યસ બૅન્કમાં SBI દ્વારા થયેલા રોકાણથી તમને ચિંતા થવી જોઈએ?

  • મોહમ્મદ શાહિદ
  • બીબીસી સંવાદદાતા
એસબીઆઈ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની ચોથી સૌથી મોટી ખાનગી બૅન્ક યસ બૅન્કને બચાવવા માટે શનિવારે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) પોતાની યોજના જાહેર કરી હતી.

ભારતની સૌથી મોટી બૅન્ક SBIના ચૅરમૅન રજનીશ કુમારે શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે યસ બૅન્કને ફરીથી બેઠી કરવા માટેની આરબીઆઈની યોજના પ્રમાણે SBIની ટીમ કામ કરી રહી છે.

તેમણે યસ બૅન્કમાં SBI 49 ટકા હિસ્સો ખરીદશે તેવી જાહેરાત પણ કરી.

તે માટે 2,450 કરોડ રૂપિયાનું રોકાણ થશે એમ તેમણે જણાવ્યું હતું.

યસ બૅન્કમાં મૂડી રોકાવા બીજા પણ કેટલાક રોકાણકારો છે અને તેમની સાથે SBI સંપર્કમાં હોવાનું પણ તેમણે જણાવ્યું. આવા રોકાણકારો પાંચ ટકાથી વધુનું રોકાણ કરી શકે છે એમ તેમણે જણાવ્યું.

નાણા મંત્રી નિર્મલા સિતારમણની જેમ જ રજનીશ કુમારે પણ યસ બૅન્કના ખાતેદારોને ભરોસો આપ્યો કે તમારાં નાણાં સુરક્ષિત છે, માટે ચિંતા ના કરવી.

SBI શા માટે રોકાણ કરી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images

યસ બૅન્ક આર્થિક મુશ્કેલીમાં મૂકાઈ ગઈ તે પછી આરબીઆઈએ રોકડ ઉપાડ સહિતના ઘણા પ્રતિબંધો લાગુ કરી દીધા હતા.

આરબીઆઈએ ખાતેદારો 3 એપ્રિલ સુધીમાં 50 હજાર સુધીનો જ ઉપાડ કરી શકે તેવી મર્યાદા મૂકી દીધી છે. સાથે જ બૅન્કને બચાવવા માટે મુસદ્દો તૈયાર કર્યો હતો, જેમાં SBI રસ લઈ રહી છે.

SBI શા માટે યસ બૅન્કમાં આટલો રસ લઈ રહી છે? આર્થિક બાબતોના જાણકાર આલોક જોશી કહે છે કે સરકારે કહ્યું છે તે માટે SBIએ આવું કરવું પડે તેમ છે.

તેઓ કહે છે, "આ કોઈ બિઝનેસની રીતે લેવાયેલો નિર્ણય નથી. મૅનેજમૅન્ટે લીધેલો નિર્ણય નથી. યસ બૅન્કની હાલત ખરાબ છે અને કડક શબ્દોમાં જણાવું તો બૅન્ક ડૂબી ગઈ છે. આરબીઆઈએ બૅન્કને બચાવવા માટે જે દરખાસ્ત કરી છે, તેમાં જણાવ્યું છે કે મૂડીરોકાણ કરનાર બૅન્ક જ હોવી જોઈએ."

આરબીઆઈ અને સરકાર

ઇમેજ સ્રોત, Getty Images

આલોક જોશી કહે છે, "આરબીઆઈએ અચાનક યસ બૅન્કનું કામકાજ અટકાવી દીધું છે તેવું નથી. સરકારને અંદાજ હતો જ કે બૅન્કની હાલત કથળી ગઈ છે. બૅન્કના મૅનેજમૅન્ટને હટાવીને પોતાના માણસો મૂકી દેવાયા હતા. નાની બૅન્ક હોત તો તેને બીજી કોઈ બૅન્કમાં ભેળવી દેવાઈ હોત."

બિઝનેસ સ્ટાન્ડર્ડના કન્સલ્ટિંગ એડિટર શુભમય ભટ્ટાચાર્ય પણ તે વાત સાથે સહમત થતા કહે છે, "યસ બૅન્કને બચાવા માટે સરકારે સૂચના આપી છે, કેમ કે આરબીઆઈ અને સરકાર પાસે કોઈ વિકલ્પ નથી."

ભટ્ટાચાર્ય કહે છે, "યસ બૅન્કની આર્થિક હાલત એટલી ખરાબ છે કે ફંડ હાઉસીઝ તેમને ડિફૉલ્ટની કૅટેગરીમાં મૂકી રહ્યા છે. તેની કુલ નૅટવર્થ નૅગેટિવ છે, તેના પરથી જ બૅન્કની કથળેલી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે."

"ભારતમાં ડૂબતી બૅન્કને માત્ર સરકારી કંપની જ બચાવી શકે. કેમ કે સરકાર પાસે ખાનગી બૅન્કને મૂડી આપવા માટેની ક્ષમતા નથી. તે સંજોગોમાં સરકાર પાસે એલઆઈસી, એસબીઆઈ અને પીએનબી જેવી કંપનીઓ છે જે ડૂબતી કંપનીઓને બચાવવા માટે આગળ આવે છે."

SBI પર શું અસર થશે?

ડૂબતી કંપનીઓને બચાવવા માટે સરકાર પોતાના મોટા એકમોનો ઉપયોગ કરે છે. એલઆઈસી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પણ હવે સરકાર એલઆઈસીમાં પણ હિસ્સો વેચવા માટે તૈયાર થઈ છે.

શું આ રીતે SBIની મૂડીનો ઉપયોગ કરવામાં આવે તો તેની પોતાની હાલત આવતીકાલે બગડી શકે છે?

આ વિશે વાત કરતાં આલોક જોશી કહે છે આગળ કંઈ પણ થઈ શકે છે. તે માટે અત્યારથી અંદાજ લગાવવો મુશ્કેલ છે, કેમ કે યસ બૅન્કમાં રોકાણની વાત આવી તે પછી SBIનો શૅર પણ દબાયો છે.

તેઓ કહે છે, "યસ બૅન્કમાં SBI રોકાણ કરવાની છે તેવા સમાચાર આવ્યા કે તે જ દિવસે SBIના શૅરમાં 12 ટકાનું ગાબડું પડ્યું હતું. શૅરધારકોમાં ડરને કારણે આવું થયું હતું. અંગ્રેજીમાં કહેવત છે કે થ્રોઇંગ ગુડ મની આફ્ટર બેડ. સરકાર સારી ચાલતી બૅન્કના પૈસા ખોટના ખાડામાં ગયેલી બૅન્કમાં નાખી રહી છે."

SBIના ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર ખરી?

ઇમેજ સ્રોત, Getty Images

એલઆઈસીને વેચવાની વાત આવી ત્યારે ગ્રાહકોમાં હલચલ મચી ગઈ હતી.

તો શું હવે આ રોકાણને કારણે SBIના ખાતેદારોને ચિંતા થવી જોઈએ?

ભટ્ટાચાર્ય કહે છે કે બૅન્કના ખાતેદારોને કોઈ ચિંતા નથી, પણ SBIના શેરધારકોને ચિંતા થઈ શકે છે.

તેઓ કહે છે, "SBIના શેરધારકોએ જોવાનું રહેશે કે યસ બેન્કમાં 2,450 કરોડ રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે, તેના પર કેટલું વળતર મળશે. આવો જ પ્રયોગ અમેરિકામાં થયો હતો. સિટિ બૅન્કનું આ રીતે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. સરકારે તેને બચાવી લીધી હતી અને તેના કારણે બૅન્ક ફરી પાછી બેઠી થઈ શકી હતી."

યસ બૅન્કને કેમ બંધ કરી દેવાતી નથી?

ઇમેજ સ્રોત, Getty Images

યસ બૅન્કની ખરાબ સ્થિતિ માટે તેના સ્થાપક રાણા કપૂરને જવાબદાર ગણવામાં આવે છે. તેમના પર આરોપ છે કે તેમણે બેફામ ધિરાણ આપ્યું તેના કારણે બૅન્કની સ્થિતિ બગડી છે.

તો બૅન્કને કેમ બંધ કરી દેવામાં નથી આવતી? ભટ્ટાચાર્ય કહે છે કે મોટા અર્થતંત્રમાં પોતાની બૅન્કને ડૂબવા ના દેવી તેવો એક ટ્રૅન્ડ છે.

તેઓ કહે છે, "બીજી કંપનીઓ ડૂબી જાય તો ચાલે, પણ મોટો અર્થતંત્રમાં બૅન્કોને બચાવી લેવામાં આવે છે."

આલોક જોશી પણ તેને અનુમોદન આપતા કહે છે, "ભારતમાં હજી સુધી કોઈ બૅન્ક બંધ કરી દેવામાં આવી નથી. કેટલીક સહકારી બૅન્કો ડૂબી ગઈ હતી, પણ સરકારે તેમાં પણ ખાતેદારોના નાણાં સુરક્ષિત રહે તે માટે કોશિશ કરી હતી."

તેઓ કહે છે, "બૅન્કોમાં ઘણા લોકો નોકરી કરે છે અને મોટી સંખ્યામાં તેમાં ખાતેદારો હોય છે."

"બૅન્ક બંધ થઈ જાય તો બૅન્કિંગ સિસ્ટમમાં હલચલ મચી જાય. તેથી સરકારની જવાબદારી બને છે કે બૅન્કને બચાવે. જોકે બૅન્કને બચાવવાનો આ જ એક માર્ગ છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે."

બૅન્ક અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે અને તેને બંધ કરી દેવાથી આર્થિક બાબતોને મોટું નુકસાન થતું હોય છે.

કેવી રીતે બૅન્કને બચાવવી?

આરબીઆઈએ તૈયાર કરેલી દરખાસ્ત અનુસાર યસ બૅન્કના માત્ર 49 ટકા શૅર વેચવામાં આવશે. તેમાંથી 26 ટકા શેર ત્રણ વર્ષ માટે ફરીથી વેચી શકાશે નહીં.

આ ત્રણ વર્ષમાં શું બૅન્ક ફરીથી બેઠી થઈ જશે તે મોટો સવાલ છે.

આલોક જોશી કહે છે. "આરબીઆઈએ ત્રણ વર્ષ સુધી મૂડીરોકાણ પાછું ના ખેંચી શકાય તે શર્ત રાખી છે તેનાથી ઘણો ફરક પડશે."

તેઓ કહે છે, "એક કે બે વર્ષમાં બૅન્કની સ્થિતિ સુધરી જાય તો કોઈ રોકાણકાર છટકી જવા માગતો હોય તો છટકી જઈ શકે નહીં. સરકારે આવી જવાબદારી SBIને એટલા માટે આપી છે કે બૅન્કિંગમાં તેની સ્થિતિ બહુ મજબૂત છે."

બીજું કે યસ બૅન્કનું નવું મૅનેજમૅન્ટ બહુ વિશ્વાસપાત્ર હોવું જોઈએ એમ જોશી કહે છે. નવેસરથી કામકાજ શરૂ થાય અને જૂના માણસોને પણ ફરી લાવવામાં આવે તો શક્ય છે કે યસ બૅન્ક ફરી દોડતી થઈ જાય.

કોરોના વારસની અર્થતંત્ર પર અસર

ઇમેજ સ્રોત, Getty Images

જોશી કહે છે કે, "કન્સૅપ્ટની રીતે યસ બૅન્કને નવી અને સારી બૅન્ક માનવામાં આવે છે. નવા જમાનાની કંપનીઓ અને સૅલેરી મેળવતા ખાતેદારો તેમની પાસે છે. તેના કારણે બૅન્ક બચી જાય તેવી આશા છે."

આવી રીતે એક બૅન્કને અગાઉ પણ બચાવાઈ હતી.

શુભમય ભટ્ટાચાર્ય કહે છે, "સરકારે SBI, પીએનબી, એલઆઈસીની મદદથી યુટીઆઈ બેન્કમાં રોકાણ કર્યું હતું, જે આગળ જતા ફાયદાકારક સાબિત થયું હતું."

ભટ્ટાચાર્ય માને છે કે બૅન્કને બેઠી કરવામાં નવા મૅનેજમૅન્ટની મોટી ભૂમિકા રહેશે. જોકે વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસર પણ થશે એમ તેઓ માને છે.

કોરોના વાઇરસના કારણે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ છે. ભારતનું અર્થતંત્ર પણ હાલમાં સુસ્ત છે, જીડીપીનો દર સતત નીચે જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં યસ બૅન્કને બચાવવામાં ઘણો સમય લાગી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો