ડોનાલ્ડ ટ્રમ્પે કરેલાં નરેન્દ્ર મોદીનાં વખાણ કેટલાં ખરાં કેટલાં ખોટાં?

ટ્રમ્પ Image copyright Getty Images

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ દરમિયાન હજારો લોકોની જનમેદનીને સંબોધિત કરી હતી.

પોતાના ભાષણમાં ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ પ્રશંસા કરી હતી તથા દેશની સ્થિતિને સુધારવા માટે તેમણે જે પગલા લીધા છે, તેનો ઉલ્લેખ કર્યો હતો.

બીબીસી રિયાલિટી ચેક ટીમે ટ્રમ્પના કેટલાક દાવાઓની ચકાસણી કરી હતી.


દાવો 1: અર્થતંત્રમાં છ-ગણી વૃદ્ધિ

Image copyright Getty Images

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, "આ સદી શરૂ થઈ, ત્યારથી ભારતના અર્થતંત્રનું કદ છ-ગણું વિસ્તર્યું છે."

રિયાલિટી ચેક : જો દેશ દ્વારા ઉત્પાદિત વસ્તુ તથા સેવાના આધારે જી.ડી.પી. (ગ્રોસ ડૉમેસ્ટિક પોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન)ના આધારે જોવામાં આવે તો ટ્રમ્પનો દાવો ખરો જણાય છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ)ના રિપોર્ટ મુજબ, વર્ષ 2000ની સાલમાં ભારતનું જી.ડી.પી. 477 અબજ ડૉલરનું હતું, જે વર્ષ 2019માં વધીને 2940 અબજ ડૉલર પર પહોંચી ગયું હતું.

આમ વર્ષ 2000થી 2019 દરમિયાન અર્થતંત્રનું કદ 6.2 ગણું વિસ્તર્યું છે.

અગાઉ રિયાલિટી ચેકે ઔદ્યોગિકક્ષેત્રે ઉત્પાદનવૃદ્ધિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દાવાની પડતાલ કરી હતી.

આઈ.એમ.એફ. દ્વારા વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂકનો ડેટા બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ, ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે.


દાવો 2 : ગરીબી નિર્મૂલન

ફોટો લાઈન અમદાવાદમાં બનાવવામાં આવેલી દીવાલ

ટ્રમ્પે પોતાના ભાષણમાં ક્હ્યું કે "એક જ દાયકામાં ભારત 27 કરોડ લોકોને ગરીબીની રેખાથી ઉપર લાવ્યું."

રિયાલિટી ચેક : વર્ષ 2018ના સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.)ના રિપોર્ટ મુજબ 27 કરોડ 10 લાખ લોકો વર્ષ 2016ની સંયુક્ત રાષ્ટ્ર સંઘની ગરીબીની વ્યાખ્યા મુજબ ગરીબ હતા. 10 વર્ષ અગાઉના આંકડા સાથે આ તુલના કરવામાં આવી હતી.

જોકે, એજ રિપોર્ટમાં યુ.એન. નોંધે છે કે ગરીબીમાં વ્યાપક ઘટાડા છતાં "લગભગ 36 કરોડ 40 લાખ નાગરિકો આરોગ્ય, પોષણ, શાળા તથા સેનિટૅશન જેવી પાયાની સુવિધાથી વંચિત છે."

ગરીબીની રેખા હેઠળ જીવતા નાગરિકોમાંથી 25 ટકા વસતિ 10 વર્ષથી નાની વયના બાળકો છે.


દાવો 3 : ગામે ગામ વીજળી

Image copyright AFP
ફોટો લાઈન વર્ષ 2018માં સરકારે દાવો કર્યો હતો કે ભારતના તમામ ગામમાં વીજળીની પહોંચી ગઈ

ટ્રમ્પે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રથમ વખત દરેક ગામડાને વીજળી મળી."

રિયાલિટી ચેક : વર્ષ 2018માં ભારત સરકારે જાહેરાત કરી હતી કે દરેક ગામ સુધી વીજળી પહોંચાડવાના લક્ષ્યાંકને હાંસલ કરી લેવાયો છે.

જોકે, તેના માટેની વ્યાખ્યા સમજવી રહી. સરકારની વ્યાખ્યા પ્રમાણે, ગામના દસ ટકા ઘર, ઉપરાંત શાળા તથા આરોગ્ય કેન્દ્ર સુધી વીજળી પહોંચે એટલે વિદ્યુતિકરણ થઈ ગયું છે.

વર્ષ 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો, તે પહેલાં જ દેશના છ લાખ ગામોમાંથી 96 ટકા ગામડાં સુધી વીજળી પહોંચી ગઈ હતી.


દાવો 4 : હાઈવે નિર્માણ

Image copyright Getty Images

હાઈવે નિર્માણનું કામ બમણું થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

રિલાલિટી ચેક : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તા ઉપર આવી ત્યારથી હાઈવેના નિર્માણકાર્યમાં નોંધપાત્ર વધારો થયો છે.

સરકારે વર્ષ 2018-2019 દરમિયાન 10 હજાર કિલોમીટર હાઈવેનું નિર્માણ કર્યું હતું, જે અગાઉની કૉંગ્રેસ સરકારના વર્ષ 2013-14 કરતાં બમણું છે.

સરકારે ચાલુ વર્ષ માટે પણ એટલું જ લક્ષ્યાંક મૂક્યું છે. નવેમ્બર-2019 સુધીમાં લગભગ છ હજાર કિલોમીટરનું માર્ગનિર્માણ થઈ ગયું હતું.

રિયાલિટી ચેકે માર્ગનિર્માણ સંદર્ભે ભાજપ સરકારના પર્ફૉર્મન્સની વિસ્તૃત પડતાલ પણ કરી હતી.


દાવો 5 : ઇન્ટરનેટ કનેક્શન

Image copyright Getty Images

એવો દાવો કરવામાં આવ્યો હતો કે "32 કરોડ કરતાં વધુ ભારતીય ઇન્ટરનેટ કનેક્શન ધરાવે છે."

રિયાલિટી ચેક : ઇન્ટરનેટ કનેક્શન એટલે શું, તેની સ્પષ્ટ વ્યાખ્યા નથી. ટેલિકોમ રૅગ્યુલેટરી ભારતમાં લગભગ 60 કરોડ ઇન્ટરને વપરાશકર્તા છે.

આ આંકડો તાજેતરના ખૂબ જ વધી ગયો છે. જે ટ્રમ્પ દ્વારા જણાવવામાં આવેલા 32 કરોડના આંકડા કરતાં ખૂબ જ વધારે છે.

ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગની વસતિ રહે છે, છતાં ગામડાંની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ઇન્ટરનેટ સુલભ છે. વળી તેમાં લૈંગિક અસમાનતા પણ છે.

વર્ષ 2019માં કરવામાં આવેલાં એક અભ્યાસ મુજબ ભારતીય પુરુષોની સરખામણીએ મહિલાઓમાં ઇન્ટરનેટ વપરાશનું પ્રમાણ 50 ટકા ઓછું છે.

ગત વર્ષે અમે રિયાલિટી ચેક કર્યુ, ત્યારે જાણવા મળ્યું હતું કે દરેક ગ્રામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની દિશામાં પ્રગતિ થઈ છે, પરંતુ તે લક્ષ્યાંક સિદ્ધ નથી કરી શક્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો