લગ્ન પહેલાં વર્જિનિટી માટે સર્જરી કરવાના કેસ વધી રહ્યા છે, કેમકે...

  • સુશીલા સિંહ
  • બીબીસી સંવાદદાતા
ભારતીય મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

નિમ્મી (નામ બદલ્યું છે) એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને છેલ્લાં 10 વર્ષથી દિલ્હીમાં રહે છે.

ગ્રૅજ્યુએશન પછી નિમ્મી હવે નોકરી કરી રહ્યાં છે. બૉયફ્રેન્ડ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે નિમ્મીએ કહ્યું હતું, "બૉયફ્રેન્ડ તો ઘણા બન્યા પણ, મારા પતિ માટે મેં 'પેલું' માટે જાળવી રાખ્યું છે."

સ્પષ્ટ વાત છે કે નિમ્મી લગ્ન સુધી વર્જિનિટી (કૌમાર્ય) જાળવી રાખવા ઇચ્છે છે. મેં મારી ઑફિસમાં યુવકો સાથે આ બાબતે વાત કરી તો એમનું કહેવું હતું કે તેમની વયમાં એટલે કે 22થી 30 વર્ષના યુવકોમાં કૅઝ્યુઅલ સેક્સ સામાન્ય બાબત છે. તેઓ માટે લગ્ન પહેલાં સેક્સ માણવાનું વર્જિત નથી.

આ સ્થિતિ હોય તો કઈ છોકરીઓ હાઇમનોપ્લાસ્ટી એટલે કે સેક્સ પછી હાઇમન (કૌમાર્યપટલ)ને પૂર્વવત્ બનાવવાની સર્જરી કરાવી રહી છે?

ડૉક્ટરોનું કહેવું છે કે છેલ્લાં 15 વર્ષમાં હાઇમનોપ્લાસ્ટીનું ચલણ વધ્યું છે અને સંખ્યાબંધ અપરિણીત છોકરીઓ આ પ્રકારની સર્જરી કરાવી રહી છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ છોકરીઓની યોનીમાં એક પટલ હોય છે, જેને હાઇમન કહેવામાં આવે છે. સેક્સ પછી કે રમતગમતમાં ભાગ લેતી હોય એવી છોકરીઓનું હાઇમન તૂટી કે ખરાબ થઈ જતું હોય છે. ડૉક્ટરો સર્જરી મારફત હાઇમનને પૂર્વવત્ કરી દે તેને હાઇમનોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

ડૉક્ટરો જણાવે છે કે "હાઇમનોપ્લાસ્ટી માટે આવતી મોટા ભાગની છોકરીઓની વય 20થી 30 વર્ષની વચ્ચેની હોય છે."

"એ છોકરીઓ લગ્ન પહેલાં સેક્સ્યુઅલી ઍક્ટિવ કે પાર્ટનર સાથે સક્રિય શારીરિક સંબંધ ધરાવતી હોય છે. એ છોકરીઓ લગ્ન પહેલાં હાઇમનોપ્લાસ્ટી માટે આવતી હોય છે."

અપરિણીત યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

મૅક્સ હૉસ્પિટલમાં પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ અને સ્ત્રીરોગનાં નિષ્ણાત ડૉક્ટર ભાવના ચૌધરીનું કહેવું છે, "આવી છોકરીઓ દેશના કયા ખૂણેથી આવે છે એ કહેવું મુશ્કેલ છે, પણ તેઓ નોકરિયાત હોય છે અને મધ્યમ તથા ઊંચી આવક ધરાવતા વર્ગની હોય છે."

આ છોકરીઓ લગ્ન પહેલાં સર્જરી કરાવવા આવે છે અને પોતે લગ્ન પહેલાં સેક્સ્યુઅલી ઍક્ટિવ હતી એવું પોતાના ભાવિ પતિ જાણે એ આ છોકરીઓ ઇચ્છતી હોતી નથી.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, "સર્જરી માટે પૂછપરછ કરતી આ છોકરીઓ આત્મવિશ્વાસસભર હોય છે અને સામાન્ય રીતે તેમની બહેન કે સખીઓ સાથે હૉસ્પિટલમાં આવતી હોય છે."

અલબત્ત, ડૉક્ટર ભાવના ચૌધરી એમ પણ કહે છે કે "સ્પૉર્ટમાં ઍક્ટિવ હોવાથી, સાઇકલિંગ કે ઘોડેસવારી કરવાથી કે પછી માસિક દરમિયાન ટૅમ્પૂનનો ઉપયોગ કરવાથી પણ હાઇમન તૂટવાની શક્યતા રહે છે."

ગંગારામ હૉસ્પિટલમાં સર્જન તરીકે કાર્યરત ડૉક્ટર લલિત ચૌધરી હાઇમનોપ્લાસ્ટી માટે આવતી યુવતીઓનું બે ભાગમાં વર્ગીકરણ કરે છે. તેમના જણાવ્યા મુજબ 80 ટકા છોકરીઓ જુવાન હોય છે.

તેમની વય લગભગ 25 વર્ષ સુધીની હોય છે. બીજો વર્ગ છૂટાછેડા લીધેલી મહિલાઓનો છે.

જોકે, એમની સંખ્યા ઘણી ઓછી હોય છે.

ડૉક્ટર લલિત ચૌધરીના જણાવ્યા મુજબ, "અઠવાડિયામાં ચારથી પાંચ ફોનકૉલ ઈન્ક્વાયરી માટે આવે છે પણ 10માંથી એક છોકરી જ સર્જરી માટે હૉસ્પિટલમાં જાય છે."

તેનું કારણ જણાવતાં ડૉક્ટર કહે છે, "આ છોકરીઓ પહેલાં ડૉક્ટરને મળીને સર્જરી બાબતે ખાતરી કરે છે."

"કોઈ પણ મોટી હૉસ્પિટલમાં આ સર્જરીનો 50થી 70 હજાર રૂપિયા ખર્ચ થાય છે."

"તેથી છોકરીઓ ડૉક્ટરોને કન્સલ્ટ કરીને નાનાં ક્લિનિકોમાં સર્જરી કરાવતી હોય છે, કારણ કે એ પ્રમાણમાં સસ્તાં હોય છે."

"વળી ત્યાં પેપરવર્ક પણ કરવું પડતું નથી અને નાનાં ક્લિનિકોમાં બધું ગુપ્ત પણ રહેતું હોય છે."

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, "આ સર્જરી અડધી કલાકમાં જ થઈ જાય છે. મોટી હૉસ્પિટલમાં સર્જરી કરાવવી હોય તો બે કલાક પહેલાં આવીને પેપરવર્ક પૂર્ણ કરવું પડે છે."

"એ પછી લોકલ ઍનેસ્થેસિયા આપીને હાઇમન પૂર્વવત્ કરવામાં આવે છે."

"પછી છોકરી તેના ઘરે જઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયામાં પાંચ-છ કલાક લાગે છે."

ખાનગી ક્લિનિકમાં સર્જરી

ઇમેજ સ્રોત, Getty Images

અપૉલો હૉસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે કાર્યરત અનુપ ધીર ખુદને દિલ્હીમાં હાઇમનોપ્લાસ્ટીની શરૂઆત કરનારા પહેલા સર્જન ગણાવે છે.

તેઓ હરિયાણામાં એક ખાનગી ક્લિનિક પણ ચલાવે છે. તેઓ જણાવે છે કે તેમની પાસે આવી સર્જરી માટે આવતી છોકરીઓ પૈકીની 33 ટકા છોકરીઓ હરિયાણાની હોય છે.

એ ઉપરાંત મુસ્લિમ પરિવારોની તથા મધ્યપૂર્વના દેશોની છોકરીઓ પણ આવે છે.

ડૉક્ટર અનુપ ધીરના જણાવ્યા મુજબ, "મોટા ભાગની છોકરીઓ તેમની ખરી ઓળખ છુપાવતી હોય છે. તેઓ તેમનું સાચું નામ કે ફોન નંબર જણાવતી નથી."

"ઘણી વાર તો છોકરીઓની સખીઓ ઍપૉઇન્ટમૅન્ટ કે સલાહ માટે અમારો સંપર્ક કરતી હોય છે."

"સર્જરી પછી કોઈ મુશ્કેલી છે કે કેમ એ જાણવાનો પ્રયાસ કરીએ તો પણ એ જાણી શકતા નથી."

તેમના જણાવ્યા મુજબ, "તેઓ સર્જરીઇચ્છુક કન્યાઓને લગ્નના છથી આઠ સપ્તાહ પહેલાં હાઇમનોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપે છે, જેથી સુહાગરાતે તેમને વધારે બ્લીડિંગ થઈ શકે."

ડૉક્ટર અનુપ ધીરના કહેવા મુજબ, "આ સર્જરી પછી કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાતી નથી પણ કેટલીક તકેદારી લેવાની સલાહ આપવામાં આવે છે."

"તેમાં સ્વચ્છતા જરૂરી હોવા ઉપરાંત સર્જરી પછી તરત સેક્સ કરવાની અને ટુ-વ્હીલર કે સાઇકલ ચલાવવાની મનાઈ હોય છે."

ડૉક્ટર લલિત ચૌધરી જણાવે છે કે "ઊંચી આવક ધરાવતા વર્ગની ઘણી છોકરીઓ તેમની મમ્મી સાથે આવે છે, જે દર્શાવે છે કે આ વર્ગની છોકરીઓ પોતાની મમ્મી સાથે કોઈ પણ કારણસર આવી વાતો શૅર કરતી હોય છે."

"એ ઉપરાંત મમ્મીઓ પોતે તેમની દીકરીઓને લગ્ન પહેલાં આ પ્રકારની સર્જરી કરાવવા લાવતી હોય છે."

આ વિધિની વક્રતા છે કે કોઈ છોકરી તેની પસંદગીના છોકરા સાથે શારીરિક સંબંધનો નિર્ણય જાતે લે છે, પણ બીજી તરફ એ કોઈ અન્ય છોકરા સાથે લગ્ન કરે છે ત્યારે તેણે પોતાની કથિત પવિત્રતાનો પુરાવો આપવાનો હોય છે.

સ્ત્રીઓ માટે જ પવિત્રતા

ઇમેજ સ્રોત, Getty Images

જે સ્ત્રીને કોઈનો સ્પર્શ ન થયો હોય તેની સાથે પરણવાનાં સપનાં પુરુષો નિહાળતા હોય છે, પણ નિમ્મી જેવી ઘણી છોકરીઓ હોય છે, જે પોતાની વર્જિનિટી સુહાગરાત માટે સાચવી રાખીને તેના પતિને લગ્નની ભેટ તરીકે આપવા ઇચ્છતી હોય છે.

ભારત જ નહીં, વિશ્વમાં એવા ઘણા દેશો છે, જ્યાં મહિલાઓની વર્જિનિટીને તેની પવિત્રતા સાથે જોડવામાં આવે છે અને સ્ત્રીની ઇજ્જત ક્યાંકને ક્યાંક સેક્સ્યુઆલિટી પૂરતી મર્યાદિત કરી નાખવામાં આવે છે.

ભારતીય ફિલ્મોમાં પણ બળાત્કારના મામલાઓમાં "તેની ઇજ્જત લૂંટાઈ ગઈ" કે પછી "તેના પતિ-પિતાના ઘરની ઇજ્જત ચાલી ગઈ" જેવા ડાયલોગ કહેવામાં આવે છે.

વર્જિનિટી સમાજના કોઈ એક ચોક્કસ વર્ગ કે વર્ગો માટે જ નહીં, બલકે એ તો- ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી - બધા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

'ફૅમિનિઝમ ઇન ઈન્ડિયા' સંગઠનનાં સ્થાપક જેપલીન પસરિચા મહિલાઓ માટે વાપરવામાં આવતા અંગ્રેજી શબ્દ 'ડિસ્ક્લૉઝર'નું ઉદાહરણ આપે છે અને સવાલ કરે છે, શું છોકરીઓ કોઈ ફૂલ છે કે તેને કોઈએ સ્પર્શ કર્યો કે તેની સાથે સેક્સ કર્યું તો એ કરમાઈ જશે?

જેપલીન પસરિચાના કહેવા મુજબ, "પરિવારની ઇજ્જત બચાવવા કુટુંબની સ્ત્રીની હત્યાના મોટા ભાગના કિસ્સાઓમાં ઇજ્જતનો અર્થ સ્ત્રીનું શરીર એવો થાય છે."

જેપલીન પસરિચા કહે છે, "ભારતીય સમાજમાં કોઈ છોકરીનાં લગ્ન થાય ત્યારે તેની વર્જિનિટીને શા માટે મહત્ત્વ આપવામાં આવે છે?"

"છોકરાને પૂછવામાં આવે છે કે એ વર્જિન છે કે નહીં? દેશના ઘણાં વિસ્તારોમાં સુહાગરાતે પલંગ પર પાથરેલી ચાદર બીજા દિવસે બહાર દેખાડવામાં આવે છે."

"પોતાની વહુ પવિત્ર છે એ દર્શાવવા માટે. અમારી વહુ ઘરની ઇજ્જત છે અને તેને કોઈએ સ્પર્શ કર્યો નથી એ દર્શાવવા માટે. આવું ભારતમાં જ નહીં, આફ્રિકાના અનેક સમાજમાં પણ થાય છે."

છોકરીઓનો વર્જિનિટી ટેસ્ટ

ઇમેજ સ્રોત, AFP

મહારાષ્ટ્રના કંજરબાટ સમુદાયમાં છોકરીઓના વર્જિનિટી ટેસ્ટની પરંપરા સદીઓથી ચાલી આવે છે.

તેમાં લગ્નની પહેલી રાતે પલંગ પર સફેદ ચાદર પાથરવામાં આવે છે અને તેની તપાસ બીજા દિવસે સવારે કરવામાં આવે છે.

આ સમુદાયના લોકો તેમની દીકરીઓનાં લગ્ન કિશોરાવસ્થામાં જ કરી નાખતા હોવાનું પણ જોવા મળ્યું છે.

મહિલાઓ માટે માર્કેટ

ઇમેજ સ્રોત, REBECCA HENDIN / BBC THREE

મહિલા અધિકારો માટે કામ કરતાં અને મણિપાલ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે કાર્યરત જાગૃતિ ગંગોપાધ્યાય કહે છે, "બધું દબાણ મહિલાઓ પર જ છે. એ પુરુષ સાથે સંબંધ બાંધે છે, પણ પછી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરે છે. "

"જ્યારે તેનાં લગ્ન થવાના હોય છે ત્યારે એ હાઇમનોપ્લાસ્ટી કરાવે છે. સ્ત્રી તેના પતિની જ નહીં, પતિના પરિવારની પ્રૉપર્ટી બની રહી છે, પણ એ નથી સમજતી કે તેના માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે."

જાગૃતિ ગંગોપાધ્યાય માને છે કે "આ પ્રકારની વિચારધારાએ મહિલાઓ માટે એક માર્કેટ બનાવ્યું છે, જેમાં તમને સુહાગરાત માટે, ઈન્ટરનેટ પર વજાઈના બ્લડ કે કૅપ્સ્યુલ પણ વેચાતા મળી શકશે."

હાઇમનોપ્લાસ્ટી સિવાય વજાઈના એટલે યોનીને સુંદર તથા ગૌરવર્ણની બનાવવાની પ્રોડક્ટ્સની જાહેરાતો પણ થઈ રહી છે.

એક મહિલાને નૉર્મલ ડિલિવરી પછી હસબન્ડ સ્ટીચ કરી આપવામાં આવે છે, જેથી સુવાવડ પછીના ઢીલાપણાને ચુસ્ત બનાવી શકાય.

વજાઈનાને સુંદર બનાવવા માટે મહિલાઓ માટે અનેક પ્રકારની સર્જરીની જોગવાઈ છે, જે પોર્નને આભારી હોવાનું જાણકારો કહે છે, કારણ કે કેટલાક પુરુષો પોતાની પત્ની કે પાર્ટનરના વિશિષ્ટ દેખાતા અંગની કામના કરતા હોય છે.

સ્ત્રીઓએ પોતાની ક્ષમતા ન પૂરવાર કરી હોય એવું ભાગ્યે જ કોઈ ક્ષેત્ર હશે, તેમ છતાં સ્ત્રીને તેની વર્જિનિટી બાબતે જ સવાલ કરવામાં આવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો