બેહાલ Yes Bankના સ્થાપક એ રાણા કપૂર જેમની સફળતાની મિસાલો અપાતી હતી

  • જીગર ભટ્ટ
  • બીબીસી ગુજરાતી
યસ બૅન્ક પાસે ગ્રાહકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પંદર વર્ષ અગાઉ ભારતીય બૅન્કિંગ સૅકટરમાં મોટાં સપનાંઓ સાથે આવનારી યસ બૅન્કના હાલ બેહાલ થઈ ગયા છે અને રોકાણકારો લાઇનો લગાવીને ઊભા છે.

યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂરના પરિવાર સામે લૂક-આઉટ નોટિસ કાઢવામાં આવી છે. રાણા કપૂરનાં પુત્રી રોશનીને લંડન જતાં અટકાવવામાં આવ્યાં છે.

રોશની મુંબઈ ઍરપૉર્ટ પરથી લંડન જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને ઍરપૉર્ટ પર જ અટકાવવામાં આવ્યાં હતાં.

આ પહેલાં ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ (ઈ.ડી.) દ્વારા રાણા કપૂર સામે મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

રાણા કપૂર તારીખ 11મી માર્ચ સુધી ઈ.ડી.ની કસ્ટડીમાં રહેશે.

યસ બૅન્કની દેશમાં 1100થી વધારે શાખાઓ છે અને બૅન્કમાં 21,000થી વધારે કર્મચારીઓ કામ કરે છે.

બૅન્કની હાલત ખરાબ છે એવા સમાચારો તો પહેલાં આવવા શરૂ થઈ જ ગયા હતા પણ બૅન્કનું બોર્ડ લોકોને ભરોસો આપતું હતું કે એમની થાપણો બૅન્કમાં સુરક્ષિત છે અને બૅન્ક નહીં ડૂબે.

હવે રિઝર્વ બૅન્કે બોર્ડને બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂક કરી છે અને ગ્રાહકોને પણ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકવાની મર્યાદા બાંધી આપી છે. અમુક સંજોગોમાં વધારે રકમ ઉપાડી શકાશે એમ પણ કહેવામાં આવ્યું છે.

અત્યારે યસ બૅન્કની બેહાલી પર એક નામ ચર્ચામા છે અને તે છે રાણા કપૂરનું. રાણા કપૂરની ઈડીના અધિકારીઓ પૂછપરછ કરી અને પછીથી તપાસમાં સહયોગ નહીં કરવા બદલ ધરપકડ કરાઈ છે.

યસ બૅન્કની સ્થાપના રાણા કપૂર અને તેમના સંબંધીઓએ વર્ષ 2003માં કરી હતી.

કેટલાંક વર્ષો પહેલાં બૅન્કિંગ ક્ષેત્રમાં એક લાઇન ઘણીવાર બોલાતી, ''જો તમને કોઈ લૉન નથી આપી રહ્યું તો રાણા કપૂર ચોક્કસ લૉન આપશે.''

એક દાયકા સુધી આ વાત સાચી પણ પડતી રહી. લોકોને રાણા કપૂરની કાબેલિયત પર ભરોસો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં યસ બૅન્કના માટે એવું લખવામાં આવ્યું છે કે રાણા કપૂર કોઈપણ જોખમી દેવાદારને લૉન આપતા પહેલાં વિચારતા ન હતા.

યસ બૅન્કના સ્થાપક રાણા કપૂર યસ બૅન્કના ડિરેક્ટર અને સીઈઓ રહી ચૂક્યા છે.

રાણા કપૂર પોતાની વ્યક્તિગત નેટવર્કિંગ ક્ષમતાનો ઉપયોગ લૉન આપવા અને વસૂલવામાં કરતા હતા. જેના કારણે યસ બૅન્ક બીજી બૅન્કોથી અલગ બની હતી.

''કરજ કેવી રીતે વસૂલવું તે રાણા કપૂર પાસેથી શીખો'' એવી વાતો બૅન્કિંગ ક્ષેત્રમાં થતી અને તેમનું ઉદાહરણ આપવામાં આવતું.

ત્યાં સુધી કે જ્યારે કિંગફિશર ઍરલાઇનમાં સરકારી બૅન્કોના હજારો કરોડ ડૂબી રહ્યા હતા ત્યારે રાણા કપૂર યસ બૅન્કના પૈસા કેવી રીતે પાછા વસૂલવા તેની તૈયારીમાં લાગેલા હતા અને એમાં એમણે ઘણી સફળતા પણ મેળવી હતી.

વર્ષ 2008માં વૈશ્વિક મંદી વચ્ચે અમેરિકા સહિત અનેક દેશોની બૅન્કોની હાલત ખરાબ થઈ રહી હતી ત્યારે પણ રાણા કપૂરે યસ બૅન્કને બચાવી લીધી.

2014માં નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી. રાણા કપૂરને નરેન્દ્ર મોદીની નીતિઓના સમર્થક માનવામાં આવે છે.

બીજા બિલિયોનર બૅન્કર

ઇમેજ સ્રોત, Yes Bank

ઇમેજ કૅપ્શન,

રાણા કપૂર

'લાઇવ મિન્ટ'ના અહેવાલ અનુસાર ભારતીય બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં ઉદય કોટક બાદ બિલયોનર બનનાર રાણા કપૂર બીજા વ્યક્તિ હતી.

ફોર્બ્સના અહેવાલ અનુસાર 2018માં રાણા કપૂરની નેટવર્થ 1.3 બિલિયન ડૉલર હતી. એક સમયે યસ બૅન્કનો 11 ટકા હિસ્સો (શૅર) તેમની પાસે હતો.

વર્ષ 2018માં યસ બૅન્ક 41 અબજ ડૉલરની સંપત્તિની સાથે ભારતની ચોથા નંબરની સૌથી મોટી બૅન્ક હતી.

ફૉર્બ્સની 2017ની ભારતના સૌથી સમૃદ્ધ લોકોની યાદીમાં રાણા કપૂર 100માં ક્રમે હતા.

રાણા કપૂરે વર્ષ 2003માં પોતાના સંબંધી અશોક કપૂર અને હરકિરત સિંઘ સાથે મળીને યસ બૅન્કની સ્થાપ્ના કરી હતી.

રાણા કપૂરનો જન્મ 1957માં દિલ્હીમાં થયો હતો. તેઓ દિલ્હીની ફ્રૅન્ક ઍન્ટની પબ્લિક સ્કૂલમાં ભણ્યા હતા અને બાદમાં દિલ્હીની લૅડી શ્રી રામ કૉલેજ ઑફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

એમણે એ પછી અમેરિકાની રુટગર્સ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી.

સીએનએન-ટીવી 18ના અહેવાલ અનુસાર બૅન્ક ઑફ અમેરિકામાં વર્ષ 1980માં તેમણે મૅનેજમૅન્ટ ટ્રેની તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. કપૂરે 1995માં બૅન્ક ઑફ અમેરિકા છોડીને એએનઝેડ ગ્રિન્ડલૅયસ ઇન્વૅસ્ટમેન્ટ બૅન્કમાં જનરલ મૅનેજર અને કન્ટ્રી હેડ તરીકે શરૂઆત કરી. ત્યાં તેઓ 1998 સુધી રહ્યા.

ત્યાર બાદ તેમણે રૅબો ઇન્ડિયા ફાઇનાન્સમાં 1998થી 2003 સુધી કંપનીના સીઈઓ અને એમડી તરીકે કામ કર્યું.

કપૂરે 2003માં નેધરલૅન્ડની રૅબો બૅન્કને પોતાનો ભાગ વેચી દીધો અને યસ બૅન્ક માટે મૂડી એકઠી કરી.

વર્ષ 2003માં પોતે પોતાના સાળા અને બીજા એક ભાગીદાર સાથે મળીને રિઝર્વ બૅન્કની મંજૂરી સાથે યસ બૅન્કની સ્થાપ્ના કરી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર યસ બૅન્કનો 300 કરોડનો આઇપીઓ સ્ટોક માર્કેટમાં આવ્યો હતો.

રેડિફ ડોટ કોમના અહેવાલ અનુસાર યસ બૅન્કની સ્થાપ્ના અને તેના સંચાલન બદલ રાણા કપૂર અને અશોક કપુરે 2005માં અર્નસ્ટ ઍન્ડ યંગ સ્ટાર્ટ અપ ઑન્ટપ્રૅન્યૉર ઑફ ધ યર ઍવોર્ડ જીત્યો હતો.

2008માં અશોક કપુર મુંબઇ ઉગ્રવાદી હુમલામાં મૃત્યુ પામતાં રાણા કપૂર યસ બૅન્કના કર્તાહર્તા બની ગયા હતા.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર તેમણે ઘણાં ઊંચા વ્યાજના દરે જોખમી લોકો અને કંપનીને લૉન આપવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે સંબંધી અશોક કપુરના પરિવાર સાથે રાણા કપૂરનો ખટરાગ પણ થયો.

હફપોસ્ટના અહેવાલ અનુસાર 2008થી 2018ના દસ વર્ષના ગાળામાં રાણા કપૂરના ડિરેક્ટરપદ હેઠળ યસ બૅન્ક મોટી મોટી બૅન્ક તરીકે ઉભરી અને અનેક ઍવૉર્ડ જીત્યા.

વર્ષ 2017માં રાણા કપૂર ચર્ચામાં આવ્યા હતા. લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર યસ બૅન્કના શૅરમાં 10 દિવસમાં 18.8 ટકાનો વધારો થતાં કપૂરની નેટવર્થ 1 બિલિયન ડૉલરે પહોંચી હતી.

જોકે, 2018થી રાણા કપૂર માટે ખરાબ સમય શરૂ થઈ ગયો.

ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ અનુસાર યસ બૅન્કે 2016-17માં 2081 કરોડની નૉન પર્ફોમિંગ ઍસેટની જાહેરાત કરી હતી. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ 8,378.8 કરોડ રૂપિયા એનપીએ નોંધી હતી.

રાણા કપૂર પાસે 30 જુન, 2018ના દિવસે 10.7 ટકા શૅર હતા.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ યસ બૅન્કમાં વધતી નૉન પર્ફોમિંગ ઍસેટને અને આ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને રાણા કપૂરને 31 જાન્યુઆરી, 2019એ સીઈઓ અને મૅનેજિંગ ડાયરેક્ટરના પદ પરથી હઠાવી દીધા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

રાજકોટમાં નાણાં ઉપાડવા માટે એકઠા થયેલા લોકો

રાણા કપૂરે વધારાનો સમય માગ્યો પણ આરબીઆઈએ માગ નકારી કાઢી.

રાણા કપૂર સીઈઓ પદેથી ગયા તે પછી ખરાબ સમાચારો આવવા શરૂ થયા.

2018-19ના છેલ્લા ત્રૈમાસિક ગાળામાં યસ બૅન્કે 1500 કરોડની ખોટ કરી જેની સ્થાપના પછીની સૌથી મોટી ખોટ હતી.

બૅન્કે જાણીજોઈને ખોટ છુપાવી હતી એવો આરોપ પણ લાગ્યો.

બીજી તરફ રાણા કપૂર અને તેમનો પરિવાર યસ બૅન્કમાં ભાગીદારી ઓછી કરતો જ જતો હતો. ઑકટોબર 2019 સુધીમાં યસ બૅન્કમાં રાણા કપૂર અને પરિવારનો હિસ્સો ફક્ત પોણા પાંચ ટકા રહી ગયો.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર રાણા કપૂરે યસ બૅન્કમાંથી 510 કરોડનો (2.16 ટકાનો) હિસ્સો વેચી નાખ્યો હતો. યસ કૅપિટલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને મૉર્ગન ક્રૅડિટ્સ પ્રાઇવેટ લિમિટેડના 510.06 કરોડ રૂપિયાનો હિસ્સો પણ વેચી દીધો.

તમામ વિદેશી ફંડિગ અને ક્રૅડિટ એજન્સીઓએ યસ બૅન્કનો આઉટલૂક ઘટાડી દીધો અને બૅન્ક નેગેટિવ લિસ્ટમાં આવી ગઈ. હવે યસ બૅન્ક માટે માર્કેટમાંથી અને વિદેશી રોકાણમાંથી નાણા ઊભા કરવાનું મુશ્કેલ બન્યું.

ઑગસ્ટ 2019માં યસ બૅન્કના શૅરની કિંમત 404 રૂપિયા હતી જે શુક્રવારે 5.65 રૂપિયા થઈ ગઈ છે. શૅરના ભાવમાં 85 ટકાનો ઘટાડો થયો અને યસ બૅન્કની માર્કેટ વેલ્યુ 7943 કરોડ રૂપિયા ઘટી ગઈ.

અલબત્ત, યસ બૅન્કમાં રાણા કપૂરની ભૂમિકાને સવાલો થઈ રહ્યા છે અને સરકારે તેમને સુરક્ષિત નીકળી જવાની તક આપી તેવો આરોપ મુકાઈ રહ્યો છે.

બૅન્કિંગ ઍક્સપર્ટ આલોક જોશીએ બીબીસીને કહ્યું કે, સરકારે રાણા કપૂરને સેફ ઍક્ઝિટની તક આપી કે નહીં તે અલગ વાત છે પરંતુ રાણા કપૂરે પહેલાં યસ બૅન્કના પોતાના શૅર મોંઘા વેચ્યા અને તેઓ કોઈ નુકસાન વિના નીકળી ગયા છે એ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે રાણા કૂપરે અગાઉ તેમના શૅર વેચવાનો ઇન્કાર કર્યો હતો.

આલોક જોશી કહે છે કે રાણા કપુર પર આરોપ હતો કે તમામ કૌભાંડો છતાં તેઓ પોતાના બધા જ પૈસા ઉપાડી શક્યા. હવે તેમના પર કાર્યવાહી થવી જોઈએ.

સરકારે તેમને શોધી કાઢવા જોઈએ. જોકે, તેઓ હવે ભારતમાંથી જ મળશે કે નિરવ મોદી થઈ જશે એ પણ એક સવાલ છે.

રાણા કપૂર સોશિયલ મીડિયા પર જૂન 2019 પછી દેખાયા નથી. યસ બૅન્કની વર્તમાન સ્થિતિ અંગે તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો