ખંભાતમાં કોમી તોફાન પછી ભૂતિયા માહોલ, હજારો લોકો ઘર છોડી ભાગ્યા - ગ્રાઉન્ડ રિપોર્ટ

અક્બરપુરનું એક ઘર

ભેંકાર પડેલા આ વિસ્તારમાં પ્રવેશ કરો તો સળગી ગયેલી સાઇકલ, બળીને ખાક થયેલો ઘરવખરીનો સામાન અને રસ્તા પર પથ્થર જોઈને ત્યાં થયેલી હિંસાનો ખ્યાલ આવી જાય છે.

અત્યારે આ વિસ્તાર ભેંકાર પડ્યો છે કારણ કે લોકો પોતાના ઘર જેમ છે એમ જ છોડીને ચાલ્યા ગયા છે.

મંગળવારે કેટલાક ઘરોમાં આગ લગાડવામાં આવેલી અને તોડફોડ કરવામાં આવી હતી.

આ વિસ્તારમાં આશરે બે હજાર ઘર ખાલી થઈ ગયા છે તેમાં હજાર જેટલાં હિંદુ સમુદાયના લોકોના ઘર છે અને બાકી મુસ્લિમ સમુદાયના લોકોના ઘર છે.

રવિવાર અને પછી મંગળવારે બનેલી હિંસા પછી લોકોમાં એટલી બીક છે કે હિંદુ અને મુસ્લિમ બંને પોતાના ઘર છોડીને જતા રહ્યા છે.


હિંસા, તોડફોડ અને આગચંપી

એક ઘરમાં અમે પ્રવેશ કર્યો હતો તો ઘરમાં હાજર લગભગ બધી જ વસ્તુઓ, કપડાં, વાસણ, ખુરશી, લગભગ ઘરની એક-એક વસ્તુ વેર-વિખેર પડી હતી.

એનાથી અહીં થયેલી હિંસાનો અંદાજ લગાવી શકાય છે.

ગત રવિવારે ખંભાતમાં કોમી તોફાન થયા હતા અને બે અલગ-અલગ વર્ગોમાં અથડામણ થઈ હતી.

હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો સામ-સામે આવી ગયા હતા.

23 ફેબ્રુઆરીએ ગુજરાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, ત્યારે હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ પેદા થઈ હતી.

જોકે આ પહેલી વખત નથી કે પરિસ્થિતિ વણસી હોય. આ પહેલાં પણ અહીં પરિસ્થિતિ બગડી હતી અને તણાવ ફેલાયો હતો.

સોમવારે એટલે 24 ફેબ્રુઆરીએ, ખંભાતમાં સોશિયલ મીડિયા અને વૉટ્સઍપ પર મૅસેજ વાઇરલ કરવામાં આવ્યા અને ટોળું ભેગું કરવામાં આવ્યું.

સ્થાનિક લોકો પ્રમાણે, હિંદુ સમાજના લોકો આ વિસ્તારની બાજુમાં ગ્વારા ટાવરની પાસે ભેગા થયાં અને મંગળવારે ફરીથી તેઓ એક આવેદન-પત્ર આપવા માટે એકઠા થયા ત્યારબાદ પરિસ્થિતિ ફરીથી વણસી ગઈ હતી.

આ પહેલાં રવિવારે પણ અહીં પરિસ્થિતિ વણસી ગઈ હતી.


'જે લોકો ચાચા કહેતા, એમાંથી કોઈએ ર બાળ્યું મારું'

અક્બરપુરમાં એક ઘરની બહાર કબાટ તૂટેલો પડ્યો છે, તેનો સામાન પણ રસ્તા પર વિખેરાયેલો છે. કદાચ ભયના કારણે મંગળવાર પછી કોઈ આવ્યું નહીં હોય આ સામાનને આટોપવા.

સ્થાનિક લોકોએ બી.બી.સી.ને કહ્યું કે "પથ્થરમારા અને આંગચંપી સિવાય લૂંટફાટ પણ કરવામાં આવી છે."

કેટલાય વર્ષોથી અહીં રહેતા સત્તારભાઈએ કહ્યું, "નાના મોટા ઝઘડા થતા હોય પણ આવું ક્યારેય નહોતું થયું, જે લોકો મને ચાચા કહેતા અને સન્માન કરતા હતા એમાંથી કોઈએ મારૂં ઘર બાળી નાખ્યું, હું કોઈનો વાંક નથી કાઢતો."

પ્રવીણ ચુનારા, "મારું ઘર અને મારા ભાઈનું ઘર બાળી નાખ્યું છે. ઘરના છાપરા તોડી પાડ્યા છે. મારા પરિવારના બધા લોકો જતા રહ્યા છે, છેલ્લા ચાર દિવસથી ખાવાનું ઠેકાણું નથી. અત્યારે તો હું એકલો જ અહીં છું."

આ વિસ્તારમાં ચુનારા સમુદાયના લોકો મુખ્યત્વે રહેતા હોય છે.

પતંગ બનાવવાનું કામ પણ આ વિસ્તારમાં થાય છે. મોટાભાગે ચુનારા લોકો પતંગ બનાવે છે અને મુસ્લિમ લોકો પતંગ વેચતા હોય છે.

એ સિવાય અહીં અકીકની પૉલિશિંગમાં ચુનારા લોકો મજૂરી કરતા હોય છે.

અક્બરપુરામાં ધમધમતાં અકીકને પૉલિશનાં હૅન્ડમેડ મશીનો હાલ બંધ પડ્યાં છે.

અક્બરપુરામાં રાજપીપળાથી આવતા અકીકના પથ્થરોને પૉલિશ અને કટિંગ કરવાનું કામ કરવામાં છે.

અક્બરપુર પછી બધે ફેલાઈ હિંસા

આ પહેલાં રવિવારે જ્યારે ખંભાતમાં તોફાનની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પોલીસ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અહીંયા નહોતી પહોંચી, કારણ કે સ્થાનિક પોલીસને અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન તહેનાત કરવામાં આવી હતી.

સ્થાનિક લોકો પ્રમાણે રવિવારે ચારથી પાંચ કલાક સુધી બંને સમુદાયો વચ્ચે સામ-સામે પથ્થરમારો ચાલ્યો હતો.

સોમવારે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે એક સમુદાયના લોકોને એકઠો કરવા માટે ઉશ્કેરણીજનક મૅસેજ સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા હતા.

મંગળવારે અક્બરપુરની નજીક આવેલા ગ્વારા ટાવર પાસે એક મોટી મીટિંગ બોલાવવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે હિંદુ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયા અને હિંદુ જાગરણ મંચ તથા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા.

મંગળવારે જ્યારે દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિવિધ બેઠકોમાં ભાગ લઈ રહ્યા હતા અને દિલ્હીમાં હિંસા થઈ રહી હતી, ત્યારે આ વિસ્તારમાં પણ તોફાન થયા.

અક્બરપુરથી ચાલુ થયેલું તોફાન શહેરના બીજા ભાગોમાં પણ ફેલાઈ ગયું હતું.

સાત એફ.આઈ.આર.

પોલીસનું કહેવું છે કે આ બાબતે અત્યાર સુધી સાત એફ.આઈ.આર. દાખલ કરી છે.

ટોળાની સાથે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને હિંદુ જાગરણ મંચના અમુક લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હાલ અક્બરપુર વિસ્તારના રહેવાસી તો ચાલ્યા ગયા છે અને પોલીસનો પહેરો છે.

હજારો લોકો આસપાસના વિસ્તારોમાં જતા રહ્યા છે અને પોલીસ અહીં પેટ્રોલિંગ કરી રહી છે.

એ સિવાય ખંભાતમાં રવિવારથી થયેલી હિંસાને જોતાં સરકારે અશાંત ધારો લાગુ કરવાની જાહેરાત કરી છે.

મંગળવારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી કે ખંભાત જેમ વિકસતું જાય છે એમ એની ડેમૉગ્રાફિક પરિસ્થિતિ બદલાતી જાય છે. જેને ધ્યાનમાં રાખી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ, વડોદરાની જેમ હવે ખંભાત સંવેદનશીલ બની ગયું છે એટલે અહીં અશાંત ધારો લાગુ કરવામાં આવશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર આવી કોઈ ઘટના અંગે કડક હાથે કામ લેવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા