ટ્રમ્પની ભારત મુલાકાત : વેપારકરાર થશે કે નહીં?

  • નિધિ રાય,
  • બીબીસી બિઝનેસ રિપોર્ટર, મુંબઈ
ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત મુલાકાતે આવ્યા છે, તેમના આગમન વખતે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો.

રાજકીય અને વેપારને લગતી બાબતોને કારણે ભારતે વિશ્વના સૌથી શક્તિશાળી નેતાનું સ્વાગત કર્યું.

બંને દેશો વચ્ચેના વેપાર માટે આ મુલાકાત અગત્યની સાબિત થશે તેવી ચર્ચા જાગી હતી.

બંને દેશો વચ્ચે 10 અબજ ડૉલર (70,000 કરોડ રૂપિયા)ની મિનિ ટ્રૅડ-ડિલ થશે તેવી શક્યતા વ્યક્ત થઈ હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્રકારો સાથેની વાતચીતમાં જ જણાવી દીધું કે તેઓ 'મોટો વેપારી કરાર' ભવિષ્યમાં કરવા માગે છે.

કરાર આગામી ચૂંટણી પહેલાં કરવો કે ચૂંટણી પછી એ માટે અમેરિકા વિચારી રહ્યું છે.

અમેરિકાના ટ્રૅડ-રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઇટિઝરે ભારતની પોતાની મુલાકાત રદ પણ કરી દીધી છે, કેમ કે બંને દેશો વચ્ચે હજી કેટલીક બાબતોનો ઉકેલ આવ્યો નથી.

"ઇન્ડિયા અમારી સાથે બરાબર વ્યવહાર કરતું નથી, પણ મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણા પસંદ છે," એમ ટ્રમ્પે ઉમેર્યું હતું.

છેલ્લાં ત્રણ વર્ષથી વેપારની બાબતમાં ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત અને ખેંચતાણ ચાલતી રહી છે.

ભારત-અમેરિકા વચ્ચે વેપારી બાબતમાં વિખવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ચીન પછી અમેરિકા ભારતનું બીજું સૌથી મોટું વેપાર-પાર્ટનર છે.

2018માં બંને દેશો વચ્ચેનાં ઉત્પાદનો અને સર્વિસીઝનો વેપાર $142.6 અબજ ડૉલર સુધી પહોંચ્યો હતો.

2019માં ભારત સાથે ઉત્પાદનોના વેપારમાં અમેરિકાની વેપારી ખાધ $23.2 અબજ હતી.

ઉત્પાદનોના વેપારમાં ભારત અમેરિકાનો નવમો સૌથી મોટો વેપાર-પાર્ટનર છે.

છેલ્લાં ત્રણ વર્ષમાં બંને દેશો વચ્ચે વેપારની બાબતમાં વિખવાદ વધતો રહ્યો છે.

ભારત સાથેના વેપારમાં અમેરિકાની ખાધ ઘટવા લાગી છે. ચીન સાથેના વેપારમાં છે તેના કરતાં માત્ર દસમા ભાગની જ ખાધ રહી ગઈ હોવા છતાં અમેરિકાને સંતોષ નથી.

ભારત અને અમેરિકા વચ્ચે 'વેપાર યુદ્ધ'ની શરૂઆત સ્ટીલ પરની આયાતજકાતમાં વધારા સાથે થઈ હતી, ભારતથી આવતા સ્ટીલ પર 25% અને ઍલ્યુમિનિયમ પર 10% જકાત લગાવી દેવાઈ હતી.

તેનો અમલ થાય તે દરમિયાન ભારત તરફથી વારંવાર અમેરિકાને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવાયું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિએ તે વખતે જાહેરમાં ભારતની ટીકા કરી હતી કે તે ''ટેરિફ કિંગ ઑફ ધ વર્લ્ડ' છે.

અમેરિકાએ નિર્ણય ન બદલ્યો ત્યારે ભારતે વળતાં પગલાં તરીકે અમેરિકાથી આયાત થતી 28 જેટલી વસ્તુઓ પર આયાતજકાત વધારી દીધી હતી.

16 જૂન, 2019ના રોજ ભારતે જકાત લગાવી તે પછી અમેરિકાએ તેની સામે વર્લ્ડ ટ્રૅડ ઑર્ગેઝાઇનેશનમાં ફરિયાદ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

બંને દેશો વચ્ચે વેપારમંત્રણાઓ અટકી પડી તે પછી અમેરિકાએ એવો પણ વિચાર કર્યો હતો કે ભારતીયોને આપવામાં આવતા H1-B વિઝાનો ક્વૉટા 15 ટકા ઘટાડી દેવો.

ઈ-કૉમર્સની બાબતમાં નારાજગી દર્શાવવા માટે અમેરિકા આવું કરવા માગતું હતું. સાથે જ ભારતના ટેરિફ બૅરિયર સામે સૅક્શન 301 હેઠળ તપાસ કરાવવાની ચેતવણી પણ આપી હતી.

13 નવેમ્બર, 2019ના રોજ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકાના ટ્રૅડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઇટિઝર વચ્ચે વેપાર કરાર માટે મંત્રણાઓ શરૂ થઈ હતી.

નવેમ્બરના અંતે અમેરિકાથી એક સમિતિ વેપારકરારની વિગતોની ચર્ચા કરવા માટે ભારતની મુલાકાતે પણ આવી હતી.

જોકે અત્યારે હવે લાઇટિઝર પ્રમુખની સાથે ભારત આવી રહ્યા નથી. આ મહિનાના શરૂઆતમાં તેઓ ભારત આવવાના હતા, પણ તે પ્રવાસ પણ તેમણે રદ કરી દીધો હતો.

તે વખતે ભારતે કેટલીક નવી દરખાસ્તો કરી હતી અને અમેરિકામાંથી ડેરી અને પૉલ્ટ્રીઉત્પાદનો આયાત કરવા માટે છૂટછાટ આપવાની તૈયારી દાખવી હતી.

આવી બધી બાબતોને કારણે બંને દેશો વચ્ચે વેપાર કરાર કરવો મુશ્કેલ બની રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતની જાહેરાત પહેલાં જ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને મળતા પ્રેફરન્સ દૂર કરવાનું પગલું લીધું છે.

અમેરિકા ઉદ્યોગોને નુકસાન થાય છે કે કેમ અને અયોગ્ય રીતે નિકાસ માટેની સબસિડી આપવામાં આવે છે કે કેમ તે માટેની તપાસ ના થાય તે માટે વિકાસશીલ દેશોની યાદી હતી.

તે યાદીમાંથી 12 દેશો દૂર કરાયા, તેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.

જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (GSP) હેઠળ ભારતને નિકાસમાં લાભ મળતો હતો તે આનાથી બંધ થઈ ગયો. ભારતનો વિશ્વવેપારમાં 0.5 ટકા કરતાં વધારે ફાળો છે અને તે G20 સંગઠનનું સભ્ય છે તેથી અમેરિકાએ આ પગલું લીધું હતું.

ભારત માટે GSPનો લાભ મળે તે જરૂરી છે, કેમ કે તેના કારણે ભારતની કેટલીક વસ્તુઓ અમેરિકામાં ડ્યુટી-ફ્રી નિકાસ કરી શકાય છે.

અમેરિકાના ડેરી અને મેડિકલ સાધનોના ઉત્પાદકોએ ફરિયાદ કરી કે ભારતની આયાતજકાત તેમને નડે છે, તે પછી અમેરિકાએ 5 જૂન 2019થી GPS હેઠળ ભારતના ઉત્પાદનોને મળતા લાભો બંધ કરી દીધા.

આ રીતે બંને દેશો તરફથી લેવાયેલાં પગલાંને કારણે વેપાર મામલે વિખવાદ વધ્યો છે એમ કેન્દ્રના પૂર્વ વેપાર અને ઉદ્યોગ મામલાના સચિવ અજય દુવાએ બીબીસીને જણાવ્યું હતું.

"ટ્રમ્પે આયાત જકાત વધારી તેથી મિકૅનિકલ અને ઇલેક્ટ્રિકલ મશીનરી, કેમિકલ, સ્ટીલ અને ઑટો પાર્ટ્સમાં ભારત અમેરિકાની બજારમાં સ્પર્ધા કરી શકે તેમ નથી."

"ભારતે વળતી જકાત નાખી તેના કારણે અમેરિકાથી આવતા ફળો અને સૂકોમેવોના વેપારને અસર થઈ છે."

કેલિફોર્નિયાથી આવતી બદામ અને અખરોટ અને વૉશિંગ્ટનથી આવતાં સફરજનને સૌથી વધુ અસર થઈ છે," એવું યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના સીઈઓ ડૉ. મુકેશ આગીએ બીબીસીને જણાવ્યું હતું.

ભારતની માગણી શું છે?

ભારત ઇચ્છે છે કે GSP હેઠળ મળતી રાહતો ફરી મળતી થાય અને H-1B વિઝા માટેના નિયમો હળવા કરવામાં આવે.

તેની સામે અમેરિકા ઇચ્છે છે કે ભારતે પોતાના ડેરીઉત્પાદનો માટે બજાર ખોલવું જોઈએ. મેડિકલ સાધનો અને હાર્લી ડેવિડસન જેવી બાઇક્સ પરની જકાત પણ ઘટાડવામાં આવે એવું અમેરિકા ઇચ્છે છે.

ડૉ. આગી કહે છે, "ભવિષ્યના વેપારકરાર માટે અત્યારે આંશિક વેપારસંધિ પણ ઉપયોગી થઈ શકે છે. તેના કારણે એક પાયો નંખાશે અને ઉદ્યોગોની દૃષ્ટિએ સમગ્ર રીતે દ્વિપક્ષી સંબંધો તેનાથી આગળ વધશે."

"બંને દેશો પોતાની બજારોના રક્ષણ માટે જકાત નાખે તે પરવડે તેવું નથી. તેના કારણે અત્યાર સુધીમાં આપણે જે કંઈ હાંસલ કરી શક્યા છીએ તેમાં પણ પીછેહઠ થશે."

વેપારકરાર શા માટે મુશ્કેલ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ

એકથી વધુ બાબતોમાં બંને દેશો વચ્ચે મતભેદો છે.

"હાર્લી ડેવિડસન બાઇક, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટીએ ઉત્પાદનો પર વધેલી જકાતથી તથા મેડિકલ સાધનોના ભાવ બાંધી દેવાયા છે, તેનાથી અમેરિકા ચિંતામાં છે."

"ડેરીઉત્પાદનોની નિકાસ થઈ શકતી નથી, ડેટાને ભારતમાં જ સ્થાનિક ધોરણે સાચવવા છે તે બાબતથી પણ અમેરિકા ચિંતામાં છે," એવું ફેડરેશન ઑફ ઇન્ડિયન ઍક્સ્પૉર્ટ ઑર્ગેનાઇઝેશનના ડીજી અજય સહાયનું કહેવું છે.

અમેરિકાના પશુપાલકો અને ડેરીઉત્પાદકો ભારતમાં પોતાની વસ્તુઓ વેચવા માગે છે, પણ મુશ્કેલી એ છે કે તેઓ પશુઓને આહાર આપે છે તે માંસાહારી હોય છે.

ભારતના ગ્રાહકોની ધાર્મિક લાગણીને તે અનુકૂળ નથી.

તેથી આવા પદાર્થોની આયાત પહેલાં ભારતે માગણી કરી હતી કે આ ઉત્પાદનો શુદ્ધ છે તેનું સર્ટિફિકેટ અમેરિકા આપે, એમ રોઇટર્સના એક અહેવાલમાં સ્રોતોને ટાંકીને જણાવાયું હતું.

ઑબ્ઝર્વર રિસર્ચ ગ્રૂપના રિસર્ચ ફેલો કશિશ પારપિયાનીએ બીબીસીને જણાવ્યું કે આ બાબતમાં બંને દેશો વચ્ચે સહમતી સધાઈ નથી.

"એક તરફ આપણી સરકાર દાવો કરે છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું અને બીજી બાજુ ખેડૂતોને હાનિકારક આવો કરાર તે કરવા માગે છે તે સમજાતું નથી."

"આવા કરારથી અમેરિકામાંથી કૃષિ, ડેરી અને પૉલ્ટ્રીના 42,000 કરોડ રૂપિયાના ઉત્પાદનોની આયાત થશે."

એવી ફરિયાદ હાલમાં જ રાષ્ટ્રીય કિસાન મહાસંઘે ઉઠાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને અમેરિકા વચ્ચે આવા કોઈ પણ કરાર ન કરવા કેન્દ્ર સરકારને ચેતવણી આપવા માટે જ 17 ફેબ્રુઆરીએ મહાસંઘે સમગ્ર દેશમાં વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.

કેન્દ્ર સરકારે છેલ્લે રજૂ કરેલા બજેટમાં મેડિકલ સાધનોની આયાત પર સેસ નાખ્યો છે અને તેના કારણે આ મામલે બંને દેશો વચ્ચેનો વિખવાદ વકર્યો છે.

ઍડ્વાન્સ્ડ મેડિકલ ટેક્નૉલૉજી ઍસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ એબ્બી પેર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે "આયાતી મેડિકલ સાધનો પર સેસ નાખવાની અને કેટલાંક સાધનો પર સામાજિક કલ્યાણ માટેનો સેસ નાખવાની ભારતની વાતથી અમે ચિંતામાં છીએ.

તેના કારણે કેટલાક અણધાર્યા, અણચિંતવ્યા પરિણામો આવી શકે છે. દર્દીઓને મળતી સારવારની ટેક્નૉલૉજીનો લાભ અટકી શકે છે અને તેના કારણે ઊલટાનો સારવારનો ખર્ચ વધી શકે છે."

આવી સ્થિતિમાં બજેટની દરખાસ્તને કારણે મેડિકલ સાધનોની બાબતમાં નવો મુદ્દો ઉપસ્થિત થયો છે. રોઇટર્સના અહેવાલ અનુસાર ભારતે સ્ટેન્ટ તથા ની ઇમ્પ્લાન્ટ્સના ભાવ બાંધી દીધા છે તે દૂર કરવાની પણ માગણી કરી છે.

જાણકારો કહે છે કે ટ્રમ્પની ઇચ્છા હોત તો પણ કોઈ મોટો વેપાર કરાર થઈ શક્યો ના હોત. 10 અબજ ડૉલરની વેપારી સમજૂતિ પણ બધી સમસ્યાઓ દૂર કરી શકશે નહીં. જોકે તેના કારણે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોમાંથી તણાવ દૂર થશે તેમ માનવામાં આવે છે.

છેલ્લાં ત્રણેક વર્ષથી ઘર્ષણ વધી રહ્યું છે તેની જગ્યાએ બંને દેશોને થોડી રાહત થઈ શકે છે.

"સંભવિત વેપાર સમજૂતિને કારણે થોડો લાભ થઈ શકે છે. અમેરિકાના કૃષિ ઉત્પાદકો અને ICT ઉત્પાદનોને બજારનો થોડો લાભ મળશે, જેની સામે ભારતને કદાચ GSPના સંપૂર્ણ લાભો કે આંશિક લાભો મળી શકે છે," એમ કશિશ પારપિયાનીનું માનવું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો