ધુળેટીના અનુસંધાને અલીગઢમાં મસ્જિદ ઢંકાઈ TOP NEWS

હલવાઇ ખાના મસ્જિદ

ઇમેજ સ્રોત, Ani

ધુળેટીના તહેવારના અનુસંધાને અલીગઢના વહીવટીતંત્ર દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી હલવાઈ ખાના મસ્જિદને તાડપત્રી દ્વારા ઢાંકી દેવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા માટે યોજાયેલી બેઠક દરમિયાન આ નિર્દેશ આપ્યા હતા.

મસ્જિદની નીચે વેપારીઓ દ્વારા ધુળેટી રમવામાં આવે છે, એટલે સાવચેતીનાં પગલાંરૂપે મસ્જિદને ઢાંકવાનો નિર્ણય લેવાયો હતો.

આ સિવાય સાવચેતીનાં પગલાંરૂપે PAC (પ્રાદેશિક આર્મ્ડ કૉન્સ્ટેબુલરી)ની ટુકડીઓને પણ તહેનાત કરવામાં આવી છે.

'દિલ્હીના રમખાણ 2002ના ગુજરાતના તોફાનો જેવા'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક

ડેક્કન હેરાલ્ડના અહેવાલ અનુસાર કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં કહ્યું હતું કે દિલ્હીના રમખાણો 2002ના ગુજરાતના તોફાનો જેવા જ છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું, "દિલ્હીના તોફાનોની પૅટર્ન 2002ના ગુજરાતના તોફાનો જેવી જ છે. પહેલાં ખોટા ફોનના આધારે અફવા ફેલાવવામાં આવી, પછી બહારના લોકો પૂર્વોત્તર દિલ્હીમાં આવ્યા, બહારના વિસ્તારના નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણ કર્યાં હતાં અને તમામ લોકો તોફાનો પછી ગૂઢ રીતે અદૃશ્ય થઈ ગયા."

સોમવારે કૉંગ્રેસની ફૅક્ટ ફાઇન્ડિંગ ટીમે દિલ્હીની હિંસા પર કૉંગ્રેસ પ્રમુખને રિપોર્ટ સોંપ્યા હતો બાદમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.

કૉંગ્રેસ નેતા મુકુલ વાસનિકે કહ્યું, "ક્યા કારણોને કારણે દિલ્હીમાં હિંસા થઈ અને આનું પ્લાનિંગ કોણે કર્યું હતું તેની તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના જજની દેખરેખ હેઠળ કરવામાં આવે."

ગુજરાતમાં બનશે ફ્લાઇંગ કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફ્લાઈં કાર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ફ્લાઇંગ કાર બનાવવા માટે ગુજરાત સરકાર અને નૅધરલૅન્ડ પાલ-વી કંપની વચ્ચે સોમવારે એમ.ઓ.યુ (મૅમોરૅન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યો છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે સરકાર કંપનીને કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી અપાવવામાં મદદ કરશે.

કંપનીના માસબોમ્મેલે કહ્યું, "ગુજરાતમાં બની રહેલી ફ્લાઇંગ કારની યુરોપ, અમેરિકા તથા અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે."

તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીએ અમેરિકા અને યુરોપમાંથી 110 ફ્લાઇંગ કાર બનાવવાનો ઑર્ડર મેળવ્યો છે.

કંપની 2021ના મધ્ય સમયથી કોમર્શિયલ પ્રોડ્કશન શરૂ કરશે.

એલ.જી.ના દ્વારે નિર્ભયાના ગુનેગાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગુનેગાર પવન ગુપ્તા

નિર્ભયા ગૅંગરેપ કેસના ચાર ગુનેગારમાંથી એક વિનય શર્માએ પોતાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માગ કરી છે. આ માટે વિનયના વકીલ એ.પી. સિંહે દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલ સમક્ષ અરજી દાખલ કરી છે.

આ પહેલાં અન્ય એક ગુનેગાર પવન ગુપ્તાએ પણ સર્વોચ્ચ અદાલતમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરીને તેની ફાંસીની સજાને આજીવનકેદમાં પરિવર્તિત કરવાની માગ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અલગ-અલગ ગુનેગારોની અલગ-અલગ પ્રકારની અરજીઓને કારણે વારંવાર તેમની ફાંસીની તારીખ પાછળ ઠેલાતી રહી છે. દિલ્હીની સ્થાનિક કોર્ટે ચારેય ગુનેગારોને તા. 20મી માર્ચે ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો.

ટેલિકૉમ કંપનીઓને બેલઆઉટ પૅકેજની શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images

ટેલિકૉમ કંપનીઓને ઍડજ્સ્ટેડ ગ્રૉસ રેવન્યૂ (AGR)ની દેવાદારીથી બચાવવા માટે મોદી સરકાર દ્વારા બેલઆઉટ પૅકેજ આપવામાં આવે તેવી શક્યતા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટ મુજબ, કૅબિનેટ દ્વારા આ અઠવાડિયે પૅકેજને મંજૂરી આપી દેવાશે.

સૂત્રોના હવાલાથી અખબારે દાવો કર્યો છે કે એ.જી.આર.ની ચૂકવણીમાં રાહત તથા લાઇસન્સ ફીમાં ઘટાડો, જેવી રાહતો અપાય તેવી શક્યતા છે.

આ મુદ્દે ટેલિકૉમ વિભાગ, નાણાં મંત્રાલય તથા નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ મળી હતી.

સુપ્રીમ કોર્ટ દ્વારા તા. 17મી માર્ચે આગામી સુનાવણી હાથ ધરાશે. આ પહેલાં સરકાર તથા ટેલિકૉમ કંપનીઓ રોડમૅપ તૈયાર કરી લેવા માગે છે.

વોડાફોને રૂ. 53 હજાર કરોડમાંથી રૂ. 3500 કરોડ, ઍરટેલ દ્વારા રૂ. 35,586 કરોડમાંથી રૂ. 18 હજાર કરોડ તથા ટાટા જૂથે રૂ. 13,823 કરોડમાંથી રૂ. 4,197નું ચૂકવણું કરી દીધું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો