Coronavirus : દિલ્હી, ઇટાલી અને ઈરાનમાં શાળાઓ બંધ, IMFની 50 બિલિયન ફંડિગની જાહેરાત

કોરોના

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ વધારે ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક શાળાઓ 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઇટાલી અને ઈરાનમાં પણ શાળાઓ બંધ કરવામાં આવી છે.

ઇટાલીએ 10 દિવસ માટે તમામ શાળાઓ બંધ કરી છે તો ઈરાન એપ્રિલની શરૂઆત સુધી તમામ શાળાઓ-કૉલેજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે અસરગ્રસ્ત દેશો માટે 50 બિલિયન ડૉલરના ફંડિગની જાહેરાત કરી છે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 18 રાજ્યોમાં કોરોના વાઇરસના કેસ જોવા મળ્યા છે.

અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોના વાઇરસ (કોવિડ-19)ના 93,090 કેસની પુષ્ટિ થઈ છે, કોરોના વાઇરસ 76 દેશોમાં વાઇરસ ફેલાયો છે.

દિલ્હીના નાયબમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ શાળાઓ બંધ રાખવા અંગે જાણકારી આપી છે. 

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાઇરસ 60થી વધુ દેશમાં ફેલાઈ ગયો છે. આ બીમારીને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લગભગ ત્રણ હજાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

વિશ્વભરમાં લગભગ 90 હજાર લોકોને તેનો ચેપ લાગ્યો છે. ચીન બાદ સૌથી વધુ પ્રભાવિત રાષ્ટ્રોમાં દક્ષિણ કોરિયા, ઈટાલી તથા ઈરાનનો સમાવેશ થાય છે.

દુનિયામાં કોરોના વાઇરસનો કેર વર્તાયો છે ત્યારે આ મહામારીને પહોંચી વળવા માટે વર્લ્ડ બૅન્કે 12 બિલિયન ડૉલરની સહાયની જાહેરાત કરી છે.

વર્લ્ડ બૅન્કે આ સહાય વિકાશશીલ દેશો માટે જાહેર કરી છે.

આ ઇમરજન્સી પૅકેજમાં ઓછાં ખર્ચની લોન, ગ્રાન્ટ અને ટૅકનિકલ સહયોગનો સમાવેશ થાય છે.

વર્લ્ડ બૅન્કના ગ્રૂપ પ્રૅસિડેન્ટ ડેવિડ માલપાસે બીબીસીને કહ્યું કે અમે રોગનો ફેલાવો ઓછો થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.

કોરોના વાઇરસ અંગે જે તમે જાણવા માગો છે

ભારતમાં પણ કોરોનાનો પગપેસારો

ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસની પુષ્ટિ થઈ છે.

બુધવારે (4 ફેબ્રુઆરી)એ મોડી રાતે ગુડગાંવમાં એક કેસ સામે આવ્યો છે. ડિજિટલ મની ટ્રાન્સફર કંપની પેટીએમના હવાલાથી ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું કે તેમની ગુરુગ્રામસ્થિત ઑફિસમાં એક શખ્સ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ થોડા દિવસ પહેલાં જ ઇટાલીથી પરત આવ્યો હતો.

જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પર ચાર માર્ચ સુધીમાં 28 કેસની પુષ્ટિ કરાઈ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વેબસાઇટ પ્રમાણે, આ 28 કેસમાંથી 17 જયપુરમાં, એક દિલ્હીમાં, છ આગ્રામાં અને તેલંગણામાં એક કેસ નોંધાયો છે.

અગાઉ કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જોકે સારવાર બાદ એ ત્રણેય દર્દીઓને રજા આપી દેવાઈ હતી.

ઈરાનમાં ભારતીય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કોરોના વાઇરસને પગલે યુકેમાં એક મેડિકલ શૉપની બહાર હાડપિંજર સાથે માસ્ક મૂકવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને જિલ્લા, તાલુકા તથા ગ્રામ્યસ્તરે નજર રાખવા અને તત્કાળ પ્રતિક્રિયા આપવા કહ્યું છે.

વિદેશમંત્રી એસ. જયશંકરના કહેવા પ્રમાણે, કોરોના વાઇરસને કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની વ્યવસ્થા માટે ઈરાનના સત્તાધીશો સાથે વાટાઘાટો ચાલી રહી છે.

બીજી બાજુ, ભારતના ચાર ડૉક્ટરોની એક ટીમ ઈરાન પહોંચી છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરોગ્યપ્રધાનનું કહેવું છે કે કોરોના વાઇરસ સંકટ કાબૂમાં છે. આ વાત એવી જ છે કે 'ટાઇટેનિક' જહાજનો કૅપ્ટન મુસાફરોને ભયભીત ન થવા કહે.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ માગ કરી છે કે તે કોરોના વાઇરસ સામે લડવાનો ઍક્શન પ્લાન સાર્વજનિક કરે અને તેના માટે જરૂરી સંશાધનો ફાળવે.

કોરોના વાઇરસને લઈને ઈરાનમાં ફસાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને તેમજ અન્યોને બચાવવા અંગે થયેલી પિટિશનને મામલે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આ કેસમાં આગામી સુનાવણી 12 તારીખે થશે.

'હોળીમાં ભસ્મ'

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કોરોના વાઇરસ મુદ્દે આગામી સાત-આઠ દિવસ મહત્ત્વપૂર્ણ છે. પ્રાર્થના કરું કે તે હોળીમાં ભસ્મ થઈ જાય.

તો નવી દિલ્હી ખાતે લોકસભા તથા રાજ્યસભાના સંસદસભ્યો ચહેરા ઉપર માસ્ક લગાવીને સંસદ પહોંચ્યા હતા.

રાજ્યસભાના ચૅરમૅનને બહાર સ્કેનર લગાડવાની તમામની ચકાસણી કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં કોરોના વાઇરસને પગલે ઈરાનમાં વધુ 15 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈરાનમાં કુલ 92 લોકોનાં મૃત્યુ થયાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને કારણે ચાલુ વર્ષે હોળીના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે તો ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં યોજાનારી રેલી રદ કરી દીધી છે.

તેલંગણા ભાજપના પ્રવક્તા કે. ક્રિશ્ના સાગર રાવે કહ્યું છે કે, લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ સંપર્કમાં ન આવે તે માટે 15 માર્ચે યોજાનાર રેલીને પાછી ઠેલવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, "કોરોના વાઇરસ ફેલાતો અટકે તે માટે વિશ્વભરમાં નિષ્ણાતો સામૂહિક કાર્યક્રમો ઘટાડવાની સલાહ આપે છે. આથી મેં આ વખતે હોળીમિલનના કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પણ હોળી સંદર્ભે સામૂહિક કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે, કેન્દ્ર સરકાર કોરોના સામે સજ્જ છે.

ગુજરાતના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યનો આરોગ્ય વિભાગ અન્ય રાજ્યો સાથે સંપર્કમાં છે તથા કેન્દ્ર સરકાર દ્વારા પણ માર્ગદર્શન મળી રહ્યું છે.

ઍરપૉર્ટ ઉપર આવતાં મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોના આરોગ્ય સચિવોની વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી

પટેલે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર સતર્ક છે. તમામ 33 જિલ્લામાં આઇસોલેશન વૉર્ડ ઊભા કરવામાં આવ્યા છે અને રાજ્યમાં કોરોનાનો કોઈ પૉઝિટિવ કેસ નોંધાયો નથી.

ક્યાં-ક્યાં કેસ નોંધાયા?

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.) દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સૌ પ્રથમ વખત કેરળમાં ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય પૉઝિટિવ કેસને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

ત્યારબાદ વધુ ત્રણ કેસમાં કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે છ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તમામને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

દિલ્હી, રાજસ્થાન તથા તેલંગણામાં એક-એક પૉઝિટિવ કેસ નોંધાયા છે.

દિલ્હીની વ્યક્તિ ઈટાલીથી આવી હતી, તેમના સંપર્કમાં આવેલા આગ્રાના છ લોકોને પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

નોઇડાની બે પ્રાઇવેટ સ્કૂલને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવામાં આવી છે.

મોદી સરકાર તૈયાર?

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન,

સરકારે કોરોના વાઇરસથી બચવા પ્રચાર અભિયાન શરૂ કર્યું

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોના વાઇરસ સંદર્ભે ઊભી થનારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તે સજ્જ છે અને ગભરાવાની જરૂર નથી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધનના કહેવા પ્રમાણે, ડરવા કે ગભરાવાની જરૂર નથી.

બુધવારે પત્રકારપરિષદ દરમિયાન ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે મૂળ 14 ઇટાલિયન પર્યટકોને કોરોના પૉઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

તેમણે નાગરિકોને સાવચેતી રાખવા તથા સતર્ક રહેવા જણાવ્યું છે.

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?

કોરોનાનો ચેપ ફેલાય નહીં તે માટે સરકાર સાવચેતીનાં પગલાં લઈ રહી છે. સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચીન,સિંગાપુર, હૉંગકૉંગ, જાપાન, દક્ષિણ કોરિયા, વિયેટનામ, મલેશિયા, નેપાળ, ઇન્ડોનેશિયા, ઈરાન તથા ઇટાલીથી આવતાં તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

દેશના 21 ઍરપૉર્ટ, 12 મુખ્ય બંદર, 65 નાના બંદર તથા નેપાળ સાથેની સરહદ પર મુસાફરોની સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

કોરોના વાઇરસ અંગે ફરિયાદ આપવા કે સૂચન કરવા માટે 01123978046 નંબર આપવામાં આવ્યો છે. આ કૉલસેન્ટર 24 કલાક ચાલુ રહેશે.

કોરોના વાઇરસને લઈને વિશ્વમાં શું સ્થિતિ?

ઇમેજ સ્રોત, EPA

 • કૅલિફોર્નિયામાં કોરોના વાઇરસથી પહેલું મૃત્યુ થતાં સ્ટેટ-ઇમરન્જસી જાહેર કરાઈ છે. તેમજ અમેરિકામાં કોરોનાથી મરનારની સંખ્યા 11 પહોંચી છે.
 • અમેરિકાનાં છ રાજ્યોમાં કમસે કમ 150 લોકો કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
 • ઇટાલીએ માર્ચમાં અડધા મહિના માટે તમામ શાળાઓ, યુનિવર્સિટી બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઇટાલીમાં કોરોનાથી 107 લોકોનાં મૃત્યુ થયાં છે અને શાળા-કૉલેજ બંધ કરવામાં આવ્યા છે.
 • બ્રિટનમાં અત્યાર સુધીમાં 87 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.
 • યુકેમાં ચેપ વધે નહીં તે માટે હૉસ્પિટલોને વીડિયો દ્વારા સલાહ આપવાનું કહેવાયું
 • ચિલી અને આર્જેન્ટિનામાં કોરોના વાઇરસનો પહેલો કેસ નોંધાયો
 • વુહાનમાં ફસાયેલા નાગરિકોના બચાવ માટે હૉંગકૉંગે બે ચાર્ટડ વિમાન મોકલ્યાં છે
 • કોરોનાને પગલે દવાઓની અછતની સંભાવના જોતા ભારતે અમુક દવાઓની નિકાસ અટકાવી દીધી
 • આફ્રિકામાં ફસ્ટ બાસ્કૅટબૉલ લીગ રદ કરાઈ
 • સાઉદી અરેબિયાએ ઉમરાહની યાત્રા સ્થગિત કરી
 • ફ્રાંસે પેરિસ નજીકની શાળાઓ બંધ કરી દીધી

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો