પાકિસ્તાન ઝિંદાબાદના નારા પોકારવા એ રાજદ્રોહ છે કે નહીં?

  • રજનીશ કુમાર
  • બીબીસી સંવાદદાતા
યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

20 ફેબ્રુઆરીએ 19 વર્ષનાં વિદ્યાર્થિની અમૂલ્યા લિયોના બેંગલુરુમાં CAA અને NRC સામેના વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા ગયાં હતાં. ત્યાં તેમણે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા. અમૂલ્યાને પોતાની વાત પૂરી ના કરવા દેવાઈ અને મંચ પરથી ખેંચીને દૂર કરી દેવાયાં. બાદમાં તેમના પર રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124-Aનો આરોપ લગાવીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યાં.

અમૂલ્યાનો પૂરો વીડિયો જોવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ આ નારાને સમજાવવાની કોશિશ કરી રહી હતી.

પરંતુ તેમની વાત સાંભળવા માટે કોઈ તૈયાર નહોતું. તેઓ હિન્દુસ્તાન ઝિંદાબાદનો નારો પણ લગાવવાનાં હતાં તે વાતની અવગણના કરી દેવામાં આવી.

શું 'પાકિસ્તાન ઝિંદાબાદ'નો નારા લગાવવા રાજદ્રોહ છે અને શું પાકિસ્તાન મુર્દાબાદ એવું કહેવાથી દેશભક્તિનો પુરાવો મળી જાય છે?

સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવે કહે છે, "પાકિસ્તાન ઝિંદાબાદ કહેવું એક રાજદ્રોહ નથી. રાજદ્રોહની વાત જવા દો આવું બોલવું એ કોઈ પ્રકારનો ગુનો નથી કે પોલીસે તેની ધરપકડ કરી શકે."

દવે કહે છે, "પાડોશી દેશો સાથે સારા સંબંધો રાખવાની વાત બંધારણમાં કહેવામાં આવી છે. જેમને એમ લાગતું હોય કે પાકિસ્તાન સામે નફરત એ જ દેશભક્તિ છે, તો તેઓ ભારતને એક નેશન-સ્ટેટ તરીકે સમજ્યા નથી."

"કોઈ એક દેશ માટે નફરત તે આટલા મોટા દેશ માટે વફાદારીનો પુરાવો ન હોઈ શકે. ભારતના બંધારણમાં પણ આવી કોઈ વાતને સ્થાન આપવામાં આવ્યું નથી."

રાજદ્રોહના જૂના મામલા

ઇમેજ સ્રોત, Getty Images

31 ઑક્ટોબર, 1984ના રોજ ઇંદિરા ગાંધીની હત્યા પછી પંજાબ સરકારે બે કર્મચારી બલવંત સિંઘ અને ભૂપિન્દર સિંઘને 'ખાલિસ્તાન ઝિંદાબાદ' અને 'રાજ કરેગા ખાલસા' એવા નારા લગાવવાના મામલે પકડી લીધા હતા. ઇંદિરા ગાંધીની હત્યાના થોડા કલાકો બાદ ચંદીગઢમાં નીલમ સિનેમા પાસે તેમણે આવી નારેબાજી કરી હતી.

તેઓ બંને સામે પણ આઈપીસીની કલમ 124-A હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને 1995માં જિસ્ટસ એ. એસ. આનંદ અને જસ્ટિસ ફૈઝાનુદ્દીનની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આવી રીતે એકલદોકલ માણસો નારા લગાવે તેને રાજદ્રોહ ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટેની આ બેન્ચે જણાવ્યું હતું કે "બે લોકો આવી રીતે નારા લગાવે તેના કારણે ભારત સરકાર કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે જોખમ ઊભું થતું નથી. તેમાં નફરત અને હિંસા ભડકાવવાની પણ કોઈ વાત નથી. તેથી રાજદ્રોહનો આરોપ લગાવવો બિલકુલ ખોટો છે."

સરકારી વકીલે એવું પણ કહ્યું કે તેમણે 'હિન્દુસ્તાન મુર્દાબાદ'ના નારા પણ લગાવ્યા હતા. તે વિશે સુપ્રીમ કોર્ટે કહે કે એકલદોકલ લોકો આવી રીતે નારેબાજી કરે તેના કારણે ભારતીય રાષ્ટ્ર સામે કોઈ ખતરો ઊભો થઈ શકે નહીં.

બે સમુદાયો વચ્ચે કોઈ નફરત પેદા કરવાનું કામ કરે ત્યારે જ રાજદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

કોર્ટે એવું પણ કહ્યું કે પોલીસે તેમની ધરપકડ કરીને પરિપક્વતા દાખવી નથી, કેમ કે તંગદિલીભર્યા માહોલમાં આ પ્રકારે ધરપકડ કરી લેવાથી સ્થિતિ ઊલટાની કથળી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે "આવા માહોલમાં આ પ્રકારની કાર્યવાહીને કારણે સમસ્યા ખતમ નથી થતી, ઊલટાની વકરે છે." સર્વોચ્ચ અદાલતે બલવંત સિંઘ અને ભૂપિન્દર સિંઘ સામેના રાજદ્રોહના આરોપને કાઢી નાખ્યા હતા.

કનૈયા પર રાજદ્રોહનો કેસ

ઇમેજ સ્રોત, AFP

આવો જ આરોપ જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ અને સીપીઆઈના નેતા કનૈયા કુમાર પર લગાવાયો છે.

કનૈયા સામે ચાર વર્ષથી આરોપ મૂકવામાં આવ્યો છે, પણ હજી સુધી પોલીસે આરોપનામું તૈયાર કર્યું નથી.

દિલ્હી સરકાર હવે કનૈયા કુમાર સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે એટલે આરોપનામું દાખલ થઈ શકે છે.

જોકે કોર્ટમાં એ સાબિત કરવાનું રહેશે કે કનૈયાએ ભારતવિરોધી નારા લગાવ્યા હતા. તેમના કેસમાં પણ જસ્ટિસ એ. એસ. આનંદના ફેંસલાને ચોક્કસ ધ્યાને લેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીએ પણ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમૂલ્યા સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવો તે કાયદાનો દુરુપયોગ છે.

તેમણે કહ્યું, "દેખીતી રીતે આ કાયદાનો દુરુપયોગ છે. આમાં ક્યાં રાજદ્રોહનો કેસ બને છે? એટલું જ નહીં, તે છોકરીએ જે કંઈ બોલી તેની સામે કાર્યવાહી માટે ઇન્ડિયન પીનલ કોડમાં કોઈ જોગવાઈ નથી. રાજદ્રોહની તો વાત જ જવા દો. તેમની સામે કોઈ અપરાધનો કેસ બનતો નથી."

જસ્ટિસ રેડ્ડીએ કહ્યું, "જો અમેરિકા ઝિંદાબાદ અથવા ટ્રમ્પ ઝિંદાબાદ કહેવામાં કોઈ તકલીફ ના હોય તો પછી પાકિસ્તાન ઝિંદાબાદ કહેવામાં પણ કશું વાંધાજનક નથી."

અમૂલ્યા બેંગલુરુ યુનિવર્સિટીમાં પત્રકારત્વનું ભણી રહ્યાં છે. તેમની સામેનો આ કેસ સાબિત થાય તો આજીવનકેદ સુધીની સજા થઈ શકે છે.

જસ્ટિસ રેડ્ડીએ કહ્યું કે આ કેસમાં કોર્ટે સુઓમોટો કાર્યવાહી કરવી જોઈએ, નહીં તો અભિવ્યક્તિની આઝાદી સામે પ્રહારો વધતા રહેશે.

જસ્ટિસ રેડ્ડીએ કહ્યું કે "ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ના થઈ રહ્યું હોય કે પછી પાકિસ્તાનને દુશ્મન દેશ જાહેર કરવામાં ના આવ્યો હોય ત્યાં સુધી પાકિસ્તાન ઝિંદાબાદના નારાને ગુનો ગણી શકાય નહીં."

"જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો તે પછી પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા નથી, પરંતુ બંને દેશો વચ્ચે હજીય સત્તાવાર રીતે રાજદ્વારી સંબંધો ચાલી જ રહ્યા છે."

ક્રિકેટના મામલે બબાલ

ઇમેજ સ્રોત, Getty Images

જૂન 2017માં ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારત સામે જીતી ગઈ ત્યારે તેની ખુશી મનાવનારા 20 મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આ બનાવો બન્યા હતા. આ લોકોની સામે પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જોકે બાદમાં મધ્ય પ્રદેશમાં 15 લોકો સામેથી આ કેસ હઠાવી દેવાયો હતો. શું ભારત અને પાકિસ્તાનની મૅચમાં પાકિસ્તાન જીતે તેની ખુશી મનાવવી તે રાજદ્રોહ ગણી શકાય?

ગયા મહિને 21 ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ટી-20 મહિલા વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મૅચ હતી.

તે મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 17 રને હરાવી દીધું હતું. મૅચ પછી ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પત્રકારપરિષદ કરી રહ્યા હતા.

આ પત્રકારપરિષદમાં એસબીએસના પત્રકાર વિવેક કુમાર પણ હતા.

વિવેક કહે છે કે પત્રકારપરિષદમાં ઑસ્ટ્રેલિયાનાં મહિલા ક્રિકેટર ઍલિસા હૅલીએ ભારતીય દર્શકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં દર્શકો મૅચ જોવા આવ્યા તે જોઈને તેમને સારું લાગ્યું હતું.

વિવેક કહે છે, "ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની કોઈ પણ ક્રિકેટ મૅચ હોય ત્યારે ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હોય છે."

"તેઓ 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારા લગાવતા હોય છે. તેની સામે કોઈ સવાલ ઉઠાવતું નથી કે તમે કોનું ખાવ છો અને કોના ગીત ગાવ છો. તેના બદલે બધા એન્જોય કરે છે."

"અહીં દર્શકોની પસંદ જોઈને કોઈને ગદ્દાર કહેવામાં આવતા નથી. તમે કોઈ પણ ટીમના ચાહક હોઈ શકો છો, કોઈ પણ ખેલાડીને તમે પસંદ કરી શકો છો. કોઈની જીતથી તમને આનંદ થાય, કોઈની હારથી તમને દુખ થાય. એ બિલકુલ તમારી અંગત લાગણી છે. તે કોઈના પર થોપી ના શકાય."

બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ નવેમ્બર 2018માં પોતાના એક પ્રસંશકને એવું કહી દીધું હતું કે ભારત છોડીને જતા રહો.

આ ચાહકે એવું લખેલું કે તેમને ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાના ક્રિકેટરો વધારે ગમે છે ત્યારે કોહલીએ સંભળાવી દીધું કે ભારત છોડીને બીજે જતા રહો.

વિવેક કહે છે, "હાલમાં જ જર્મનીમાં ફૂટબૉલ લીગમાં એક સરદારજીને પસંદ કરવામાં આવ્યા છે. મને તે જાણીને બહુ ગમ્યું. દુનિયાની ઘણી ક્રિકેટ ટીમોમાં ભારતીય મૂળના ખેલાડીઓ રમે છે. તેમના પ્રત્યે ભારતીયોનો લગાવ હોય તે સમજી શકાય તેવું છે."

"ભારતની યુવતીઓ ઇમરાન ખાન, વસીમ અકરમ કે શોએબ અખ્તરને પસંદ કરતી હતી. એવું નથી કે માત્ર મુસ્લિમ યુવતીઓને તેઓ ગમતા હોય. ફવાદ ખાન ભારતીય યુવતીઓમાં બહુ લોકપ્રિય છે. ભારતનો રાષ્ટ્રવાદ આવી સંકુચિતતાથી ઘણો ઉપર છે."

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

રાજદ્રોહ એટલે કે સેડિશનના કેસમાં આઈપીસીની કલમ 124-A વિશે સુપ્રીમ કોર્ટનો સૌથી અગત્યનો ચુકાદો 1962માં કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં આપ્યો હતો.

કેદારનાથ સિંહે 26 મે, 1953ના રોજ બેગુસરાયમાં આયોજિત એક રેલીમાં ભાષણ આપ્યું હતું. તે વખતે કેદારનાથ સિંહ ફૉરવર્ડ કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા.

સભામાં તેમણે સત્તાધારી કૉંગ્રેસ પક્ષ પર આકરી વાણીમાં પ્રહારો કર્યા હતા.

કેદારનાથે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "સીઆઈડીનાં કૂતરાં બરૌનીમાં રખડતાં રહે છે. ઘણાં સરકારી કૂતરાં આ સભામાં પણ હશે. ભારતના લોકોએ બ્રિટિશ ગુલામીને ઉખેડીને ફેંકી દીધી અને કૉંગ્રેસી ગુંડાઓને ગાદી પર બેસાડ્યા. અમે લોકો અંગ્રેજોને હઠાવ્યા તે રીતે આ કૉંગ્રેસના ગુંડાઓને પણ ઉખાડીને ફેંકી દઈશું."

આ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારની આકરી શબ્દોમાં ટીકા કરવી તે રાજદ્રોહ નથી.

સરકારની ખામીઓ બતાવવી, તેમાં સુધારા માટે વિરોધ કરવો કે આકરા શબ્દોમાં ટીકા કરવી તે રાજદ્રોહ નથી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ હિંસા કે નફરતનો ફેલાવો ના કરે ત્યાં સુધી રાજદ્રોહનો કેસ બનતો નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદમાં કહ્યું કે લોકો પાસે એવો અધિકાર છે કે સરકાર સામે પોતાની પસંદ કે નાપસંદ વ્યક્ત કરે. હિંસાનું વાતાવરણ ઊભું ના કરવામાં આવે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિનો ભંગ ના થાય ત્યાં સુધી રાજદ્રોહનો કેસ દાખલ કરી શકાય નહીં.

રાષ્ટ્રવાદની સામે રાજદ્રોહનું રાજકારણ

2014માં મોદી સરકાર આવી તે પછી કેટલીક એવી બાબતોને આગળ કરવામાં આવી તેને રાષ્ટ્રવાદની સાબિતી તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

થિયેટરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત અને તેના માટે ઊભા થવાનું ફરજિયાત કરી દેવાયું. ઊભા ના થનારા લોકો સાથે મારપીટના બનાવો બનવા લાગ્યા. બાદમાં તેને ફરજિયાતમાંથી સ્વૈચ્છિક કરી દેવાયું.

લોકોની ખાણીપીણી કેવી હોય તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ અને બીફ હોવાની શંકાના આધારે મારપીટ થવા લાગી અને કેટલાકના જીવ પણ ગયા.

શું બોલવું અને શું ના બોલવું તેની પણ ચર્ચાઓ થવા લાગી. અસહમતીની બાબતમાં સવાલો ઊભા થવા લાગ્યા અને રાષ્ટ્રવાદને માત્ર નારા લગાવવા અને તિરંગો લહેરાવવો તે પૂરતી જ મર્યાદિત કરી દેવાની કોશિશો થવા લાગી.

ઇતિહાસકાર મૃદુલા મુખરજી 'રાષ્ટ્રવાદ' શબ્દ અને તેના સુક્ષ્મ અર્થને ભારતની આઝાદીની લડાઈના સંદર્ભમાં જુએ છે.

તેઓ કહે છે, "હિટલરનો રાષ્ટ્રવાદ ગાંધી અને નહેરુના રાષ્ટ્રવાદથી અલગ હતો. યુરોપમાં રાષ્ટ્રવાદનો વિચાર સામ્રાજ્યવાદના વિસ્તાર વખતે ઊભો થયો હતો. યુરોપના રાષ્ટ્રવાદમાં દુશ્મન પોતાની અંદર જ હતા."

"તેઓ યહૂદી કે પ્રોટેસ્ટન્ટને દુશ્મન ગણતા હતા. તેનાથી અલગ ભારતમાં રાષ્ટ્રવાદ એટલે બહારના સામ્રાજ્યવાદ સામે, બ્રિટનના શાસનના વિરોધ સામે ઊભો થયો હતો."

"તેણે બ્રિટિશ સામ્રાજ્યવાદ સામે લોકોને એક કરવાનું કામ કર્યું. સામ્રાજ્યવિરોધી આ રાષ્ટ્રવાદમાં ભારતીય ઓળખ બની હતી, કોઈ કોમ, ધર્મ કે ભાષાનું મહત્ત્વ નહોતું."

રાષ્ટ્રગીત લખનારા રવીન્દ્રનાથ ઠાકુરના રાષ્ટ્રવાદના વિચારોને સમજવા જરૂરી છે.

ઠાકુરે કહ્યું હતું કે, "રાષ્ટ્રવાદ આપણો છેલ્લો અધ્યાત્મિક લક્ષ્યાંક ના હોય શકે. મારું આશ્રયસ્થાન તો માનવતા છે. હીરાની કિંમતે હું અરીસા નથી ખરીદતો. હું જીવિત છું ત્યાં સુધી દેશભક્તિને માનવતા પર જીત મેળવવા દઈશ નહીં."

અંગ્રેજોનો અત્યાચારી કાયદો

ઇમેજ સ્રોત, Getty Images

મહાત્મા ગાંધીએ 'યંગ ઇન્ડિયા'માં 1922માં લખ્યું હતું કે 'કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવા માટે પહેલાં એ જરૂરી છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા નિશ્ચિત કરી દેવામાં આવે.'

ગાંધી કહે છે કે જીવનનો આ પાયાનો અધિકાર છે. તેના વિના કોઈ રાજકીય આઝાદી હાંસલ થઈ શકે નહીં. આઝાદી પછી બંધારણ બન્યું ત્યારે અભિવ્યક્તિ અને ધાર્મિક આસ્થાના અધિકારને મૂળભૂત અધિકારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

અભિવ્યક્તિના સ્વાતંત્ર્યમાં અસહમતી જાહેર કરવાનું પણ આવી જાય છે. અસહમતી પ્રગટ કરવાની વાત બહુ અગત્યની છે.

એસ. રંગરાજન વિરુદ્ધ જગજીવન રામના કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે 'લોકતંત્રમાં એ જરૂરી નથી કે દરેક માણસ એકસરખું જ ગીત ગાય.'

ઐતિહાસિક રીતે રાજદ્રોહના કાયદો અંગ્રેજોએ બનાવ્યો હતો. આ જ કાયદા હેઠળ મહાત્મા ગાંધી અને બાળગંગાધર તિલકને જેલમાં મોકલી દેવાયા હતા.

22 એપ્રિલ, 2017ના રોજ એમએન રૉય મેમોરિયલ લેક્ચરમાં દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ. પી. શાહે કહ્યું હતું કે, "1908માં ધરપકડ થઈ તે પહેલાં ગંગાધર તિલકે કહ્યું હતું કે સરકારે સમગ્ર દેશને જેલ બનાવી દીધો છે અને લોકો કેદી બની ગયા છે. જેલમાં જવાનો મતલબ એ થયો કે એક મોટા સેલમાંથી નાના સેલમાં જવું પડશે."

1922માં મહાત્મા ગાંધીને રાજદ્રોહના કેસમાં ગુનેગાર ઠરાવાયા હતા. અંગ્રેજો આ કાયદાનો ઉપયોગ કરીને સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં નાખી દેતા હતા.

ગુલામ ભારતમાં રાજદ્રોહનો જે કાયદો હતો તે આજે આઝાદ ભારતમાં પણ ચાલી રહ્યો છે.

દુષ્યંત દવે કહે છે કે હવે આવા કાયદાનો કોઈ અર્થ રહ્યો નથી.

તેઓ કહે છે, "1950માં બંધારણ લાગુ પડ્યું તે પછી આ કાયદાને ખતમ કરી દેવાની જરૂર હતી. આ જ સરકાર આ કાયદાનો દુરુપયોગ કરી રહી છે તેવું નથી. બધી જ સરકારોએ તેનો દુરુપયોગ કર્યો છે."

"યુનિવર્સિટીની ચર્ચામાં, અસહમતીમાં અને સરકારને પડકાર ફેંકાયો હોય ત્યાં પણ રાજદ્રોહનો કેસ લગાવી દેવાનું અને રાષ્ટ્રવિરોધી કહી દેવાનું કામ ચાલી રહ્યું છે."

અંગ્રેજોએ બનાવેલો કાયદો આઝાદ ભારતમાં પણ ચાલતો રહ્યો છે, જ્યારે અંગ્રેજોએ પોતે બ્રિટનમાં તેને 2009માં રદ કરી દીધો છે.

રાજદ્રોહનો કાયદો ઇંગ્લૅન્ડમાં 17મી સદીમાં રાજા અને શાસન સામે અવાજ ઉઠાવનારા લોકોનો અવાજ દબાવી દેવા માટે ઘડવામાં આવ્યો હતો.

તેની પાછળનો ઇરાદો એવો હતો કે સરકાર માટે માત્ર સારી-સારી વાતો જ કરવામાં આવે. એ જ કાયદાને અંગ્રેજોએ 1870માં ભારતમાં લાગુ પાડ્યો હતો.

અંગ્રેજોએ તે કાયદાનો ઉપયોગ 1897માં બાળગંગાધર તિલક સામે કર્યો હતો. શિવાજી વિશેના એક કાર્યક્રમમાં તિલકે ભાષણ આપ્યું હતું.

તેમણે આ ભાષણમાં સરકારની ટીકા કે તેને ઉખાડીને ફેંકી દેવાની કોઈ વાત કરી નહોતી.

આમ છતાં કેસ થયો અને કોર્ટે આ કાયદાનું અર્થઘટન એવી રીતે કર્યું હતું કે "રાજ્ય પ્રત્યે નફરત, હિંસા, દુશ્મની, અવગણના અને ગદ્દારીના કેસમાં રાજદ્રોહનો મુકદ્દમો ચાલી શકે."

નહેરુ-પટેલ અને શ્યામાપ્રસાદ મુખરજી

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણ લાગુ પડ્યું તેના 17 મહિના પછી જ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે અભિવ્યિક્તિની સ્વતંત્રતાની મર્યાદા કેવી રીતે નક્કી કરવી.

આખરે 1951માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો. બંધારણમાં પ્રથમ સુધારો કરીને ત્રણ વાત ઉમેરવામાં આવી કે - જાહેર શાંતિ, બીજા દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો અને ગુનાખોરી માટે ઉશ્કેરણી.

મતલબ કે આ ત્રણ બાબતોનો ભંગ થાય તેવી વાત તમે બોલી કે લખી શકો નહીં.

જાણીતા ધારાશાસ્ત્રી અભિનવ ચંદ્રચૂડે પોતાના પુસ્તક 'રિપબ્લિક ઑફ રેટરિક ફ્રી સ્પીચ ઍન્ડ ધ કૉન્સ્ટિટ્યૂશન ઑફ ઇન્ડિયા'માં લખ્યું કે 'ભારતના બંધારણમાં આ પ્રથમ સુધારો શ્યામાપ્રસાદ મુરખજીને પાકિસ્તાન વિરુદ્ધ બોલતા રોકવા માટે કરાયો હતો. મુખરજી પાકિસ્તાન સામે લડાઈની વાત કરતાં હતા તેમને રોકવા માટે કાયદામાં સુધારો કરાયો હતો. બીજા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની વાત કરીને નહેરુ અને પટેલે મુખરજીને બોલતા રોક્યા હતા.'

ચંદ્રચૂડે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે 'નહેરએ સરદાર પટેલને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે શ્યામાપ્રસાદ મુખરજીની હિંદુ મહાસભા અખંડ ભારતની વાતો કરે છે. આવી વાતો યુદ્ધ ભડકાવવા જેવી છે એમ તેમણે લખ્યું હતું, કેમ કે નહેરુને પાકિસ્તાન સામે યુદ્ધની વાતો ખુલ્લેઆમ થાય તેની ચિંતા હતી. તેના જવાબમાં પટેલ લખ્યું હતું કે તેનો ઉકેલ બંધારણમાંથી જ નીકળશે.'

એપ્રિલ 1950માં નહેરુ-લિયાકત કરાર સામે વિરોધ કરીને મુખરજીએ નહેરુના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું.

મુખરજીએ નહેરુને જણાવ્યું હતું કે તમે જે નીતિ પર ચાલી રહ્યા છો તે સફળ નહીં થાય. ભવિષ્યમાં તેનો અહેસાસ તમને થશે.

તે પછી મુખરજી જાહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની વાતો કરવા લાગ્યા હતા.

જૂન 1950માં નહેરુએ પત્ર લખીને પટેલને જણાવ્યું કે 'પાકિસ્તાન સાથે થયેલો કરાર, હિંદુ મહાસભાના દુષ્પ્રચાર, કોલકાતા પ્રેસ અને શ્યામા પ્રસાદ મુખરજીને કારણે યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી.'

તેના જવાબમાં જુલાઈ 1950ના રોજ પટેલે લખી જણાવ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટને (બે પ્રકાશનો) ક્રૉસરોડ અને ઑર્ગેનાઇઝર પર મૂકેલા પ્રતિબંધને હઠાવી દીધા છે. મને લાગે છે કે આપણે ઝડપથી બંધારણમાં સુધારા માટેનો વિચાર કરવો જોઈએ.'

તે વખતે કલમ 19 (2) હેઠળ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યમાં ચાર અપવાદ કરવામાં આવ્યા હતાઃ બદનક્ષી, અશ્લિલતા, અદાલતનું અપમાન, અને દેશની સુરક્ષા એ ચારેય બાબતોમાં અભિવ્યક્તિ સ્વતંત્રતાને પડકારી શકાતી હતી.

અભિવ્યક્તિના નામે...

ઇમેજ સ્રોત, Getty Images

જૂન 1951માં સંસદમાં બંધારણમાં પ્રથમ સુધારો પસાર કરવામાં આવ્યો અને તેમાં કલમ 19 (2)માં ત્રણ નવી શરતો ઉમેરવામાં આવી.

આ ત્રણ શરતો એટલે ઉપર જણાવી દે - સાર્વજનિક શાંતિનો ભંગ કરવો, કોઈને ગુનો કરવા ઉશ્કેરવા, અને અન્ય દેશો સાથે સંબંધો ખરાબ થાય તેવી અભિવ્યક્તિ કરવી.

અભિનવ ચંદ્રચૂડે લખ્યું છે, "બીજા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની જોગવાઈ શ્યામાપ્રસાદ મુખરજીને બોલતા અટકાવવા માટે ઉમેરવામાં આવી હતી."

"નહેરુએ સંસદમાં ભાષણ આપતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિ એવું કંઈક કરે કે તેના કારણે યુદ્ધ ભડકે તો તે બહુ ગંભીર બાબત છે. નહેરુએ કહ્યું હતું કે કોઈ પણ દેશ અભિવ્યક્તિના નામે યુદ્ધને સહન કરી શકે નહીં."

બીજી બાજુ નહેરુ સામે જવાબ આપતા શ્યામાપ્રસાદ મુખરજીએ કહ્યું કે "દેશનું વિભાજન એક ભૂલ હતી અને એક દિવસ તેને ખતમ કરવું જ પડશે, ભલે તે માટે એક દિવસ બળપ્રયોગ કરવો પડે."

દુષ્યંત દવે કહે છે, "રાજદ્રોહ એટલે કે સેડિશન હેઠળ ભાજપના સાંસદ પરવેશ વર્મા અને કેન્દ્રના મંત્રી અનુરાગ ઠાકુર સામે કેસ થવો જોઈતો હતો."

"દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે તેઓએ જે ભાષણો આપ્યાં તે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પડકાર ફેંકનારાં હતાં. તેની પાછળ હિંસા ભડકાવાની ઇચ્છા હતી. આમ છતાં તે બંનેની સામે કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો