Donald Trump India : ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદની વિવાદાસ્પદ દીવાલ સોશિયલ મીડિયા પર છવાઈ

વિવાદાસ્પદ દીવાલ Image copyright Tejas Vaidya/BBC
ફોટો લાઈન વિવાદાસ્પદ દીવાલ

સોમવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર હતી. આ સાથે વિપરીત ટ્રૅન્ડ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં કથિત રીતે ગરીબીને ઢાંકવા માટે બનાવવામાં આવેલી સરણિયાવાસની દીવાલ સોશિયલ મીડિયા ઉપર ' WallOfDivision' ના હેશટૅગ સાથે ચર્ચામાં આવી હતી. યૂઝર્સ તેને 'ગુજરાત મૉડલ'ની નિષ્ફળતા ગણાવે છે.

બીજી બાજુ, ભાજપના નેતાઓ 'નમસ્તે ટ્રમ્પ'ને બે નેતા અને બે મહાન દેશ વચ્ચેની 'ઐતિહાસિક મુલાકાત' જણાવે છે.


#WallOfDivision

ટ્રમ્પના આગમન પૂર્વે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર ઉપર #WallOfDivision એટલે કે 'વિભાજનકારી દીવાલ' ટ્રૅન્ડમાં હતી.

સિમી આહુજા નામના યૂઝરે લખ્યું, "#WallOfDivisionને કારણે ભારતમાં વિભાજન વકરશે. અગાઉ લિંગ આધારિત, પછી જ્ઞાતિ, પછી ધર્મ અને હવે અમિર સામે ગરીબનું વિભાજન."

ટ્વિટરાઇટ શ્રીવત્સાએ લખ્યું: "20 વર્ષથી ભાજપના કૉર્પોરેટર, ધારાસભ્ય અને સરકાર છે, છ વર્ષથી ભાજપના વડા પ્રધાન છે."

"આમ છતાં અમદાવાદમાં ટ્રમ્પની નજરથી 'ગુજરાત મૉડલ'ને ઢાંકવા માટે 500 મીટર લાંબી અને ચાર ફૂટ ઊંચી દીવાલ બનાવવી પડી. #WallOfDivisionએ ભાજપના જૂઠાણાંની સાક્ષી પૂરે છે."

લેખક તથા બ્લૉગર હંસરાજ મીણાએ લખ્યું, "યા તો દીવાલની બીજી બાજુની મુલાકાત લો અથવા તો પાછા જાવ. મૂર્ખ ન બનાવો તથા ન બનો. વાસ્તવિક ભારત જુઓ, મોદી જે દેખાડવા માગે છે તે નહીં."

કૉંગ્રેસ, ગુજરાત કૉંગ્રેસ, કૉંગ્રેસના નેતા-પ્રવક્તા તથા સંગઠનના અન્ય ટ્વિટર હૅન્ડલ્સે #WallOfDivision હેશટૅગ સાથે ટ્રમ્પની યાત્રા સંદર્ભે ગુજરાત તથા કેન્દ્ર સરકારની નિષ્ફળતાને રજૂ કરતા તથ્યો સાથે ટ્વીટ કર્યાં હતાં.

દીવાલની દાસ્તાન

Image copyright Tejas Vaidya/BBC
ફોટો લાઈન વિવાદાસ્પદ દીવાલ

અમદાવાદના સરણિયાવાસ વિસ્તારથી બી.બી.સી. સંવાદદાતા તેજસ વૈદ્ય જણાવે છે કે વિવાદાસ્પદ દીવાલની ઉપર અને આજુબાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ઍરપૉર્ટથી ઇંદિરા સર્કલ તરફ જતા માર્ગમાં સરણિયાવાસ આવે છે, જ્યાં લગભગ 800થી વધુ ઘરમાં લગભગ છ હજારથી વધુ લોકો રહે છે.

ટ્રમ્પના અમદાવાદ કાર્યક્રમની જાહેરાત થતાં તેમને એક અઠવાડિયામાં ઝૂંપડપટ્ટી ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી હતી.

આ સિવાય રોડ તથા ઝૂંપડપટ્ટી વચ્ચે દીવાલ ચણવામાં આવી હતી, જેના કારણે વિવાદ ઊભો થયો હતો. અગાઉ જ્યારે જાપાનના વડા પ્રધાન શિંજો એબે આવ્યા હતા ત્યારે તેને પડદાથી ઢાંકવામાં આવી હતી.

દીવાલ ચણવા માટે જવાબદાર અમદાવાદના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરાના કહેવા પ્રમાણે, લગભગ બે મહિના અગાઉ જ તેમણે સરણિયાવાસની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી.

એ સમયે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર આગળ ન વધે અને રસ્તા ઉપર પેશકદમી ન થાય તથા વૃક્ષોને બચાવવા માટે આ દીવાલ ચણવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો