતી ક્રિયા કરવાની હોય, તો પણ એ પોતાનું સ્થાન છોડીને ક્યાંય જઈ શકતો નથી."
આર. જે. સવાણી કહે છે કે "આવા વી.આઈ.પી. બંદોબસ્ત વખતે ઉપરી અધિકારીઓના ટૅન્શનનો ભોગ નાનો કર્મચારી બને છે. ઘણી વાર નાના કર્મચારીઓ પોતાની તકલીફ ઉપરી અધિકારીને કહી શકતા નથી અને તેથી તેઓ માનસિક તાણનો ભોગ બને છે."
ઉલ્લેખનીય છે કે 2019માં ગુજરાતમાં પોલીસ સાથે સંબધિત બે ઘટનાઓ ચર્ચામાં આવી હતી. ભાવનગરના એક પોલીસ કૉન્સ્ટેબલે અકળ કારણોસર ત્રણ બાળકોની હત્યા કરી હતી તો કેવડિયામાં વડા પ્રધાનના કાર્યક્રમમાં બંદોબસ્તમાં મૂકાયેલા પી.એસ.આઈ.એ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી હતી.
વડોદરામાં ઉચ્ચ પોલીસ અદિકારીનાં પત્નીના કથિત ત્રાસ સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ થઈ હતી.
'ખાસ બસ બનાવો'
સવાણી કહે છે, "તણાવ અને ગુસ્સો સાથી કર્મચારીઓ કે પરિવારના સભ્યો પર ઉતરે છે અને ક્યારેક તે દબાવી રાખ્યો હોય, તો પબ્લિક સાથેનાં વ્યવહારમાં પણ દેખાય છે."
તેઓ માને છે, "તામિલનાડુ પોલીસની જેમ ગુજરાત પોલીસે પોલીસકર્મીઓની મદદ માટે ખાસ બસ બનાવવી જોઈએ, જેથી એમની નહાવા-ધોવાની અને કુદરતી ક્રિયાઓ સામાન્ય થઈ શકે."
પોલીસ હૉસ્પિટલમાં મનોચિકિત્સક ડૉક્ટર એ. બી. ભાટિયા પણ આર. જે. સવાણીની વાતને સમર્થન આપે છે.
એ. બી. ભાટિયાએ બી.બી.સી. ગુજરાતીને કહ્યું કે, "પોલીસના સ્ટ્રેસ લેવલના કોઈ ચોક્કસ આંકડા અમારી પાસે નથી, પરંતુ મારી પાસે ઘણાં કેસ આવે છે."
"મારી પાસે આવતા કર્મચારીઓ કૉન્સ્ટેબલથી લઈને એ.એસ.આઈ. સુધીના હોય છે. મોટા અધિકારીઓ પોલીસ હૉસ્પિટલમાં સારવાર માટે આવતા નથી."
ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ટ્રમ્પના આગમન પૂર્વે તૈયારી કરી રહેલી મહિલા પોલીસ
તો શું આવા વી.વી.આઈ.પી.ની મુલાકાતોની પોલીસના મનોસ્થતિ પર કોઈ અસર પડે છે? એ સવાલના જવાબમાં ડૉક્ટર ભાટિયા કહે છે, "વીવીઆઈપી મુલાકાત હોય અને લાંબા સમયથી વગર રજાએ નોકરી ચાલુ હોય એવા કેસો આવતા હોય છે."
"એવા કેસોમાં માનસિક તણાવ અને ઍડજસ્ટમેન્ટ ડિસઑર્ડરનો પોલીસકર્મી સામનો કરતો હોય છે. વળી, આ સ્થિતિમાં ઘરમાં કોઈ પ્રસંગ હોય કે અંગત સમસ્યાઓ હોય અને રજાઓ રદ કરવી પડે તો તાણ વધે જ છે."
ડૉક્ટર ભાટિયા કહે છે કે, "પોલીસકર્મીઓમાં વધુ કલાક કામ અને અપૂરતા આરામને લીધે સ્લિપ ડિસટર્બન્સની સમસ્યા વધારે જોવા મળે છે અને તેને લીધે તેઓ ચીડિયા થઈ જાય છે.""વળી અનિયમિત અને અયોગ્ય ખોરાકને કારણે ઍસિડિટી તથા અપચાનો પણ સવાલ ઊભો થાય છે, જેની અસર એમના કામ ઉપર પણ પડે છે અને પત્ની-બાળકો સાથે પણ એમનું વર્તન તણાવપૂર્ણ જોવા મળે છે."
'આ ફક્ત પ્રોફેશનલ હેઝાર્ડ'
ઇમેજ સ્રોત, PTI
ભૂતપૂર્વ આઈ. પી. એસ. અધિકારી રાહુલ શર્માએ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "વિદેશી મહેમાનોની આવી મુલાકાતો એક પ્રકારે નાણાકીય વેડફાટ છે. કોઈ દેશના નેતા માટે રોડ શો કરવાથી પ્રજાને તેનો કોઈ ફાયદો થતો નથી."
શર્મા કહે છે કે "એસ.આર.પી. (સ્ટેટ રિઝર્વ પોલીસ) તથા અન્ય બટાલિયનને રહેવાની સગવડ મળે છે, પણ અન્ય જિલ્લામાંથી ખડકી દેવાતી પોલીસને આવી સુવિધા કાં તો મળતી નથી અથવા તો અપૂરતી હોય છે. મોટા અધિકારીઓ હોટલમાં રહી શકે છે, પણ નાના કર્મચારીઓ માટે રોકાવાથી માંડીને ન્હાવા-ધોવાની અનેક સમસ્યા હોય છે."
આવા મોટા બંદોબસ્તની અસરો કેટલી વ્યાપક એ સવાલના જવાબમાં રાહુલ શર્મા કહે છે:
"સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તેને લઈને અન્ય જિલ્લાની પોલીસ કાર્યક્રમના સ્થળે ખડકી દેવાય છે એને લીધે ત્યાંની પોલીસની સંખ્યા ઘટી જાય છે અને એ સંજોગોમાં ત્યાંના પોલીસકર્મીઓ પર કામનું ભારણ વધે છે."
"તેમને વધારે સમય કામ કરવું પડે છે અને તેના લીધે એમનું સ્ટ્રેસ પણ વધે છે. આમ, આવા વી.આઈ.પી. બંદોબસ્ત સમગ્ર રીતે અસર કરે છે. ફક્ત વી.આઈ.પી. બંદોબસ્તમાં રોકાયેલા પોલીસનું જ સ્ટ્રેસ નથી વધતું પણ બીજા જિલ્લાની પોલીસનું સ્ટ્રેસનું પણ વધે છે."
જોકે, નિવૃત આઈપીએસ બી. એસ. જેબલિયા રાહુલ શર્માની વાત સાથે પૂર્ણપણે સહમત નથી.
બી.બી.સી. ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "આવા વીઆઈપી બંદોબસ્તને લીધે પોલીસનું સ્ટ્રેસનું લેવલ વધી જાય છે એ વાત આંશિક સાચી છે, પણ આ એક પ્રોફેશનલ હેઝાર્ડ છે. આવો જ હેઝાર્ડ અન્ય સેવાઓમાં પણ અલગ-અલગ રીતે હોય જ છે."
જેબલિયા કહે છે કે, "દરેક પોલીસ અધિકારીને એનાથી નીચલા કર્મચારીને રજા આપવાની, હોમગાર્ડનું વધારાનું ડિપ્લોયમેન્ટ કરવાની સત્તા હોય છે, પણ ઘણાં એ કરતાં નથી. આ ઉપરાંત ખોરાક-રહેઠાણની સગવડ પણ નિયમાનુસાર કરવામાં આવતી જ હોય છે."
જેબલિયા માને છે કે, "મોટા કાર્યક્રમોમાં આવી સમસ્યા એ એક પ્રોફેશનલ હેઝાર્ડ છે અને કોઈ ગંભીર બાબત નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો