બાલાકોટ ઍર સ્ટ્રાઇક : એ સવાલો જેના જવાબ આજ સુધી નથી મળ્યા

  • સલમાન રાવી
  • બીબીસી સંવાદદાતા
અભિનંદન

ઇમેજ સ્રોત, ANI

બાલાકોટ પરના હવાઈ હુમલા(ઍર સ્ટ્રાઇક)ના દાવાને બે વર્ષ થઈ ગયા છે, પણ એવા કેટલાક સવાલ છે જેના જવાબ ભારત કે પાકિસ્તાને આપ્યા નથી.

2019ની 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામા પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 78 વાહનોનો કાફલો સપડાઈ ગયો હતો.

એ વિસ્ફોટમાં 40 જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર દેશમાં દુઃખ તથા આક્રોશની લહેર ફેલાઈ ગઈ હતી. આ ઘટના સંસદીય ચૂંટણી પહેલાં બની હતી અને તે સંબંધે રાજકીય ગરમાગરમી સર્જાઈ હતી.

એ ઘટનાના બે સપ્તાહ પછી એટલે કે 26 ફેબ્રુઆરીએ ભારતે દાવો કર્યો હતો કે ભારતીય હવાઈ દળનાં મિરાજ-2000 વિમાને રાતના અંધારામાં અંકુશરેખા પાર કરીને પાકિસ્તાનના પૂર્વોત્તર વિસ્તાર ખૈબરપખ્તૂનખ્વાના બાલાકોટમાં જૈશે મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનના ''ટ્રેનિંગ કૅમ્પ્સ' પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા. એ ઑપરેશનનું સાંકેતિક નામ હતુઃ બંદર

ભારતનું નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલેએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "આ બિન-લશ્કરી કાર્યવાહીમાં જૈશે મોહમ્મદના આતંકવાદીઓ, તેમના ટ્રેનિંગ આપતા સંગઠનના મોટા કમાન્ડર અને ફિદાયીન (આત્મઘાતી) હુમલા માટે તૈયાર કરવામાં આવી રહેલા જેહાદીઓને ખતમ કરી નાખવામાં આવ્યા છે."

પાકિસ્તાનનો વળતો હુમલો

ઇમેજ સ્રોત, AFP

બીજા દિવસે પાકિસ્તાને વળતો હુમલો કર્યો હતો. એ હુમલા માટે ભારતનાં લડાયક વિમાનો તૈયાર હતાં. 'ડૉગ ફાઇટ'માં ભારતીય હવાઈ દળના મિગ-21 વિમાને પાકિસ્તાની હવાઈ દળના એક એફ-16 વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો ભારતે કર્યો હતો.

એ પછી પાકિસ્તાને પણ ભારતનું મિગ-21 વિમાન તોડી પાડ્યું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને પકડ્યા હતા તથા બે દિવસ બાદ મુક્ત કર્યા હતા.

બાલાકોટ 'સર્જિકલ સ્ટ્રાઇક' સંબંધે ભારત અને પાકિસ્તાનના દાવા-પ્રતિદાવા વચ્ચે આ પ્રકરણમાં એવા કેટલાય સવાલ છે, જેના જવાબ મળ્યા નથી.

તેમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે જે હેતુસર બાલાકોટ પર 'સર્જિકલ સ્ટ્રાઇક' કરવામાં આવી હતી તેમાં ભારત સફળ થયું છે ખરું?

જૈશે મોહમ્મદની એક મદરેસાનું નામ છેઃ 'મર્કઝ સૈયદ અહમદ શહીદ', ભારત માને છે કે એ મદરેસા વાસ્તવમાં એક ટ્રેનિંગ કૅમ્પ છે, જ્યાં ફિયાયીન ટુકડીને તાલીમ આપવામાં આવે છે. 'સર્જિકલ સ્ટ્રાઇક' પછી પાકિસ્તાની સૈન્ય પત્રકારોની એક ટુકડીને બાલાકોટ લઈ ગયું હતું.

અલબત, પત્રકારોની એ ટુકડીને, ભારતે જેના પર હુમલો કર્યો હતો એ ઇમારત સુધી લઈ જવામાં આવી ન હોવાનો આક્ષેપ છે.

એ ઇમારત જે પહાડી પર આવેલી છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સના પત્રકારોએ કર્યો હોવાનો આક્ષેપ પણ છે.

જોકે, પાકિસ્તાની સૈન્યે રોઈટર્સને ખૈબર પખ્તૂનખ્વાની એ પહાડી પર જવાની મંજૂરી આપી ન હતી. શા માટે આપી ન હતી, એ બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ઘટનાના એક મહિના પછી એટલે કે 28 માર્ચે પાકિસ્તાની સૈન્ય પત્રકારોની એક ટુકડીને ઍર સ્ટ્રાઇકના સ્થળે લઈ ગયું હતું.

મદરેસાની ઇમારત સલામત હોવાનું પત્રકારોની ટુકડીએ જણાવ્યું હતું. મદરેસામાં ભણતાં બાળકો અને સ્થાનિક નાગરિકો સાથે પણ પત્રકારોએ વાત કરી હતી.

જોકે, ભારતનો આક્ષેપ છે કે પાકિસ્તાની સેનાએ હુમલામાં થયેલા નુકસાન પર એક મહિનામાં લીંપણગૂંપણ કરી નાખ્યું હતું.

સવાલ એ પણ થાય છે કે ભારતના ફાઇટર વિમાનોએ ફેંકેલા બૉમ્બ તેના નિર્ધારિત નિશાન એટલે કે ઉગ્રવાદીઓને જ્યાં તાલીમ આપવામાં આવતી હતી એ ઇમારત પર જ પડ્યા હતા? ઉગ્રવાદીઓને તેનાથી ખરેખર નુકસાન થયું હતું?

પાકિસ્તાનને કેટલું નુકસાન?

ઇમેજ કૅપ્શન,

બાલાકોટમાં મદરસા

નુકસાનનું કોઈ સત્તાવાર આકલન ઉપલબ્ધ નથી. જોકે, ભારતીય મીડિયાએ સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે 'એ હુમલામાં લગભગ 300 આતંકીઓ માર્યા ગયા હતા.' સમાચાર એજન્સી એએનઆઈએ દાવો કર્યો હતો કે બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદસ્થિત ત્રણ 'આતંકી સ્થળ' પર હુમલા કરવામાં આવ્યા હતા.

અલબત, એ સંબંધે ભારતે સ્પષ્ટતા કરી હતી કે માત્ર બાલાકોટ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો.

ભારત તરફથી વાઈસ ઍરમાર્શલ આર. જી. કે. કપૂરે સત્તાવાર નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં કાર્યરત 'આતંકી સ્થળો' પર હુમલા કર્યા છે, જેમાં 'આતંકી સંગઠન'ને મોટું નુકસાન થયું છે.

નુકસાનનો તાગ મેળવવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

કેટલું નુકસાન થયું હતું એ જણાવવાનું વાઇસ ઍરમાર્શલે દેશના રાજકીય નેતૃત્વ પર છોડ્યું હતું. તેમ છતાં એ હુમલામાં કેટલા 'આતંકવાદી' માર્યા ગયા હતા એ આજ સુધી સ્પષ્ટ થયું નથી.

બાલાકોટ પરની સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા 'આતંકવાદી' માર્યા ગયા અને તેમને કેટલું નુકસાન થયું એ સંબંધે મીડિયામાં સૂત્રોને ટાંકીને સમાચારો પ્રસારિત થતા રહ્યા હતા.

જે સમયે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી એ સમયે મદરેસાની આસપાસ આશરે 200 મોબાઈલ ફોન મોજુદ હતા. તેને ટ્રેસ કરીને ભારતીય હવાઈ દળના વિમાનોએ નિશાન તાક્યું હતું.

તેથી ભારત એ હુમલામાં 'આતંકી સંગઠન'ના લગભગ 200 'ફિદાયીન' માર્યા ગયા હોવાની વાત કરે છે.

ભારતે પાકિસ્તાનના એક લડાયક વિમાન એફ-16ને ખરેખર તોડી પાડ્યું હતું કે કેમ તેનો નક્કર જવાબ પણ હજુ સુધી મળ્યો નથી.

યુદ્ધમાં ઉપયોગ ન કરવાની શરતે અમેરિકાએ તે વિમાન પાકિસ્તાનને આપ્યું હતું.

બૉમ્બ ક્યાં પડ્યા હતા?

સર્જિકલ સ્ટ્રાઇકના એક મહિનાથી વધુ સમય બાદ પાકિસ્તાની લશ્કરે સમાચાર એજન્સી રોઇટર્સ, અલ-જઝીરા અને બી.બી.સી.ના પત્રકારોને એ વિસ્તારમાં જવાની પરવાનગી આપી હતી, જ્યાં આવેલા 'આતંકવાદી અડ્ડા' ઘરાશયી કરવાનો દાવો ભારતે કર્યો હતો.

પાકિસ્તાની લશ્કરના અધિકારીઓ પત્રકારોને મદરેસામાં લઈ ગયા ત્યારે ત્યાં બાળકો અભ્યાસ કરતાં હતાં.

પત્રકારોએ તેમના અહેવાલોમાં જણાવ્યું હતું કે મદરેસાની ઇમારતને કોઈ નુકસાન થયું હોવાના સંકેત દેખાતા ન હતા.

કેટલાક પત્રકારોએ આજુબાજુના ગામોની મુલાકાત લીધી હતી અને ઘટનાના એક સાક્ષીને ટાંકીને જણાવ્યું હતું કે તેણે વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો. એક ગામવાસી ઘાયલ થયો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

ઘટનાના સાક્ષીએ જણાવ્યું હતું કે પાસે આવેલા જંગલ વિસ્તારમાં બૉમ્બ પડ્યા હતા. પછી પત્રકારોની ટુકડીને એ સ્થળે લઈ જવામાં આવી હતી.

એ સ્થળે તૂટેલાં વૃક્ષ અને વિસ્ફોટને કારણે જમીનમાં પડેલા ખાડા પત્રકારોને જોવા મળ્યા હતા.

ભારત શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

અહીં સવાલ થાય કે પત્રકારોને તત્કાળ ઘટનાસ્થળે લઈ જવાની પરવાનગી પાકિસ્તાની લશ્કરે શા માટે આપી ન હતી? એક મહિના પછી પત્રકારોને ઘટનાસ્થળે શા માટે લઈ જવામાં આવ્યા હતા?

એ એક મહિનામાં પાકિસ્તાની લશ્કરે તમામ પુરાવા નષ્ટ કરવાનું કામ કર્યું હોવાનો ભારત સરકારનો આરોપ છે.

'સર્જિકલ સ્ટ્રાઈક' પછી તરત જે ફોટોગ્રાફ્સ ભારતીય પત્રકારોને દેખાડવામાં આવ્યા હતા તેમાં ઇમારતોની છતને નુકસાન થયું હોવાનું દેખાતું હતું, પણ એક મહિના પછી પાકિસ્તાનમાં મોજુદ વિદેશી એજન્સીઓના પત્રકારોને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા, ત્યારે ઇમારતને નુકસાન થયું હોવાના કોઈ સંકેત દેખાયા ન હતા.

પાકિસ્તાન શું કહે છે?

પાકિસ્તાની લશ્કર તરફથી મેજર જનરલ આસિફ ગફુરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની કાર્યવાહીમાં ખાલી પહાડોમાં બોમ્બમારો કરવામાં આવ્યો હતો. તેમાં કોઈ ઘાયલ થયું નથી. કેટલાંક વૃક્ષોને નુકસાન થયાનો દાવો તેમણે કર્યો હતો.

તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ભારતના જેટ વિમાન પાકિસ્તાનના રડાર પર આવ્યાં અને પાકિસ્તાની હવાઈ દળે તેમને પડકાર્યાં ત્યારે ભારતીય જેટ વિમાનો પાછા ફરવા લાગ્યાં હતાં. પાછા ફરતી વખતે તેમણે 'ઝાબા' પહાડી પર બોમ્બ ફેંક્યા હતા.

અલબત ગફુરે એ જણાવ્યું ન હતું કે પડકારવામાં આવ્યા છતાં ભારતના લડાયક વિમાનો બોમ્બ ફેંકવામાં સફળ કઈ રીતે થયાં?

પાકિસ્તાની મીડિયાએ તેના લશ્કરને ટાંકીને જણાવ્યું હતું કે વળતા હુમલામાં પાકિસ્તાને ભારતીય હવાઈ દળનાં બે વિમાન તોડી પાડ્યાં હતાં અને બે પાઈટલોને પકડ્યા હતા. જોકે, પછી એક જ વિમાન તોડી પાડ્યું હોવાની વાત સાચી નીકળી હતી. એ વિમાનમાંથી વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કરવામાં આવી હતી. અભિનંદનને પણ પાકિસ્તાને બે દિવસ પછી છોડી મૂક્યા હતા.

ભારતનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવાઈ દળે દેશને 'હાઈ રિઝોલ્યુશન' ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા. તેમાં ચાર ઇમારતોને નુકસાન થયાનું દેખાતું હતું. ભારતે નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન(એનટીઆરઓ)ને ટાંકીને જણાવ્યું હતું કે 'સર્જિકલ સ્ટ્રાઇક' વખતે મદરેસાની આસપાસ 200 મોબાઇલ ફોન કાર્યરત હતા. તેને ટ્રેક કરવામાં આવ્યા હતા. તેથી એ નક્કી થઈ ગયું હતું કે 'આતંકવાદીઓ' ત્યાં હાજર છે.

ભારતનો દાવો છે કે ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં સમારકામ કર્યા બાદ પત્રકારોને ત્યાં લઈ જવામાં આવ્યા હતા. તત્કાલીન નાણા પ્રધાન અરુણ જેટલીએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન તેને કોઈ નુકસાન થયાનો ઇન્કાર કરે છે, કારણ કે તે એવું કરે તો આંતરરાષ્ટ્રીય સમુદાય તેને પૂછશે કે કેટલું નુકસાન થયું છે? ઇમારતમાં કેટલા લોકો હતા? કેટલા લોકો માર્યા ગયા છે? કેટલા ઘાયલ થયા છે? પાકિસ્તાન આવા સવાલોથી બચવા ઇચ્છતું હતું.

બન્ને દેશો સંદર્ભે આ કેટલાક સવાલો છે, જેનો કોઈ જવાબ મળ્યો નથી. બન્ને દેશો પોતાના દાવા પર અડગ છે. પોતાની પાસે પુરાવા હોવાનો દાવો તો તેઓ કરી રહ્યા છે, પણ બન્ને દેશો તેમની પાસેના પુરાવા દેખાડવા તૈયાર નથી.

(આ અહેવાલ મૂળ બાલાકોટ ઍર સ્ટ્રાઇકની પહેલી વરસી પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એને ફરીથી સંપાદિત કરવામાં આવ્યો છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો