કોરોના વાઇરસનો ચેપ ફેલાય તો ભારત કેટલું સજ્જ?

  • સિન્ધુવાસિની
  • બીબીસી સંવાદદાતા
માસ્ક પહેરેલ વ્યક્તિ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વઆખામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને વાઇરસને કારણે મરનારા લોકોનો આંક ત્રણ હજારની પાર પહોંચી ગયો છે. ચીનમાં વધુ 42 મૃત્યુ થયાં છે અને આ બધા વચ્ચે દિલ્હીમાં પણ કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ સ્વાસ્થ્યમંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં કોરોના વાઇરસના વધુ બે કેસ નોંધાયા છે. એક કેસ દિલ્હીમાં નોંધાયો છે. જ્યારે બીજો કેસ તેલંગણામાં નોંધાયો છે.

દિલ્હીમાં કોરોના વાઇરસનો પ્રથમ પૉઝિટિવ કેસ નોંધાયો છે. પીડિત વ્યક્તિએ ઇટાલીની મુલાકાત લીધી હતી. જ્યારે તેલંગણાના દર્દીએ દુબઈનો પ્રવાસ ખેડ્યો હતો. બન્ને દર્દીની હાલત સ્થિર છે અને તબીબી દેખરેખ હેઠળ હોવાનું પીટીઆઈ જણાવે છે.

આ પહેલાં કેરલમાં કોરોના વાઇરસના ત્રણ કેસ નોંધાયા હતા.

ભારત કેટલું સજ્જ?

"કોરોના વાઇરસ બધા દેશોમાં નહીં તો મોટા ભાગના દેશોમાં ફેલાઈ શકે છે."

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હાલમાં જ આવી ચેતવણી આપી છે. અત્યારે ઍન્ટાર્કટિકાને બાદ કરી દેવામાં આવે તો બધા જ ખંડો પર કોરોનાનો ચેપ પહોંચી ગયો છે.

ચીનમાંથી ફેલાયેલો આ રોગચાળો બ્રિટન, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપિન્સ, થાઇલૅન્ડ, ઈરાન, નેપાળ અને પાકિસ્તાન સુધી પહોંચી ગયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડૉક્ટર ટેડ્રસ એડોનમનું કહેવું છે કે કોરોના વાઇરસના સામના માટે હાલમાં 20 નવી રસી તૈયાર કરાઈ રહી છે. આ પરીક્ષણોનાં પરિણામો આગામી કેટલાંક અઠવાડિયાંમાં આવી જશે.

તેના કારણે ભારતમાં પણ કોરોના ફેલાવાનું જોખમ રહેલું છે. બીજા ઘણા દેશોમાં કોરોના સામે સાવધાની લેવાનું શરૂ ગઈ ગયું છે, પણ ભારતમાં હજીય બેદરકારી રાખવામાં આવતી હોય તેવું લાગે છે.

ભારત સરકારે જાહેર કરેલી માહિતી પ્રમાણે દેશમાં હજી સુધી કોરોના વાઇરસનો ચેપ ગંભીર રીતે ફેલાયો નથી. પણ સવાલ એ છે કે ભારત શા માટે ચેપ વધુ ફેલાય તેની રાહ જોઈ રહ્યો છે?

જો મોટા પાયે ચેપ ફેલાયો છે તેનો ખ્યાલ આવશે તો ભારતનું આરોગ્ય તંત્ર તેનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?

'કોરોના વારસ ફેલાશે તો ભારત માટે સ્થિતિ સંભાળવી મુશ્કેલ'

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર ધીરેન ગુપ્તાનું માનવું છે કે ભારતમાં કોરોના જેવા રોગચાળા માટે આગોતરી તૈયારી નામની જ હોય છે.

બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું, "અત્યારે માર્ગ અકસ્માતમાં કોઈને ઈજા થાય તો તેમને દાખલ કરવા માટે હૉસ્પિટલમાં જગ્યા હોતી નથી. તેવી સ્થિતિમાં લાખો લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગી જશે તો તેને આપણું આરોગ્ય તંત્ર સંભાળી શકશે નહીં."

"ભારતમાં ચીન જેવી ક્ષમતા નથી કે માત્ર છ દિવસમાં હૉસ્પિટલ તૈયાર થઈ જાય. ભારતની વાત જવા દો, ચીન પણ કોરોના સામે લાચાર થઈ ગયો હોય તેમ લાગે છે. ચીન જ શા માટે, દુનિયાનો કોઈ પણ દેશ જો લાખો લોકોને ચેપ લાગી જાય તો તેને સંભાળી શકશે નહીં."

કેરળમાં ત્રણ લોકોને કોરોના વાઇરસનો ચેપ જોવા મળ્યો હતો, પણ તેમને સારવાર આપીને સાજા કરી દેવાયા હતા.

તે વિશે ડૉક્ટર ધીરેન કહે છે કે તે ચેપ પ્રારંભિક હતો અને તેને કાબૂમાં લેવાનું બહુ મુશ્કેલ નહોતું. પરંતુ જો કોરોનાનો ચેપ વધારે વ્યાપક રીતે ફેલાશે તો તેને કાબૂમાં લેવા માટે આપણી પાસે પૂરતાં સંસાધનો નથી.

ભારત સરકારે અત્યાર સુધીમાં શું કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images

  • કેન્દ્રના આરોગ્યમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કોરોના વાઇરસ પર નજર રાખવા માટે પ્રધાનોની એક સમિતિની રચના કરી છે.
  • ચીનથી ભારત આવનારા લોકોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ કેસ લાગે ત્યારે તેમને અલગ રાખીને સારવાર કરવામાં આવી રહી છે.
  • કોરોના વાઇરસ વિશે ફરિયાદ કે સલાહ આપવા માટે કૉલ સેન્ટર શરૂ કરાયું છે. 24 કલાક કાર્યરત આ કૉલ સેન્ટરનો નંબર છે: 01123978046.
  • વિદેશપ્રવાસ સામે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ટ્રાવેલ પૉલિસીમાં ફેરફારો કરાયા છે.
  • 21 ઍરપૉર્ટ્સ અને બંદરો પર બહારથી આવતા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ શરૂ કરાયું છે. થર્મલ સ્કેનિંગ દ્વારા કોરોના જેવા વાઇરસનો ચેપ લાગ્યો હોય તો જાણ થઈ શકે છે.

એપિડેમિક ડિસીઝ એક્ટ, 1897

  • આ કાયદા હેઠળ H1N1 ચેપ લાગ્યો હોય તેવા દર્દીને અલગ રાખવા માટેની અને વિશેષ હૉસ્પિટલમાં તેમની સારવાર માટેની જોગવાઈ કરવામાં આવી છે.
  • આ કાયદા હેઠળ H1N1 ચેપ લાગ્યો તેવા દર્દીને અલગ રાખવા માટે ખાનગી હૉસ્પિટલને પણ ફરજ પાડવામાં આવે છે. તેમજ આવા કોઈ પણ ચેપની જાણકારી સરકારને આપવી જરૂરી છે.

આ તૈયારીઓ કેટલી ઉપયોગી?

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર ધીરેન જણાવે છે કે સરકારની આ તૈયારીઓ અપૂરતી છે.

તેઓ કહે છે, "સરકારે તૈયારીઓ શરૂ કરી છે તેની અસર બહુ મર્યાદિત છે. માત્ર ચીનથી પરત આવેલા લોકોનું જ પરીક્ષણ થઈ રહ્યું છે. અથવા તો કોરોનાથી ગ્રસ્ત દેશોના પ્રવાસે જઈ રહેલા લોકોની જ તપાસ થઈ રહી છે.''

ડૉક્ટર ધીરેન કહે છે, "ઘણી વાર ચેપ લાગ્યો તેમને પણ પ્રારંભમાં ખ્યાલ નથી આવતો કે તેમને ચેપ લાગ્યો છે. તેમને બીમારીનાં લક્ષણો દેખાવા લાગે, ત્યાં સુધીમાં સ્થિતિ ગંભીર થઈ ગઈ હોય છે."

"બીજું કે કોરોના વાઇરસનો ટેસ્ટ કરવા માટેની સુવિધા બધી જગ્યાએ નથી, બધી હૉસ્પિટલમાં નથી. તે પણ એક સમસ્યા છે."

ભારત પર કોરોના વાઇરસની અસર નહીં થાય?

ઇમેજ સ્રોત, Getty Images

જોકે હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ઍસોસિએટ પ્રોફેસર ડૉક્ટર સુરેશકુમાર રાઠીનું માનવું છે કે ભારતે કોરોના વાઇરસના ચેપની બહુ ચિંતા કરવા જેવી નથી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, "મારી દૃષ્ટિએ બીજા દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાનો ખતરો ઓછો છે, કેમ કે H1N1 પરિવારના વાઇરસ લાંબો સમય તાપમાનમાં ટકી શકતા નથી."

"ભારતમાં પ્રમાણમાં વધારે ગરમી છે. બીજા દેશોની સરખામણીએ ભારતના લોકો અંગત સ્વચ્છતામાં વધારે કાળજી લે છે. હાથ ધોવાની વાત હોય કે ન્હાવાની વાત હોય, ભારતીયોની આદતો વધારે સારી હોય છે, જે કોરોના વાઇરસ સામે ઘણી મદદરૂપ થઈ શકે છે."

ડૉક્ટર સુરેશ રાઠીનું માનવું છે કે અત્યારે ભારતમાં જે કાળજી લેવામાં આવી રહી છે તે પોતાની રીતે બરાબર છે.

ડૉક્ટર ધીરેન ગુપ્તા આ દાવાથી સંતુષ્ટ નથી.

તેઓ કહે છે, "ભારતનું હવામાન ગરમ છે એટલે કોરોના વાઇરસ અહીં ટકી શકશે નહીં, એમ વિચારીને આપણે નચિંત થઈ શકીએ નહીં. ભારતમાં મોસમ પણ જુદીજુદી હોય છે."

"ઘણી જગ્યાએ ગરમી, ઘણી જગ્યાએ ઠંડી હોય છે. રાજસ્થાનમાં પણ દિવસે ગરમી હોય, પણ રાત્રે ઠંડી પડતી હોય છે. મેઘાલય જેવા રાજ્યમાં વરસાદ પડતો જ રહે છે. તેથી વાઇરસને કારણે ચેપ લાગશે તેની શંકાને નકારી શકાય નહીં."

ડૉક્ટર ધીરેન કહે છે કે ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે પણ વાઇરસ જુદાજુદા વિસ્તારોમાં પોતાને વાતાવરણ પ્રમાણે અનુકૂળ કરી લેતા હોય છે.

તેઓ કહે છે, "ભારતીયોની અંગત સ્વચ્છતાની આદતો સારી છે, પણ લોકો બહુ સારા વાતાવરણમાં રહેતા નથી. ઝૂંપડપટ્ટીઓમાં લોકો ગીચતામાં રહે છે અને એક રૂમમાં ચાર-પાંચ લોકો હોય છે. તેથી ચેપ લાગી જવાની શક્યતા વધારે હોય છે."

સુરક્ષા માટે બીજી શું તૈયારીઓ કરવી જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images

ડૉક્ટર ધીરેન કહે છે કે ચેપ ફેલાશે તે પછી આપણે સંભાળી નહીં શકીએ, તેથી આગોતરી જ તૈયારીઓ કરી લેવી જોઈએ.

તેઓ કહે છે કે ચીનમાંથી દાખલો લઈને અત્યારથી જ કેટલીક હૉસ્પિટલો તૈયાર કરી લેવી જોઈએ, જ્યાં કોરોનાના દર્દીઓને અલગ રાખીને સારવાર થઈ શકે.

આવી હૉસ્પિટલો બનાવવાની તૈયારી અત્યારથી જ કરી દેવી જોઈએ એમ તેઓ કહે છે.

ડૉક્ટર ધીરેન કહે છે, "દેશના પાંચેય વિસ્તારોમાં (ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યમાં) હૉસ્પિટલ બનાવી દેવામાં આવે અને તેમાં તૈયારી કરી રાખવામાં આવે તો બહુ ઉપયોગી થશે."

"આ હૉસ્પિટલોને સામાન્ય સ્થિતિ માટે નહીં, પણ કોરોના જેવા ચેપી રોગની સારવાર માટે અનામત રાખવી જોઈએ. ભારતમાં બહુ ઓછી એવી હૉસ્પિટલ છે, જ્યાં દર્દીઓને આઇસોલેશનમાં રાખીને સારવાર કરી શકાય. તેથી આવી વ્યવસ્થા કરવી બહુ જરૂરી છે."

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

બેંગલુરુમાં બનાવેલું સ્વાસ્થ્ય કેન્દ્ર

ઝડપથી હૉસ્પિટલ તૈયાર કરવા માટે ભારતીય સેનાની મદદ લેવી જોઈએ.

કોરોના વાઇરસના ચેપની તપાસ માટે વધુમાં વધુ જગ્યાએ, હૉસ્પિટલોમાં થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા કરવી જોઈએ.

વ્યક્તિગત રીતે પણ કોરોના વાઇરસ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ.

ચેપનાં લક્ષણો વિશે તથા બીમારી દેખાય કે તરત જ કેવી રીતે બચાવ કરી શકાય અને સારવાર લઈ શકાય તે માટે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચાડવી જોઈએ.

કોરોના વાઇરસની દુનિયાભરમાં ફેલાવાની આશંકાએ દુનિયાભરનાં શૅરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેની અસર શુક્રવારે ભારતીય બજાર પર પણ પડી હતી.

નાઇઝિરિયા, મૅક્સિકો, બેલ્જિયમ, નેધરલૅન્ડ, બેલારૂસ ને લિથુઆનિયામાં કોરોના વાઇરસ સંક્રમણના પહેલા કેસની પુષ્ટિ થઈ ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો