કોરોના વાઇરસ : ઇટાલીમાં મૃત્યુનો આંક 200એ પહોંચ્યો, વિશ્વમાં એક લાખથી વધુ કેસ : TOP NEWS

માસ્ક પહેરેલ યુવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇટાલીમાં કોરોના વાઇરસથી મરનારાની સંખ્યાનો આંકડો વધીને 200 સુધી પહોંચી ગયો છે.

અધિકારીઓએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં ઇટાલીમાં 49 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ ઇટાલીમાં કોરોનાના સંક્રમણની કેસની સંખ્યા 4,600 થઈ ગઈ છે.

કોરોના વાઇરસથી ચીન બાદ સૌથી વધુ મૃત્યુ ઇટાલીમાં થયાં છે.

ચીનમાં અત્યાર સુધીમાં આ વારઇસથી ત્રણ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દુનિયાભરમાં અત્યાર સુધીમાં 101,000થી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

યસ બૅન્કમાંથી રૂપિયા 265 કરોડ ઉપાડ્યા

ઇમેજ સ્રોત, YES BANK/FACEBOOK

યસ બૅન્કમાંથી માત્ર પચાસ હજાર રૂપિયા જ ઉપાડવાની રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મર્યાદા નક્કી કરી એના પહેલાં જ વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની એક ફર્મ દ્વારા યસ બૅન્કમાંથી રૂપિયા 265 કરોડ ઉપાડવામાં આવ્યા હતા.

બિઝનેસ ટુડેએ એક અધિકારીના હવાલાથી લખ્યું કે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન (VMC)ની વડોદરા સ્માર્ટ સિટી ડૅવલપમૅન્ટ કંપની સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV) દ્વારા રિઝર્વ બૅન્કે લાગુ કરેલા નિયમના એક દિવસ પહેલાં યસ બૅન્કમાંથી 265 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલે જણાવ્યું કે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ રકમ કેન્દ્ર તરફથી મળી હતી અને તેને યસ બૅન્કની લોકલ બ્રાન્ચમાં જમા કરાવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ગુરુવારે એવી જાહેરાત કરી હતી કે યસ બૅન્કના ગ્રાહકો મહિનામાં 50 હજાર સુધીની રકમ જ ઉપાડી શકશે.

આ જાહેરાત બાદ અનેક લોકો યસ બૅન્ક પર પહોંચી ગયા હતા અને પૈસા ઉપાડવા માટે લાઇનો પણ લગાવી હતી.

યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રવર્તન નિદેશાલયે યસ બૅન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ કરી છે.

EDએ અગાઉ મુંબઈસ્થિત રાણા કપૂરના ઘરે દરોડા પાડ્યા હતા.

એનડીટીવી ઇન્ડિયાએ સૂત્રો હવાલાથી લખ્યું કે શરૂઆતના ઈડીની શરૂઆતની તપાસમાં એ જાણવા મળ્યું છે કે યસ બૅન્કે DHFLને અંદાજે ત્રણ હજાર કરોડની બૅડ લોન આપી છે.

રાણા કપૂર અને DHFL વચ્ચેના સંબંધો અંગે પણ તપાસ કરાઈ રહી છે.

આરોપ છે કે દેવાના બદલામાં કપૂરનાં પત્નીના ખાતામાં કથિત રીતે લાંચની રકમ મોકલાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો