ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત : 'નમસ્તે ટ્રમ્પ' ભવ્યાતિ ભવ્ય, બટ વૉટ નેક્સ્ટ?

  • ડૉ. ધીમંત પુરોહિત
  • બીબીસી ગુજરાતી માટે
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

દુનિયાની સૌથી મોટી લોકશાહીના નેતા નરેન્દ્ર મોદી, દુનિયાના સૌથી શક્તિશાળી દેશના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે બાકીની બધી વાતો પણ સુપરલેટિવ ડિગ્રીમાં જ હોવાની.

દિવસોથી દુનિયા આખી જેની આતુરતાથી રાહ જોતી હતી, એ અમદાવાદનો, 'નમસ્તે ટ્રમ્પ' રંગેચંગે સુખરૂપ પૂરો થઈ ગયો.

ટ્રમ્પે જો કે રોડ શોની સંખ્યા અંગે એમના ત્રણેક ટ્વીટ્સથી છેલ્લી ઘડી સુધી પી.એમ.ઓ.થી (પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, વડા પ્રધાન કાર્યાલય) માંડીને સી.એમ.ઓ. (ચીફ મિનિસ્ટર ઓફિસસ મુખ્ય પ્રધાન કાર્યાલય) સુધી સૌને ટૅન્શનમાં રાખ્યા.

પહેલાં એમણે મોદીને ટાંકીને રોડ શોમાં 50 લાખ લોકોને જોવાની અપેક્ષા દર્શાવી, જે બીજા અને ત્રીજા ટ્વીટમાં વધતાં-વધતાં 70 લાખ અને એક કરોડ સુધી પહોંચી.

જો ખરેખર એક જગ્યાએ એક સમયે એક કરોડ લોકો જોવા હોય, તો ટ્રમ્પે પ્રયાગના આવતા કુંભ મેળા સુધી રાહ જોવી પડે.

સદ્ભાગ્યે મોટેરા સ્ટેડિયમની સીટિંગ કૅપેસિટી કરતાં પણ વધુ એટલે કે સવા લાખથી વધુ લોકોથી ભરચક હતું અને ઍરપૉર્ટથી સ્ટેડિયમ વાયા ગાંધી આશ્રમના રસ્તાની બંને બાજુ લોકો, બાળકો અને કલાકારો ટ્રમ્પ-મોદીના સ્વાગત માટે ઉત્સાહભેર ઊભાં હતાં.

ટ્રમ્પનાં ભાષણ અને બૉડી લૅંગ્વેજ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે ટ્રમ્પ એક કરોડના બદલે એક- બે લાખ લોકોથી પણ સંતુષ્ટ હતા.

દુનિયાના સૌથી મોટા ભરચક સ્ટેડિયમમાં કાર્યક્રમની શરૂઆત વડા પ્રધાન મોદીના સ્વાગત પ્રવચનથી થઈ.

ઇમેજ સ્રોત, Getty Images

11 મિનિટના પોતાના હિંદી ભાષણમાં મોદીએ ટ્રમ્પ અને ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરવા શબ્દકોશમાં ઉપલબ્ધ બધાં જ વિશેષણો વાપરી નાખ્યાં.

પાંચ મહિના પહેલાં અમેરિકાના હ્યુસ્ટનની 'હાઉડી મોદી' ઇવેન્ટનું આ ઇન્ડિયન ઍક્સ્ટેન્શન કહી શકાય, જ્યાં મોદી ભારતીય લોકોના વિશાળ સમૂહ સામે પોતાના દોસ્ત ટ્રમ્પને દિલની વાત કહી દોસ્તી વધુને વધુ મજબૂત કરી શકે.

મોદીની આ ઇવેન્ટ ડિપ્લોમસી હૈદરાબાદ હાઉસની ફૉર્મલ ડિપ્લોમૅટિક બેઠકો કરતાં વધુ ઇમોશનલ અપીલ ધરાવે છે.

આપ પણ આજના યુગમાં આઈ.ક્યૂ. કરતાં વધુ ઈ.ક્યૂ.નું મહત્ત્વ ગણાય છે.

'હાઉડી મોદી' ટ્રમ્પ માટે પહેલો અનુભવ હતો. 'નમસ્તે ટ્રમ્પ'ના બીજા અનુભવ માટે ટ્રમ્પ પૂરેપૂરા તૈયાર થઈને આવ્યા હતા અને એમણે વાતોમાં મોદીને પણ મહાત કરી દીધા.

એનો શ્રેય એમના રિસર્ચર અને સ્ક્રિપ્ટ-રાઇટરને પણ આપવો પડે. આ ઐતિહાસિક ભાષણમાં ચાવાળા મોદીની વાત છે, મોદીનાં વિકાસ કાર્યોની વાત છે, સ્વામી વિવેકાનંદ, બોલીવૂડ, ડી.ડી.એલ.જે., સચીન તેંડુલકર, વિરાટ કોહલી, દિવાળી, હોળી અને ગુજરાતનો પણ ઉલ્લેખ છે.

કારણકે, અમેરિકામાં 40 લાખ NRI છે, જેમાંથી 10 લાખ ગુજરાતીઓ છે. ભલે આ વિદેશયાત્રા છે, પણ ટ્રમ્પ માટે એમના ઘરઆંગણે આવતા ઇલેક્શન માટે પણ આ યાત્રા મહત્ત્વની છે.

હવે આવે છે, મુખ્ય વાત ઉગ્રવાદ સામેની લડાઈ. ટ્રમ્પ એને 'રેડિકલ ઇસ્લામિક આતંકવાદ' સામેની લડાઈ કહે છે. અમેરિકન્સ અને ખાસ કરીને ટ્રમ્પ આપણા લોકોની જેમ દંભ નથી કરતા, કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો.

આ લડાઈમાં એ ભારતનો સાથ માંગે છે અને સાથ આપવાનું વચન પણ આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images

અહીં સુધી ઉત્સાહિત દેખાતા મોદી હવે માથું ખંજવાળતા દેખાય છે, ટ્રમ્પ પાકિસ્તાનનું નામ લઈ એની સાથે પણ પોતાના સબંધો સારા હોવાનું કહે છે.

જો કે તરત જ ટ્રમ્પ પાકિસ્તાનની સીમાઓમાં ચાલતા આતંકના અડ્ડાઓના ખાતામાનું પણ એલાન કરે છે.

આ માટે ટ્રમ્પના ભાથામાં આપણી માટે ત્રણ બિલિયન ડૉલર્સના ઍરક્રાફ્ટ અને અત્યાધુનિક હથિયારોના રક્ષાસોદા છે, સંયુક્ત યુદ્ધ અભ્યાસ અને લાંબા ગાળાના મજબૂત સંબંધનુ વચન છે.

નો ડાઉટ, 'નમસ્તે ટ્રમ્પ' મોદીની અત્યાર સુધીની સૌથી મોટી, સૌથી ભવ્ય, સૌથી દમદાર ઇવેન્ટમાંથી એક છે. પણ ઇવેન્ટ જ છે. જે માત્ર વિઝ્યુઅલ ટ્રીટ છે. એકબીજા વિશે છુટ્ટા મોઢે કરાયેલાં વખાણ માત્ર છે.

ટ્રમ્પે પોતે ભારત આવતા પહેલાં જ એક ટ્વીટમાં સ્પષ્ટ કહ્યું હતું કે 'ભારતનો અમેરિકા સાથેનો વ્યવહાર સારો નથી. કોઈ મોટી ડીલ થવાની નથી, ઇલેકશન પહેલાં તો નહીં જ.'

મોદી મારા સારા મિત્ર છે, એટલે હું ત્યાં જાઉં છું.' આ સંદર્ભમાં ટ્રમ્પની મોટેરા સ્ટેડિયમની મોટી-મોટી વાતોનો આપણી માટે તો કોઈ અર્થ નીકળતો નથી, જો બીજા દિવસની હૈદરાબાદ હાઉસની બેઠકોમાં કોઈ નક્કર સોદા પર સહી-સિક્કા થાય, એની સંયુક્ત પત્રકારપરિષદ જાહેરાત થાય અને એનો અમલ પણ થાય.

જો આમ ના થાય, તો આપણે 'જુમલા'નો યોગ્ય અંગ્રેજી પર્યાય શોધવો રહ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો