દિલ્હી હિંસા : 'મૉડલિંગનો શોખ અને ટિકટોક વીડિયો બનાવે છે શાહરૂખ'

શાહરૂખ

ઇમેજ સ્રોત, ANI

24 ફેબ્રુઆરીએ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં હેડ કૉન્સ્ટેબલ દીપક દહિયા સામે રિવોલ્વર તાકતાં દેખાતા યુવક શાહરૂખની પોલીસે ધરપકડ કરી છે. બાદમાં ક્રાઇમબ્રાન્ચે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

ક્રાઇણ બ્રાન્ચના એસીપી અજિતકુમાર સિંગલાએ પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે શાહરૂખ દ્વારા ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલને જપ્ત કરવાની કોશિશ કરાઈ રહી છે.

તેઓએ કહ્યું કે શાહરૂખ 24 ફેબ્રુઆરીએ નાગરિકતા સંશોધન કાયદા સામે થયેલા જાફરાબાદમાં વિરોધપ્રદર્શનમાં સામેલ હતા. તેઓએ ગુસ્સે થઈને પિસ્તોલ કાઢી હતી અને હેડ કૉન્સ્ટેબલ સામે તાકી દીધી હતી.

એસીપી સિંગલાએ જણાવ્યું કે શાહરૂખે ત્રણ ગોળી ચલાવી હતી.

આ ઘટના બાદ શાહરૂખ ફરાર હતા. સોશિયલ મીડિયામાં શાહરૂખનો વીડિયો વાઇરલ થતાં શરૂઆતમાં એવી ખબરો આવી હતી કે શાહરૂખની ધરપકડ કરાઈ હતી, પરંતુ બાદમાં પોલીસે સ્પષ્ટતા આપી હતી કે શાહરૂખની ધરપકડ કરાઈ નથી અને તેમની શોધખોળ ચાલુ છે.

દિલ્હી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, PTI

એસીપી સિંગલાએ જણાવ્યું, "આ ઘટના બાદ શાહરૂખ ફરાર થઈ ગયો હતો. તે પોતાની ગાડીમાં દિલ્હીમાં ફરતો રહ્યો હતો. અને બાદમાં પંજાબ જતો રહ્યો હતો."

"પછી તે બરેલી આવ્યો અને પછી શામલીમાં આવીને છુપાઈ ગયો હતો. શામલી બાદ તે પોતાની જગ્યા બદલવાનું વિચારતો હતો. તેની શામલી બસ સ્ટેન્ડથી ધરપકડ કરાઈ છે."

તેઓએ જણાવ્યું કે "શાહરૂખની પાસે મુંગેરની પિસ્તોલ હતી જે તેણે પોતાની મોજાંની ફૅક્ટરીમાં કામ કરતાં કારીગર પાસેથી લીધી હતી. પ્રદર્શન દરમિયાન જોશમાં આવીને તેણે ફાયરિંગ કર્યું હતું."

"તેનું કોઈ ગુનાહિત બૅકગ્રાઉન્ડ નથી. જોકે તેના પિતા સામે નાર્કોટિક્સ અને નકલી ચલણનો કેસ દાખલ છે."

દિલ્હી પોલીસે જણાવ્યું કે શાહરૂખ મૉડલિંગનો શોખ ધરાવે છે અને ટિકટોક પર વીડિયો બનાવે છે. અત્યાર સુધી એ ખબર નથી પડી કે તેણે આવું કોઈ યોજના હેઠળ કર્યું છે કે પછી તેણે માત્ર જોશમાં આવીને પિસ્તોલ તાકી હતી.

શું હતો આખો મામલો?

ઇમેજ સ્રોત, VIDEO/SAURABH TRIVEDI THE HINDU

ઇમેજ કૅપ્શન,

દાવો કરવામાં આવ્યો હતો કે લોકોના હાથમાં ભગવા ઝંડા હતા

દિલ્હીનાં તોફાનો દરમિયાન શાહરૂખના વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી.

વીડિયોમાં શાહરૂખ જાહેરમાં પોલીસકર્મી પર પિસ્તોલ તાકે છે અને તેમની પાછળનું ટોળું પથ્થર ફેંકી રહ્યું છે.

યુવક સાથે ટોળું પણ આગળ વધે છે અને દરમિયાન ગોળીબારનો અવાજ સંભળાય છે.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના પત્રકાર સૌરભ ત્રિવેદીએ ટ્વીટ કરીને લખ્યું, "ઍન્ટિ-સીએએ પ્રદર્શનકારીઓ જાફરાબાદમાં ફાયરિંગ કરી રહ્યા છે. આ શખ્સે પોલીસકર્મી પર પિસ્તોલ તાકી પણ પોલીસવાળો અડગ રહ્યો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો