દિલ્હી હિંસા : જ્યારે હુલ્લડમાં ખેદાનમેદાન થયેલા ઘરને બદલે હૉસ્પિટલમાં લગ્ન લેવાયાં

  • ચિંકી સિન્હા
  • બીબીસી સંવાદદાતા, દિલ્હી
દિલ્હીમાં હિંસા

એ રાતે જોરદાર વરસાદ પડ્યો હતો. એ મુસ્તફાબાદની અલ હિંદ હોસ્પિટલના પહેલા માળા પરથી રુખસારના વિદાય થવાની રાત હતી. નવોઢા રુખસાર એ હૉસ્પિટલમાંથી પરણીને સાસરે જઈ રહ્યાં હતાં, જેમાં તેના પરિવારે આશરો લીધો હતો.

પોલીસે રુખસારના પરિવારને હુલ્લડગ્રસ્ત વિસ્તારમાંથી 26 ફેબ્રુઆરીએ બહાર કાઢ્યો હતો.

શિવવિહારમાંના ગોવિંદવિહાર ખાતે આવેલું તેમનું ઘર અહીંથી બહુ દૂર નથી. તેમનો કુતરો મોતી તેમના બંધ ઘરના દરવાજા બહાર હજુ પણ પરિવારના પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે.

તેમના હિંદુ પાડોશી બંધ પડેલા ઘરને સાચવી રહ્યા છે અને મોતીને ખાવાનું પણ આપી રહ્યા છે.

તેમના એક પાડોશીએ બીબીસીને કહ્યું હતું, "અત્યારે એ લોકો બીજી બાજુ છે અને તેમને અહીં પાછા આવવામાં સમય લાગશે. અમે એ પરિવારને આશરો આપ્યો ત્યારે અમને પણ ધમકી આપવામાં આવી હતી. હું તેના સુખદ ભવિષ્યની કામના કરું છું."

અલ હિંદ હૉસ્પિટલના પહેલા માળે બેઠેલા વરરાજા પોતાના જીવનની કડીઓને જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ 20 વર્ષની રુખસારની પહેલી પસંદ ન હતા. પહેલી માર્ચે તેમની શાદીનો નિર્ણય લેવાયો હતો અને ત્રીજી માર્ચે તેમના નિકાહ થઈ ગયા હતા, પણ અસાધારણ સમયમાં અસાધારણ ઘટનાઓ જ બનતી હોય છે.

ગુરુવારે સાંજે અચાનક વાદળ ઘેરાયાં અને વરસાદ પડ્યો હતો. કહેવાય છે કે આવો જોરદાર કમોસમી વરસાદ થાય ત્યારે ક્યાંક વાઘ અને બકરીનાં લગ્ન થતાં હોય છે. ક્યારેક આપણને પણ આવી વાર્તાઓમાં વિશ્વાસ હતો.

પોતાના લગ્નના દિવસે રુખસારે લાલ રંગનો શરારા ડ્રેસ પહેર્યો હતો, લગ્ન માટે ખરીદેલો ગુલાબી રંગનો શરારા નહીં. લાલ શરારા રુખસારને હૉસ્પિટલના ડૉક્ટરે આપ્યો હતો.

24 ફેબ્રુઆરીએ નારાબાજી કરી રહેલા ધાર્મિક ઉન્માદી ટોળાએ તેમના ઘરના દરવાજે ટકોરા માર્યા ત્યારે પરિવાર ત્યાંથી જીવ બચાવવા નાસી છૂટ્યો હતો. રુખસારને દહેજમાં આપવા માટેનો સામાન પણ ઘરમાં રહી ગયો હતો. પાડોશીઓએ તેમને આશરો આપ્યો અને પછી પોલીસે તેમને સહીસલામત મુસ્તફાબાદ પહોંચાડ્યાં હતાં.

પહેલાં નક્કી થયેલાં લગ્ન તૂટ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

વરરાજા બનેલા ફિરોઝે આસમાની રંગનો થ્રી પીસ સૂટ પહેર્યો હતો. કાળા રંગના શર્ટ પર કાળી ટાઈ સુંદર લાગતી હતી. 23 વર્ષના ફિરોઝ લગ્નની અનુભૂતિને પામી શકે એમ નહોતા, કારણ કે બધું ઝડપભેર થયું હતું.

નિકાહ પછી ફિરોઝ અને રુખસાર હૉસ્પિટલના હૉલમાં એકસાથે ઉભાં રહ્યાં ત્યારે લોકોએ તેમની તસવીરો લીધી હતી.

એક મહિલા કહેતી હતી, "બન્ને બહુ સરસ લાગે છે. એકમેકને પારાવાર પ્રેમ કરશે."

એ મહિલા આ લગ્ન જોવા આવ્યાં હતાં. તેમને ઘણા દિવસો પછી આ પહેલા સારા સમાચાર મળ્યા હતા.

રુખસાર હવે ફિરોઝનાં દુલ્હન છે, પણ તેના લગ્નના કાર્ડ પર કોઈ બીજા દુલ્હાનું નામ હતું. એ દુલ્હા સાથે રુખસારનાં લગ્ન ત્રીજી માર્ચે થવાનાં હતાં, પણ તોફાનમાં પરિવાર બેહાલ થયાનું જાણીને એ દુલ્હાએ પારોઠનાં પગલાં ભર્યાં હતાં.

રુખસારના પિતા બન્ને ખાને દીકરીના લગ્ન ગાઝિયાબાદના ડાસનામાં નક્કી કર્યાં હતાં, પણ 'દિલ્હીનાં હુલ્લડમાં અમારે ઘરેથી ભાગવું પડ્યું છે અને હવે અમારી પાસે કશું નથી', એવું તેમણે ભાવિ જમાઈના પરિવારને જણાવ્યું ત્યારે દુલ્હાએ

પરણવાનો ઈનકાર કરી દીધો હતો.

રેંકડી ચલાવતા બન્ને ખાને દીકરીનાં લગ્ન માટે મન્નત નામનો મૅરેજ હૉલ ભાડા પર રાખ્યો હતો અને પાંચ હજાર રૂપિયા ઍડવાન્સ પેટે પણ આપ્યા હતા. તેમણે કંદોઈને પણ એક હજાર રૂપિયા આપ્યા હતા. રુખસારનાં અમ્મી લોણી જઈને ત્યાંથી દીકરી માટે છ હજાર રુપિયાનો ગુલાબી લહેંગો ખરીદી લાવ્યાં હતાં.

નવમા ધોરણ સુધી ભણેણાં રુખસારે, તેમનાં લગ્ન જેની સાથે થવાનાં હતાં એ છોકરાનો એકેય ફોટો સુદ્ધાં જોયો ન હતો, પણ પોતાનાં લગ્ન બાબતે રુખસાર ઉત્સાહિત હતાં. બીજાં વસ્ત્રોની સાથે તેણે બે સૂટ પણ ખરીદ્યાં હતાં.

નિરાશા વચ્ચે આશાનું કિરણ

બન્ને ખાને ગોવિંદવિહારમાં 30 વર્ષ પહેલાં એક નાનું મકાન બનાવ્યું હતું. દિલ્હીમાં હુલ્લડ શરૂ થયાં ત્યારે તેમનો પરિવાર ખુદના ઘરમાં જ અસલામત થઈ ગયો હતો. તેમણે પહેલી રાત પાડોશીના ઘરમાં પસાર કરી હતી, પણ હિંદુ પાડોશીઓને ધમકી મળવા લાગી હતી.

એ પછી સોળ લોકોના તેમના પરિવારે બીજા હિંદુના ઘરમાં આશરો લીધો હતો. ત્યાર બાદ 26 ફેબ્રુઆરીએ પોલીસે તેમને ત્યાંથી મુસ્તફાબાદની અલ હિંદ હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

બન્ને ખાનનો પરિવાર ખાલી હાથે અને ઉઘાડા પગે ભાગ્યો હતો. ઘરમાં રહી ગયેલો દીકરીના દહેજનો સામાન અને બીજો થોડો સામાન લેવા તેઓ પાછા આવી ન શક્યા, પણ દીકરીનાં લગ્ન તો પરિવાર માટે પ્રતિષ્ઠાનો મુદ્દો હતો.

દીકરીનાં લગ્ન રદ્દ થયાં પછી બન્ને ખાને તેમના નાના ભાઈ સાથે વાત કરી હતી.

બન્ને ખાને કહ્યું હતું, "દીકરીનાં લગ્ન ન થયાં હોત તો અમારું અપમાન થયું હોત. મેં મારા નાનાભાઈ છુટ્ટનને કહ્યું કે મારી દીકરીને તારી વહુ બનાવી લે."

ફિરોઝ તેના પિતાને ના પાડી શક્યો નહીં, પણ તેઓ વધારે સમય ઈચ્છતા હતા, જેથી લગ્ન સારી રીતે થઈ શકે, તેમાં તેમના દોસ્તો સામેલ થઈ શકે. તેઓ નવાં કપડાં પહેરીને પોતાનાં લગ્નમાં નાચવા-ગાવા ઈચ્છતા હતા.

આઠમા ધોરણ સુધી ભણેલા ફિરોઝ ઝૉમેટોમાં ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. કૃષ્ણાનગરમાં ભાડાના એક મકાનમાં રહે છે. ચાર ભાઈઓમાં ફિરોઝ સૌથી મોટા છે. સમય મળ્યો હોત તો તેમણે પત્ની માટે એક ઓરડો તો તૈયાર કરાવી જ લીધો હોત, પણ તેમને મળેલો બે દિવસનો સમય લગ્નનો સૂટ સિવડાવવા માટે પણ પૂરતો ન હતો.

ફિરોઝે રુખસારને માત્ર એકવાર જોયાં અને નજર ઝુકાવી લીધી હતી. રુખસારને હવે તેની સાથે જ જીવન પસાર કરવાનું છે.

લોકોએ મદદ કરી

એ રાતે અલ હિંદ હૉસ્પિટલમાં રુખસારના નિકાહ ફિરોઝ સાથે થવાના હતા ત્યારે એક મહિલા બજારમાં જઈને પગમાં પહેરવાનાં વિંછીયા વીસ હજાર રૂપિયામાં અને નાકમાં પહેરવાની ચૂંક દસ હજાર રૂપિયામાં ખરીદી લાવ્યાં હતાં.

25 ફેબ્રુઆરીથી હૉસ્પિટલમાં આવતાં અને અહીં લોકોની મદદ કરતાં 45 વર્ષનાં અફરોઝ બાનુને એ જાણીને ખરાબ લાગ્યું હતું કે એક દુલ્હન પાસે તેના લગ્નના દિવસે પહેરવા માટે સોના કે ચાંદીનું એકેય ઘરેણું નથી.

ફિરોઝા, હુલ્લડ પછી હૉસ્પિટલમાં બાળકને જન્મ આપનારાં એક મહિલા માટે ઈંડાં અને ચા લઈને આવ્યાં ત્યારે તેમને ખબર પડી હતી કે હૉસ્પિટલમાં કોઈનાં લગ્ન થવાનાં છે. તેમણે દુલ્હનની મદદ માટે પોતાના કેટલાક પાડોશીઓને ફોન કર્યો હતો.

ત્રણ નંબરની ગલીમાં રહેતા એક ઝવેરીએ ચાંદીના વિંછીયા મોકલ્યાં હતાં, પણ તેના પૈસા લીધા ન હતા. પુરાના મુસ્તફાબાદની ગલી નંબર 20માં રહેતાં શાહિના રિયાઝ નામનાં એક મહિલાએ પોતાના નાકમાંથી ચૂંક કાઢીને રુખસારને આપી દીધી હતી. એક અન્ય મહિલા લાલ રંગની બંગડી લાવ્યાં હતાં.

ફિરોઝાએ આ રીતે એકઠો કરેલો સામાન દુલ્હનને સુપ્રત કર્યો હતો અને કહ્યું હતું કે લગ્ન માટે એ વધુ વ્યવસ્થા પણ કરી આપશે.

ત્રીજી માર્ચના રાતે રુખસારે તેના જૂના કપડાં એટલે કે ક્રીમ રંગનો કૂર્તો અને કાળો પાયજામો પહેર્યાં હતાં. ભંગારનો બિઝનેસ કરતા પુરુષના પત્ની અફરોઝ પાસે બહુ પૈસા ન હતા, પણ એ મદદ કરવા ઈચ્છતાં હતાં.

અફરોઝે કહ્યું હતું, "અમારી પાસે બહુ પૈસા નથી, પણ આ છોકરીના લગ્ન માટે હું કંઈક કરવા ઈચ્છતી હતી, કારણ કે લગ્ન માણસને જિંદગીભર યાદ રહેતાં હોય છે. આ સમય વિકટ છે. અમે જે કરી શકીએ તેમ છીએ એ કરીએ છીએ. જિંદગી તો ચાલતી જ રહેશે."

અફરોઝ રુખસારનાં લગ્ન માટે જેટલું એકઠું કરી શકે તેમ હતાં તેટલું તેમણે એકઠું કર્યું. તેમણે સોનાનાં ટોપ, બંગડી અને પાયલ પણ ખરીદ્યાં હતાં.

દુલ્હા માટે સૂટ, જીન્સ, શર્ટ, બૅલ્ટ, ટૉવેલ અને અત્તર ખરીદ્યું. થોડી મિઠાઈ પણ ખરીદી હતી.

અફરોઝે કહ્યું હતું, "અમારી પાસે માત્ર 8,000 રૂપિયા હતા, પણ બધું સારી રીતે થઈ ગયું. દુલ્હનનો પરિવાર બહુ રડી રહ્યો હતો. અમે કહેલું કે બધું થઈ જશે."

આ રીતે એકઠો થયો લગ્નનો સામાન

પોતાના ભાઈ ડૉક્ટર એમ. એ. અનવર સાથે મળીને અલ હિંદ હૉસ્પિટલ ચલાવતા ડૉક્ટર મેરાજ અનવરે નાનકડા જમણવારની વ્યવસ્થા કરી હતી. દુલ્હન માટે લાલ રંગનો લહેંગો પણ ખરીદ્યો હતો. પાડોશમાં પાર્લર ચલાવતાં શમ્મા નામની એક મહિલાએ દુલ્હન તથા બીજી છોકરીઓને મૅકઅપ કરી આપ્યો હતો. શમ્માનું પાર્લર હુલ્લડ પછી બંધ જ છે.

અફરોઝનાં દીકરીનાં લગ્નમાં તેમની બીજી દીકરીઓએ જે કપડાં પહેર્યાં હતાં, એ કપડાં દુલ્હનની બહેનોને પહેરવા માટે આપવામાં આવ્યાં હતાં.

દુલ્હનનાં બહેન રુખસાનાએ અફરોઝનાં દીકરીનો લીલા રંગનો શરારા પહેર્યો હતો. તેમાં સોનેરી ભરત અને ચમકતા સિતારા લગાવવામાં આવ્યા છે. રુખસાનાએ કહ્યું હતું કે હું બહુ સુંદર દેખાતી હોઉં એવું તેમને લાગે છે.

લગ્નની રસમ દરમિયાન બહેનો સાથે બેઠેલાં રુખસાનાએ કહ્યું હતું, "ફિરોઝ સારો છોકરો છે. રુખસારને તેના લગ્ન બાબતે વિચિત્ર લાગણી થતી હતી. જે છોકરા સાથે તેના પહેલાં લગ્ન થવાના હતા તેનો પરિવાર રુખસારને પસંદ ન હતો."

"તેમણે અમારી પાસે ઘણી માગણી કરી હતી. આવા મુશ્કેલ સમયમાં પણ તેઓ ધામધૂમથી લગ્ન કરવા ઈચ્છતા હતા."

દુલ્હનનાં અમ્મી શમ્મા પરવીને લગ્નના દિવસે નવો પોશાક પહેર્યો ન હતો. તેમણે કહ્યું હતું, "લગ્ન માટે અમે વાસણ, લોખંડનો કબાટ, ઘરેણાં અને બીજો સામાન ખરીદ્યો હતો, પણ એ બધું છોડીને નાસવું પડ્યું હતું."

"આ મારી ત્રીજી દીકરી છે અને તેના લગ્ન, જે દિવસે નક્કી થયાં હતાં એ દિવસે જ હું કરાવવા ઈચ્છતી હતી."

ઘરે પાછા ફરવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "અમે હમણાં પાછાં જઈ શકીએ તેમ નથી, કારણ કે ત્યાં હજુ પણ જોખમ હોવાનું અમને કહેવામાં આવ્યું છે."

હૉસ્પિટલના નીચેના ભાગમાં દર્દીઓનો ઈલાજ કરી રહેલા ડૉક્ટર મેરાજે એટલું જ કહ્યું હતું, "કોઈ માણસ બીજા માણસ માટે કરે એટલું જ અમે કર્યું છે."

એ દરમિયાન કોઈ આવીને હાઈ વૉલ્ટેજનો બલ્બ લગાવી ગયું હતું, જેથી નવપરણીત દંપતિના ફોટોગ્રાફ સારી રીતે ક્લિક કરી શકાય.

કેટલાંક વાસણ, એક ગૅસ-સ્ટવ અને કેટલીક ભેટો પણ ત્યાં રાખવામાં આવી હતી.

મહેમાનોના ભોજન માટે કોરમા તથા નાન હતાં. સાંજ થતાં સુધીમાં વરસાદનું જોર વધ્યું હતું. થોડા સમય પછી જ જાન વિદાય થઈ ગઈ હતી.

હું અત્યાર સુધીમાં આ વિસ્તારમાં બે વ્યક્તિના અંતિમસંસ્કાર તથા એક લગ્નમાં સામેલ થઈ ચૂકી છું. અહીં રોજ વરસાદ પડ્યો છે.

હું રુખસારના ઘરે જઈને તેના પાળેલા કુતરા મોતીને મળવા ઈચ્છતી હતી, પણ અંધારુ થઈ ગયું હતું. રુખસારના ઘરે જઈ આવેલી એક મહિલાએ જણાવ્યું હતું કે ત્યાં અંધારામાં જવું ખતરનાક છે.

તેણે મને કહ્યું હતું, "અત્યારે જશો નહીં."

મોતી ત્યાં રાહ જોતો હશે. મેં બન્ને ખાનને કહ્યું હતું કે તેમનું ઘર સલામત છે. તેમણે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ઘરે પાછાં ફરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો