Ranji Trophy Final 2020 : સૌરાષ્ટ્ર રણજી ટ્રૉફીની ફાઇનલ જીતવા માટે આ કારણે છે ફેવરિટ

  • તુષાર ત્રિવેદી
  • વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, Bipin M Tankaria

ઇમેજ કૅપ્શન,

સૌરાષ્ટ્રના કૅપ્ટન જયદેવ ઉનડકટ

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટેડિયમ (ખંડેરી) ખાતે ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની સેમિફાઇનલનો એ ત્રીજો દિવસ હતો. સૌરાષ્ટ્રને પ્રથમ દાવની સરસાઈ તો મળી જ ગઈ હતી, પરંતુ મૅચમાં પરિણામની શક્યતા હતી.

સૌરાષ્ટ્રની ટીમે બીજી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો ત્યારે ગુજરાતના બૉલર ચિંતન ગજા અત્યંત વેધક બોલિંગ કરી રહ્યા હતા.

તેમણે માત્ર 15 રનમાં તો સૌરાષ્ટ્રની પાંચ વિકેટ ખેરવી નાખી હતી. આ તબક્કે સૌરાષ્ટ્રથી 67 રન આગળ ગુજરાત પાસે બે દિવસ બાકી હતા.

સામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટમાં નાઇટ વૉચમૅન રમવા આવે જ છે પરંતુ અહીં તો હજી ટી બ્રેકનો સમય હતો.

એ સમયે કોઈએ વિચાર્યું જ ન હતું કે પહેલી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થનાર છેલ્લા ક્રમના બૅટ્સમૅન ચેતન સાકરિયા રમવા આવશે. બધાને નવાઈ લાગી પરંતુ એ જ તો માસ્ટર સ્ટ્રૉક હતો.

ચિંતન ગજાએ અત્યાર સુધીમાં પાંચેય વિકેટ જમણેરી બૅટ્સમૅનની ખેરવી હતી.

ક્રિઝ પર અર્પિત વસાવડા ડાબોડી બૅટ્સમૅન હતા અને તેમની સાથે હવે ચેતન સાકરિયા પણ ડાબોડી બૅટ્સમૅન તરીકે જોડાયા.

વિકેટ પડવાનું બંધ થઈ ગયું અને સૌરાષ્ટ્રની લડતનો પ્રારંભ થયો જે તેને પાંચમા દિવસે મૅચ જીતાડી ગઈ.

આ માસ્ટર સ્ટ્રોક કૅપ્ટન જયદેવ ઉનડકટનો હતો અને પછી જે કાંઈ બન્યું તે ઇતિહાસમાં લખાઈ ગયું.

બે ડાબોડી બૅટ્સમૅન સાથે રમતા હતા અને ગુજરાતને કલ્પના પણ ન હતી કે આ બંને બૅટ્સમૅનની ભાગીદારી તેમને પરાજય સુધી લઈ જશે.

ટોપ ઑર્ડર ધરાશાયી કરનારી ગુજરાતની ટીમને એક સમયે માંડ 60-70 રનનો ટાર્ગેટ મળશે એવી ધારણા બંધાઈ રહી હતી પણ ગુજરાતની ટીમને 327 રનનો ટાગેટ મળ્યો.

સ્કોરકાર્ડ પર નજર કરીએ તો અર્પિત વસાવડા અને ચેતન સાકરિયાને કારણે આમ બન્યું હતું, પરંતુ ખરેખર તો પૅવેલિયનમાં બેસીને જયદેવ ઉનડકટે પોતાની બાજી રમી લીધી હતી.

ગુજરાતના મોટા ભાગના ખેલાડીઓ સાથે વર્ષોથી રમીને ઉનડકટ તમામ હરીફોની શક્તિથી પરિચિત હતા જેનો લાભ લઈને તેમણે આ સ્ટ્રૉક રમ્યો હતો. આમ સૌરાષ્ટ્ર હવે ફાઇનલમાં પ્રવેશી ગયું છે.

મહેનતુ ટીમ

ઇમેજ સ્રોત, Bipin M Tankaria

એવું નથી કે સૌરાષ્ટ્ર પહેલી વાર ફાઇનલમાં આવ્યું છે. જયદેવ શાહ અને જયદેવ ઉનડકટની આગેવાનીમાં આ ટીમ છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ મહેનત કરી રહી છે.

ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સમય મળે ત્યારે ટીમ માટે રમી લે છે અને પોતાનો પૂરો સહકાર આપે છે, પરંતુ ટીમ પર નિયમિત રીતે નજર તો ઉનડકટની જ રહે છે.

હજી ગયા વર્ષે જ આ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં વિદર્ભ સામે તેનો પરાજય થયો હતો અને ટીમને પોતાના પ્રથમ ટાઇટલ માટે રાહ જોવી પડી હતી.

હજી કેટલી રાહ જોવી પડશે તે ફેબ્રુઆરી 2019માં કહી શકાય તેમ ન હતું પરંતુ એક વર્ષમાં તો ટીમે ફરીથી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો.

આ સિઝનનો પ્રારંભ થયો ત્યારે પણ એમ જ મનાતું હતું કે ગયા વર્ષે ફાઇનલમાં રમેલી બંને ટીમના આ વખતે કોઈ ચાન્સ નથી. વિદર્ભ તો વહેલું આઉટ થઈ ગયું પરંતુ જે રીતે સૌરાષ્ટ્રની ટીમ છેક સુધી ટકી ગઈ છે તે જોતાં ફાઇનલમાં બંગાળ સામે તેઓ ચોક્કસ ફેવરિટ છે.

પોતાના હોમગ્રાઉન્ડ પર ફાઇનલ છે એટલે જ નહીં પરંતુ આ વખતે જે રીતે તેમણે મહેનત કરી છે અને મેદાન પર પર્ફૉર્મ કર્યું છે તે જોતાં સૌરાષ્ટ્ર આ વખત રણજી ટ્રૉફી જીતી જાય તેવી પૂરી શક્યતા છે.

યુવા અને અનુભવીઓનું મિશ્રણ

ઇમેજ સ્રોત, Bipin M Tankaria

સૌરાષ્ટ્રની ટીમમાં અનુભવી અને યુવાન ખેલાડીઓનું મિશ્રણ છે. જયદેવ ઉનડકટ જેવો અનુભવી બૉલર કોઈ પણ ટીમમાં સ્થાન હાંસલ કરી શકે તેમ છે. આઈપીએલમાં પણ તેમને ખરીદવા માટે પડાપડી થતી રહી છે.

આ સિઝનમાં તેઓ 65 વિકેટ ખેરવીને મોખરે છે. લગભગ તમામ મૅચમાં તેમણે શાનદાર દેખાવ કર્યો છે.

ઉનડકટની સાથે લૅફ્ટ આર્મ સ્પિનર ધર્મેન્દ્ર જાડેજા છે જેઓ સિઝનમાં 10 મેચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યા છે તો યુવાન ઑલરાઉન્ડર પ્રેરક માંકડ બેટિંગ અને બૉલિંગ બંનેમાં કમાલ કરી રહ્યા છે.

સિઝનમાં પ્રેરક માંકડે 445 રન કર્યા છે અને 21 વિકેટ ઝડપી છે.

સૌરાષ્ટ્રની બૉલિંગમાં હાલ એકમાત્ર કમી કમલેશ મકવાણાના ફૉર્મની છે.

સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા આ ઑફ સ્પિનર આ વખતે ખાસ ફૉર્મમાં નથી અને તેઓ ફક્ત ચાર મૅચ રમી શક્યા છે. જોકે, તેઓ મહેનતુ છે અને ગમે ત્યારે ટીમની મદદે આવી શકે તેમ છે.

બેટિંગમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી તાકાત શેલ્ડન જેક્સન અને અર્પિત વસાવડા છે.

જેક્સન 9 મૅચમાં ત્રણ સદી અને ત્રણ અર્ધસદી સાથે 783 રન ફટકારી ચૂક્યા છે તો વસાવડાએ ગુજરાત સામેની સદી ઉપરાંત બીજી બે સદી પણ નોંધાવી છે અને તેમના ખાતામાં 654 રન બોલે છે.

ચેતેશ્વર પૂજારાના આગમનથી ટીમ વધુ મજબૂત બની જશે એ વાતનું ઉદાહરણ આ પીઢ બૅટ્સમૅનનું ફૉર્મ છે.

ન્યૂઝીલૅન્ડમાં ભલે અન્ય તમામની માફક પૂજારા પણ નિષ્ફળ રહ્યો પરંતુ આ સિઝનમાં તેમને પાંચ મૅચ રમવાની તક મળી હતી જેમાં તેમણે 500થી વધુ રન કર્યા છે.

તેમાંય કર્ણાટક સામે તો તેમણે 248 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જે આગળ જતાં ટીમને નોકઆઉટમાં લઈ જવા માટે મદદરૂપ થઈ હતી.

કર્ણાટક અગાઉની મેચમાં ઉત્તર પ્રદેશ સામે પોતાના જ હોમગ્રાઉન્ડ પર સૌરાષ્ટ્રનો ઇનિંગ્સથી પરાજય થયો હતો, પરંતુ આ મૅચ બાદ ટીમે સાવચેતી દાખવીને કમસે કમ એ બાબતની ખાતરી રાખી કે તેઓ એકેય મૅચ હારે નહીં અને બન્યું પણ એમ જ.

અંતે સૌરાષ્ટ્ર આ સિઝનમાં માત્ર એક જ પરાજય અને ચાર વિજય સાથે ફાઇનલ સુધી પહોંચી ગયું.

સૌરાષ્ટ્ર-બંગાળ ફાઇનલ - ગજબનો યોગાનુયોગ

ઇમેજ સ્રોત, Bipin M Tankaria

સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી બે ટીમ રણજી ટ્રૉફીની ફાઇનલ રમી છે અને બંને ફાઇનલ બંગાળ સામે જ હતી

રણજી ટ્રૉફી ક્રિકેટની 2019-20ની સિઝનમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

સૌરાષ્ટ્રની ટીમે ચોથી વખત રણજી ટ્રૉફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અગાઉ 2012-13 અને 2015-16માં પણ તેઓ ફાઇનલમાં રમ્યા હતા.

આ બંનેમાં મુંબઈ સામે તેમનો ઇનિંગ્સથી પરાજય થયો હતો.

2018-19માં વિદર્ભ સામે રમાયેલી ફાઇનલમાં તેનો 78 રનથી પરાજય થયો હતો. આમ છેલ્લાં સાત વર્ષમાં સૌરાષ્ટ્ર ચોથી વાર ફાઇનલમાં રમશે.

જોકે બંગાળ સામેની ફાઇનલની વાત કરીએ તો રણજી ટ્રૉફીના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અગાઉ બે ટીમ ફાઇનલ રમી ચૂકી છે.

1936-37ની સિઝનમાં નવાનગર (હાલ જામનગર)ની ટીમ રણજી ટ્રૉફીમાં રમતી હતી અને એ વખતે તેનો ફાઇનલમાં બંગાળ સામે મુકાબલો બંગાળ સામે થયો હતો.

ફેબ્રુઆરી 1937માં રમાયેલી આ મૅચમાં નવાનગરની ટીમનો 256 રનથી વિજય થયો હતો.

ભારત માટે રમીને ઑલરાઉન્ડર તરીકે દુનિયામાં નામના મેળવનાર વિનુ માંકડ એ મૅચમાં રમ્યા હતા અને તેમણે 185 રન ફટકાર્યા હતા.

આ જ રીતે ભારતના પ્રથમ હરોળના ઝડપી બૉલર અમરસિંહ પણ એ વખતે નવાનગરમાંથી રમ્યા હતા.

ઇમેજ સ્રોત, Bipin M Tankaria

1943-44ની સિઝનમાં સૌરાષ્ટ્ર પ્રાંતની જ વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (વિસ્કા)ની ટીમ રણજી ટ્રૉફીની ફાઇનલમાં પ્રવેશી હતી.

યોગાનુયોગે આ વખતે પણ ફાઇનલમાં હરીફ ટીમ બંગાળની હતી. આમ સૌરાષ્ટ્ર પ્રાંતની બે ટીમ રણજી ટ્રૉફીની ફાઇનલમાં રમી અને બંને વખતે હરીફ ટીમ બંગાળની રહી હતી.

એપ્રિલ 1944માં રમાયેલી ફાઇનલમાં વિસ્કાની ટીમનો એક ઇનિંગ અને 23 રનથી વિજય થયો હતો.

આથી મોટો યોગાનુયોગ એ રહ્યો હતો કે 1937 અને 1944ની ફાઇનલ મૅચ મુંબઈમાં રમાઈ હતી.

1937માં મુંબઈના બૉમ્બે જિમખાના પર ફાઇનલ રમાઈ હતી તો 1944માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ પર ફાઇનલ મૅચ રમાઈ હતી.

હવે જયદેવ ઉનડકટની ટીમ ગુજરાત સામે જીતીને ફાઇનલમાં પ્રવેશતાં સૌરાષ્ટ્રનો મુકાબલો બંગાળ સામે થશે. જોકે આ વખતે મૅચ મુંબઈ નહીં પરંતુ રાજકોટમાં રમાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો