YES BANK : યસ બૅન્કની બેહાલીના એ પાંચ સવાલ જે તમારા મનમાં છે

યસ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

સામાન્ય રીતે બૅન્કમાં જમા કરાયેલા પૈસા સૅવિંગ એકાઉન્ટ કે ફિક્સ્ડ ડિપૉઝિટમાં એવું માનીને મૂકવામાં આવે છે કે એ રકમ સુરક્ષિત રહેશે. જોકે, હકીકતમાં આવું હોતું નથી.

બૅન્કિંગ પ્રણાલીમાં આવું માનવામાં આવતું નથી. મૂળ તો આપ પ્રથમ દિવસથી બૅન્કને પૈસો કરજ તરીકે આપતા હો છો, જેના બદલામાં બૅન્ક આપને વ્યાજ ચૂકવતી હોય છે. બૅન્કમાં આપ પૈસા જમા કરો છો એટલે આપ બૅન્કને એવી મંજૂરી આપો છો કે આપના પૈસા બૅન્ક માર્કેટમાં રોકી શકે અને કમાણી કરી શકે.

અને આ જ કારણ છે 'યસ બૅન્ક'ની આજની સ્થિતિનું.

રિઝર્વ બૅન્કનું ફરમાન અને આશ્વાસન

રિઝર્વ બૅન્કે યસ બૅન્કના ગ્રાહકોની માટે રોકડ ઉપાડવાની મર્યાદા 50 હજાર રૂપિયા કરી દીધી છે. એટલે હવે આ બૅન્કના ગ્રાહકો એક મહિના સુધી પોતાનાં ખાતાંમાંથી 50 હજાર રૂપિયાથી વધારે રકમ નહીં ઉપાડી શકે. જો કોઈ ગ્રાહકનાં આ બૅન્કમાં એક કરતાં વધારે ખાતાં હશે તો પણ તે નક્કી કરાયેલી રકમ કરતાં વધારે પૈસા નહીં ઉપાડી શકે.

આ આદેશ ત્રણ એપ્રિલ, 2020 સુધી લાગુ રહેશે. જોકે, કેટલીક બાબતોમાં રોકડ ઉપાડની મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

ઉદાહરણ તરીકે જમાકર્તા કે વાસ્તવિક રૂપે તેના પર આશ્રિત કોઈ વ્યક્તિની ચિકિત્સા કે ઉપચાર માટે, શિક્ષણ માટે અથવા કોઈ કટોકટીની સ્થિતિમાં આ નિયમમાં છૂટ આપી શકાય.

જોકે, આ આદેશ પછી મચેલી અફરાતફરી વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે એવું કહ્યું છે કે લોકોનાં પૈસા સુરક્ષિત છે અને આરબીઆઈએ તેની ખાતરી આપી છએ.

આરબીઆઈના ગવર્નરનું નિવેદન

સમાચાર એજન્સી પીટીઆઈના મતે આરીબીઆઈના ગવર્નર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ વચ્ચે યસ બૅન્કના મામલે વાતચીત થઈ છે. નાણામંત્રીએ કહ્યું છે કે કોઈ પણ ગ્રાહકને આ નવા નિર્ણયથી નુકસાન નહીં થાય.

જોકે, લોકોમાં યસ બૅન્કની સ્થિતિને લઈને કેટલાય સવાલો છે. આ સવાલને લઈને બીબીસી ગુજરાતીએ બે બૅન્કિંગ એક્સપર્ટ પૂજા મહેરા અને આલોક જોશી સાથે વાત કરી.

સવાલ - 1: યસ બૅન્કની આ હાલતનું કારણ

પૂજા મહેરા : યસ બૅન્કે ખાનગી કંપનીઓને લૉન આપી હતી અને એ કંપનીઓ લૉન પરત ન કરી એટલે આ સ્થિતિ સર્જાઈ. આના લીધે કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ.

તેમણે તમામ પ્રયાસ કર્યા કે ત્રીજી મોટી બૅન્ક કે રોકાણકારો કે કંપનીને પોતાની લૉન બુક વેચી શકે, જેથી કંપની ઇક્વિટી ઇન્વેસ્ટમૅન્ટને લઈને આવી શકે. અથવા બીજી લૉન આપવા માટે બૅન્કનું કૅપિટલ રિઝર્વ બતાવી શકાય.

યસ બૅન્કના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. આ બે મુખ્ય બાબત હતી કે યસ બૅન્કની સ્થિતિ અહીં પહોંચી ગઈ.

આલોક જોશી : આ સ્થિતિ અચાનક નથી જન્મી. આ હાલત માટે બૅન્કના પૂર્વ સીઈઓ રાણા કપૂર જવાબદાર છે. તેમના વખતે આની આશંકા તો હતી જ.

તેમણે કેટલીય 'બૅડ ક્વૉલિટી લૉન' આપી હતી, જેને રિસ્કી લૉન પણ કહી શકાય. એના લીધે જ બૅન્કની હાલત અહીં સુધી પહોંચી. બીજું એક કારણ એ પણ હતું કે રાણા કપુર બૅલેન્સ-શિટ બદલી નાખતા હતા. જેથી આ બૅન્કની ગત વર્ષની બૅલેન્સ-શિટને આગામી વર્ષની બૅલેન્સ-શિટ સાથે મેળવવી મુશ્કેલ બની જતી.

બૅન્કે આપેલી લૉન જ્યારે રિકવર ન કરી શકાય ત્યારે તેને એનપીએ તરીકે દર્શાવાતી જ નહોતી, જેને બૅન્કિંગ વ્યવસ્થામાં ઍવરગ્રીન કહેવામાં આવે છે. આ લૉન પરત આવી જ નહીં એટલે યસ બૅન્કની આ સ્થિતિ સર્જાઈ.

સવાલ - 2: લોકોના પૈસા કેટલો સુરક્ષિત

ઇમેજ સ્રોત, Getty Images

પૂજા મહેરા : આરબીઆઈએ રોકાણકારોને કહ્યું છે કે ખાતાધારકોએ આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. જોકે, આ એક મહિનાને 'મૉનેટોરિયમ પીરિયડ' દરમિયાન લોકોને મુશ્કેલી ચોક્કસથી થશે.

યસ બૅન્કમાં કેટલાય લોકોનો પગાર આવે છે. તેમને થોડું મૅનેજ કરવું પડશે. જોકે, આરબીઆઈએ ગૅરેન્ટી આપી હોવાને લીધી લોકોના પૈસા ડૂબે એવી શક્યતા બહુ ઓછી છે.

આલોક જોશી : આ ગંભીર સંકટ છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું છે કે તેમણે 30 દિવસનો સમય લીધો છે, જોકે, જરૂરી નથી કે 30 દિવસનો સમય જ લાગે. આનાથી ઓછો સમય પણ લાગી શકે.

આ બજેટમાં સરકારે બૅન્કમાં જમા ધનનો વીમો 5 લાખ કરોડ રૂપિયા કરી દીધો હતો. એવામાં જે લોકોએ બહુ મોટી રકમ પોતાના ખાતામાં નથી રાખી તેમને એમ પણ ડરવાની જરૂર નથી. મારી પ્રથમ સલાહ એ છે કે લોકોએ 50 હજાર રૂપિયા કાઢી લેવા જોઈએ.

સવાલ 3 : ગત વર્ષે પણ કંપનીએ પોતાની બૅલેન્સ-શિટમાં નુકસાનની વાત કરી હતી તો આરબીઆઈએ પગલું ભરવામાં મોડું કેમ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images

પૂજા મહેરા : એવું કહેવું એ આરબીઆઈએ સાથે થોડો અન્યાય ગણાશે. ગત વર્ષે જ આરબીઆઈએ પોતાનો એક અધિકારી બૅન્કમાં બેસાડી દીધો હતો.

આ અધિકારીને બૅન્કનું કામકાજ મૉનિટર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી કે જેથી એ જાણી શકાય કે બૅન્ક કઈ રીતે પોતાના લૉન ડિફૉલ્ટરો સાથે ડીલ કરી રહી છે.

યસ બૅન્કમાં કૉર્પોરેટર ગવર્નન્સમાં પાયાની સમસ્યાઓ પહેલાં પણ હતી જ. એટલે આરબીઆઈએ પોતાના તરફથી જે પણ પગલાં ભરી શકાય એ ભર્યાં.

આપણે એ પણ સમજવું પડે કે યસ બૅન્ક એક ખાનગી બૅન્ક છે અને આરબીઆઈનું કામ બૅન્ક ચલાવવાનું નથી.

આલોક જોશી : યસ બૅન્કની બૅલેન્સ-શિટમાં આટલી મુશ્કેલી હોવા છતાં આરબીઆઈની નજરમાં કેમ ન આવી એ સવાલ છે.

જોકે, અમુક હદ સુધી આ યોગ્ય પણ છે અને અમુક હદ સુધી યોગ્ય નથી. આરબીઆઈ ગવર્નરનું હાલમાં જ એક નિવેદન આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે કોઈ તેમના પર આરોપ લગાવી શકે છે તેમણે બહુ વહેલાં પગલાં ભર્યાં.

કોઈ લોકો કહી શકે કે તેમણે બહું મોડાં પગલાં ભર્યાં. આરબીઆઈ પાસે કોઈ સમયસીમા નથી કે આટલા સમયમાં જ પગલાં ભરવાં.

જોકે, હું (આલોક જોશી) અંગત રીતે માનું છું કે આ પગલાં વહેલાં ભરવાં જોઈતાં અને રાણા કપુરને નીકળી જવાની તક નહોતી આપવી જોઈતી.

સવાલ 4 : શું સરકારે પ્રમૉટરને સેફ-ઍક્ઝિટની તક આપી?

ઇમેજ સ્રોત, Getty Images

પૂજા મહેરા : આવું કહેવું બહુ મોટી વાત હશે. હું આવું નહીં કહું. મારા હિસાબે એવું કહી શકાત કે આરબીઆઈ વધારે કડકાઈ કરી શકી હોત, જે તેણે ન કરી.

આ કંપનીમાં ખાનગી શૅરહૉલ્ડરો છે. કંપનીના સીઈઓની નિમણૂકમાં ખાનગી શૅરહૉલ્ડરોની સહમતી હતી.

આરબીઆઈએ સિગ્નલ તો મોકલ્યું કે શૅરહૉલ્ડરની નિમણૂકથી આરબીઆઈ સહમતી નથી રાખતી. આનાથી વધારે મારી સમજણ મુજબ આરબીઆઈ શું કરી શકે?

આલોક જોશી : સેફ-ઍક્ઝિટ સરકારે આપી કે કેમ એની મને જાણ નથી. જોકે, એ ખરું કે તેમને બહાર જવાનો રસ્તો મળી ગયો.

રાણા કપૂરે યસ બૅન્કના પોતાના શૅર પહેલાં મોંઘા વેંચ્યા. તેઓ કોઈ નુકસાન વિના જ બહાર નીકળી શક્યા.

રાણા કપૂર પર આરોપ હતો કે તમામ કૌભાંડો છતાં તેઓ પોતાના બધા જ પૈસા ઉપાડી શક્યા. હવે તેમના પર કાર્યવાહી થવી જોઈએ.

સરકારે તેમને શોધી કાઢવા જોઈએ. જોકે, તેઓ હવે ભારતમાંથી જ મળશે કે નિરવ મોદી થઈ જશે એ પણ એક સવાલ છે.

સવાલ 5 : SBI અને LIC, યસ બૅન્કને આ સ્થિતિમાંથી બહાર કાઢી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images

પૂજા મહેરા : એવી જાણકારી અમને મળી રહી છે કે આરબીઆઈ તરફથી સરકારે એસબીઆઈને આવું કહ્યું છે.

આવનારા દિવસમાં એવું પણ બની શકે કે એસબીઆઈ પોતાની બૉર્ડ મિટિંગમાં આના પર નિર્ણય લે.

હાલમાં એસબીઆઈએ આવો કોઈ નિર્ણય નથી લીધો અને નિર્ણય લેતાં પહેલાં સમય માગ્યો છે.

આલોક જોશી : આવું થવાનું શક્ય છે. જોકે, શૅર-હૉલ્ડરોને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન થશે એ શક્ય નથી. આ પ્રપોઝલ જ્યારે સામે આવશે ત્યારે જ જાણકારી મળી શકશે. જોકે, એટલું ચોક્કસ છે કે સરકાર કંઈક રાહત આપશે એ વાત સ્પષ્ટ છે.

અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે બૅન્કો ડૂબી જાય છે. જોકે, હજુ સુધી દેશમાં કોઈ પણ બૅન્ક નથી ડૂબી અને સરકાર બધી જ બૅન્કોને બચાવી લે છે.

જોકે, આ પ્રથમ એવી ઘટના છે કે આટલા મોટા આકારની બૅન્ક ડૂબવાના આરે ઊભી છે. યસ બૅન્કને કોઈ બીજી બૅન્કમાં ભેળવી દેવી સરળ નહીં હોય.

આવું થતાં જ મોટું સંકટ આવી શકે કારણ કે યસ બૅન્કનું બિઝનેસ મૉડલ અને સરકારની બૅન્કનું બિઝનેસ મૉડલ તદ્દન અલગ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો