દિલ્હીમાં હિંસા : સાત લોકોનાં મૃત્યુ, 35 લોકો ઘાયલ

પત્થરમારાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના યમુના પાર વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદાના વિરુદ્ધમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શન દરમિયાન કાયદાનું સમર્થન કરનાર અને વિરોધ પ્રદર્શન કરતાં લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી છે.

આ હિંસામાં હાલ સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

સોમવારે બપોર પછી દિલ્હીના ચાંદપુર, જાફરાબાદ, મૌજપુર અને સિલમપુરમાં હિંસાની ઘટના ઘટી હતી.

મોડી રાત્રે દિલ્હીના ગોવિંદપુરી ટાયર માર્કેટમાં આગ લગાવવામાં આવી હતી. કોઈ જાનહાનિની થઈ નથી.

પૂર્વોત્તર દિલ્હીમાં જાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ કમ સે કમ ચાર ઘરોમાં આગ લગાવી દીધી હોવાની ઘટના બની છે.

સમાચાર એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ દિલ્હીમાં મંગળવારે પણ પાંચ મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા છે.

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં બનેલી ભારે હિંસા દરમિયાન માર્કેટમાં આગ લગાવવામાં આવી હતી. મોડી રાત્રે દસ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જીટીબી હૉસ્પિટલમાં હાજર બીબીસી સંવાદદાતા પ્રશાંત ચહલના કહેવા પ્રમાણે સોમવાર રાત્રે 25 ઘાયલ લોકોને ભરતી કરાવવામાં આવ્યા હતાં.

મંગળવાર સવારે આ આંકડો 35એ પહોંચ્યો હતો.

હૉસ્પિટલના સૂત્રોએ પ્રશાંત ચહલને કહ્યું, "પચ્ચીસ લોકોને ગંભીર હાલતમાં અહીં લાવવામાં આવ્યા હતા. તેમાં એક ડી.સી.પી. (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) છે જેમને મૅક્સ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે."

"રતનલાલ નામના પોલીસ કર્મચારી અને એક અન્ય વ્યક્તિ મૃત અવસ્થામાં હૉસ્પિટલ આવ્યા હતા. ઘાયલોને ક્રિટિકલ કૅરમાં રાખવામાં આવ્યા છે."

સમાચાર એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, તોફાનમાં મૃત્યુ પામનાર હેડ કૉન્સ્ટેબલ રતનલાલ મૂળ સિકાર રાજસ્થાનના છે.

તેઓ 1998માં દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે જોડાયા હતા.

તેઓ ગોકલપુરીમાં એસીપી ઓફિસમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં તેમના પત્ની અને ત્રણ બાળકો છે.

જાફરાબાદમાં રહેનાર મોહમ્મદ સુલતાન નામના પ્રદર્શનકારીનું પગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે.

પોલીસ અધિકારીઓએ બીબીસીને કહ્યુ કે ગોળી સુલ્તાનના પગમાં વાગી હતી પરંતુ વધારે લોહી વહી જવાથી તેમણે જીવ ગુમાવ્યો હતો.

ઇમેજ સ્રોત, RASHID ALVI

જ્યારે પ્રદર્શન દરમિયાન શાહિદ અલ્વી નામના એક ઑટો ડ્રાઇવરનું પણ ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. શાહિદ અલ્વી મૂળે ઉત્તરપ્રદેશના બુલંદશહેર જિલ્લાના ડિબાઈ ક્ષેત્રમાં રહેનાર વ્યક્તિ છે.

તેમના ભાઈ રાશિદ અલ્વીએ બીબીસીને કહ્યુ, "શાહિદ ઑટો ચલાવતા હતા. તોફાન દરમિયાન તેમના પેટમાં ગોળી વાગી હતી. તેમની બૉડીને પોસ્ટમોર્ટમ માટે જી.ટી.બી. હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા."

શાહિદના લગ્ન બે મહિના પહેલાં જ થયા હતા. તે દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ભાડે રહી રહ્યા હતા.

દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાય બાબરપુર વિસ્તારમાં ફાયરિંગ અને આગની ઘટના સામે આવ્યા પછી સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ મોકલવા માટેની દરખાસ્ત લઈને દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બેજવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

ગોપાલ રાયે કહ્યુ, "બાબરપુર વિસ્તાર સહિત આખા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં જે ભયનો માહોલ બનેલો છે, અમે તે સંદર્ભને લઈને પોતાના ધારાસભ્યોની સાથે ઉપરાજ્યપાલના ઘરે પહોંચ્યા હતા. હું એલજી સાહેબને મળવા માટે રાહ જોઈ રહ્યો છું."

"કારણ કે અહીં તણાવ વધી રહ્યો છે. તોફાન કરનાર લોકો ફાયરિંગ કરી રહ્યા છે. આગ લગાડી રહ્યા છે, પરંતુ ત્યાં પોલીસ હાજર નથી. અમે ઇચ્છીએ છીએ કે આ મામલે એક પગલું ભરીને પોલીસ મોકલવામાં આવે. આખો વિસ્તાર ભયમાં છે, જાગેલા છે, આવી સ્થિતિમાં કોઈ પણ ઘટના ઘટી શકે છે."

દિલ્હીના નાયબ રાજ્યપાલ આપ નેતાને મળ્યા ન હતા.

એએનઆઈના અહેવાલ અનુસાર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર રાજેશ ખુરાના મળ્યા હતા. ગોપાલ રાયે કહ્યું, "દિલ્હી પોલીસે અમને આશ્વાસન આપ્યું છે કે તે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. અમે પરત જઈ રહ્યા છીએ"

સમાચાર એજન્સી પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)એ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાના હવાલાથી લખ્યું છે કે મંગળવારે નવી દિલ્હીની સરકારી તથા ખાનગી શાળાઓ બંધ રહેશે.

કાયદાના સમર્થકો અને વિરોધીઓએ સામસામે પથ્થરમારો પણ કર્યો છે. નોર્થ-ઇસ્ટ દિલ્હીને જોડતો વઝિરાબાદનો રોડ બંધ કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, Reuters

ચાંદબાગની નજીકથી બી.બી.સી. સંવાદદાતા સલમાન રાવી જણાવ્યું હતું કે અનેક વિસ્તારોમાં પથ્થરમારો, આગ પછી અફરાતફરીનો માહોલ છે.

હજારોની ભીડને અંકુશમાં લાવવા માટે પોલીસે ખાસી મહેનત કરવી પડી રહી છે.

પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડનો માહોલ બન્યો છે અને આકાશમાં ધુમાડો પણ દેખાઈ રહ્યો છે.

જાફરાબાદ વિસ્તારમાં પથ્થરમારો પણ થયો છે.

જોઇન્ટ કમિશનર આલોક કુમારે બી.બી.સી.ને કહ્યું કે પથ્થરમારામાં એક એસ.પી. ઘાયલ થયા છે.

દિલ્હીમાં નોર્થ-ઇસ્ટ જિલ્લામાં કમ સે કમ 10 સ્થળોએ CrPCની કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો છે.

એન.ડી.ટીવી. અધિકારીઓના હવાલાથી લખે છે કે પ્રદર્શનકારીઓએ એક અગ્નિશમન ગાડીને પણ નિશાન બનાવી અને તોડફોડ કરી છે.

ઉલ્લેખનીય છે કે જાફરાબાદ અને મૌજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશન તો છેલ્લા 24 કલાકથી બંધ છે.

રવિવારે મૌજપુરમાં થયેલી હિંસાને લઈને સીલમપુર, મૌજપુર અને યમુનાવિહારને જોડતો મોટો વિસ્તાર બંધ રહ્યો. દુકાનો પણ બંધ રહી અને અનેર રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા.

જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે નાગરિકતા સંશોધન કાયદાનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો હતો અને એ વિરોધની સામે થોડે જ દૂર વિરોધ કરનારા લોકોનાં વિરોધીઓ ભેગા થયાં હતા.

મૌજપુરમાં ભાજપ નેતા કપિલ મિશ્રાએ રવિવારે એક સભા બોલાવી હતી. જેમાં માગણી કરાઈ કે પોલીસ ત્રણ દિવસમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારા લોકોને હઠાવી દે.

નોર્થ-ઇસ્ટના ડી.સી.પી. વેદ પ્રકાશે સમાચાર સંસ્થા એ.એન.આઈ.ને કહ્યું કે, અમે બેઉ પક્ષો સાથે વાત કરી છે અને પરિસ્થિતિ હાલ અંકુશ હેઠળ છે. અમે હજી લોકો સાથે વાત કરીશું.

આ સભા પછી હિંસાની ઘટના બની હતી, જે આજે સોમવારે પણ ફરી બની રહી છે.

પ્રતિક્રિયાઓ

આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના અનેક વિસ્તારોમાં શાંતિ અને સોહાર્દને હાનિ કરતા સમાચારો આવી રહ્યાં છે. હું માનનીય લૅફ્ટનન્ટ જનરલ અને ગૃહમંત્રીને કાયદો અને વ્યવસ્થા અને શાંતિ અને ભાઈચારો ફરી સ્થાપિત કરવા વિનંતી કરું છું.

દિલ્હી ભાજપના નેતા અને સાંસદ મનોજ તિવારીએ પણ લોકોને શાંતિ માટે અપીલ કરી છે.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, સી.એ.એ. સમર્થક હોય કે વિરોધી કોઈપણ, હિંસા તરત અટકવી જોઈએ.

દિલ્હીના એલજીએ પણ પોલીસને નોર્થ-ઇસ્ટ દિલ્હીમાં સ્થિતિ કાબૂમાં લેવા માટેની સૂચના આપી હોવાની ટ્વીટ કરી.

તેમણે કહ્યું કે, પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હું દરેકને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા વિનંતી કરું છું.

તો કૉંગ્રેસે ભાજપના નેતા કપિલ મિશ્રાની સભાના સંદર્ભમાં કહ્યું કે ગૃહ મંત્રાલયની હેઠળ આવતી દિલ્હી પોલીસ કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ભડકાઉ ભાષણ કરી રહ્યા છે અને કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા. આવા નિવેદનો પાર્ટીના સિનિયર નેતા અને પોલીસની રહેમનજર હેઠળ જ થઈ રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો