પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ

પી. ટી. ઊષા

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટવુમન ઑફ ધ યર ફૉર 2019'ની જાહેરાત થઈ ગઈ છે. દોડવીરાંગના પી. ટી. ઊષાને BBC Indian Sportswoman of the Year 2019નો લાઇફટાઇમ અચીવમૅન્ટ ઍવૉર્ડ એનાયત કરાયો છે અને પી. વી. સિંધુને BBC Indian Sportswoman of the Year 2019 ઍવૉર્ડ એનાયત કરાયો છે.

ઍવૉર્ડ સમારોહ દિલ્હીમાં કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુના મહેમાનપદે યોજાયો હતો. એમાં નીતિ આયોગના વાઇસ ચૅરમૅન રાજીવ કુમાર, કૉંગ્રેસ સાંસદ શશી થરૂર, બીબીસીના ડિરેકટર જનરલ ટોની હૉલ, ખેલાડીઓ, પત્રકારો સહિત અનેક નામાંકિત લોકો હાજર રહ્યાં હતા.

ભારતના અગ્રણી ખેલપત્રકારો, નિષ્ણાતો અને લેખકોની બનેલી જ્યુરી (પસંદગી સમિતિ)એ પાંચ સ્પર્ધકોનાં નામ નક્કી કર્યાં હતાં.

આ પાંચ ખેલાડીઓનાં નામો જાહેર જનતાની પસંદગી માટે 3 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીની વચ્ચે વોટિંગ માટે મૂકવામાં આવ્યાં હતાં અને તેના આધારે પી.વી. સિંધુને ઍવૉર્ડ એનાયત કરાયો છે.

માણો, મૈથિલી ઠાકુરની સંગીતમય શરૂઆત.

BBC Indian Sportswoman of the Year 2019 માટે પી. વી. સિંધુ, વીનેશ ફોગટ, મેરી કોમ, માનસી જોશી અને દુતી ચંદનું નામાંકન થયું હતું.

ભારતીય બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુને મતદાન દ્વારા બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમન ઑફ ધ યર 2019નો ઍવૉર્ડ એનાયત કરાયો છે.

ગત વર્ષે પી.વી. સિંઘુએ (પુસરલા વેંકટ સિંધુ) સ્વિત્ઝરલૅન્ડમાં બૅડમિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી. આ સ્પર્ધા જીતનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે.

માણો, સમગ્ર કાર્યક્રમનો વીડિયો.

ઍવૉર્ડ જીતવા પર પી.વી. સિંઘુએ કહ્યું કે હું બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમન ઑફ ધ યર ટીમને ધન્યવાદ કરૂ છું. આ ખૂબ ખુશીની વાત છે કે આ ઍવૉર્ડ મને મળ્યો છે. આ બહેતરીન પહેલ માટે બીબીસીનો આભાર માનું છું અને મારા ફેન્સનો પણ આભાર માનું છું.

પી.વી. સિંઘુના નામે વર્લ્ડ ચૅમ્પિયનશિપનાં પાંચ મેડલ છે. તેઓ ઑલિમ્પિકમાં એકલ સ્પર્ધામાં મુકાબલો જીતનારાં પ્રથમ ખેલાડી છે.

પી. વી. સિંધુએ વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, હું આ ઍવૉર્ડ મારા ફૅન્સ અને સમર્થકોન સમર્પિત કરવા ઇચ્છું છું. જેમણે હંમેશાં મારું સમર્થન કર્યું છે અને મારા માટે વોટ કર્યો છે. બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જેવા ઍવૉર્ડ્સ અમને સારું કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તમામ યુવા મહિલા ખેલાડીઓને મારે એટલું જ કહેવું છે કે મહિલા તરીકે તમારે પોતાની જાત પર ભરોસો કરવાનો છે. સફળતા આકરી મહેનતથી મળે. મને ભરોસો છે કે જલ્દી જ બીજી ભારતીય મહિલાઓ દેશ માટે મેડલ જીતશે."

પી. વી. સિંધુ 17 વર્ષની ઉંમરે જ સપ્ટેમ્બર 2012માં બીડબલ્યૂએફની વિશ્વની રૅન્કિંગમાં ટોચનાં 20 ખેલાડીઓમાં સામેલ થઈ ગયાં હતાં.

ગત ચાર વર્ષોથઈ સતત તેઓ ટોચનાં 10 ખેલાડીઓમાં સ્થાન પામે છે.

જબરદસ્ત સ્મૈશ ફટકારતાં સિંધુ પર ટોકિયો ઑલિમ્પિકમાં શાનદાર દેખાવની આશા રાખવામાં આવે છે.

પી. ટી. ઊષાને લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ

દોડવીરાંગના પી. ટી. ઊષાને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટસવુમનનો લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત કરાયો છે.

અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરનાર ઍથ્લીટ પી. ટી. ઊષાને રમતમાં યોગદાન અને ખેલાડીઓને પ્રેરણા બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં.

સમગ્ર ખેલજીવનમાં પી. ટી. ઊષાએ 100થી અધિક આંતરરાષ્ટ્રીય મેડલ અને ઍવૉર્ડ જીત્યાં છે.

ભારતીય ઑલિમ્પિક મહાસંઘે પી. ટી. ઊષાને સદીનાં સર્વ શ્રેષ્ઠ ખેલાડી ઘોષિત કર્યાં હતાં.

પી. ટી. ઊષાએ 1984ના લૉસ એંજેલસ ઑલિમ્પિકમાં મહિલાઓની 400 મિટર વિઘ્ન દોડમાં સેકંડના 100 અંશ પર કાંસ્ય પદક ચૂકી ગયાં હતાં.

ભારત રમતગમતમાં મહાસત્તા બનશે

ઇમેજ કૅપ્શન,

કિરણ રિજિજુ અને બીબીસીના ડાયરેકટર જનરલ ટોની હોલ

આ મોકા પર હાજર મુખ્ય મહેમાન કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, ખેલની પ્રગતિ થશે તો ભારતની પ્રગતિ થશે. રમત સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવું તે એક ખૂબ આવકારદાયક પહેલ છે. બીબીસીની દુનિયામાં ઓળખ છે અને મને આશા છે કે આનો સારો પ્રભાવ પડશે. આપણે એવો માહોલ તૈયાર કરવો જોઈએ કે યુવા ખેલાડીને મોટાં સપનાં જોઈ શકે.

આ પ્રસંગે એમણે નરેન્દ્ર મોદીની સરકાર રમતગમત પ્રત્યે ગંભીર છે તેની અને સરકારની અનેક યોજનાઓની વાત પણ કરી.

એમણે કહ્યું કે, ભારત રમતગમતમાં વિશ્વની મહાસત્તા બનશે. આગામી લૉસ એન્જેલસ ઑલિમ્પિક સુધી ઇન્ડિયા ટોચ પર હશે.

એમણે એમ પણ કહ્યું કે ટોકિયો ઑલિમ્પિકમાં ભારત સૌથી મોટી ટીમ મોકલી રહ્યું છે.

બીબીસીનું વચન

ઇમેજ કૅપ્શન,

બીબીસીના ડિરેકટર જનરલ ટોની હૉલ

ઍવૉર્ડ સમારંભમાં હાજરી આપવા આવેલા બીબીસીના ડિરેકટર જનરલ ટોની હૉલે કહ્યું કે, આજની સાંજ એક વચન છે. વચન છે કે બીબીસી રમતગમતમાં ભારતીય મહિલા ખેલાડીઓની વાત કરશે અને એમના મુદ્દાઓ ઉઠાવશે.

બીબીસી ભારતીય ભાષાઓનાં હેડ રૂપા ઝાએ તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યાં અને આ પહેલ જાળવી રાખવામાં આવશે એવું વચન પણ આપ્યું. એમણે કહ્યું કે, મહિનાઓની મહેનત અને ટીમ વર્ક પછી અમે પ્રથમ ઍવૉર્ડ સુધી પહોંચ્યાં છીએ. પી. વી. સિંધુ અને પી.ટી. ઊષાને હાર્દિક અભિનંદન. માનસી જોશી, મેરી કોમ અને વીનેશ ફોગટ તમે અમારા હીરો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો