YES BANK : નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લોકોનાં રૂપિયા સુરક્ષિત છે તેની આરબીઆઈએ ખાતરી આપી છે

યસ બૅન્ક

નાણાંકીય સંકટમાંથી પસાર થઈ રહેલી બૅન્કના ડિરેક્ટર બોર્ડને બરખાસ્ત કરીને ભારતીય રિઝર્વ બૅન્કે પોતાના તરફથી વહીવટદારની નિમણૂક કરી છે. સાથે જ ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું છે કે 30 દિવસ દિવસ મહત્તમ મર્યાદા છે, તે પહેલાં જ કાર્યવાહી થતી દેખાશે.

યસ બૅન્ક અંગે 'બૃહદ સ્તરે' નિર્ણય લેવામાં આવ્યો હતો, આ એક સંગઠનની જ વાત માત્ર નથી.

બીજી બાજુ, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં નાગરિકોએ યસ બૅન્ક તથા તેના એ.ટી.એમ. બહાર નાણાં કાઢવા માટે લાઇન લગાવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, લોકોનાં રૂપિયા સુરક્ષિત છે અને આરબીઆઈએ તેની ખાતરી આપી છે.

એમણે એમ પણ કહ્યું કે, યસ બૅન્કના મુદ્દા પર સરકાર અને આરબીઆઈ બેઉ કામ કરી રહ્યાં છે અને દરેકના હિતમાં નિર્ણય લઈ રહ્યાં છે. એમણે આરબીઆઈ બૅન્ક, રોકાણકારો અને દેશના અર્થતંત્રને ધ્યાને લઈને આગોતરા પગલાં લઈ રહી છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ યસ બૅન્કના ખાતેદારો માટે રોકડ રકમ કાઢવાની 50 હજાર રૂપિયા સુધીની ટોચમર્યાદા નક્કી કરવામાં આવી છે. હવે આ બૅન્કના ખાતેદાર આગામી મહિના સુધી 50 હજાર રૂપિયાથી વધારે પોતાના ખાતામાંથી ઉપાડી નહીં શકે.

શુક્રવાર શૅરબજાર ખુલતાની સાથે યસ બૅન્કના શૅરમાં 25 ટકાનો કડાકો બોલ્યો હતો.ગુરૂવારે 37.20 રૂપિયો બંધ થયેલો શૅર 27.65 રૂપિયે પહોંચી ગયો હતો.

જ્યારે પ્રારંભિક ટ્રૅડિંગમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના શૅરમાં પણ 10 ટકાનો કડાકો બોલ્યો હતો.

સેન્સેક્સમાં આજે 1206.64 પૉઇન્ટ નીચે આવીને એક તબક્કે 37,263.97ની સપાટીને સ્પર્શી ગયો હતો.

આ ઘટાડા માટે કોરોના વાઇરસની ભીતિ પણ જવાબદાર રહી હતી.

જો કોઈ ખાતેદારના યસ બૅન્કમાં એકથી વધારે ખાતા હશે, તો પણ તે કુલ મળીને 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.

આ આદેશ ગુરુવાર સાંજથી લાગુ કરવામાં આવ્યો છે અને 3 એપ્રિલ 2020 સુધી લાગુ રહેશે.

જોકે કેટલાંક વિષયોમાં રોકડ નીકાળવાની સીમાને લઈને છૂટ આપવામાં આવી છે.

જમાકર્તા અથવા વાસ્તવિક રીતે તેની પર નભતી કોઈ પણ વ્યક્તિની સારવાર અને ઉપચાર માટે, જમાકર્તા અથવા તેના પર નભતી વ્યક્તિની શિક્ષા માટે અથવા બીજી કટોકટીની સ્થિતિમાં નિયમોમાં છૂટછાટ આપી શકાય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

રાજકોટમાં નાણાં ઉપાડવા માટે એકઠા થયેલા લોકો

મોટી રાત્રે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે યસ બૅન્કના ડિરેક્ટર બોર્ડને તત્કાળ પ્રભાવથી ભંગ કરી કરી દેવામાં આવ્યું છે અને એસ. બી. આઈ. (સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા)ના પૂર્વ મુખ્ય નાણાં અધિકારી પ્રશાંત કુમારની બૅન્કના નવા વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ચીફ જનરલ મૅનેજર યોગેશ દયાલના કહેવા મુજબ, યસ બૅન્કની આર્થિક સ્થિતિ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. યોગેશ દયાલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, બૅન્ક મૂડી એકઠી કરવામાં અસમર્થ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો