ગન સામે લવની જીત થઈ, મહિલા માઓવાદીએ આ રીતે કર્યું આત્મસમર્પણ
- આલોક પ્રકાશ પુતુલ
- રાયપુરથી, બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, CG KHABHAR/BBC
લક્ષ્મણ અટામી પ્રેમિકા જયો સાથે
કહેવાય છે કે પ્રેમમાં આત્મસમર્પણ જરૂરી છે, પરંતુ માઓવાદથી પ્રભાવિત છત્તીસગઢના દંતેવાડામાં પ્રેમનું આ સમર્પણ એક મહિલા માઓવાદીના આત્મસમર્પણ સુધી પહોંચી ગયું
આ આત્મસમર્પણ વૅલેન્ટાઇન ડેએ લખેલા એક પત્રને કારણે શક્ય બની શક્યું.
દંતેવાડાના પોલીસ ઉપમહાનિરીક્ષક સુંદરરાજ પી.એ બીબીસીને જણાવ્યું, "એક આત્મસમર્પિત માઓવાદી લક્ષ્મણ અટામીએ પોતાની પ્રેમિકા જયોને (જે નક્સલ સીએનએમ કમાન્ડર હતી) વૅલેન્ટાઇન દિવસે આત્મસમર્પણ માટે પત્ર લખ્યો હતો."
"શનિવારે પ્રેમીની વાત માનીને એ મહિલા માઓવાદીએ આત્મસમર્પણ કરી લીધું."
ગત વર્ષે 19 જૂને બીજાપુરના પલેવાયા ગામમાં રહેનારા જનમિલિશિયા સભ્ય લક્ષ્મણ અટામી (જેના પર એક લાખનું ઇનામ હતું)એ અન્ય ત્રણ માઓવાદી સાથે દંતેવાડામાં આત્મસમર્પણ કર્યું હતું.
પોલીસનો દાવો છે કે, બાદમાં લક્ષ્મણ અટામીને રાજ્ય સરકારે પુનર્વાસ યોજનાનો લાભ આપ્યો હતો.
બંદૂક વચ્ચે પ્રેમ પાંગર્યો
ઇમેજ સ્રોત, CG KHABAR/BBC
લક્ષ્મણ અટામી પ્રેમિકા જયો સાથે
લક્ષ્મણ અટામી પોતાની પ્રેમકહાણી અને આત્મસમર્પણની વાત કંઈક આ રીતે બતાવે છે, "હું આત્મસમર્પણ બાદ દંતેવાડામાં શાંતિથી રહેતો હતો. પણ મને કાયમ મારી પ્રેમિકા જયોની ચિંતા રહેતી હતી, જે હજુ પણ માઓવાદી સંગઠન સાથે જોડાયેલી હતી."
નારાયણપુરનાં કોકેર ગામનાં રહેવાસી જયમતી ઉર્ફે જયો વર્ષ 2013માં પ્રતિબંધિત સંગઠન ભાકપા માઓવાદી સાથે જોડાયેલાં હતાં. બાદમાં જયોને વિસ્તારમાં ચેતના નાટ્યમંડળીનાં અધ્યક્ષ બનાવાયાં હતાં.
સંગઠનમાં રહેતા જ લક્ષ્મણ અટામી અને જયો વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
અટામીનું કહેવું છે કે સુખની જિંદગી જીવવા માટે તેઓએ માઓવાદી સંગઠન છોડીને 19 જૂન, 2019માં આત્મસમર્પણ કર્યું હતું. દરમિયાન તેઓએ જયોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમને સફળતા નહોતી મળી.
આ દરમિયાન બનેલી એક ઘટનાએ લક્ષ્મણને હચમચાવી નાખ્યા. લક્ષ્મણ અટામી સાથે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાં ઓડિશાની એક પલટનના કમાન્ડર સુરેશ ઉર્ફે વાસુદેવ પણ સામેલ હતા.
બીજાપુર જિલ્લાના દોરાગુડા ગામના રહેવાસી સુરેશને (જેમના પર આઠ લાખનું ઇમામ હતું) સંગઠનમાં રહેતા રજની નામનાં માઓવાદી સાથે પ્રેમ થયો અને પછી લગ્ન કર્યાં. પરંતુ સંગઠનમાં અલગઅલગ જવાબદારી હોવાથી તેઓ બંને એકબીજાથી દૂર થઈ ગયાં.
બાદમાં જૂનમાં સુરેશે આત્મસમર્પણ કરી દીધું અને દરમિયાન રજનીનું પોલીસ અથડામણમાં મૃત્યુ થયું. આ સમાચાર બાદ લક્ષ્મણ અટામીને પણ જયોની ચિંતા સતાવવા લાગી.
વૅલેન્ટાઇન ડે પર પત્ર
ઇમેજ સ્રોત, CG KHABAR/BBC
જયોને લખેલો લક્ષ્મણનો પત્ર
આ વર્ષે 14 ફેબ્રુઆરી એટલે કે વૅલેન્ટાઇન ડે પર લક્ષ્મણ અટામીએ જયો (જેમના પર એક લાખનું ઇનામ હતું)ને ભાંગીતૂટી ગોંડી ભાષામાં એક પત્ર લખ્યો.
ગોંડીમાં લખેલા આ પત્ર અંગે ભાષાવિદ્ સિકંદર ખાન ઉર્ફે દાદા જોકાલે બીબીસીને જણાવ્યું કે જયોના નામે લખેલા પત્રમાં લક્ષ્મણે તેને આત્મસમર્પણ કરવાની વિનંતી કરી હતી.
દાદા જોકાલ અનુસાર પત્રમાં લક્ષ્મણે લખ્યું હતું, "હું વિચારી રહ્યો છું કે હાલ કમસે કમ સારું જીવન જીવું. તું પણ આત્મસમર્પણ કરે એવું હું ઇચ્છું છું. આત્મસમર્પણ બાદ આપણે સારી રીતે જીવી શકીશું. હું આત્મસમર્પણ બાદ દંતેવાડામાં સારી રીતે જીવું છું અને મને સરકાર તરફથી નોકરી પણ મળી છે."
બંદૂક લઈને જંગલ-જંગલ ભટકનારી માઓવાદી જિંદગીને લઈને લક્ષ્મણે પત્રમાં લખ્યું હતું, "હું એ વિચારી રહ્યો છું કે પહેલાં મને કેટલી તકલીફ પડતી હતી. તારી હાલત પણ હું જાણું છું. દંતેવાડામાં આત્મસમર્પણ બાદ હવે જંગલનું કેમ વિચારીએ. આત્મસમર્પણ કરતાં અહીં ઊંઘવાની જગ્યા પણ મળશે અને આપણે સારી રીતે રહીશું. બાળકોને પણ ભણાવી શકીશું."
લક્ષ્મણ અટામીએ કોઈ પણ રીતે આ પત્ર જંગલોમાં જયો સુધી પહોંચાડ્યો. પછી બંને વચ્ચે સંવાદ શરૂ થયો.
લક્ષ્મણ અટામીના પત્રના જવાબમાં જયોએ પત્ર લખ્યો કે આત્મસમર્પણની સજા બધાએ ભોગવવી પડશે. તેઓએ આ નિર્ણય પર અફસોસ વ્યક્ત કર્યો અને આત્મસમર્પણનો પણ ઇન્કાર કરી દીધો.
જોકે લક્ષ્મણ અટામીએ હાર ન માની. તેમણે પ્રેમના સોગંદ અને સારી જિંદગીની સંભાવનાની વાતને મહત્ત્વ આપીને ફરીથી પત્ર લખ્યો અને આ વખતે સફળતા મળી.
બાદમાં શનિવારે જયોએ આત્મસમર્પણ કરી દીધું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો