ICC Women's T20 World Cup : એ શફાલી વર્મા જેમને ક્રિકેટ રમવા છોકરીમાંથી છોકરો બનવું પડ્યું

  • વંદના
  • બીબીસી સંવાદદાતા
શફાલી વર્મા

ઇમેજ સ્રોત, Getty Images

"છોકરી થઈને તું ક્રિકેટ શું રમવાની, જા બહાર જઈને તાળીઓ વગાડ. હું ક્રિકેટ રમવા જતી ત્યારે છોકરાઓ આવું કહેતા. એ વખતે મારા વાળ પણ લાંબા હતા. બહુ અજીબ લાગતું હતું. મેં પણ નક્કી કરી લીધું હતું કે વાળ કપાવી નાખીશ. હું વાળ કપાવીને ગઈ ત્યારે છોકરાઓને ખબર પડી નહીં. મારે છોકરીમાંથી છોકરો બનવું પડ્યું હતું."

આજે કોઈ શહેર કે નાના ગામમાં એક છોકરીએ મેદાનમાં રમવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે એ જણાવવા માટે 16 વર્ષની વયનાં ક્રિકેટર શફાલી વર્માની આ વાત પૂરતી છે. અલબત્ત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં આ યુવા ખેલાડી હિંમત અને મજબૂત મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે.

શફાલી વર્મા હાલ ઑસ્ટ્રેલિયામાં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો મહત્ત્વનો હિસ્સો છે. 24 ફેબ્રુઆરીએ ભારતની મૅચ બાંગ્લાદેશ સામે છે.

શફાલીએ 2019માં 15 વર્ષની વયે ભારતની ટી-20 ક્રિકેટ ટીમમાં પદાર્પણ કર્યું હતું.

શફાલી સચિન તેંડુલકરનાં ફેન છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અર્ધી સદી ફટકારનારાં સૌથી નાનાં વયનાં ભારતીય ખેલાડી બનીને શફાલીએ તેમના હીરો સચિનનો 30 વર્ષ જૂનો રેકર્ડ તોડ્યો હતો. શફાલીએ વેસ્ટ ઈન્ડીઝ સામે 49 બોલમાં 73 રન ફટકાર્યા હતા.

હરિણાના રોહતક જિલ્લાના રહેવાસી શફાલીના પિતા ક્રિકેટના શોખીન છે. તેમને પરિવાર તરફથી ખાસ ટેકો મળ્યો ન હતો, પણ તેમણે તેમની દીકરીને એ ખોટ અનુભવવા દીધી ન હતી.

ગયા વર્ષે બીબીસી સાથેની વાતચીતમાં શફાલીએ કહ્યું હતું, "મેં ક્રિકેટ શા માટે પસંદ કર્યું એ મારી સખીઓ વારંવાર પૂછતી હતી.

એ સમયે હું હરમનપ્રીત કૌર અને મિતાલી રાજના ફોટા તેમને દેખાડતી અને કહેતી કે આમણે ભારતીય ક્રિકેટ ટીમને ફાઈનલમાં પહોંચાડી છે. એ સાંભળીને બધાનું મોં બંધ થઈ જતું હતું."

સચિન તેંડુલકર 2013માં રણજી ટ્રૉફીની મૅચ માટે હરિયાણાના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા. શફાલી તેમને રમતા જોવા ત્યાં જતાં હતાં.

એ સમયે નાનકડાં શેફાલીએ નક્કી કરી લીધું હતું કે તેમણે ટેનિસ છોડીને ક્રિકેટ રમવું છે. એ જીદ શફાલીને ક્રિકેટ વર્લ્ડ કપ સુધી લાવી છે.

શફાલીની કારકિર્દી શરૂ થયાને હજુ પાંચ મહિના જ થયા છે અને તેમની બેટિંગને અત્યારથી ભારતીય ટીમની મજબૂતી ગણવામાં આવી રહી છે.

વર્લ્ડ કપમાં શફાલી પર બધાની નજર રહેશે. શફાલી અત્યાર સુધીમાં 14 ટી-20 મૅચોમાં 324 રન ફટકારી ચૂક્યાં છે.

રાધા યાદવની હિંમત અને મજબૂત મનોબળ

ઇમેજ સ્રોત, Getty Images

શફાલીની માફક ટી-20 વર્લ્ડ કપ રમી રહેલાં યુવા ખેલાડી રાધાની કથા પણ હિંમત અને મજબૂત મનોબળની કથા છે.

રાધા યાદવ માત્ર 19 વર્ષનાં છે અને આ વખતે તેમની કારકિર્દીનો બીજો ટી-20 વર્લ્ડ કપ રમી રહ્યાં છે. ટી-20 વર્લ્ડ રેન્કિંગમાં રાધા ચોથા નંબરે છે, જે દર્શાવે છે કે ભારતીય બૉલિંગમાં તેમનું સ્થાન ક્યાં છે.

રાધાનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. મુંબઈના કાંદિવલીમાં આવેલા રાધાના 200-250 ચોરસ ફૂટના ઘરને જોઈને એવું ધારવું મુશ્કેલ છે કે રાધાએ અહીંથી નીકળીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

વર્ષ 2000માં જન્મેલા રાધાના પિતા ઓમપ્રકાશ રોજીરોટી માટે ઉત્તર પ્રદેશના જૌનપુરથી મુંબઈ આવ્યા હતા અને દૂઘ વેચવાનો નાનકડો ધંધો કરતા હતા.

રાધા સરસ ક્રિકેટ રમતાં હતાં, પણ ઘરમાં પૈસા ન હતા. એ વખતે રાધાને તેમના કોચ પ્રફુલ્લ નાઈકનો સાથ મળ્યો અને નાઈકે રાધાને ટેકો તથા માર્ગદર્શન આપ્યું.

2018માં 17 વર્ષનાં રાધાને ભારતીય ટી-20 ટીમમાં પહેલીવાર તક મળી હતી. 2019ની આઈસીસી ટીમ ઑફ ધ યર(ટી-20)માં પણ રાધાનું નામ સામેલ હતું.

અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી આવતાં હોવા છતાં રાધાનો જુસ્સો ક્યારેય ઘટ્યો નથી.

2020માં બીસીસીઆઈએ રાધાને વાર્ષિક 30 લાખ રૂપિયાના ગ્રેડ બી કોન્ટ્રાક્ટમાં પ્રમોટ કર્યાં એ તેમના માટે મોટો દિવસ હતો. તેમના પિતાએ ત્રણ ઓરડાવાળું મકાન ખરીદ્યું છે, પરંતુ તેમના બીજા સપનાં પણ છે.

ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં શિખા પાંડે અને દીપ્તિ સાથે રાધાની ઉપર બૉલિંગની મોટી જવાબદારી છે.

ભરોસાપાત્ર બેટ્સવુમન જેમાઈમા રોડ્રિગ્ઝ

ઇમેજ સ્રોત, Getty Images

જેમાઈમા રોડ્રિગ્ઝની વય ભલે 19 વર્ષ જ હોય, પણ તેઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે 39 ટી-20 મૅચ અને 16 વન ડે મૅચ રમી ચૂક્યાં છે.

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમનાં બહુ જ ભરોસાપાત્ર બેટ્સવુમન છે. આઈસીસી ટી-20 રેન્કિંગમાં જેમાઈમા સાતમા નંબરે છે.

અનેક અન્ય ક્રિકેટરો માફક જેમાઈમા પણ સચિન તેંડુલકરને તેમનો આદર્શ માને છે. બાળપણથી જ ક્રિકેટ રમતા જેમાઈમાએ મુંબઈ, અન્ડર-19 પછી ભારતીય ટીમમાં બહુ ઝડપથી પોતાનું સ્થાન બનાવ્યું છે.

ટીમમાં જેમાઈમાને જેમીના નામે બોલાવવામાં આવે છે અને તેઓ ઓલરાઉન્ડર છે. તેઓ જેટલી સારી બેટિંગ કરે છે એટલું જ સારું ગિટાર વગાડી જાણે છે. ક્રિકેટની પીચની માફક સોશિયલ મીડિયા પર તો જેમી સ્ટાર છે.

ઋચા ઘોષ બેટિંગ, બૉલિંગ સાથે વિકેટકીપિંગ પણ કરી શકે

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર 16 વર્ષનાં ઋચા ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમી રહેલાં ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો છે.

વર્લ્ડ કપના થોડા દિવસ પહેલાં ફેબ્રુઆરીમાં જ ઋચા તેનો પહેલો આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મૅચ રમ્યાં હતાં. આટલો ઓછો અનુભવ હોવા છતાં ઋચાએ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

સચિન તેંડુલકર ઋચાના હીરો છે અને મહેન્દ્રસિંહ ધોનીની માફક સિક્સરો ફટકારવી એ ઋચાની સ્ટાઇલ છે.

સિલીગુડી જેવા નાના ગામનાં રહેવાસી ઋચા ત્યાંની સ્થાનિક ક્લબમાં રમતાં એકમાત્ર છોકરી હતાં, પણ એ ટકી રહ્યાં. 11 વર્ષની ઉંમરે તેમણે અન્ડર-19 ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવ્યો હતો.

16 વર્ષનાં ઋચા બેટિંગ પણ કરે છે અને બૉલિંગ પણ. જરૂરપડ્યે વિકેટકીપિંગ પણ કરી શકે છે. વર્લ્ડ કપમાં લોકોની નજર ઋચા પર રહેશે એ દેખીતું છે.

શફાલી, રાધા, જેમાઈમા અને ઋચા જેવાં યુવા ખેલાડીઓની કથાઓ અલગ-અલગ હોવા છતાં એકસમાન લાગે છે.

કોઈએ પુરુષવાદી, જ્યારે કોઈએ રૂઢિવાદી વિચારસરણી સામે ટક્કર લીધી છે તો કોઈએ ગરીબી સામે.

કોઈ એકલી છોકરી હોવા છતાં મેદાન પર ટકી રહી તો કોઈએ છોકરાઓના ટોણાંને જ પોતાનું હથિયાર બનાવ્યું.

મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં યુવા ખેલાડીઓ ખરેખર નવા ભારતનો ચહેરો છે. તેઓ જુસ્સા અને તાકાત વડે એક નવો અધ્યાય લખી રહ્યા છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બાંગ્લાદેશ સામેની મૅચ 24 ફેબ્રુઆરીએ બપોરે સાડાચાર વાગ્યાથી રમાશે, જ્યારે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ 27 ફેબ્રુઆરીએ સવારે સાડા આઠ વાગ્યાથી અને શ્રીલંકા સામેની મૅચ 29 ફેબ્રુઆરીએ બપોરે દોઢ વાગ્યાથી રમાશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો