મધ્ય પ્રદેશમાં 'કમલ'નાથ સરકાર પર સંકટ, ભાજપે 'હાથ' હોવાનું નકાર્યું

કમલનાથની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપે આઠ ધારાસભ્યોને બળજબરીપૂર્વક ગુરુગ્રામની એક હોટલમાં ગોંધી રાખ્યા છે.

કથિત રીતે ગોંધી રખાયેલા ધારાસભ્યોમાંથી ચાર કૉંગ્રેસના, એક-એક સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના છે. આ સિવાય બે અપક્ષ છે.આ ધારાસભ્યોએ મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને ટેકો જાહેર કર્યો છે.

જોકે, ભાજપના નેતા તથા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આ આરોપોને નકારતા જણાવ્યું:

"આ તેમનો (કૉંગ્રેસ)ની આંતરિક બાબત છે અને અમારી ઉપર આરોપ મૂકે છે. કૉંગ્રેસમાં અનેક જૂથ છે અને તેમની વચ્ચે પરસ્પર ખેંચતાણ પ્રવર્તી રહી છે."

હરિયાણાની હોટલમાં MLA

મધ્ય પ્રદેશના નાણા પ્રધાન તરુણ ભણોટે ટી.વી. ચેનલોએ વાતચીતમાં દાવો કર્યો હતો કે તેમના ચાર ધારાસભ્યોમાંથી એક પૂર્વ પ્રધાન બિસાહુલાલ સિંહે ફોન કરીને જણાવ્યું હતું કે તેમને ગુરૂગ્રામ (ગુડગાંવ)ની આઈ.ટી.સી. મરાઠા હોટલમાં બળજબરીપૂર્વક રાખવામાં આવ્યા છે અને તેમને બહાર જવાની છૂટ નથી અપાઈ રહી.

તરૂણ ભણોટનું કહેવું છે કે મધ્ય પ્રદેશની કૉંગ્રેસ સરકારના બે પ્રધાન જીતુ પટવારી તથા જયવર્ધનસિંહ એ હોટલ પાસે જ છે, પરંતુ તેમને અંદર જવા દેવાયા ન હતા,.

ભણોટનું કહેવું છે, "હરિયાણામાં ભાજપની સરકાર છે. તેણે હોટલની બહાર પોલીસ તહેનાત કરી દીધી છે."

"ભાજપના પૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રા પણ ત્યાં છે અને તેઓ અમારા બે પૂર્વ પ્રધાનને હોટલની અંદર જવા નથી દેતા."

મધ્ય પ્રદેશ કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવા માટે પ્રયાસરત છે. સિંહનો આરોપ છે કે પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા ભાજપના નેતા નરોત્તમ મિશ્રાએ તેમના ધારાસભ્યોને રૂ. 25-35 કરોડ આપવાની ઓફર કરી છે.

ગત વર્ષે મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે રાજ્યની કમલનાથ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતી વેળાએ કહ્યું હતું કે જો પાર્ટી (ભાજપના) ટોચના નેતાઓની લીલીઝંડી મળે તો કૉંગ્રેસની સરકાર 24 કલાક નહીં ટકી શકે.

વિધાનસભાનું ગણિત

મધ્ય પ્રદેશ વિધાનસભા 231 સભ્યોની બનેલી છે. બે ધારાસભ્યના નિધન થવાથી તેમની બેઠકો ખાલી પડી છે.

કૉંગ્રેસ પાસે 114, ભાજપ પાસે 107, બસપાના બે, સપાના એક તથા ચાર અપક્ષ ધારાસભ્ય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો