ભાજપના ત્રણ નેતાઓનાં ભડકાઉ ભાષણો પર FIR નોંધો - દિલ્હી હાઈકોર્ટે પોલીસને કહ્યું

પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશની રાજધાની નવી દિલ્હીમાં સી.એ.એ. મુદ્દે હિંસા ફાટી નીકળી છે. ત્યારે કેટલાક પ્રબુદ્ધો તેને વર્ષ 2002ની ગુજરાત હિંસા સાથે સરખાવે છે.

વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે લખ્યું,: "CCS (કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટી)ના એક પણ સભ્ય કે કોઈ વિરષ્ઠ પ્રધાને આ હિંસાને વખોડી નથી. પોલીસને સંદેશ સ્પષ્ટ છે. 1984/2002 મૉડલ છે."

સ્વરાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે ટ્વીટ કર્યું, "જો તમે દિલ્હીના 1984 (કે ગુજરાતના 2002) જોયા હોય (કે તેના વિશે સાંભળ્યું હોય) અને તેનું પુનરાવર્તન ન ઇચ્છતા હો તો સક્રિય થવાની જરૂર છે."

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શીખવિરોધી રમખાણમાં લગભગ ચાર હજાર શીખોની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલી હિંસામાં લગભગ એક હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

જોકે આ હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે સ્પેશિયલ પોલીસ કમિશનરના માધ્યમથી પોલીસ કમિશનરને કહેવડાવ્યું, "(ભાજપના ત્રણ નેતાઓનાં) ભડકાઉ ભાષણ પર FIR નોંધો."

મરણાંક 20 થયો

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ઘટી રહેલી હિંસક ઘટનાઓમાં મૃત્યુઆંક 20એ પહોંચ્યો છે. સોમવારથી શરૂ થયેલી હિંસાએ મંગળવારે પણ અટકવાનું નામ લીધું ન હતું.

બુધવારે ચાર લોકોને મૃતાવસ્થામાં જી. ટી. બી. હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

મંગળવારે મોડી રાત્રે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષાની સ્થિતિની જાતચકાસણી કરી હતી.

સમાચાર એજન્સી એ.એન.આઈ.ના (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના અહેવાલ અનુસાર, ડોભાલે ઉત્તર-પૂર્વ દિલ્હીના નાયબ કમિશનર કચેરીની મુલાકાત લીધી હતી.

ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદાની સામે પ્રદર્શન કરી રહેલાં લોકોને હઠાવી દેવામાં આવ્યા છે. મેટ્રો સ્ટેશન પાસે પ્રદર્શન કરી રહેલાં લોકોમાં મોટી સંખ્યા મહિલાઓની હતી.

સમાચાર એજન્સી એ.એન.આઈ. પ્રમાણે, દિલ્હી પોલીસે આની જાણકારી આપી. બી.બી.સી. સંવાદદાતા વિનાયક ગાયકવાડે પણ આની પુષ્ટિ કરી હતી.

જાફરાબાદમાં મહિલાઓ છેલ્લાં કેટલાંક દિવસથી સી.એ.એ.ની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહી હતી, પરંતુ શનિવાર રાત્રે પ્રદર્શનકારીઓમાંથી કેટલાકે જાફરાબાદ રોડને બ્લૉક કર્યો હતો.

રવિવાર રાત્રે ધરણાં સ્થળથી થોડેક દૂર સી.એ.એ.ના સમર્થનમાં મોટા પ્રમાણમાં ભીડ એકઠી થવા લાગી અને સ્થિતિ તણાવપૂર્ણ થવા લાગી, સોમવારે હિંસાની શરૂઆત થઈ હતી.

શાહીનબાગ મુદ્દે સુપ્રીમમાં સુનાવણી

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

મંગળવારે પણ હિંસા ચાલુ રહી હતી

તા. 15મી ડિસેમ્બરથી દિલ્હીના શાહીનબાગમાં સી.એ.એ. વિરુદ્ધ ધરણાં ચાલી રહ્યા છે. જેને ખતમ કરાવીને નોઇડા અને દિલ્હીને જોડતો માર્ગ ફરી શરૂ કરાવવા અંગેની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદલાતે આ સુનાવણી 23મી માર્ચ ઉપર મોકૂફ રાખી હતી અને કહ્યું હતું કે પહેલાં પરિસ્થિતિ થાળે પડે પછી શાહીનબાગ મુદ્દે સુનાવણી હાથ ધરાશે.

અદાલતે નોંધ્યું હતું કે જો કોઈ ઉશ્કેરણીજનક નિવેદન કરે તો પોલીસે કોઈકના આદેશની રાહ ન જોવાની હોય અને તત્કાળ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

જો પોલીસે ઉશ્કેરણી કરનારાઓ સામે કડક હાથે કામ લીધું હોત તો આ સ્થિતિ ઊભી ન થઈ હોત.

જ્યારે ઍટર્ની જનરલે કહ્યું કે સર્વોચ્ચ અદાલતની આવી ટિપ્પણીથી દિલ્હી પોલીસના મનોબળ ઉપર નકારાત્મક અસર થશે.

જેના બાદ બેન્ચે કહ્યું હતું કે દિલ્હી પોલીસ સામે કંઈ વાંધો નથી, પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે લાંબાગાળાની સ્થિતિને જોતાં આ જરૂરી છે.

હાઈકોર્ટમાં સુનાવણી

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ પ્રમાણે, તા. 25 અને 26ની મધ્યરાત્રિએ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી.

હાઈકોર્ટે દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યા હતા કે ઈજાગ્રસ્તોને તત્કાળ તબીબી સારવાર મળે તે માટે જરૂરી સંશાધનો કામે લગાડવા.

હાઈકોર્ટ બુધવારે બપોરે ફરી આ અંગે સુનાવણી હાથ ધરશે.

બીજી બાજુ, શાહીનબાગમાં સી.એ.એ.નો વિરોધ કરી રહેલાઓને હઠાવીને રસ્તો ખુલ્લો કરાવવા સંદર્ભની અરજી ઉપર સુનાવણી હાથ ધરશે.

સુપ્રીમ કોર્ટે શાહીનબાગ અંગે સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરશે.

હૉસ્પિટલ પહોંચ્યા હર્ષવર્ધન

ઇમેજ સ્રોત, PTI

કેન્દ્ર સરકારના સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને મંગળવારે સાંજે ગુરૂ તેગ બહાદુર હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

હૉસ્પિટલમાં પીડિતોને મળ્યા પછી તેમણે કહ્યું, "સોમવારે 81 લોકો ઘાયલ સ્થિતિમાં લાવવામાં આવ્યા હતા. મંગળવારે 69 દર્દીઓને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા."

"આમાંથી 30-40 લોકો તપાસ કરાવીને ઘરે જઈ ચૂક્યા છે. અહીં મેં ઘણાં દર્દીઓની સ્થિતિ જોઈ. આમાં અનેક દર્દીઓની હાલત ગંભીર માની શકાય છે."

56 પોલીસ કર્મીઓ ઘાયલ

ઇમેજ સ્રોત, PTI

દિલ્હી પોલીસના ડી.સી.પી. મનદીપ સિંહ રંધાવાએ સાંજે પ્રેસ કૉન્ફરન્સ કરી હિંસા અને તેના સાથે જોડાયેલી અનેક કાર્યવાહીની જાણકારી માહિતી આપી હતી.

ડીસીપી રંધાવાએ કહ્યું, "દિલ્હી પોલીસના 56 જવાનો ઘાયલ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં જરૂરિયાત પ્રમાણે જવાનો તહેનાત છે."

"તેમાં કોઈ ઉણપ આવી નથી. અમારી પાસે અર્ધસૈનિક દળમાં સીઆરપીએફ અને એસએસબી છે. આ સિવાય ગ્રાઉન્ડ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 144ની કલમ લગાવી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો