દિલ્હી હિંસા: હિંસા-આગચંપી દરમિયાન દિલ્હી પોલીસ શું કરી રહી હતી?

  • સંદીપ સોની
  • બીબીસી સંવાદદાતા
દિલ્હી પોલીસ

ઇમેજ સ્રોત, AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

તસવીરમાં દિલ્હી પોલીસના જવાનોની સામે દેખાતી મઝારને હુલ્લડખોરોએ આગ ચાંપી હતી

ઈશાન દિલ્હીમાં સોમવારે થયેલી હિંસાની તસવીરો અને વીડિયો બહાર આવી રહ્યા છે તેમ-તેમ કાયદો તથા વ્યવસ્થાના મુદ્દે દિલ્હી પોલીસની જવાબદારી સામે વધુ આકરા સવાલ પણ ઉઠી રહ્યા છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે મંગળવારે આખો દિવસ દિલ્હીમાં હતા તેના આગલા દિવસે એટલે કે સોમવારે આ હિંસા તથા આગચંપીની ઘટનાઓ બની હતી.

સોમવારે બનેલી હિંસા તથા આગચંપીની ઘટનાઓના ફોટોગ્રાફ્સમાં જોવા મળી રહ્યું છે કે પ્રદર્શનકર્તાઓએ પોલીસ પિકેટ પાસેની મઝારમાં આગ લગાવી હતી.

અન્ય ફોટોગ્રાફ્સમાં પેટ્રોલ પંપ, અનેક મોટરકાર, દુકાનો અને કેટલાંક મકાનો પણ સળગતાં નજરે પડી રહ્યાં છે.

દિલ્હી પોલીસને અંદાજો ન હતો કે જાફરાબાદ વિસ્તારમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન આટલું વકરશે?

દિલ્હી પોલીસનું પોતાનું ગુપ્તચર તંત્ર એટલી હદે સુસ્ત હતું કે તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન પહેલાં દિલ્હીમાં હિંસા તથા આગચંપીથી તંગદિલી આટલી વધી જશે તેની ખબર પણ પડી નહીં?

વિરોધ પક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી(આપ)નો આરોપ છે કે પોલીસને પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો ન હતો. અન્યથા કોઈ હુલ્લડખોર ભીડમાં બંદૂક તાકવાની હિંમત કઈ રીતે કરી શકે?

દિલ્હી પોલીસની ભૂમિકા વિશે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જામિયાની માફક પોલીસે આ કિસ્સામાં બળપ્રયોગ કર્યો ન હતો.

આ તમામ સવાલોના સંદર્ભમાં અમે પોલીસના ટોચના કેટલાક અધિકારીઓ સાથે વાત કરી હતી.

દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય રાય શર્માએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

દિલ્હીમાં સોમવારે થયેલી હિંસા દરમિયાન લાલ શર્ટધારી એક વ્યક્તિ પિસ્તોલ સાથે નજરે પડી હતી

પોલીસ રાજ્ય સરકારને અધીન હોય છે. તેનો અર્થ એ થયો કે તેમાં કેન્દ્ર સરકાર દખલ કરી શકે નહીં, પણ દિલ્હી પોલીસ તેમાં અપવાદ છે. દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારને અધીન છે.

બાકીનાં રાજ્યોમાં પોલીસ માટે મુખ્ય પ્રધાન જ સર્વસ્વ હોય છે, પણ દિલ્હીમાં એવું નથી.

પોલીસને કોઈ પણ સરકારની 'શક્તિ' ગણવામાં આવે છે.

તેથી પોલીસ યોગ્ય સમયે કાર્યવાહી કરશે અને તોફાન-હુલ્લડ અટકાવી દેશે એવી આશા રાખવામાં આવે છે.

પોલીસ એક પ્રકારનું યંત્ર છે, જેનો અંકુશ સામાન્ય રીતે રાજ્ય સરકારના હાથમાં હોય છે.

અહીં દિલ્હીમાં એ યંત્ર કેન્દ્ર સરકારના અંકુશ હેઠળ છે. તમે એ યંત્રનો ઉપયોગ નહીં કરો તો એ જાતે કશું નહીં કરે.

દેશનો કાયદો કહે છે કે પોલીસની નજર સામે કોઈ અપરાધ થતો હોય તો તેણે પગલાં લેવાં જોઈએ, પણ એ પ્રથાનો ધીમે-ધીમે વિલય થઈ રહ્યો છે.

અમે સર્વિસમાં હતા ત્યારે પહેલાં પગલાં લેતા હતા અને પછી જણાવતા હતા કે કેવી પરિસ્થિતિમાં પગલાં લેવાં પડ્યાં હતાં, પરંતુ હવે પગલાં લેવાં કે નહીં એ સરકારને પૂછવું પડે છે.

મને એ સમજાતું નથી કે પોલીસ પગલાં કેમ લેતી નથી? પોલીસને રોકવામાં આવે છે? પોલીસના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા છે?

પોલીસ પર કોઈ નિયંત્રણ ન હોય અને એ પગલાં ન લેતી હોય તો તે ગંભીર બાબત છે.

એવી જ રીતે કોઈએ પોલીસને પગલાં લેતાં રોકી ન હોય, તેમ છતાં એ પગલાં ન લેતી હોય તો એ વધારે ગંભીર બાબત છે.

પોલીસિંગ બે પ્રકારનું હોય છેઃ એક, રિઍક્ટિવ પોલીસિંગ. બીજું, પ્રિવેન્ટિવ પોલીસિંગ.

રિઍક્ટિવ પોલીસિંગમાં ઘટનાસ્થળે પહોંચ્યા બાદ વિગત નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની હોય છે, જ્યારે પ્રિવેન્ટિવ પોલીસિંગમાં ગુપ્ત માહિતી મેળવીને ઘટના બને એ પહેલાં કાર્યવાહી કરવાની હોય છે.

મારી દૃષ્ટિએ સોમવારની હિંસાના કિસ્સામાં પ્રિવેન્ટિવ પોલીસીંગની ખામી છે અને રિઍક્ટિવ પોલીસિંગ પણ સંપૂર્ણપણે થયું નથી.

દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી પોલીસ પાસે હિંસા તથા આગચંપી સંબંધી ગુપ્ત માહિતી જરૂર હશે. એવી માહિતી હોવા છતાં ઘણીવાર મોટાપાયે તોફાન થઈ જતાં હોય છે.

આખા શહેરમાં એક કાયદાવિરોધી માહોલ છે. ઘણા લોકો એ માહોલનો ફાયદો ઉઠાવવા ઇચ્છતા હોય એ શક્ય છે.

એવા લોકોમાં વિરોધી રાજકીય પક્ષો અને ભારતવિરોધી એજન્સીઓ સામેલ હોઈ શકે છે.

આ પરિસ્થિતિમાં સંભવિત હિંસા રોકવા માટે ઠેકઠેકાણે પોલીસ ગોઠવીને પરિસ્થિતિને અંકુશમાં લેવાનું થોડું મુશ્કેલ હોય છે.

તેથી આ માટે હું પોલીસને જવાબદાર માનતો નથી.

પોલીસે કાર્યવાહી કરી તેમાં જે આકરાપણું હોવું જોઈતું હતું એ હતું કે નહીં, તેનો નિર્ણય ટીવી ફૂટેજ જોઈને કરી શકાય નહીં.

પોલીસ તંત્રને મજબૂત બનાવવાની ગુંજાઇશ હંમેશા હોય છે, પણ પોલીસ હિંસા પર નિયંત્રણ મેળવી ન શકે તો એવું જરૂર માનવામાં આવશે કે પોલીસ ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહી છે.

દિલ્હી પોલીસ કેન્દ્ર સરકારને બદલે દિલ્હી સરકારને અધીન હોત, તો પણ સુધારણાના હિસાબે તેમાં કોઈ ફરક ન પડ્યો હોત, બલકે કાર્યપ્રણાલી બદતર હોત.

ઉત્તર પ્રદેશ પોલીસ કે બીજા કોઈ પણ રાજ્યની પોલીસનું ઉદાહરણ જોઈ શકો, જ્યાં પોલીસનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીના લોકો સદભાગી છે કે તેમને ત્યાં પોલીસ રાજ્ય સરકારના નહીં, પણ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર કામ કરે છે.

કેન્દ્ર સરકાર પાસે એટલો સમય નથી હોતો કે એ સમગ્ર દેશને બાજુ પર છોડીને રાજધાનીની પોલીસ માટે પોતાનો સમય વ્યય કરે. રાજ્ય સરકારો પાસે પોલીસનો દુરુપયોગ કરવા માટે ઘણોબધો સમય હોય છે.

એ સિવાય દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પાર્ટીનો આક્ષેપ રહ્યો છે કે પોલીસનું સંખ્યાબળ ઓછું છે.

જોકે દિલ્હી પોલીસે મંગળવારે પોલીસ બળ ઓછું હોવાના આરોપથી ઇન્કાર કર્યો હતો.

દિલ્હી પોલીસના પ્રવક્તા એમ. એસ. રંધાવા એ કહ્યું કે ઈશાન દિલ્હીમાં પૂરતી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. સીઆરપીએફ, આરએએફ અને વધારાના પોલીસ બળને પણ સક્રિય કરવામાં આવ્યું છે. 11 એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે અને અમુક લોકોની અટકાયત કરવામાં આવી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો