દિલ્હી હિંસાના પીડિત હિન્દુ અને મુસ્લિમ યુવકની કહાણી

  • પીયૂષ નાગપાલ
  • બીબીસી સંવાદદાતા
રોહિત સોલંકી
ઇમેજ કૅપ્શન,

મૃતક રાહુલ સોલંકીના ભાઈ રોહિત સોલંકી

દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસામાં બુધવાર બપોર સુધી 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

આમાં દિલ્હી પોલીસના એક હૅડ કૉન્સ્ટેબલ રતનલાલ પણ સામેલ હતા.

આ વિસ્તારમાં સોમવારની બપોરે હિંસક ઘટનાઓ ઘટી હતી.

ત્યાર બાદ ચાંદ બાગ, ભજનપુરા, બૃજપુરી, ગોકુલપુરી અને જાફરાબાદમાં ભયનો માહોલ છે.

દિલ્હીના અમુક વિસ્તારોમાં રાત્રે પણ હિંસા અને પથ્થરમારાના સમાચાર આવ્યા.

આ હિંસાનો ભોગ બનેલા લોકોમાં મુસ્તફાબાદ અને ચાંદબાગના રહેવાસી બે યુવક સામેલ છે.

એક યુવકનું મૃત્યુ થયું હતું ત્યારે બીજો યુવક ઈજાગ્રસ્ત થયો છે.

બી.બી.સી.એ તેમના પરિવાર સાથે મુલાકાત કરી જેમાં તેમણે હિંસાની આંખે દેખ્યો હાલ જણાવ્યો હતો.

સામાન લેવા નીકળ્યા હતા રાહુલ સોલંકી

સોમવારે મુસ્તફાબાદના રહેવાસી 26 વર્ષના રાહુલ સોલંકીનું સાંજે છ વાગ્યે મોત થયું હતું. રાહુલ સોલંકી વેસ્ટિજ કંપનીમાં એન્જિનિયર હતા.

તેમના ભાઈ રોહિત સોલંકીએ કહ્યું, "રાહુલ ઘરનો સામાન લેવા માટે બહાર ગયો હતો. રસ્તામાં અમુક લોકોએ તેને ઘેરી લીધો હતો. અમુક લોકોના હાથમાં બંદૂક હતી અને તેઓ દોડીને ઘરોમાં ઘૂસી રહ્યા હતા."

"આ જોઈને રાહુલે પણ ભાગવાનું શરૂ કર્યું હતું, પરંતુ હેલ્મેટ પહેરેલા એક વ્યક્તિે તેને ગોળી મારી હતી. ગોળી તેમના ગળામાં લાગી હતી."

તેમનું કહેવું છે કે જે વ્યક્તિએ તેને ગોળી મારી તે રાહુલથી આશરે 70 મિટરના અંતરે હતો.

'આગળ કોઈ બીજાને મારી નાખશે'

ઇમેજ કૅપ્શન,

રાહુલ સોલંકીનો પરિવાર

રાહુલ સોલંકીના પરિવારજનો તેમને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા, પરંતુ કોઈ સારવાર વગર જ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

ઇમર્જન્સીની સુવિધા હોવા છતાં તેમને સારવાર ન મળી.

હૉસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધી તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો. પછી દિલ્હીની બાજુમાં આવેલા ગાઝિયાબાદ લોનીમાં સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા.

રોહિત સોલંકી કહે છે, "જીવનમાં બધું ખતમ થઈ ગયું. ભાઈ કહેતો હતો કે એક બે મહિના રોકાઈ જાઓ પછી કોઈને કમાવાની જરૂર નથી."

"તું બસ મારી સાથે રહેજે. આજે મારો ભાઈ મર્યો છે. અમને ન્યાય જોઈએ છે. આગળ કોણ જાણે કોને-કોને મારશે. ઘરમાં ઘુસી રહ્યા હતા."

"આ લોકો પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી, કંઈ નથી થઈ રહ્યું. આટલા દિવસથી રોડ જામ કરી રાખ્યો છે."

"બાળકોની પરીક્ષા છે. મરજી થાય એમના નામ પૂછી રહ્યા છે અને પછી તેમને મારી નાખે છે."

ગોડાઉનથી ઘરે જઈ રહ્યા હતા સગીર

ચાંદબાગના રહેવાસી સગીરને ત્યારે ગોળી વાગી જ્યારે તેઓ ગોડાઉનથી ઘર તરફ જઈ રહ્યા હતા.

તેમને બાહરની પરિસ્થિતિનો ખ્યાલ નહોતો.

સગીરના ભાઈ સમીરે કહ્યું કે જ્યારે તે ભીડમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ક્યાંકથી ગોળી લાગી અને જાંઘની આરપાર થઈ ગઈ.

સગીરને સોમવારે સાંજે છ વાગ્યે પુલની પાસે ચાંદબાગ વિસ્તારમાં ગોળી વાગી હતી.

તેમની હાર્ડવેરની એક દુકાન છે અને માતા-પિતા પહેલાં જ અવસાન પામ્યા છે.

સમીર કહે છે સગીર એક સીધો-સાદો માણસ હતો. તેના લગ્ન પણ નહોતા થયા.

સમીર કહે છે,''પોલીસકર્મીઓએ કંઈ ન કર્યું અને તેઓ અહીં આવ્યા પણ નહીં. મારા ભાઈને (સગીર) પણ અજાણ્યા લોકો મૂકીને ગયા."

"ડૉક્ટર કહી રહ્યા છે અત્યારે કંઈ ન કહી શકાય. એક ઑપરેશન તો થઈ ગયું."

"સવારે જ્યારે ફરીથી ચૅક કરવા આવ્યા ત્યારે બહુ લોહી નીકળી રહ્યું હતું. લોહી રોકાતું નહોતું. તેને ઑપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને હજુ સારવાર ચાલી રહી છે. આ જે ચાલી રહ્યું છે બસ ખતમ થઈ જાય, ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે."

હજુ સુધી જે થયું

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

ઈજાગ્રસ્તોને મળવા ગયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા

પૂર્વી દિલ્હીમાં હિંસા અને આગચંપીની ઘટના સાથે જોડાયેલી અમુક બાબતો વિશે વાત કરીએ તો-

સોમવારે થયેલી હિંસામાં બુધવાર બપોર સુધી 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

દિલ્હી પોલીસની પ્રવક્તા મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે હિંસામાં દિલ્હી પોલીસના 56 જવાન ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસે ધારા 144 લાગુ કરી હતી છતાં અમુક વિસ્તારોમાં મંગળવારે પણ હિંસા થઈ હતી.

મંગળવારે હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સરકારી-બિનસરકારી સ્કૂલ બંધ રહ્યા.

પોલીસે કહ્યું કે ડ઼્રોન અને સી.સી.ટી.વી.ની મદદથી તપાસ ચાલુ છે.

ખજૂરી ખાસ વિસ્તારમાં ભીડને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોલીસ પ્રમાણે 130 નાગરિકોને ઈજા થઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો