નરેન્દ્ર મોદીનું સન્માન ઠુકરાવનાર 8 વર્ષનાં લિસિપ્રિયાએ હવે કૉંગ્રેસને પણ આડે હાથે લીધી

લિસિપ્રિયા કંજુગમ

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દરખાસ્તને નકારનારી આઠ વર્ષની બાળકી લિસિપ્રિયા કંજુગમે હવે કૉંગ્રેસને પ્રશ્ન કર્યો છે.

તેમણે કહ્યું છે કે "સત્તા પક્ષ અને વિપક્ષ બંને તેમના નામને એક બીજા પર રાજકીય વાર કરવા માટે દડાની જેમ વાપરે છે."

ભારત સરકાર 8 માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ટ્વિટર પર કેટલીક એવી ભારતીય મહિલાઓનાં નામોનો ઉલ્લેખ કર્યો હતો જે અલગ-અલગ બાબતો પર કામ કરે છે.

આ સન્માન અસ્વીકાર કરતા લિસિપ્રિયાએ ટ્વીટ કર્યું હતું, "પ્રિય નરેન્દ્ર મોદીજી, તમે મારો અવાજ ન સાંભળવાના હો તો કૃપા કરીને મને સેલિબ્રેટ કરશો નહીં. તમારી પહેલ #SheInspiresUs હેઠળ અનેક પ્રેરણાદાયક મહિલાઓમાં મને સામેલ કરવા બદલ આભાર. લાંબો વિચાર કર્યા પછી મેં આ સન્માન નકારવાનો નિર્ણય કર્યો છે. જય હિંદ"

ત્યારે કૉંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું, "સાહસિક ક્લાઇમેટ એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કંજુગમે મહિલા સશક્તિકરણ પ્રત્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેખાડા અને પાખંડની ટીકા કરી હતી."

"તેમની ઑફર અસ્વીકાર કર્યા બાદ, તેમણે વડા પ્રધાનને યાદ અપાવ્યું કે ટ્વિટર કૅમ્પેન ચલાવવા કરતતા તેમનો અવાજ સાંભળવો વધારે જરૂરી હતો."

શશિ થરૂરને પ્રશ્ન

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના આ ટ્વીટના જવાબમાં લિસિપ્રિયા કંજુગમે લખ્યું," તમારા કેટલા સંસદસભ્યોએ મારી માગણીને સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં મૂકી છે? "

"હું એ પણ નથી ઇચ્છતી કે તમે ટ્વિટર કૅમ્પેન માટે મારૂં નામ વાપરો? મારો અવાજ કોણ સાંભળી રહ્યું છે?"

તેમણે આગળ લખ્યું, "બંને સત્તા પક્ષ અને વિપક્ષ મારું નામ દડાની જેમ રાજનીતિક લાભ માટે વાપરે છે પરંતુ મારો અવાજ અને મુખ્ય માગો દૂર રહી જાય છે. આ બરાબર ન કહેવાય. હું આ સહી નહીં લઉં."

કૉંગ્રેસના નેતા શશિ થરૂરે જવાબમાં કૉંગ્રેસ નેતા શશિ થરૂરે લખ્યું તમારો અવાજ અમારો અવાજ છે. ત્રણ વર્ષથી હું રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ નીતિ બનાવવાની માગ સાથે, વાયુપ્રદૂષણ પર ગોળમેજ બેઠક બોલાવું છું. કૉંગ્રેસે 2019ની ચૂંટણી પહેલાં પર્યાવરણ પર વિસ્તારથી ચર્ચા યોજી હતી.

જવાબ આપતા લિસિપ્રિયાએ લખ્યું,"તમારો ત્વરિત જવાબ આવકાર્ય છે. તમે વાયુપ્રદૂષણ નીતિની વાત કરીને મારા પ્રશ્નને ભટકાવવા માગો છો."

"મારી ત્રણ મુખ્ય માગો છે. ભારતમાં પર્યાવરણ સંબંધી કાયદો પસાર થાય, શિક્ષણ વ્યવસ્થામાં ક્લાઇમેટ ચેન્જનો વિષય સામેલ થાય અને પરીક્ષા પાસ કરવા માટે દરેક વિદ્યાર્થીએ દસ છોડ રોપવા."

ટ્વિટર પર સરકાર અને કૉંગ્રેસને ઝાટકવાની શરૂઆત @mygovindia ના ટ્વીટથી થઈ હતી, "લિસિપ્રિયા એક પર્યાવરણ કાર્યકર છે. 2019માં તેમને ડો. એપીજે અબ્દુલ કલામ ચિલ્ડ્રન ઍવૉર્ડ, વિશ્વ બાલ શાંતિ પુરસ્કાર અને ભારત શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં."

"તમે એમના જેવી કોઈ મહિલાને જાણો છો? #SheInspiresUs સાથે અમને જણાવો."

લિસિપ્રિયાનો ઈનકાર

ઇમેજ સ્રોત, LICYPRIYA/TWITTER

ઇમેજ કૅપ્શન,

લિસિપ્રિયા કંજુગમ

ભારત સરકારના આ ટ્વીટના જવાબમાં લિસિપ્રિયાએ ધન્યવાદ તો કહેવાની સાથે એ સન્માન સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

લિસિપ્રિયા એટલેથી અટક્યાં ન હતાં. તેમણે એક પછી એક અનેક ટ્વીટ કરી હતી.

લિસિપ્રિયાએ લખ્યું હતું, "પ્રિય નેતાઓ અને રાજકીય પક્ષો, મને આ માટે વખાણશો નહીં. તેને બદલે તમારા સાંસદોને કહો કે સંસદના વર્તમાન સત્રમાં તેઓ મારા માટે અવાજ ઉઠાવે. તમારા રાજકીય લક્ષ્યાંક અને પ્રચારના સાધન તરીકે મારો ઉપયોગ કરશો નહીં. હું તમારા પક્ષમાં નથી."

લિસિપ્રિયાએ #ClimateCrisis હેશટેગ સાથેની એક અન્ય ટ્વીટમાં લખ્યું હતું, "તમારા સંસદસભ્યો માત્ર મૂંગા જ નથી, બહેરા અને આંધળા પણ છે. આ સંપૂર્ણ નિષ્ફળતા છે. તત્કાળ કાર્યવાહી કરો."

લિસિપ્રિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંસદસભ્યો પાસે જળવાયુ પરિવર્તન કાયદો બનાવવાની માગણી કરી રહી છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, LICYPRIYA/TWITTER

લિસિપ્રિયાનાં આવા આકરા વલણ સંબંધે મીડિયામાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

કેટલાક લોકો 'બૉલ્ડ' જવાબ માટે લિસિપ્રિયાના વખાણ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે લિસિપ્રિયાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.

કેટલાક લોકો એવો સવાલ પણ કરી રહ્યા છે કે આ ટ્વીટ ખરેખર લિસિપ્રિયાએ જ કરી છે? કારણ કે જે વાતો તેમણે લખી છે, એ તેમની વયના સંદર્ભમાં યોગ્ય જણાતી નથી.

લિસિપ્રિયાના ટ્વિટર હેન્ડલ પર સ્પષ્ટ લખ્યું છે કે તેમનું અકાઉન્ટ ગાર્ડિયન (વાલી) દ્વારા મેનેજ કરવામાં આવે છે.

કેટલાક લોકો લિસિપ્રિયાને એવું કહીને ટ્રોલ કરી રહ્યા છે કે, તેમણે ભારત સરકારની દરખાસ્તનું અપમાન કર્યું છે.

સોશિયલ મીડિયા પર ચાલતી હલચલ વચ્ચે લિસિપ્રિયાએ થોડા કલાક પહેલાં એક વધુ ટ્વીટ કરી હતી.

તેમાં તેમણે લખ્યું હતું, "પ્રિય ભાઈઓ, બહેનો, મેડમ, મને ધમકાવવાનો તમારો પ્રોપેગન્ડા બંધ કરો. હું કોઈની વિરુદ્ધ નથી. હું સિસ્ટમમાં પરિવર્તન ઈચ્છું છું, ક્લાયમેટ ચેન્જ નહીં. હું કોઈ પાસેથી કશી આશા રાખતી નથી. હું માત્ર એટલું ઈચ્છું છું કે આપણા નેતાઓ મારો અવાજ સાંભળે. મારી અસ્વીકૃતિ મારો અવાજ સાંભળવામાં મદદ કરશે તેનો મને વિશ્વાસ છે."

લિસિપ્રિયાની સરખામણી સ્વીડિશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સાથે કરવાં આવે છે. જોકે, લિસિપ્રિયાને એ સરખામણી પસંદ નથી. એ ભારપૂર્વક કહે છે કે તેની પોતાની આગવી ઓળખ છે.

લિસિપ્રિયાએ ટ્વિટર પર ખુદને "એક બેઘર બાળ પર્યાવરણ કાર્યકર" ગણાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ, જેમનું જીવન તથા કાર્ય બધા માટે પ્રેરણાદાયક હોય એવી મહિલાઓને સમર્પિત કરશે.

તેમણે ટ્વીટ કરી હતી, "આ મહિલા દિવસ પર હું મારા બધાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, જેમનું જીવન અને કાર્યો આપણને બધાને પ્રેરણા આપે છે એવી મહિલાઓને સમર્પિત કરીશ. એ લાખો લોકોને પ્રેરણા આપવાનું કામ કરશે."

વડાપ્રધાન મોદીએ લખ્યું હતું, "આપ એવાં મહિલા છો અથવા કોઈ પ્રેરણાદાયી મહિલા વિશે જાણો છો? #SheInspiresUsનો ઉપયોગ કરીને એમની કથાઓ જણાવો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો