'ગુજરાતમાં બે વર્ષમાં 15 હજાર નવજાત શિશુઓનાં મોત પર નરેન્દ્ર મોદી કેમ ભાવુક નથી થતા?' શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં ન્યૂબૉર્ન કૅયર યુનિટમાં સારવાર દરમિયાન 15 હજારથી વધારે નવજાત શિશુઓનાં મૃત્યુ માટે કૉંગ્રેસે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.

ગુજરાત વિધાનસભામાં ઉઠાવેલા સવાલ પર રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં 2018 અને 2019 દરમિયાન 1.06 લાખ નવજાત શિશુઓ દાખલ કરવામાં આવ્યાં હતાં જેમાંથી 15,013 શિશુનાં મૃત્યુ થયાં હતાં.

રાજ્યના લગભગ બધા જિલ્લાઓમાં ન્યૂબૉર્ન કૅયર યુનિટમાં શિશુઓનાં મૃત્યુ નોંધવામાં આવ્યા હતા.

બુધવારે કૉંગ્રેસે ભાજપ સરકારને આ મૃત્યુ માટે જવાબદાર ઠેરવી હતી.

દિલ્હીમાં કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધતા કહ્યું, "સરકારી દવાખાનામાં સિક ન્યૂ બૉર્ન યુનિટમાં બે વર્ષમાં 15 હજારથી વધારે શિશુઓનાં મૃત્યુ થયાં. જો રોજનો આંકડો જુઓ તો દરરોજ માત્ર સિક ન્યૂ બૉર્ન યુનિટમાં જ 20 શિશુઓનાં મૃત્યુ થાય છે."

શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો, "સિક ન્યૂ બૉર્ન કૅયર યુનિટ માટેની ગાઇડલાઇન અને પૅરામિટરને માનવામાં નથી આવતા જેને કારણે માત્ર બે વર્ષમાં 15 હજારથી વધારે શિશુઓનાં મૃત્યુ થયાં છે."

જોકે ભાજપે આ આરોપોને રાજકારણ પ્રેરિત ગણાવે છે.

ગંભીર પ્રશ્ન કે રાજકારણ?

ઇમેજ સ્રોત, Getty Images

શક્તિસિંહ ગોહિલે કહ્યું , "સ્ટંટ કરવા માટે વડા પ્રધાન મોદી ભાવુક થઈ જાય છે. તેઓ દેશના વડા પ્રધાન છે, કોઈ પાર્ટીના નહીં, તેમણે સ્ટેટ્સમૅન થવું જોઈએ, સ્ટંટમૅન નહીં."

તેમણે ઉમેર્યું, "અમદાવાદ જ્યાંથી નરેન્દ્ર મોદી વિધાનસભામાં ચૂંટાયા, તે અમદાવાદ સાથે ગૃહ મંત્રી અમિત શાહનો લોકસભા ક્ષેત્ર જોડાયેલો છે તે અમદાવાદમાં જ સિક ન્યૂ બૉર્ન યુનિટમાં દાખલ કરવામાં આવેલ 4,322 શિશુઓમાંથી 50 ટકાનાં મૃત્યુ થયાં છે.

તેમણે ઉમેર્યું કે, આ વાત પર વડા પ્રધાન ભાવુક નથી થતા, ગૃહમંત્રીની આંખમાં પણ આંસુ નથી દેખાતાં.

"2001માં મુખ્ય મંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી વજુભાઈ વાળાની સીટ ખાલી કરાવીને ચૂંટાયા હતા તે રાજકોટમાં અમદાવાદ પછી સૌથી વધારે શિશુઓનાં મૃત્યુ થયાં છે."

જોકે, ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર જવાબ આપતાં કહ્યું, "રાજ્યસભાની ચૂંટણી હોવાને કારણે પોતાની સક્રિયતા બતાવવા માટે વડા પ્રધાન અને ગૃહમંત્રી ઉપર આ પ્રકારના આરોપ કર્યા છે, ભાજપ તેને વખોડે છે."

ભરત પંડ્યાનું કહેવું છે કે સરકાર આ બાબતે બહુ સંવેદનશીલ છે.

તેમણે બીબીસી સાથે વાતચીતમાં કુપોષણને નાથવા માટેની સરકારી યોજનાઓ (માતૃવંદના, જનની સુરક્ષા, દૂધસંજીવની વગેરે)નાં નામ ગણાવીને કહ્યું કે સરકાર બાળકોના સ્વાસ્થ્યને લઈને બહુ ગંભીર છે.

સિક ન્યૂ બૉર્ન યુનિટમાં 15 હજારથી વધુ બાળકોનાં મોત પર તેમનું કહેવું છે, ગુજરાતમાં 1000 પર 62 બાળકોનાં મૃત્યુ થતાં હતાં, તે આંકડાને ભાજપ સરકાર 25 સુધી લાવવામાં સફળ થઈ છે. સરકાર રાજકારણ કર્યા વિના સક્રિય અને સતર્ક છે તથા સહાય આપે છે."

તેમણે કહ્યું કે બાળકોના સ્વાસ્થને લઈને પરિસ્થિતને સુધારવા માટે સરકાર અને સમાજે સાથે મળીને કામ કરવું પડશે.

ગર્ભવતીઓને સુવાવડ માટેની યોગ્ય સુવિધાઓ આપવા માટે સરકારના પ્રયત્નોનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે સરકાર બિનસંગઠિત શ્રમિક વર્ગની મહિલાઓને ચાર મહિના સુધી આર્થિક મદદ આપે છે જેથી તેમને સુવાવડ પહેલાં અને પછી બે મહિના સુધી કામ ન કરવું પડે.

રાજકોટમાં બાળકોનું મૃત્યુથી અરેરાટી

2020ની શરૂઆતમાં રાજકોટમાં એક મહિનામાં 111 બાળકો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર આવતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ એ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો મતવિસ્તાર છે.

રાજકોટની સરકારી હૉસ્પિટલમાં નવેમ્બર-ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 એટલે કે ત્રણ મહિનામાં 269 બાળકોનાં મોત થયાં હોવાની વાત સામે આવી હતી.

સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગનાં દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. આ ઘટનાને લઈને લોકો ગુજરાત સરકાર સામે સવાલો ઊભા થયા હતા.

તે સમયે કૉંગ્રેસે રાજકોટ સિવિલ હૉસ્પિટલની બહાર ધરણાં પણ કર્યાં હતાં.

ત્યારે કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું, "સમગ્ર રાજ્યમાં જો બાળકોના મૃત્યુનો આંકડો દર વર્ષે 25,000 જેટલો છે. બે દાયકા કરતાં વધારે સમયથી રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં રાજ્યમાં 33000 જેટલા ડૉક્ટરોની જગ્યા ખાલી છે. બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. શું આ ગુજરાત મૉડલ છે? "

કુપોષણમાં પર સરકાર પર પ્રશ્ન

સ્વાસ્થ્ય સેવાઓમાં ખામીઓ ઉપરાંત ગુજરાતની ભાજપ સરકાર કુપોષણના મુદ્દે પણ ઘેરાઈ હતી.

તાજેતરના આંકડામાં કુપોષણમાં થયેલી વૃદ્ધિએ ગુજરાતનું ચિંતાજનક ચિત્ર ઊભું કર્યું જેમાં ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ કુપોષિત બાળકોની સંખ્યામાં 2.41 લાખનો વધારો થયો છે.

જુલાઈ-2019માં આ આંકડો 1.42 લાખનો હતો. ડિસેમ્બર-2019ની સ્થિતિ મુજબ ગુજરાતમાં 3.8 લાખ બાળક કુપોષિત છે.

જુલાઈ-ડિસેમ્બર 2019 દરમિયાન કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ વૃદ્ધિ બનાસકાંઠામાં થઈ હતી, જ્યાં 22,194 બાળકોનો ઉમેરો થયો હતો. જ્યારે 26,021 કુપોષિત બાળકો સાથે આણંદ બીજા ક્રમે છે.

આદિવાસી બહુમતીવાળા દાહોદ (22,613), પંચમહાલ (20,036) તથા વડોદરા (20,806) તથા મધ્ય ગુજરાતનું ખેડા (19,269) ચિંતાજનક ચિત્ર ઊભું કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો