CAA : નાગરિકતા સંશોધન કાયદા બદલ ભારતના વખાણ થવા જોઈએ - એસ. જયશંકર

એસ. જયશંકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એસ. જયશંકર

''તમે મને એક એવો દેશ બતાવો જે એવું કહે કે દુનિયાના તમામ લોકોનું સ્વાગત છે.'' ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વાત નાગરિકતા સંશોધન કાયદા અગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહી છે.

જયશંકરે શનિવારે ગલૉબલ બિઝનેસ સમિટમાં હાજરી આપી હતી અને તેમાં અનેક સવાલોનાં જવાબ આપ્યા.

નાગરિકતા સંશોધન કાયદાને લઈને થઈ રહેલા વિવાદ અંગે તેમણે કહ્યું કે, ''દરેક વ્યક્તિ નાગરિકતાને અલગ અલગ રીતે જુએ છે. તમે મને એક એવો દેશ બતાવો જે એવું કહેતો હોય કે દુનિયાના તમામ લોકોનું સ્વાગત છે.''

એસ. જયશંકરે કહ્યું કે, ''ભારત સરકારે નાગરિકતા સંશોધન કાયદા હેઠળ જેમનો કોઈ દેશ નથી એવા લોકોની સંખ્યા ઓછી કરવાની કોશિશ કરી છે અને તે બદલ તેના વખાણ થવા જોઈએ.''

એમણે કહ્યું કે, ''સરકાર કે સંસદને નાગરિકતાની શરતો નક્કી કરવાનો અધિકાર નથી એવો તર્ક કોઈ ન આપી શકે કેમ કે દરેક સરકાર એવું કરતી હોય છે.''

નાગરિકતા સંશોધન કાયદો અને દિલ્હીની તાજેતરની હિંસાને લઈને એમને પૂછવામાં આવ્યું કે શું ભારત તેના મિત્રો ખોઈ રહ્યું છે? તો જયશંકરે કહ્યું કે, ''કદાચ હવે આપણે એ સમજી રહ્યાં છીએ કે અસલ મિત્રો કોણ છે.''

જમ્મુ-કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રની માનવઅધિકાર કાઉન્સિલની ટિપ્પણી અંગે જયશંકરે કહ્યું કે, ''યુએનએચઆરસીના નિદેશક અગાઉ પણ ખોટાં હતા. તમે કાશ્મીર મામલે યુએનએચઆરસીનો જૂનો રેકોર્ડ તપાસી લો. તેઓ સીમા પારના આતંકવાદ વિશે એવી રીતે વાત કરે છે જાણે તેના પડોશી દેશોને કોઈ લેવા દેવા જ ન હોય.''

શાહ-રૂપાણી પર હુમલા અને ગુજરાતમાં હુલ્લડોની ધમકી

ઇમેજ સ્રોત, Getty Images

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યૂરો એટલે કે IBને એક પત્ર મળ્યા બાદ રાજ્યમાં ઍલર્ટ જાહેર કરાયું છે.

પત્રમાં એક અજાણી વ્યક્તિએ રાજ્યમાં હુલ્લડો ફેલાવવાની અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત 13 લોકો પર હુમલો કરવાની ધમકી આપી છે.

ધમકીને પગલે IBએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના પોલીસ કમિશનરને ઍલર્ટ કરી દેવાયા છે.

પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે પત્રમાં અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી, શિવાનંદ ઝા, પ્રદીપસિંહ જાડેજા, દિલીપદાસ મહારાજ, આશિષ ભાટિયા, પ્રવીણ તોગડિયા, શૈલેષ પરમાર, ભરત બારોટ, ભુષણ ભટ્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પર હુમલો કરવાની ધમકી મળેલી છે.

યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂરના ઘરે દરોડા

ઇમેજ સ્રોત, Getty Images

EDએ શુક્રવારના રોજ યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂર વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. આ સાથે જ ઈડીએ રાણા કપૂરના મુંબઈ સ્થિત ઘર પર દરોડા પણ પાડ્યા છે.

ઈડીના અધિકારીઓએ જણાવ્યું છે કે રાણા કપૂરના પશ્ચિમ મુંબઈમાં આવેલા આવાસ 'સમુદ્ર મહેલ' પર શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ ઍક્ટ અંતર્ગત કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ પુરાવા એકત્રિત કરવાનો છે.

આ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે યસ બૅન્કના ખાતેદારોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકાર તેમનું નુકસાન નહીં થવા દે.

યસ બૅન્ક સંકટમાં હોવાના સમાચાર આવ્યા બાદ શુક્રવારના રોજ એક પત્રકારપરિષદમાં નિર્મલા સીતારમણે કહ્યું હતું, "હું ભરોસો અપાવવા માગું છું કે યસ બૅન્કના દરેક ખાતેદારોનાં પૈસા સુરક્ષિત છે. રિઝર્વ બૅન્કે મને ભરોસો અપાવ્યો છે કે યસ બૅન્કના કોઈ ગ્રાહકનું નુકસાન નહીં થાય."

ગુજરાતમાં 2 વર્ષમાં 261 સિંહનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં માત્ર 2 વર્ષમાં 261 સિંહનાં મૃત્યુ થયાં છે, જેમાં 123 સિંહબાળનો પણ સમાવેશ થાય છે. માત્ર સિંહ જ નહીં પણ આ બે વર્ષમાં કુલ 340 ચિત્તાનાં પણ મૃત્યુ થયાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વિધાનસભામાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું છે કે 261માંથી 17 સિંહનાં મૃત્યુ કુદરતી નથી.

આ તરફ સરકારે 340 ચિત્તાનાં મૃત્યુ અંગે જવાબ આપતાં કહ્યું છે કે તેમાં 95 ચિત્તાનાં મૃત્યુ પ્રાકૃતિક નથી અને ચિત્તાઓનુ અકસ્માતમાં પણ મૃત્યુ થયું છે.

વર્ષ 2018માં 113 સિંહોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી 29 સિંહનાં મૃત્યુ CDV વાઇરસથી થયાં હતાં.

વર્ષ 2019માં આ આંકડો 148 પર પહોંચ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે કદાચ વર્ષ 2019માં પણ CDVની અસર રહી હોઈ શકે છે.

કોરોનાના કારણે ઇટાલીમાં મૃત્યુઆંક 200 નજીક પહોંચ્યો

ઇમેજ સ્રોત, EPA

ઇટાલીમાં કોરોના વાઇરસનો કેર સતત વધી રહ્યો છે. આ વાઇરસના કારણે ઇટાલીમાં અત્યાર સુધી 197 લોકોનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે ઇટાલીમાં 49 લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે 4600 કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા છે.

કોરોના વાઇરસના કારણે ચીન બાદ સૌથી વધારે મૃત્યુ ઇટલીમાં થયાં છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે આખી દુનિયામાં આશરે એક લાખ લોકો આ વાઇરસથી પ્રભાવિત થયા છે.

આખી દુનિયામાં મૃતકોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો છે, જેમાં સૌથી વધારે મૃત્યુ ચીનમાં થયાં છે.

8 વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા નરેન્દ્ર મોદીથી નારાજ

જળવાયુ પરિવર્તન મામલે કામ કરી રહેલાં આઠ વર્ષીય પર્યાવરણ કાર્યકર્તા લિકીપ્રિયા કંગુજામે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કંગુજામને મોદી સરકારે એક એવી વ્યક્તિ તરીકે દર્શાવ્યાં છે, જેઓ પ્રેરણા આપે છે.

હાલ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ એવી મહિલાઓ અને છોકરીઓની કહાણીઓ શૅર કરે જે દુનિયાને પ્રેરણા આપવાનું કામ કરે છે.

આ જ મુદ્દે સરકારી ટ્વિટર હેન્ડલ @MyGovIndia તરફથી લિકીપ્રિયા કંગુજામ વિશે કેટલીક જાણકારી શૅર કરવામાં આવી હતી અને તેમને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે રજૂ કરવામાં આવ્યાં હતાં.

પરંતુ કંગુજામે તેના પર ટ્વીટ કરતાં લખ્યું કે, "ડિયર નરેન્દ્ર મોદીજી, જો તમે મારો અવાજ સાંભળી શકતા નથી, તો કૃપા કરીને મને આ પ્રકારનું સન્માન પણ ન આપો. તમારા #SheInspiresUs અભિયાન અંતર્ગત મને દેશની એ મહિલાઓમાંથી એક પસંદ કરવામાં આવી છે જે પ્રેરણા આપી શકે છે. તેના માટે ધન્યવાદ. પરંતુ ખૂબ વિચાર કર્યા બાદ મેં નિર્ણય લીધો છે કે હું આ સન્માનને ગ્રહણ કરીશ નહીં,"

લિકીપ્રિયા કંગુજામને ગત વર્ષે વર્લ્ડ ચિલ્ડ્રન પીસ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો