દિલ્હી હિંસામાં મૃત્યુ પામેલા લોકોની કહાણી શું છે?

દિલ્હી હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં ગત સોમવારે ભયાનક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે શરૂ થયેલાં નાના-નાના ઝઘડાએ જોત-જોતામાં સાંપ્રદાયિક હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

દેશના પાટનગર દિલ્હીમાં હિંદુઓ અને મુસ્લિમોની વચ્ચે ભડકેલી હિંસાએ તોફાનોનું સ્વરૂપ ધરાણ કરી લીધું. આ તોફાનોમાં 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં અને 200થી વધારે લોકો ઘાયલ થયા.

આ મૃત્યુઆંક વધી શકે છે અને મૃતકોના પરિવારના સભ્યો આઘાતમાં છે.

બીબીસીના સંવાદદાતાઓએ અલગ-અલગ વિસ્તારમાં જઈને હિંસામાં મૃત્યુ પામનાર લોકો વિશે જાણકારી એકઠી કરી. આ મૃતકોની સંપૂર્ણ યાદી નથી.

ઇમેજ સ્રોત, DHEERAJ BARI

1. રતન લાલ, ઉંમર : 42 વર્ષ

મૃત્યુનું કારણ : ગોળી વાગવી

વ્યવસાય : હેડ કૉન્સ્ટેબલ, દિલ્હી પોલીસ

રતન લાલ કથિત રીતે દિલ્હીની હિંસામાં સૌથી પહેલાં મૃત્યુ પામનારી વ્યક્તિઓમાંથી એક છે. પ્રાથમિક અહેવાલો મુજબ, રતનલાલ પથ્થર વાગવાના કારણે મૃત્યુ પામ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસના પીઆરઓ અનિલ મિત્તલે બીબીસીની વાતચીતમાં કહ્યું કે રતન લાલને ગોળી વાગી હતી.

ઘરમાં તેમનાં માતા, પત્ની અને ત્રણ બાળકો છે.

રતનલાલનાં પત્ની પતિના મૃત્યુ બાદ આઘાતમાં છે. તેમણે પતિના મૃત્યુના સમાચાર સાંભળીને ચીસ પાડી અને કેટલીય વાર બેહોશ થઈ ગયાં. જ્યારે કોઈએ તેમને કાંઈ ખાવા વિશે કહ્યું ત્યારે તેમણે કહ્યું, "જ્યારે તે (રતનલાલ) પરત ફરશે, ત્યારે જમીશ"

2. વીરભાન, ઉંમર : 45 વર્ષ

ઇમેજ સ્રોત, GAJENDRA SINGH

મૃત્યુનું કારણ : માથામાં ગોળી વાગવી

વ્યવસાય : નાના વેપારી

25 ફેબ્રુઆરીએ વીરભાન જમવા માટે જઈ રહ્યા હતા. તે ઉત્તર-પૂર્વ દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તાર મૌજપુર પાસે આવેલાં શિવવિહારચોક પાસેથી પસાર થઈ રહ્યા હતા.

તેમના પરિવારનું કહેવું છે કે વીરભાનનો દેહ મળી આવવાની સૂચના તેમને ફોન પર મળી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં વીરભાનના ભાઈ ગજેન્દ્રસિંહે કહ્યું, "અમે તેમને લઈને જીટીબી હૉસ્પિટલ ગયા, જ્યાં તેમને પહેલાંથી મરેલા જાહેર કરવામાં આવ્યા."

પરિવારમાં એકમાત્ર કમાનાર વીરભાનના ઘરમાં પત્ની અને ત્રણ બાળકો છે.

3.મેહતાબ, ઉંમર : 23 વર્ષ

મૃત્યુનું કારણ : જીવતા સળગાવાયા

વ્યવસાય : કન્સ્ટ્રક્શનમજૂર

મેહતાબ 25 ફેબ્રુઆરીએ બૃજપુરીસ્થિત પોતાના ઘરમાંથી સાંજે ચાર વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે નીકળ્યા પણ પરત ન ફર્યા.

તેમના ભાઈએ કહ્યું, "મેં તેને ના પાડી હતી કે ના જઈશ પરંતુ તેણે કહ્યું કે તેનું ચા પીવાનું મન છે. તેમના ગયા પછી ઘરવાળાએ દરવાજો બંધ કરી દીધો, કારણ કે વિસ્તારમાં માહોલ ખૂબ જ ખરાબ હતો."

પછી તેમનાં બહેનને સમાચાર મળ્યા કે મેહતાબને જીવતાં સળગાવી દેવામાં આવ્યા છે. તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરાયા.

48 કલાક જેટલો સમય પૂર્ણ થયા પછી પણ મેહતાબનો પરિવાર પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો.

તેઓ પોતાની માતા, બહેન અને પરિવારના બીજા સભ્યોની સાથે રહેતા હતા.

4. શાહિદ અલ્વી, ઉંમર : 23 વર્ષ

ઇમેજ સ્રોત, RASHID ALVI

ઇમેજ કૅપ્શન,

બે વખત ગોળી મારવામાં આવી

મૃત્યુનું કારણ : પેટમાં બે ગોળી મારવામાં આવી

વ્યવસાય : ઑટોરિક્ષા ડ્રાઇવર

શાહિદના ભાઈ ઇમરાન જીટીબી હૉસ્પિટલમાં ભાઈના મૃતદેહની જોઈ રહ્યા હતા, ત્યારે અમારી તેમની સાથે મુલાકાત થઈ. તેમણે ઘણી હિંમત એકઠી કરીને અમારી સાથે વાત કરી.

ઇમરાને બીબીસીને કહ્યું, "મારા ભાઈને ઑટોમાંથી બહાર ખેંચવામાં આવ્યો અને પછી ગોળી મારી દેવામાં આવી."

તેમને કેટલાક અજાણ્યા લોકો હૉસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમના પરિવારને વૉટ્સઍપ પર તેમના મૃત્યુની જાણકારી મળી જેમાં શાહિદના મૃતદેહની પણ તસવીર હતી.

ઇમરાન કહે છે, "જેવી અમે તસવીર જોઈ અમે હૉસ્પિટલ દોડ્યા."

શાહિદના ચાર મહિના પહેલાં લગ્ન થયાં હતાં. તેમનાં પત્ની ગર્ભવતી છે.

5. મુબારક હુસૈન, ઉંમર : 32 વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

મૃત્યુનું કારણ : છાતીમાં ગોળી વાગવી

વ્યવસાય : મજૂરી

મુબારક હુસૈન પાંચ લોકોના પરિવારમાં એકમાત્ર કમાનાર હતા. તેમના ત્રણ નાના ભાઈ છે, જે બેરોજગાર છે અને તેમના વૃદ્ધ પિતા બિહારમાં રહે છે.

તેઓ રોજ મજૂરી પછી મૌજપુર-બાબરપુરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનમાં પણ સામેલ થતા હતા. આ પ્રદર્શન મહિલાઓની આગેવાનીમાં ચાલતુ હતું.

હુસૈનના પડોશી દાનિશે બીબીસીને કહ્યું, "તે હંમેશાં ત્યાં વિરોધ કરી રહેલી મહિલાઓને ખાવા-પીવાનું આપવા જતા હતા અને ક્યારેક ક્યારેક વિરોધપ્રદર્શનનો પણ ભાગ બનતા હતા."

છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ મુબારક હુસૈનનું મૃત્યુ થયું હતું અને મૃતદેહ ત્રણ કલાક સુધી રોડ પર પડી રહ્યો હતો.

તેમના મકાનમાલિક રેહાન કહે છે, "અમે ત્રણ કલાક સુધી ઍમ્બુલન્સ બોલાવવા માટે ફોન કર્યો પરંતુ કોઈ આવ્યું નહીં." રેહાને બીબીસીને પોતાનો મોબાઇલ પણ દેખાડ્યો જેમાં તે બપોરે પોણા બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે ઍમ્બુલન્સ માટે ફોન કર્યા હોવાના રેકર્ડ હતા.

અમે મળ્યા ત્યારે મુબારક હુસૈનના ભાઈ સદાકત જે તેમને મળવા દિલ્હી આવ્યા હતા, જીટીબી હૉસ્પિટલની બહાર તેમના મૃતદેહ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા.

6. અશફાક હુસૈન, ઉંમર : 24 વર્ષ

ઇમેજ કૅપ્શન,

અશ્ફાક હુસેનના લગ્ન બે મહિના પહેલાં થયા હતા

મૃત્યુનું કારણ : ઘણી વખત ગોળી વાગવી

વ્યવસાય : ઇલક્ટ્રિશિયન

અશફાક હુસૈને બે અઠવાડિયા પહેલાં જ વેલેન્ટાઇન દિવસે નિકાહ પઢ્યા હતા.

પરિવારના દાવા અનુસાર હિંસા દરમિયાન કામથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને પાંચ ગોળી મારવામાં આવી હતી.

અશફાકનાં માતા હઝરાએ બીબીસીને કહ્યું, "તેણે શું ખોટું કર્યું હતું? તેની પત્ની શું કરશે? કોણ તેની દેખરેખ રાખશે?"

પરિવારનું કહેવું છે કે અશફાકના ગળામાં તલવારના ઘા પણ મરાયા હતા.

7. પરવેઝ આલમ ઉંમર : 50 વર્ષ

ઇમેજ કૅપ્શન,

પરવેઝ આલમના દીકરા મહમદ સાહિલ

મૃત્યુનું કારણ : ગોળી વાગવી

વ્યવસાય : પ્રૉપર્ટી ડિલર

પરવેઝ આલમના દીકરા મહમદ સાહિલ કહે છે કે તેમની આંખની સામે જ ઘરની બહાર તેમના પિતાને ગોળી મારી દેવામાં આવી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મેં તેમને કહ્યું હતું કે બહાર ન જતા પણ તેઓ કહી રહ્યા હતા કે મને કાંઈ નહીં થાય"

તે દરવાજા પર ઊભા હતા અને જેવા અંદર જવા માટે પરત ફર્યા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી.

કેટલાક અન્ય પીડિત પરિવારની જેમ એમનું પણ કહેવું છે કે પરવેઝને બચાવવા માટે ઍમ્બુલન્સ નહોતી પહોંચી. તેમને મોટરસાઇકલ પર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું.

સાહિલ કહે છે, "તોફાનોના કારણે પરિવારના બાકી લોકો તેમના જનાજામાં સામેલ થતાં ડરતા હતા."

8. વિનોદ કુમાર ઉંમર : 51 વર્ષ

ઇમેજ કૅપ્શન,

દિલ્હી હિંસામાં મરનાર વિનોદ કુમારના દીકરા મોનુ

મૃત્યુનું કારણ : માર મારીને હત્યા કરાઈ

વ્યવસાય : લગ્ન અને પાર્ટીનો વ્યવસાય

વિનોદ કુમાર પોતાના દીકરા મોનૂની સાથે મોટરસાઇકલથી મેડિકલ સ્ટૉર દવા લેવા માટે જઈ રહ્યા હતા જ્યારે હુમલાખોરે તેમના પર હુમલો કર્યો. તેમના પર પથ્થર અને તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો.

મોનૂ કહે છે, "તે લોકો અલ્લા હૂ અકબરના નારા લગાવી રહ્યા હતા."

મોનૂને ગંભીર ઈજા થઈ છે જ્યારે તેમના પિતાનું મૃત્યુ સ્થળ પર જ થઈ ગયું. તેમણે કહ્યું કે તોફાની ભીડે તેમની મોટરસાઇકલને પણ આગ લગાડી દીધી.

મોનૂની સાથે અમારી મુલાકાત ત્યારે થઈ ત્યારે તેઓ પિતાનો મૃતદેહ લેવા માટે હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા હતા.

9. ઇશ્તિયાક ખાન ઉંમર : 29 વર્ષ

મૃત્યુનું કારણ : પેટમાં ગોળી વાગવી

વ્યવસાય : મજૂરી

ઇશ્તિયાકના પડોશી કહે છે કે 25 ફેબ્રુઆરીએ જ્યારે પથ્થરમારો શરૂ થયો ત્યારે પોલીસ પણ ટીયરગૅસના સેલ છોડી રહી હતી અને ફાયરિંગ પણ કરી રહી હતી.

ઇશ્તિયાકના પડોશી આરિફ કહે છે, "ગોળીઓ ચલાવવામાં આવી રહી હતી. ઇશ્તિયાકને અહેસાસ થયો કે તેના પગમાં કંઈક વાગ્યું છે પરંતુ તેને એ અહેસાસ ન થયો કે ગોળી વાગી છે."

તેમની સાથે જે લોકો હાજર હતા તે કહે છે કે ગોળી વાગવાના થોડા સમય બાદ તેઓ બેહોશ થઈ ગયા. લોકોએ સીપીઆર દ્વારા તેમને હોશમાં લાવવા પ્રયત્ન કર્યા અને તરત હૉસ્પિટલ લઈ ગયા. ત્રણ-ચાર કલાક પછી તેમનું મૃત્યુ થઈ ગયું.

તેમનાં પત્ની ઝેબાએ બીબીસીને કહ્યું, "મેં તેમને ના પાડી હતી કે ઘરની બહાર ન નીકળો પરતુ તેમણે મારું ન સાંભળ્યું."

ઇશ્તિયાકને 25 ફેબ્રુઆરીએ ગોળી વાગી અને 26 ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ હતો.

10. મહમદ ફુરકાન, ઉંમર : 30 વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

મૃત્યુનું કારણ : ગોળી વાગવી

વ્યવસાય : મજૂરી

24 ફેબ્રુઆરીની સાંજે પાંચ વાગ્યાની આસપાસ ફુરકાનના મોટા ભાઈ ઇમરાનને ફોન પર સૂચના મળી કે તેમને ગોળી વાગી છે.

તેમણે કહ્યું, "મને ભરોસો ન થયો. ફોન આવ્યાના કેટલાક કલાક પહેલાં જ હું તેને મળ્યો હતો."

ઇમરાન કહે છે, "ફુરકાન કંઈક કામ કરી રહ્યો હતો. વચ્ચે તે સામાન લેવા માટે બહાર નીકળ્યો ત્યારે આ ઘટના ઘટી."

તેમના પરિવારનું કહેવું છે કે કોઈએ ફોન કરીને તેમને જાણકારી આપી હતી કે વિકી તેમને લઈને હૉસ્પિટલ ગયો છે પરંતુ જ્યાં સુધી તે લોકો ત્યાં પહોંચે ફુરકાનનું મૃત્યુ થઈ ગયું હતું.

તેમનાં પત્ની અને બે બાળકો આઘાતમાં છે.

11. દીપક, ઉંમર : 34 વર્ષ

મૃત્યુનું કારણ : ચપ્પાંથી હુમલો

વ્યવસાય : મજૂરી

હૉસ્પિટલની બહાર દીપકનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહેલા તેમના પરિવારને હજુ સુધી ખ્યાલ નથી કે તેમનુ મૃત્યું કેવી રીતે થયું.

પરિવારના એક સભ્યએ કહ્યું, "અમે તેના ચહેરા પર કેટલીક ઇજાઓ જોઈ હતી. તેને ગોળી વાગી છે કે નહીં તે ખબર નથી."

દીપકના ઘરમાં તેમનાં પત્ની અને ત્રણ બાળકો છે.

12. અંકિત શર્મા, ઉંમર : 26 વર્ષ

મૃત્યુનું કારણ : મારઝૂડ અને ટૉર્ચર

વ્યવસાય : ગુપ્તચર તંત્રમાં અધિકારી

અંકિત શર્માનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારના એક નાળામાંથી મળ્યો હતો. પરિવારનું કહેવું હતું કે 25 ફેબ્રુઆરીએ જ્યારે તેઓ કામથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

તેમના ભાઈ અંકુરનું કહેવું છે કે, "મારો ભાઈ ખરાબ રીતે જખમી હતો. તેમના ચહેરાને કચડી નાખવામાં આવ્યો હતો અને શરીર પર ઘણાં નિશાન હતાં."

તેમનો મૃતદેહ 26 ફેબ્રુઆરીએ મળ્યો હતો. અંકુરનું કહેવું છે કે હુમલાખોરોએ તેમના મૃતદેહને કૅનાલમાં ફેંકી દીધી હતો.

અંકિતના પિતા પણ સરકારી કર્મચારી હતા. અંકુર સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે અને તેમનાં બહેન ભણે છે.

13. રાહુલ ઠાકુર, ઉંમર : 23 વર્ષ

મૃત્યુનું કારણ : ગોળી વાગવી

વ્યવસાય : વિદ્યાર્થી

જ્યારે ગોળી છૂટવાનો અને પથ્થરમારાનો અવાજ સંભળાયો ત્યારે રાહુલ ઘરમાં ખાવાનું ખાઈ રહ્યા હતા.

પરિવારના જણાવ્યા પ્રમાણે, તેઓ ઘરની બહાર એ જોવા માટે નીકળ્યા હતા કે ઘોંઘાટ કેમ થઈ રહ્યો છે. જેવા તે બહાર નીકળ્યા કે તેમને છાતીમાં ગોળી વાગી. તેમને જીટીબી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તે બચી ન શક્યા.

14. અકબરી, ઉંમર : 85 વર્ષ

ઇમેજ સ્રોત, SAEED SALMANI

મૃત્યુનું કારણ : જીવતા સળગાવવામાં આવ્યા

ઉત્તર-પૂર્વ દિલ્હીના ગમરી ગામમાં 25 ફેબ્રુઆરીએ ભડકેલી હિંસામાં ભીડ રસ્તા પર 'જય શ્રી રામ'નો નારો લગાવતાં દુકાનો અને ઘરોમાં આગ લગાવી રહી હતી.

હિંસક ભીડે અકબરીના ચાર માળના ઘરમાં આગ લગાવી દીધી. પરિવારના બાકી લોકો ભાગીને છત પર પહોંચી ગયા પરંતુ અકબરી પાછળ રહી ગયાં. કેટલાય કલાકો પછી તેમનો મૃતદેહ મળી આવ્યો.

અકબરીના પૌત્ર સલમાને સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "હું ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મારા મોટા દીકરાએ ફોન કહ્યું કે ટોળાએ આપણા ઘરને ઘેરી લીધું છે. તેમના હાથમાં પેટ્રોલ બૉમ્બ અને લાકડીઓ છે. મારી મા, પત્ની અને ત્રણ બાળકો બીજા માળે હતાં. મેં ફોન પર તેમને છત પર જવા માટે કહ્યું."

સલમાની કહે છે, "મારા 10 મજૂરો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતા. તે પણ ભાગીને છત પર પહોંચી ગયા. મારા દીકરાને પછી ધ્યાન ગયું કે મા ત્યાં નહોતી. તેણે નીચે આવવાના પ્રયત્નો કર્યા પરંતુ ત્યાં સુધી આખા ઘરમાં આગ લાગી ગઈ હતી અને બધી બાજુ ધુમાડો હતો. જ્યારે તે લોકો છત પરથી નીચે આવ્યા ત્યારે મારી માનું મૃત્યુ થઈ ગયું હતું."

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી આવનારાં અકબરીના પતિનું મૃત્યુ 40 વર્ષ પહેલાં થયું હતું. તેમણે મજૂરી કરીને પોતાનાં સાત બાળકોને મોટા કર્યા હતા.

(રિપોર્ટ : અભિજિત કાંબલે, ભૂમિકા રાય, વિગ્નેશ અય્યાસામી, કીર્તિ દૂબે અને શ્રુતિ મેનન)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો