શું નીતિન પટેલે ખરેખર એકલા પડી ગયા છે?

  • સુરેશ ગવાણિયા
  • બીબીસી ગુજરાતી
નીતિન પટેલ

ઇમેજ સ્રોત, @Nitinbhai_Patel/TWITTER

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી અને ભાજપના કદાવર મનાતા નેતા નીતિન પટેલ તેમના એક નિવેદનને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે.

તાજેતરમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના શિલાન્યાસના કાર્યક્રમમાં નીતિન પટેલે પોતે એકલા હોવાના અને તેમ છતાં અડગ હોવાનો સંકેત આપ્યો હતો.

નીતિન પટેલના આ નિવેદનને અનેક રીતે જોવાઈ રહ્યું છે.

તેમના આ નિવેદનથી ચર્ચા થઈ રહી છે કે શું ખરેખર નીતિન પટેલ એકલા પડી ગયા છે?

અથવા પક્ષમાં તેમની અવગણના કરવામાં આવે છે? શું તેમની સામે રાજકીય કાવાદાવા રમાઈ રહ્યા છે અને નીતિન પટેલ તેની સામે એકલા હાથે લડી રહ્યા છે?

નીતિન પટેલના ચર્ચિત નિવેદન બાદ કૉંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે નીતિન પટેલેને કૉંગ્રેસમાં આવકારવાની વાત કરી છે.

નીતિન પટેલે શું નિવેદન આપ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં નીતિન પટેલ બોલ્યા કે મને જે યાદ આવવાનું હોય એ યાદ આવી જાય છે. આટલે સુધી એમ જ નથી પહોંચાતું.

નીતિન પટેલે કહ્યું કે "તમે ભૂલી જાવ પણ હું ના ભૂલું ભાઈ. હું અહીં એમ જ નથી પહોંચ્યો. જ્યાં પહોંચ્યો છું ત્યાં એમનેમ નથી પહોંચાતું. પૂછો અમારા ધારાસભ્યોને."

"તમે ટીવીમાં જોતા જ હશો. છાપામાં જોતાં જ હશો કે એક બાજુ બધા અને એક બાજુ એક હું એકલો... એ ઉમિયામાતાના આશીર્વાદ છે. આ લોહી કોનું છે. આ લોહી બોલે છે."

"તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે બધી જગ્યાએ મને યાદ આવવાનું હોય એ યાદ આવી જાય છે. બીજા લોકોને નથીય ગમતું કે ભુલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી."

શું ખરેખર નીતિન પટેલ એકલા પડી ગયા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના રાજકારણને નજીકથી જાણતા પત્રકાર જગદીશ આચાર્ય ચોક્કસ માને છે કે નીતિનભાઈના અસંતોષનાં મૂળિયાં બહુ ઊંડાં છે.

બી. બી. સી. ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, "નીતિન પટેલ જેવા માણસો બહુ સમજીવિચારીને જાહેરમાં આવું નિવેદન આપતા હોય છે. આવા નિવેદન પાછળ તેમનો કોઈ ચોક્કસ હેતુ હોય છે."

જ્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રીપદેથી આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું, ત્યારે એક તબક્કે નીતિન પટેલનું નામ નિશ્ચિત મનાતું હતું.

મુખ્ય મંત્રીના નામના એલાનની ઘડી આવતાં સુધીમાં તમામ મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે નીતિન પટેલ જ ગુજરાતના મુખ્ય મંત્રી બનશે.

અને નીતિન પટેલે પણ અલગઅલગ ચેનલોને એ મતબલનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો કે તેમના પર પક્ષે વિશ્વાસ મૂક્યો છે.

જોકે છેલ્લી ઘડીએ નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું હતું અને વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય મંત્રી બનશે એવી જાહેરાત થઈ હતી.

એ સમયને યાદ કરતાં જગદીશ આચાર્ય કહે છે, "જ્યારે આનંદીબહેન પટેલે અહીંથી વિદાય લીધી ત્યારે સ્વાભાવિક રીતે જ, અનુભવની દૃષ્ટિએ પણ નીતિન પટેલ મુખ્ય મંત્રી બને એવું લાગતું હતું."

"તેમના ઘરે પેંડા પણ વહેંચાઈ ગયા હતા, લોકોએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. પણ અચાનક જ નીતિનભાઈની જગ્યાએ મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ જાહેર કરાયું. એટલે ત્યારથી નીતિન પટેલમાં અસંતોષ જોવા મળી રહ્યો છે."

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નાયબ મુખ્ય મંત્રીપદના શપથ લેતાં નીતિન પટેલ

તેઓ વધુમાં કહે છે, "આમ પણ ગુજરાતના રાજકારણમાં વહીવટની દૃષ્ટિએ પણ વિજય રૂપાણી કરતાં નીતિન પટેલ સિનિયર ગણાય. હાલમાં પણ ધારાસભાની વાત કરીએ તો નીતિન પટેલ બધો મોરચો સંભાળતા હોય છે."

"નીતિન પટેલનો લોકસંપર્ક, રાજકીય સૂઝબૂઝ અને વહીવટની બાબતમાં તેઓ વિજય રૂપાણી કરતાં કાબેલ માણસ ગણાય એની કોઈ ના ન પાડી શકે."

તો વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ નીતિન પટેલના આ નિવેદનને રાજકીય નહીં પણ સામાજિક ગણાવે છે.

બી. બી. સી. ગુજરાતી સાથે વાત કરતાં અજય ઉમટ કહે છે, "તેમણે કહ્યું કે ઉમિયામાતાની મારા પર કૃપા રહી, એટલે કે કડવા પાટીદાર સમાજ મારી સાથે રહ્યો. સમાજે મને ટેકો આપ્યો એટલે હું જીતી શક્યો."

"આથી તેમનું નિવેદન રાજકારણ કરતાં સમાજ તેમની પડખે રહ્યો અને તેઓ ચૂંટણી જીત્યા એ સંદર્ભે કહ્યું હોય એવું લાગે છે."

નીતિન પટેલને કૉંગ્રેસની ઑફર

ઇમેજ સ્રોત, @pareshdhananiofficial/FACEBOOK

કૉંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે મીડિયા સામે આવીને કહ્યું હતું કે 'નીતિનભાઈ એકલા પડી ગયા છે એવું કહે છે, મને ટેકો આપતા નથી' એવી વાત કરી છે.

તેઓએ કહ્યું, "ભારતીય જનતા પાર્ટી માત્ર વાતો કરનારી પાર્ટી છે, આથી એમાંથી જુદા પડીને નીતિનભાઈ 15-20 ધારાસભ્યો લાવે તો અમે ટેકો આપવાની હાઉસમાં વાત કરી છે."

"નીતિનભાઈએ કહ્યું કે હું એકલો છું. તો અમે તેમને કૉંગ્રેસમાં આવકારીએ છીએ. જે અમારી પાર્ટી (કૉંગ્રેસ)ની વિચારધારા છે, ખેડૂતો માટેની વિચારધારા, ગરીબો માટેની વિચારધારા, યુવાનો માટેની વિચારધારા, મહિલાઓ માટેની વિચારધારા અપનાવે તો અમે ટેકો આપીશું અને જરૂર પડે તો હું પાર્ટીને આ અંગે વાત કરીશ."

વીરજી ઠુમ્મરે કહ્યું કે "આજે પણ વિધાનસભામાં વધુમાં વધુ બોજો નીતિનભાઈ પર હોય એવું લાગે છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે નીતિનભાઈ અમારા થોડા નીચા છે, પણ બોજો બહુ લઈને ચાલે છે, એટલે ચિંતામાં મુકાયા હોય એવું લાગે છે."

આટલા સમય પછી પણ નીતિન પટેલને આવું નિવેદન આપવાની જરૂર કેમ પડી?

આ સવાલનો જવાબ આપતાં પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "નીતિન પટેલે નાયબ મુખ્ય મંત્રીપદ સંભાળી તો લીધું પણ રાજકારણમાં પોતાને થયેલો અન્યાય લોકો ભૂલતા નથી."

"અને પોતાનું મહત્ત્વ સિદ્ધ કરવાનું પણ નથી ભૂલતા. આથી નીતિન પટેલ વારેતહેવારે એ યાદ અપાવતા રહે છે કે તેમને અન્યાય થયો છે."

શું ગુજરાત ભાજપમાં બધું બરાબર ચાલી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images

જગદીશ આચાર્ય કહે છે કે ભાજપમાં બધું બરાબર નથી એવું કહી શકાય, પરંતુ પક્ષમાં હાલમાં કોઈ મોટો આંતરિક બળવો થાય એવી શક્યતા નથી.

તેઓ કહે છે કે "અગાઉ પણ એવા આંતરિક પ્રવાહો વહેતા થયા હતા કે વિજય રૂપાણી મુખ્ય મંત્રી તરીકે થોડા નબળા પડે છે. આ સમય દરમિયાન નીતિન પટેલ પોતાનો દાવો મજબૂત કરી રહ્યા હોય એવું લાગે."

"નીતિન પટેલે આ નિવેદન આપીને એ તો પુરવાર કર્યું છે કે બધું બરાબર નથી."

તો અગાઉ અમદાવાદમાં યોજાયેલા લવકુશ પાટીદાર મહાસંમેલનમાં નીતિન પટેલે કહ્યું હતું કે હું સત્ય બોલું છે, ઘણાને કડવું લાગે છે.

નીતિન પટેલે હળવા અંદાજમાં કહ્યું હતું કે "હું સાચું બોલું છું અને સત્ય હંમેશાં કડવું જ હોય છે. કોઈની ખુશામત કરીએ એ થોડો સમય સારું લાગે, પણ વ્યક્તિ ખોટી પડતી હોય છે. સામી વ્યક્તિ ભૂલી પડતી હોય છે. પણ કડવું એ લાબાં ગાળા માટે ઉપયોગી છે. એ દવાનું કામ કરતું હોય છે."

નીતિન પટેલે આ વાત કરી ત્યારે સ્ટેજ પર મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ભાજપ નેતા પરસોત્તમ રૂપાલા, કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો