દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં હિંસા બાદનો આંખે દેખ્યો અહેવાલ

  • વિનાયક ગાયકવાડ
  • બીબીસી સંવાદદાતા
હિંસાની તસવીર

સોમવારે સી.એ.એ. સમર્થક તથા વિરોધીઓ વચ્ચે પૂર્વોત્તર દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી, આ અથડામણમાં એક પોલીસમૅન સહિત સાત લોકોનાં મૃત્યુનાં અહેવાલ છે.

જોકે, જી.ટી.બી. હૉસ્પિટલે સત્તાવાર રીતે છ નાગરિક તથા એક પોલીસમૅન સહિત સાત મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતક અંગે કોઈ વિસ્તૃત માહિતી નથી મળી. હૉસ્પિટલમાં 35 લોકોની સારવાર ચાલી રહી છે.

મોડીરાત્રે પૂર્વૉત્તર તણાવપૂર્ણ વાતાવરણ હતું, ડરનાં માર્યા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. અહીં અમારી મુલાકાત સરફરાઝ અલી સાથે થઈ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે સુરક્ષાબળોના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ સિવાય તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.

પેન્ટ ઉતરાવીને તપાસ

ઇમેજ કૅપ્શન,

સરફરાઝ અલી જેના પર ગોકુલપુરીમાં હુમલો કરવામાં આવ્યો

પૂર્વોત્તર દિલ્હીના ચાંદબાગ, ભજનપુરા, બ્રિજપુરી, ગોકુલપુરી તથા જાફરાબાદ વિસ્તારમાં દિવસભર હિંસાનું તાંડવ ચાલુ રહ્યું હતું અને રાત્રે પણ ભય અને અસલામતીનું સામ્રાજ્ય હતું.

રાત્રે આ વિસ્તારોમાં રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યો ત્યારે જૂના બ્રિજપુરી વિસ્તારમાં મારી મુલાકાત સરફરાઝ અલી સાથે થઈ. સરફરાઝ કહે છે કે તેઓ અને તેમના પિતા અંકલની મૈયતમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોએ તેમને ઘેરી લીધા હતા.

ઍમ્બુલન્સમાં દર્દીની પથારી ઉપરથી ઘટનાક્રમને વર્ણવતા સરફરાઝ કહે છે, "તેમણે મને મારું નામ પૂછ્યું. મેં બીજું કોઈ નામ કહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મને પેન્ટ ઉતારવા માટે કહ્યું."

"એટલે મેં તેમને મારું નામ સરફરાઝ હોવાનું જણાવ્યું. તેમણે મને સળિયાથી માર્યો અને આગમાં ફેંકી દીધો."

સરફરાઝનાં સગર્ભા પત્ની

ઇમેજ સ્રોત, Reuters

સરફરાઝનાં પત્ની સગર્ભા છે. તેઓ બાઇક ઉપર ગોકુલપુરીનો પુલ ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે ભીડે તેમને ઘેરી લીધા હતા. અનેક લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભીડ દરેકના ઓળખપત્ર ચકાસી રહી હતી.

હસન તથા સત્ય પ્રકાશ સરકારી ઍમ્બુલન્સ ચલાવે છે. હસન કહે છેકે તેમને જૂના બ્રિજપુરી વિસ્તારમાં આવેલી મહેર હૉસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે સરફરાઝ નામના દર્દીને જી.ટી.બી. (ગુરૂ તેગ બહાદુર) હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની જરૂર છે.

હસને બી.બી.સી.ને જણાવ્યું : "અમને આ વિસ્તારમાં પ્રવેશતા પણ ડર લાગી રહ્યો હતો એટલે અમે હ્યું કે પેશન્ટને મેઇન રોડ ઉપર લઈ આવો. એટલે સરફરાઝના ભાઈ તથા અન્યો તેમને બહાર લઈ આવ્યા."

હસનનું કહેવું છે કે સિલમપુર વિસ્તારના સુભાષ મોહલ્લામાં એક વ્યક્તિને ગોળી લાગી હોવાનો કોલ આવ્યો હતો. હસન કહે છે, "અમે તેમને હૉસ્પિટલે લઈ જઈ રહ્યા હતા. દર્દીને રક્તસ્રાવ ખૂબ જ થઈ રહ્યો હતો એટલે હું પાછળ હતો."

"અમે થોડા જ આગળ વધ્યા હતા કે હિંસક ભીડે પહેલાં ઍમ્બુલન્સની બોનેટ પર, વિન્ડશિલ્ડ અને બારી પર સળિયાથી હુમલો કર્યો."

"વાહન ઍમ્બુલન્સ છે કે બીજું કોઈ, તેની તેમને કોઈ પરવાહ ન હતી. આ દિલ્હી સરકારની ઍમ્બુલન્સ છે. અમે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ નથી કરતા, પરંતુ લોકો વિચારતા નથી."

સોમવારે દિવસ દરમિયાન ચાંદબાગ, ભજનપુરા, મૌજપુર તથા જાફરાબાદમાં હિંસક અથડામણો થઈ હતી.અમે જૂના મુસ્તફાબાદ વિસ્તારમાં એક પીડિતના પરિવારને મળવા જવા માગતા હતા, પરંતુ તેમના ઘર તરફ જતાં દરેક રસ્તા ઉપર મોડી રાત્રે બેરિકેડિંગ કરી દેવાયું હતું.

'જય શ્રી રામ'ના નારા

ઇમેજ સ્રોત, Reuters

જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે સી.એ.એ. વિરોધી પ્રદર્શન હજુ યથાવત્ છે. સેંકડો મહિલા અને પુરુષ ત્યાં બેઠાં હતાં. ચાંદબાગ પાસે અમે જોયું કે કેટલાક સી.એ.એ. (સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ)ના સમર્થકો 'જય શ્રી રામ'ના નારા લગાવી રહ્યા હતા.

સર્વત્ર પોલીસની ભારે હાજરી જોવા મળી રહી હતી. જૂના બ્રિજપુરી વિસ્તારમાં કેટલાક લોકો હાથમાં સળિયા તથા લાકડીઓ લઈને તેમની ચાલીઓની સુરક્ષા કરી રહ્યા હતા.

યુવાનો ઉપરાંત વૃદ્ધો અને મહિલાઓ સપરિવાર હાથમાં લાકડીઓ લઈને રક્ષા કરી રહ્યા હતા.

અમે મનોજ (વિનંતી બાદ બદલેલું નામ) પણ આ વિસ્તારમાં જ રહે છે. તેઓ કહે છે કે જ્યારે અથડામણ થઈ ત્યારે તેઓ ત્યાં જ હતા. મનોજ કહે છે કે શરૂઆતમાં વિરોધપ્રદર્શનો શાંતિપૂર્ણ જ હતા, પરંતુ અચાનક જ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.

તેઓ કહે છે કે સી.એ.એ. વિરોધીઓની સંખ્યા ખૂબ જ વધારે હતી અને પોલીસ ખૂબ જ ઓછી. મનોજનો દાવો છે કે પોલીસે સ્થાનિકોની મદદ માગી હતી એટલે તેમના વિસ્તારના કેટલાક યુવકો પોલીસને મદદ કરવા પહોંચ્યા હતા.

મનોજ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી રહ્યા હતા ત્યારે જ અજાણ્યા શખ્સોએ થોડેદૂર એક વાહનને આગ ચાંપી દીધી હતી. અમે આજુબાજુના અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કશું કહેવાનો ઇન્કાર કરી દીધો.

પોલીસનો દાવો છે સ્થિતિ કાબૂમાં છે

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસનો દાવો છેકે સ્થિતિ કાબૂમાં છે અને પેટ્રોલિંગ ટૂકડીઓ આસપાસમાં અવરજવર કરી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં તથા મોટા ચાર રસ્તા ઉપર મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત કરી દેવાયા છે. રાત દરમિયાન હિંસાની કોઈ નવી ઘટના નોંધાઈ ન હતી.

શાહીનબાગની જેમ જ જાફરાબાદમાં પણ મહિલાઓ સી.એ.એ. વિરુદ્ધ ધરણા પર બેઠી છે. હિંસક અથડામણ પછી રવિવારની સરખામણીએ સોમવારે જાફરાબાદમાં વધુ પોલીસની હાજરી નોંધાઈ હતી.

એક દેખાવકારે બી.બી.સી.સાથે વાત કરતા કહ્યું, "અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છીએ, કોઈ હિંસા નથી ઇચ્છતું."

"સોમવારની હિંસા પછી અમે ભયભીત છીએ, છતાં અમે પીછેહઠ નહીં કરીએ. અમે એક છીએ."

"બંધારણીય માર્ગે ભારતની વિભાવનાને બચાવવા માટે અમારી લડત ચાલુ રહેશે. ભારત અમારો દેશ છે અને અમે ભારતીય છીએ."

"અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે. કોને અઠવાડિયાં અને મહિના રસ્તા ઉપર બેસી રહેવું ગમે?"

જેમ-જેમ રાત પસાર થતી ગઈ, તેમ-તેમ ભીડ ઓછી થતી ગઈ. અમુક લોકો ધરણાંસ્થળે બેસી રહ્યા. રસ્તા ઉપર સળગેલાં વાહન, લાકડીઓ તથા પથ્થર વેરાયેલાં પડ્યાં હતાં.

પોલીસ તથા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા જાફરાબાદનું ધરણાંસ્થળ ખાલી કરાવવા અનેક પ્રયાસ કરી ચૂક્યા છે, પરંતુ દર નવો દિવસ નવી અનિશ્ચિતતા લઈને આવે છે.

રવિવારની રાત્રે દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ જાફરાબાદ નજીક મૌજપુર વિસ્તારમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેના કારણે આ વિસ્તારમાં શાંતિભંગ થયો હોવાના આરોપ થઈ રહ્યા છે.

મિશ્રાએ દિલ્હી પોલીસને 'અલ્ટિમૅટમ' આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોલીસ રસ્તા ખુલ્લા કરાવે અન્યથા તેઓ રસ્તા ઉપર ઉતરશે. દિલ્હી પોલીસ તથા અલગ-અલગ રાજકીય પક્ષોએ નાગરિકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

ડિસેમ્બર મહિનાના મધ્યભાગથી સી.એ.એ. વિરુદ્ધ દિલ્હીમાં ઠેર-ઠેર વિરોધપ્રદર્શન ચાલી રહ્યા છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો