દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં હિંસા પછી શું છે હાલ? : ગ્રાઉન્ડ રિપોર્ટ

  • ફૈસલ મોહમ્મદ અલી
  • બીબીસી સંવાદદાતા
હિંસાગ્રસ્ત વિસ્તારની તસવીર

ગોકુલપુરીની જે ટાયરમાર્કેટમાં સોમવારે આગચંપી કરવામાં આવી હતી, ત્યાં આજે પણ આગનો બનાવ બન્યો છે. ગોકુલપુરી મેટ્રોસ્ટેશન પહેલાં પથ્થરબાજી પણ જોવા મળી.

જ્યારે લોકોએ અમને શૂટિંગ કરતાં જોયા તો તેમણે અમારી પર પણ પથ્થર ફેંક્યાં. અમુક પથ્થર આવીને અમારી ગાડીને વાગ્યા અને એ પછી અમારે ત્યાંથી નીકળી જવું પડ્યું.

આ દરમિયાન જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા હતા. ગોકુલપુરીના મીટનગર વિસ્તારમાં આશરે 200 લોકો તિરંગા અને ભગવા ઝંડાઓ લહેરાવી વંદે માતરમના નારા લગાવતા જોવા મળ્યા.

આ જ સમયે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદમાં આવેલો નારો 'દેશ કે ઇન ગદ્દારો કો ગોલી મારો.....કો' પણ સાંભળવા મળ્યો.

ભજનપુરાના બાબરપુર મહોલ્લામાં એક જૂની મઝાર પર ગત રાતે તોડફોડ કરવામાં આવી અને આગ ચાંપી દેવાની કોશિશ થઈ.

બળેલાં ફૂલ અને કાળી પડી ગયેલી સ્ટીલની રેલિંગ દેખાય છે. આ હરકત કોણે કરી તે હજી જાણી નથી શકાયું.

આ મઝારથી 10-15 મીટર દૂર એક પોલીસ સહાયતા કેન્દ્ર છે. આ ખજૂરી ખાસ પોલીસસ્ટેશન હેઠળની એક ચોકી છે. આ પોલીસ ચોકી પર પણ હુમલો થયો. ભીડ સામે પોલીસ લાચાર થઈ ગઈ હશે એ સ્વાભાવિક છે.

મઝારની બહાર લગાવાતી ફૂલોની દુકાનને ઉજાડી નાખવામાં આવી છે અને બહાર બે બાઇક સળગાવી દેવાયાં છે.

આખા મહોલ્લામાં તણાવનો માહોલ છે. લોકો એકબીજાને કહે છે કે ભીડ ન વધારો. રસ્તા પર સન્નાટા અને સનસનીનો એક અજબ માહોલ છે. ચારે તરફ ઈંટો-પથ્થર અને તોડફોડના નિશાન છે.

હિંસા સમયે હાજર સ્થાનિક રહેવાસીએ અમને કહ્યું કે ઘટના બપોર પછી વધારે ભડકી. લોકોએ પેટ્રોલ-પંપને આગ લગાવી દીધી. પેટ્રોલ છાંટીને અનેક દુકાનો સળગાવી દીધી, બહારથી લોકો આવ્યા હતા અને બધાને મારતા હતા.

ત્યાં હાજર કેટલાક લોકોએ કહ્યું કે બજરંગદળ અને આરએસએસના લોકો હિંસા ભડકાવતા હતા. જોકે, આવું તેઓ કયા આધારે કહે છે એનો કોઈ જવાબ તેમની પાસે ન હતો.

હાજર એક યુવાને આરોપ મૂક્યો કે પોલીસ મુસલમાનોને મારી રહી હતી અને પથ્થરો ફેંકી રહી હતી.

કોને નિશાન બનાવવામાં આવ્યા

એક સ્થાનિક વ્યક્તિનો દાવો છે કે આ મુસ્લિમબહુલ મહોલ્લો છે અને અહીં તોડફોડ અને હિંસા કરનારા તમામ લોકો બહારથી આવ્યા હતા, પોલીસવાળા પણ તેમની સાથે હતા.

આ કારણે એમને લાગે છે કે આ સુનિયોજિત હતું.

એમનું કહેવું છે કે પાંચથી છ કલાક આ પથરાવ ચાલ્યો પરુંતુ પોલીસે એ રોકવાની કોશિશ ન કરી.

સ્થાનિક લોકો ફરી હિંસા કે પથ્થરમારાની ઘટના બની શકે તેવી આશંકા વ્યક્ત કરે છે, તેઓ વારંવાર લોકોને ભીડ ન વધારવા કહે છે.

લોકોએ પોલીસે છોડેલા ટિયરગેસના કૅનિસ્ટર દેખાડ્યા. એમનું કહેવું છે કે આ એમને નિશાન બનાવીને છોડવામાં આવ્યા હતા.

કેટલીક દુકાનોમાં સવારે પણ ધુમાડો દેખાઈ રહ્યો હતો. ફળોના જ્યૂસની એક દુકાનને ખરાબ રીતે તોડી પાડવામાં આવી છે. રસ્તા પર ચગદાયેલાં અને સળગાવી દેવાયેલાં ફળો દેખાય છે. ત્યાં જ એક નાની ગાડીને પણ રાખ કરી દેવામાં આવી છે.

ત્યાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે એ રાખ કરી દેવાયેલી ગાડી આઝાદ ચીકન નામની દુકાન ચલાવનારની હતી.

નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું કે, ગાડીને પેટ્રોલબૉમ્બનું નિશાન બનાવવામાં આવી હતી.

આઝાદ ચીકન સ્ટોરની સીડી ચઢીને અમે દુકાનમાલિક ભૂરે ખાનના ઘરે પહોંચ્યા.

એમણે કહ્યું કે, જ્યારે પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે પોલીસે એમને રોકવાની કોઈ કોશિશ ન કરી. અમે ભાગી શકીએ એમ પણ ન હતા. એમણે નીચેથી આગ લગાવી દીધી હતી અને અમે ઉપરના માળે હતા.

આગ લાગવાને લીધે છત ખરાબ રીતે બળી ગઈ હતી અને ગમે ત્યારે તૂટી પડે એમ હતી.

ભૂરે ખાન કહે છે કે આગ બપોરે અઢી વાગ્યે લાગી અને ફાયરબ્રિગ્રેડે લગભગ સાડા સાત-પોણા આઠ વાગ્યે પાણી નાખવાનું શરૂ કર્યુ.

ભૂરે ખાનના ઘરમાં હાજર એક વૃદ્ધાએ રડતાં-રડતાં કહ્યું, "અમારા ઘરમાં કંઈ નથી બચ્યું. બધું બળીને ખાખ થઈ ગયું."

"એમણે નીચે દુકાનમાં આગ લગાવી દીધી, જે ઉપર આવી અને બધું રાખ થઈ ગયું."

ભૂરે ખાને પોતાના ઘરમાં બીજા માળે લઈ જઈને દેખાડ્યું કે તેઓ કેવી રીતે છત પરથી ભાગીને એક સંબંધીને ત્યાં પહોંચ્યા. આગ એટલી તેજ હતી કે છત પરની પાણી ટાંકી પણ સળગી ગઈ હતી.

તેમણે કહ્યું, "ઘરમાં રાખેલા રૂપિયા પણ સળગી ગયા છે, શી ખબર હવે કેવી રીતે સમારકામ કરાવીશ."

કપિલ મિશ્રા પર આરોપ

ચાંદબાગના રહેવાસી જાહિદ કહે છે, "અહીં હિંદુ-મુસ્લિમ તમામ અમનથી રહેતા હતા. અંદરોઅંદર કોઈ ઝઘડો ન હતો. દંગો કરનારાને, પેટ્રોલબૉમ્બ ફેંકનારાઓ એ બધાને અહીં લાવવામાં આવ્યા અને તોફાન કરાવવામાં આવ્યું."

જાહિદ કહે છે કે આ આરએસએસ અને કપિલ મિશ્રાનું કામ છે.

તેઓ આવું કહે છે કેમ કે કપિલ મિશ્રાએ અહીં મૌજપુર ચોકમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી.

આ રેલીમાં કપિલ મિશ્રાએ કહ્યું હતું કે ડીએસપી સાહેબ સામે છે. ટ્રમ્પના જવા સુધી તો અમે શાંતિથી જઈ રહ્યા છીએ પરંતુ એ પછી તો અમે એમની (ડીએસપી) પણ નહીં સાંભળીએ. ટ્રમ્પના જવા સુધી તમે જાફરાબાદ અને ચાંદબાગ ખાલી કરાવી દો નહીં તો અમારે પાછા આવવું પડશે.

કપિલ મિશ્રા મૉડલ ટાઉનથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને હારી ચૂક્યા છે.

સ્થાનિક લોકોએ એક દેવીનું મંદિર બતાવ્યું અને કહ્યું કે મુસલમાનોએ એને કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખ્યું.

એમનું કહેવું છે કે તોફાન કરાવવાની બદનામી ન થાય તે માટે મુસલમાનોએ આખી રાત જાગીને હિંદુઓની દુકાનો અને મંદિરનું રક્ષણ કર્યું.

બીબીસીએ મંદિરના પૂજારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમનો સંપર્ક ન થઈ શક્યો.

એક સ્થાનિક સંજય તોમર મંદિર વિશે વાત કરવા આગળ આવ્યા.

એમણે કહ્યું કે આ ચાંદબાગમાં અમે આખી જિદગી કાઢી પણ કાલે જે માહોલ જોયો છે, એવો કદી નથી જોયો. બહુ પીડા થઈ એ હાલત જોઈને.

મેઇન રોડ પર એક મીઠાઈની દુકાન બાલાજી સ્વીટ્સને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એનું શટર તોડી નાખવામાં આવ્યું છે.

મેઇન રોડ પર સ્થિત મારુતિ સુઝુકીની સેકંડહૅન્ડ ગાડીઓના શો-રૂમને રાખ કરી દેવાયો છે. દુકાનની હાલત જોઈને જ આગ કેટલી ભયાનક હશે એ વર્તાઈ આવે છે.

એ શો-રૂમના માલિક સુધી અમે પહોંચી ગયા, પરંતુ તેઓ પોતાની પરેશાનીઓમાં વ્યસ્ત હતા અને કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. એમણે અમારી સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો.

જો એ વાતથી કોઈ ફરક પડતો હોય તો એ પણ નોંધવું રહ્યું કે શો-રૂમના માલિક શીખધર્મી હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો