શું ખંભાતમાં થયેલી હિંસા પૂર્વાયોજિત હતી? - ગ્રાઉન્ડ રિપોર્ટ

હિંસામાં જેમને ચહેરા પર અને હાથ પર તલવાર મારવામાં આવી Image copyright Bhargav Parikh
ફોટો લાઈન હિંસામાં જેમને ચહેરા પર અને હાથ પર તલવાર મારવામાં આવી

"મારી ભત્રીજીનાં લગ્નમાં હું મુંબઈથી આવ્યો અને મારા ભાઈના ઘરે અમે લગ્નની તૈયારી કરતા હતા, ત્યારે અમારા ઘર પર અચાનક પથ્થર મારો થયો અને ટોળું ધસી આવ્યું."

"અમારા પર તલવારથી હુમલો કરવામાં આવ્યો અને ઘરમાંથી લગ્નનો સામાન, ઘરેણાં અને બધું લૂંટી ગયા."

"હું વચ્ચે પડવા ગયો તો મારા પર તલવારથી હુમલો કર્યો અને ઘરને સળગાવી નાખવામાં આવ્યું."

"છેવટે મારી ભત્રીજીનાં જે લગ્ન ખંભાતમાં કરવાનાં હતાં, એ હવે બોરસદ કરીશું. કલ્પના પણ નહોતી કે ધામધૂમથી થનારાં લગ્ન અમારે સાદાઈથી કરવા પડશે"

આ શબ્દો રાજેશભાઈ સાડીવાળાના છે, ચહેરા પર અને એક હાથમાં તલવાર વાગવાને કારણે પોતાની ભત્રીજીના લગ્ન છોડીને થોડો સામાન અને વૃદ્ધ માતાને સાચવીને બેઠા છે.

તો આવી જ પરિસ્થિતિ હિંદુ અને મુસ્લિમ ગરીબ બાળકોને મફત ભણાવનારા જાનિસાર નાસિરની છે.

જાનિસારના પિતા યુસુફભાઈએ ખંભાતમાં આખી જિંદગી અકીકના પથ્થરોને ઘસવાનું કામ કરીને એક ઘર બનાવ્યું હતું.

યુસુફભાઈ રવિવારે બપોરની નમાઝ પઢીને પરત આવી રહ્યા હતા ત્યારે એમને જોયું કે એમના મકાનને તોફાની ટોળાએ આગ લગાડી દીધી છે, આ જોઈ યુસુફભાઈને આઘાત લાગ્યો.

જાનિસાર કહે છે, "મારા પિતાને એટલો આઘાત લાગ્યો કે એમને હૃદયરોગનો હુમલો થયો, ખંભાત સળગતું હતું અને અમે એમને જેમ-તેમ કરીને દવાખાને લઈ ગયા અને ત્યાં એમનું મોત થયું."

જાનિસાર અને રાજેશભાઈ જેવા ખંભાતમાં કેટલાય પરિવારો છે કે જેઓ આવાં કોમીતોફાનોમાં ઘણું બધું ગુમાવી ચૂક્યા છે.

આણંદ જિલ્લાના ખંભાતમાં રવિવારથી હિંસાની ઘટનાઓ ઘટી રહી છે. સરકારે ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે સરકારે 500 પોલીસકર્મીઓને તહેનાત કર્યા હતા.


અકબરપુરાના મુસ્લિમ સમાજે 11 ફેબ્રુઆરીએ પત્ર લખ્યો હતો

Image copyright Bhargav Parikh
ફોટો લાઈન પોલીસઇન્સ્પેક્ટરને લખેલા પત્રની નકલ

પોતાનું ઘર છોડીને સાલવા વિસ્તારના મદ્રેસામાં બનાવેલા એક કૅમ્પમાં રહેતાં ફાતિમા બાનુ અને બીજા અક્બરપુરાના રહીશો કહે છે કે પોલીસે ગંભીરતા દાખવી હોત તો હિંસાને રોકી શકાઈ હોત.

તેઓ કહે છે, "અક્બરપુરાના લોકોએ 14 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ખંભાતમાં તોફાનો થવાની સંભાવના લેખિતમાં વ્યક્ત કરી હતી, પરંતુ પોલીસે આ અંગે ગંભીરતા દાખવી નહીં."

અકબરપુરામાં રહેતા મુસ્લિમ સમાજ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને એક પત્ર લખવામાં આવ્યો હતો.

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીની વચ્ચે ગમે ત્યારે અકબરપુરા મુસ્લિમ વિસ્તારમાં હુમલો થવાનો છે. તેવી અફવા/હકીકત બાબતે તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી.

પત્રમાં લખવામાં આવ્યું હતું કે 24 જાન્યુઆરી, 2020ના રોજ શુક્રવારની નમાજ દરમિયાન અકબરપુરા મુસ્લિમ વિસ્તાર પર અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અનેક પરિવારો ઘર-બાર છોડીને ચાલ્યા ગયા છે તેમ પણ લખવામાં આવ્યું હતું.


ઘર સળગાવી દેવાયું અને સામાન લુંટાયો

Image copyright Bhargav Parikh

ભાવસાર વાડમાં રહેતાં રીટાબહેન ભાવસારે કહ્યું, "રવિવારે હું મારી દીકરી સાથે બેડરૂમમાં જમ્યા પછી સૂતી હતી ત્યારે અચાનક ઘર પર પથ્થરમારો થયો બારીના કાચ તોડીને પથ્થરો આવતા હતા."

"એક સળગતો કાકડો પહેલાં તૂટેલા કાચમાંથી અંદર આવ્યો અને હું ગભરાઈ ગઈ કારણ કે ઘરમાં અમારા સિવાય કોઈ નહોતું. હું મારી દીકરીને લઈને ત્રીજે માળે ગઈ."

"અમે બાથરૂમમાં સંતાઈ ગયાં, અવાજો શાંત થયા એટલે ચારેક કલાક પછી હું અને મારી દીકરી નીચે ઊતર્યાં ત્યારે ઘરમાં ધુમાડાના ગોટેગોટા હતા."

"અમારા ઘરને સળગાવી દેવાયું હતું અને ઘણો સામાન લુંટાઈ ગયો હતો, પણ એ રવિવારની બપોરથી મારી દીકરી એવી ડરી ગઈ છે કે એને એના મામાના ઘરે મોકલી આપી છે."


'અમે નવું ઘર બનાવીશું કે લૉન ચૂકવીશું?'

અક્બરપુરા કોમી હિંસા પછી ખાલી થઈ ગયું છે, અહીં ધમધમતાં અકીકને પૉલિશ કરવાનાં હૅન્ડમેડ મશીનો શાંત થઈ ગયાં છે.

અક્બરપુરામાં રાજપીપળાથી આવતા અકીકના પથ્થરોને પૉલિશ અને કટિંગ કરવાનું કામ કરવામાં છે.

આ કામ માટે એક લાખ રૂપિયાની લૉન લઈને પથ્થર અને પૉલિશિંગનું મશીન લાવનાર 54 વર્ષીય શમીમ બાનુની હાલત પણ ખરાબ છે.

અહીંના સાલવાના મદ્રેસામાં બનાવાયેલા રાહત કૅમ્પમાં 36 પરિવારો સાથે શમીમ બાનુ રહે છે.

શમીમ બાનુ કહે છે, "મારા પતિ ભાડાની રીક્ષા ચલાવે છે અને મારો દીકરો મજૂરી કરે છે, મારી વહુ અને હું અકીકના પથ્થર તોડીને પૉલિશ કરીએ છીએ, પણ અચાનક અમારા પર પથ્થરમારો શરૂ થયો અને અમારાં ઘર સળગાવવાં લાગ્યાં."

"અમે ઘર છોડીને પહેરેલાં કપડે બહાર ભાગ્યાં, અમે બે દિવસથી કપડાં બદલ્યાં નથી. મારી વહુ અને પૌત્રને એના પિયર મોકલી દીધાં છે."

"વ્યાજે લાવેલા એક લાખ રૂપિયાનાં મશીન અને અકીકના પથ્થરો લુંટાઈ ગયા હશે, હવે અમે નવું ઘર બનાવીશું કે લૉન ચૂકવીશું એની અમને ખબર નથી."


ખંભાતમાં સરકાર લાગુ કરશે અશાંત ધારો

Image copyright Getty Images

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મંગળવારે કહ્યું, "ખંભાત જેમ વિકસતું જાય છે એમ એની ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતી જાય છે. જેને ધ્યાનમાં રાખી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ, વડોદરાની જેમ હવે ખંભાત સંવેદનશીલ બની ગયું છે એટલે અહીં અશાંત ધારો લાગુ કરવામાં આવશે."

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આણંદના ખંભાતમાં થયેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર આવી કોઈ ઘટના સાંખી લેશે નહીં અને કડક હાથે કામ લેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું, "ગૃહમંત્રીએ સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે, એટલું જ નહીં રાજ્યના પોલીસ મહાનિદેશક પણ ખંભાત પહોંચ્યા છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને મક્કમ હાથે ડામી દેવા કટિબદ્ધ છે."

વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહવિભાગ અને પોલીસ તંત્રને સૂચનાઓ આપી છે.


અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે

Image copyright Bhargav parikh
ફોટો લાઈન ખંભાતમાં બંદોબસ્તમાં રહેલ પોલીસ અધિકારી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ ખંભાતમાં થયેલાં તોફાનોની જાતતપાસ માટે જ્યારે ખંભાત આવ્યા ત્યારે તેમણે કહ્યું, "આ શહેરમાં થઈ રહેલાં કોમી તોફાનો દુ:ખદ છે અને આ કોમી તોફાનોમાં પોલીસની જો બેદરકારી દેખાશે તો તેમની સામે ખાતાકીય તાપસ પણ કરવામાં આવશે."

શિવાનંદ ઝાએ વધુમાં કહ્યું કે આ અંગે તેઓ ગંભીર છે અને આ સમગ્ર કેસમાં ટેકનિકલ સર્વેલન્સ માટે એટીએસની મદદ પણ લેવામાં આવી રહી છે અને કોઈ પણ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલી હશે તો એની સામે પણ કડક કાર્યવાહી કરાશે.

ખંભાતના રેન્જ આઈ.જી. એ. કે. જાડેજાએ કહ્યું, "રેપિડ ઍક્શન ફોર્સ સહીત જિલ્લા પોલીસની મદદથી ખંભાતમાં ફૂટ પેટ્રોલિંગથી માંડી કૉમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે."

"અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ થઈ છે અને વધુ તપાસ બાદ આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવશે."

ખંભાતમાં અત્યારે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વસતીગણતરીના આંકડા પ્રમાણે 19,765 જેટલાં મકાનો ધરાવતા ખંભાત માં 99186ની વસતી છે, જેમાં 72.88% હિંદુ છે અને 23.87% મુસ્લિમ છે, બાકી અન્ય કોમના લોકો વસે છે.

ખંભાત આમતો પહેલાંથી કોમી તોફાનો માટે જાણીતું છે પણ અહીં આવાં ગંભીર પ્રકારનાં કોમી તોફાનો થતાં નહોતાં.


'સ્થાનિક નેતાઓને કારણે હિંસામાં વધારો'

Image copyright Bhargav Parikh

ખંભાતમાં લાંબા સમય સુધી પોલીસમાં નોકરી કરી રિટાયર્ડ થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ પરમાર કહે છે, "ખંભાતમાં હિંદુ અને મુસ્લિમોનાં મકાનો અડીઅડીને આવેલાં છે, જેથી મોટા ભાગે ઉત્તરાયણ અને લગ્નના વરઘોડા નીકળે ત્યારે કોમી તોફાનો થતાં હતાં."

"જેને અમે કડક હાથે દાબી દેતા હતા એટલે છમકલાં થઈને રહી જતાં."

તેઓ કહે છે, "લોકો વેર રાખીને કોમી તોફાનો કરતા હતા પણ એ અકબરરપુરા, સાલવા, ચુનારાવાડ, શક્કરપુર અને લીબડી જેવા વિસ્તારો પૂરતાં સીમિત રહેતાં અને અમે એને કાબૂમાં પણ લેતાં હતાં"

પોલીસ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ પરમાર માને છે કે સ્થાનિક નેતાઓની પોલીસ કાર્યવાહીમાં દખલગીરીના કારણે હિંસા વધારો થાય છે.

તેઓ નેતાઓ પર આરોપ મૂકે છે કે બની બેઠેલા બંને કોમના નેતાઓની દખલગીરીને કારણે કોમી રમખાણો વધ્યાં છે અને પોલીસ પણ કડક હાથે કામ લેતા ડરે છે, એટલે આ સ્થિતિ ઊભી થઈ છે.


છેલ્લા બે મહિનામાં ચાર વખત હિંસા

Image copyright Bhargav Parikh

ખંભાતમાં કોમી હિંસાના છમકલાં થતાં રહે છે પણ છેલ્લાં ચાર વર્ષમાં કોમી તોફાનોની મોટી ઘટઓ ઘટી છે.

નવેમ્બર, 2016માં બનેલી કોમી હિંસાની ઘટનામાં એક પી.એસ.આઈ.ને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે 2019માં 25 ફેબ્રુઆરી અને 24 જાન્યુઆરીએ હિંસા થઈ હતી.

વર્ષ 2020ના પહેલા બે માસમાં ચાર વખત તોફાન થયાં છે.

14, 15 અને 24 જાન્યુઆરી 2020, 23 અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ તોફાનની ઘટના ઘટી છે.


'મુસ્લિમોમાં અસલામતીની ભાવના વધી'

Image copyright Bhargav Parikh

ખંભાતની ઘટના વિશે સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની મુસ્લિમોમાં ફેલાયેલી અસલામતીની ભાવનાને જવાબદાર ગણે છે.

તેઓ કહે છે, "2002 પછી મુસ્લિમોમાં અસલામતીની ભાવના વધી છે અને આ ભાવના નાગરિક સંશોધન કાયદા અને એન.આર.સી. પછી વધુ પ્રબળ બની છે."

"જેના કારણે પણ તોફાનો થાય છે, જો મુસ્લિમોમાં સલામતીની ભાવના આવી જશે તો આ સમસ્યા ઝડપથી દૂર થઈ જશે."

તેઓ એમ પણ કહે છે કે ખંભાતમાં કોમી હિંસાનો ઇતિહાસ આવો જ રહ્યો છે.

તેઓ ઉદ્યોગને બે કોમ વચ્ચેનો સંપ ગણાવીને કહે છે, "અહીં મુખ્યત્વે અકીક અને પતંગનો ધંધો બંને કોમને એક બીજા સાથે જોડી રાખે છે, પણ એમાં મંદીના કારણે આર્થિક તકલીફ પણ આવાં તોફાનો માટે જવાબદાર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો