શું ભારતમાં સ્ત્રીઓને પુરુષો જેવા જ અધિકાર મળે છે?

  • દિવ્યા આર્યા
  • બીબીસી સંવાદદાતા
ભારતીય મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

પુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.

સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.

ગ્રામ્ય અને ઓછા સમૃદ્ધ લોકોના જણાવ્યા મુજબ, સ્ત્રીઓનું જીવન હવે પુરુષો કરતાં બહેતર થઈ ગયું છે.

બધા લોકો સૈદ્ધાંતિક રીતે સમાન અધિકારના પક્ષમાં હોય અને ભારતમાં સ્ત્રીઓ માટે બહુ સારો સમય ચાલી રહ્યો છે એમ માનતા હોય એવું લાગે છે, પણ વાસ્તવિકતા શું છે?

સમાનતા હોવાની છાપ ઉભી થવાનાં ઘણાં કારણો છે.

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરના #MeToo આંદોલને ઊંચા પદ તથા શક્તિના દુરુપયોગને પડકાર્યો હતો અને જાતીય સતામણી કેટલી વ્યાપક છે એ જાહેર કર્યું હતું.

પાછલા દાયકાઓમાં મહિલા આંદોલનકર્તાઓ અને યુવાઓએ સરકારને બહેતર કાયદા બનાવવા મજબૂર કરી છે.

પૈતૃક સંપત્તિમાં હક્ક, તલાક, બાળકોને દત્તક લેવા વગેરે જેવા અંગત જીવન સાથે જોડાયેલા કાયદાઓથી માંડીને જાતીય હિંસાને વધુ સારી રીતે પરિભાષિત કરતા ક્રિમિનલ કાયદાઓ ઉપરાંત ન્યાયની પ્રક્રિયાની ગતિ ઝડપી બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.

આ પ્રયાસો છતાં સ્ત્રીઓની જિંદગીના અનુભવ દર્શાવે છે કે તેમને પુરુષસમાન અધિકાર મળેલા નથી.

બી.બી.સી.ના સર્વેક્ષણમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબોમાં આ વિરોધાભાસનાં પાના ખૂલ્યાં હતાં.

ભારતમાં સતત ઘટતો બાળકોનો સેક્સ રેશિયો (લિંગ-અનુપાત) દર્શાવે છે કે છોકરીની સરખામણીએ છોકરાના ઝંખના આજે પણ પ્રબળ છે.

2011ના આંકડા અનુસાર, આ સેક્સ રેશિયો આઝાદી પછીના તેના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે.

આપણી અદાલતો પર કામનું દબાણ વધારે છે અને બળાત્કારના કેસીસ ફાસ્ટ ટ્રૅક કોર્ટ્સમાં ચલાવવાની જોગવાઈ કાયદામાં હોવા છતાં સુનાવણી નિર્ધારિત સમયમાં પૂર્ણ થતી નથી.

જાતીય સતામણીના મામલાઓ પુરવાર કરવાનું અત્યંત મુશ્કેલ છે અને સ્ત્રીઓએ એવા કેસની સુનાવણી ઉપરાંત સામા પક્ષ દ્વારા કરવામાં આવેલા માનહાનિના મુકદ્દમાઓ સામે પણ ઝઝૂમવું પડે છે.

ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સલામત આરોગ્ય સેવામાં હજુ પણ ખામી છે.

યુનિસેફના જણાવ્યા અનુસાર, દુનિયામાં રોજ 800 સ્ત્રીઓ ગર્ભાવસ્થા સંબંધી એવી બીમારીઓને લીધે મૃત્યુ પામે છે, જેનો ઈલાજ બહેતર સુવિધાઓથી શક્ય હોય છે. એ 800માં 20 ટકા સ્ત્રીઓ ભારતની હોય છે.

વર્લ્ડ બેન્કના તાજા આંકડા અનુસાર, ભારતમાં 15 વર્ષથી વધુ વયની સ્ત્રીઓ પૈકીની 33 ટકા સ્ત્રીઓ જ નોકરી કરે છે. વિશ્વમાં નોકરીયાત સ્ત્રીઓના પ્રમાણમાં આ સૌથી ઓછું છે.

ઇમેજ સ્રોત, STRDEL

બી.બી.સી.ના સર્વેક્ષણમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબોથી એ સ્પષ્ટ થયું હતું કે સમાન અધિકારોની ઈચ્છા તો છે, પણ તેનો વ્યવહારિક અર્થ શું છે તેની સમજ નથી.

ત્રણ-ચતુર્થાંશથી વધુ લોકોએ સ્વીકાર્યું હતું કે સ્ત્રીઓ ઈચ્છે અથવા તેમને જરૂર હોય તો તેમણે નોકરી કરવી જોઈએ, પણ એક-તૃતીયાંશ લોકો માને છે કે લગ્ન પછી સ્ત્રીઓ નોકરી કરે એ સારું નહીં.

સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સ્ત્રીઓ માટે બહેતર ગણાતા તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ જેવાં રાજ્યોમાં નોકરિયાત મહિલાઓનું પ્રમાણ વધુ છે, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં એ ઘણું ઓછું છે.

સ્ત્રીઓ પોતાની ઇચ્છાથી કામ કરતી હોય છે એવું બહુ ઓછા લોકો માને છે, જ્યારે મોટાભાગના લોકો માને છે કે ઘરમાં પૈસાની કમીને સરભર કરવા માટે સ્ત્રીઓ નોકરી કરતી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગના એવું પણ માના છે કે સ્ત્રીનું સ્થાન ઘરમાં જ છે, કારણ કે તેઓ નોકરી કરવા જાય તો ઘરના કામ પર માઠી અસર થાય છે અને સલામતીના સંદર્ભમાં ચિંતા વધી જાય છે.

નોકરી ઓછી હોય તો પહેલી તક પુરુષોને આપવી જોઈએ, એવું મોટાભાગના માને છે. મહિલાઓ પણ એવું માને છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓના મનમાં પોતે ગૃહિણી હોવાની છાપ કેટલી પ્રગાઢ છે.

દીકરીને બદલે દીકરાના જન્મની મહેચ્છાનો સર્વેમાં તો લોકોએ ઇન્કાર કર્યો હતો, પણ એક મોટો વર્ગ માને છે કે યુનિવર્સિટી સ્તરે શિક્ષણ મેળવવાનો અધિકાર છોકરીઓ કરતાં છોકરાઓનો વધારે છે.

મણિપુરમાં સ્ત્રીઓને પરિવારની મુખ્ય વ્યક્તિ માનવાની પરંપરાગ છે. મણિપુરના મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે છોકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો સમાન અધિકાર મળવો જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images

આ સર્વેક્ષણમાં સૌથી વધુ ચિંતાજનક અભિપ્રાય સ્ત્રીઓ વિરુદ્ધની હિંસા સંબંધી છે. મોટાભાગના લોકો માને છે કે જાતીય હિંસા વધી છે (જે હકીકત છે).

તેની સાથે તેઓ એમ પણ કહે છે કે સ્ત્રીઓ પરિવારને જોડાયેલો રાખવા માટે હિંસાચાર સહન કરવો જોઈએ.

દેશના મિજાજની એક ઝલક આપતાં આ સર્વેક્ષણનું તારણ દર્શાવે છે કે સ્ત્રીઓના અધિકારની સમજણની રીતમાં પરિવર્તન આવી રહ્યું છે.

સ્ત્રીઓ પરિવાર અને ઘરની બહાર તેમની ભૂમિકાને વિસ્તારી રહી છે, પણ સ્ત્રીઓના તેમની પોતાની જિંદગી પરના અધિકારને વધારવા માટે અન્યોએ સ્ત્રીઓ પરનું નિયંત્રણ ઓછું કરવું પડશે.

અધિકારોની આવી લેવડદેવડને સમજવાનું મુશ્કેલ છે. તેથી જિંદગીમાં તેનો અમલ ધીમો હોય છે.

જોકે, સમજવાનો પ્રયાસ કરવામાં આવે અને રૂઢિવાદી વિચારધારા બદલવાની ઈચ્છા હશે તો પરિવર્તન જરૂર આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો