કોરોના વાઇરસ : ફેક ન્યૂઝથી ગરીબ મુસલમાનોની મુશ્કેલી કઈ રીતે વધી રહી છે?
- કીર્તિ દુબે
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Social Media
કર્ણાટકના બાગલકોટની ઘટનાઃ ત્રણ માછીમારોને 10-15 લોકો ઘેરી લે છે. માછીમારો હાથ જોડીને કરગરે છે. લોકો સ્થાનિક ભાષામાં બરાડે છેઃ "તેમને અડશો નહીં. આ લોકો કોરોના ફેલાવી રહ્યા છે."
ઉત્તરાખંડના હલ્દવાનીની ઘટનાઃ "જાવેદભાઈ, તમે તમારી રેંકડી અહીંથી ઉઠાવી લો અને ફરી અહીં રેંકડી રાખશો નહીં. તમારા લોકોથી બહુ મુશ્કેલી પડી રહી છે. આ લોકો જ બીમારી ફેલાવી રહ્યા છે. ઉઠાવો...ઉઠાવો... રેંકડી તમારી."
ગત દિવસોમાં દેશના બે હિસ્સામાં બનેલી આ ઘટનાઓ છે. આવી અનેક ઘટનાઓના સમાચાર અને વીડિયો બહાર આવ્યા છે.
કોરોનાના ચેપ અને લૉકડાઉનને કારણે દેશભરમાં લોકો પરેશાન છે. ખાસ કરીને ગરીબ મજૂરો તથા નાના દુકાનદારોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગત દિવસોમાં પૂર્વોત્તર ભારતના લોકોને ત્રાસ આપવાની કેટલીક ઘટનાઓ પણ બહાર આવી હતી.
તબલીગી જમાતના મરકઝમાંથી મોટાપાયે વાઇરસ ફેલાયાના સમાચાર આવ્યા પછી દેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરીબ મુસલમાનોને નિશાન બનાવવામાં આવતાં હોવાના સમાચાર મળી રહ્યા છે.
30મી માર્ચે દિલ્હીની તબલીગી જમાતના ધાર્મિક આયોજનમાં સામેલ થયેલા લોકો પૈકીના 6 લોકોનાં મૃત્યુ કોવિડ-19ને કારણે થયાં હોવાના સમાચાર બહાર આવ્યા પછી ફેક ન્યૂઝ અને અફવાઓ મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યાં છે.
મરકઝમાં સામેલ થયેલા 8,000 લોકોને કારણે જે વાઇરસ ફેલાયો છે અને આખા દેશમાં કોરોના વાઇરસનો ચેપ ફેલાવવામાં જમાતનો એક મોટો હિસ્સો જોડાયેલો હોવાનું જણાવવામાં આવે છે.
મુશ્કેલી એ છે કે હવે લોકોને દેશના કરોડો મુસલમાનો તથા મરકઝના જમાતીઓ વચ્ચે કોઈ ફરક જણાતો નથી.
31 માર્ચથી જ મુસલમાનોને ઠેકઠેકાણે ટાર્ગેટ કરવામાં આવતા હોવાના વીડિયો તથા મુસલમાનોને દોષી ગણાવતા ફેક વીડિયો બહાર આવવા લાગ્યા છે.
હલ્દવાનીના જાવેદનો કિસ્સો
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાખંડના હલ્દવાનીમાંથી આવો જ એક વીડિયો બહાર આવ્યો છે. તેમાં કેટલાક લોકો ફળ વેચતા એક યુવાન પાસે આવીને તેનું નામ પૂછે છે.
ફળવાળો પોતાનું નામ 'જાવેદ' હોવાનું જણાવે છે. એ સાથે જ પેલા લોકો તેને ફરી એ જગ્યાએ રેંકડી નહીં લગાવવા જણાવે છે.
બાજુમાં બેઠેલો બીજો દુકાનદાર વીડિયોમાં પૂછે છે કે અમારે પણ ધંધો નથી કરવાનો?
પેલા લોકો કહે છે, "નહીં તમે ધંધો કરો. આ લોકોએ ધંધો લગાવવાનો નથી. તેમને ત્યાંથી જ કોરોના આવી રહ્યો છે."
તેઓ એમ પણ કહે છે, "કોઈ રેંકડીવાળો મુસલમાન દેખાય કે કોઈ સામાન ખરીદતું દેખાય તો અમારા નંબર પર તરત ફોન કરજો."
હલ્દવાનીના બનભૂલપુરામાં રહેતા અને આ વીડિયોમાંના ફળવિક્રેતા જાવેદ સાથે બીબીસીએ વાત કરી હતી.
ઇમેજ સ્રોત, Getty Images
જાવેદે કહ્યું હતું, "આઈ.ટી.આઈ. રોડ પર રવિવારે સવારે સાત વાગ્યે મેં દુકાન લગાવવી શરૂ કરી કે તરત જ કેટલાક લોકો આવ્યા હતા અને તેમણે મારી પાસે આધારકાર્ડ માગ્યું હતું."
"મારું આધારકાર્ડ ઘરે હતું. તેથી એ લોકોએ મારું નામ પૂછ્યું. નામ જાણતાંની સાથે જ તેમણે કહ્યું કે દુકાન હઠાવી લો અને ફરી અહીં દુકાન લગાવશો નહીં."
જાવેદે દાવો કર્યો હતો કે તેમની રેંકડી હઠાવવામાં આવી રહી હતી, ત્યારે મહિલા પોલીસ કર્મચારી ચૂપચાપ બધું જોઈ રહ્યાં હતાં.
દુકાન હઠાવવાનું કહેતા લોકોએ બીજા દુકાનદારોને ત્યાં દુકાન લગાવવા કહ્યું હતું.
દેશભરમાં મજૂરો પોતપોતાનાં ગામ જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા, ત્યારે જાવેદ એવું વિચારીને પોતાના ગામ નહોતા ગયા કે ફળોનું વેચાણ તો ચાલતું રહેશે.
મૂળ ઉત્તર પ્રદેશના બદાયુંના રહેવાસી જાવેદે કહ્યું હતું, "હવે શું કરવું? ઘરે બેઠા છીએ. 10-15 લોકો હતા. કેટલાક બોલી શકતા ન હતા. હવે ધંધો નહીં લગાવીએ."
ઇમેજ સ્રોત, Getty Images
જાવેદના અવાજમાં ઊંડી નિરાશા હતી. જાવેદ ફળોનું વેચાણ કરતા હતા અને તેમના ભાઈ માર્કેટમાંથી ફળ લાવવાનું કામ કરતા હતા. હવે બન્ને ભાઈઓ પાસે કોઈ કામ નથી.
નૈનીતાલના એસ.એસ.પી. સુનીલ મીણાએ બીબીસીને જણાવ્યું હતું કે જાવેદ તરફથી તેમને કોઈ ફરિયાદ મળી નથી, પણ કેટલાક લોકોએ લૉકડાઉનનું ઉલ્લંઘન કર્યું હોવાના ફરિયાદ જરૂર મળી છે. તેમની સામે આઈ.પી.સી. (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમક્રમાંક 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હીમાં પણ આધારકાર્ડની માગણી
ફેબ્રુઆરી મહિનામાં હુલ્લડનો સામનો કરી ચૂકેલા દિલ્હીમાં પણ આવી ઘટના બની હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાસ્ત્રીનગરનો એક આવો જ વીડિયો બહાર આવ્યો છે.
શાસ્ત્રીનગરના બી બ્લૉક વિસ્તારમાં એક મીટિંગ યોજવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે એ વિસ્તારમાં એકેય મુસલમાનને ઘૂસવા દેવાશે નહીં.
એ ઘટનાનો વીડિયો પણ બહાર આવ્યો છે. કૉલોનીમાં ફળો-શાકભાજી વેંચતા રેંકડીવાળાઓ પાસેથી આધારકાર્ડ માગીને તેમની ઓળખ જણાવવાનું કહેવામાં આવતું હોવાનું વીડિયોમાં દેખાય છે.
બી બ્લૉકમાં યોજાયેલી મીટિંગમાં સામેલ થયેલી એક વ્યક્તિ સાથે બીબીસીએ વાત કરી હતી.
મિટિંગનો વીડિયો વાઇરલ થયો હોવાને કારણે એ વ્યક્તિએ અમારી સાથે ઑન-રેકર્ડ વાત તો કરી ન હતી, પણ કૉલોનીમાં આવી મીટિંગ યોજાઈ હોવાનું તેણે જરૂર જણાવ્યું હતું.
કર્ણાટકમાં કરગરતા મુસલમાનો
રાજ્યમાં આવી જ હિંસા અને કોઈ ધર્મના લોકો પર બળજબરી કરવામાં આવતી હોવાના બે વીડિયો પાછલા દિવસોમાં બહાર આવ્યા હતા.
કર્ણાટકના બાગલકોટ જિલ્લાના બિદારી ગામમાં મુસલમાન માછીમારોને સોમવારે ગામના કેટલાક લોકોએ ઘેરી લીધા હતા.
એ માછીમારો કૃષ્ણા નદીમાં માછલી પકડવા આવ્યા હતા, પણ ટોળાએ તેમને ઘેરી લીધા હતા અને તેમને કહ્યું હતું, "તમે લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા કારણે જ કોરોના ફેલાઈ રહ્યો છે."
એ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. તેમાં ગામલોકોના હાથમાં ડંડા દેખાય છે, જ્યારે માછીમારો હાથ જોડીને કરગરતા નજરે પડે છે.
બાગલકોટના પોલીસ વડા લોકેશ બી જગાલસરે બીબીસીને કહ્યું હતું, "જે ચાર માછીમાર ગામમાં માછલી પકડવા આવ્યા હતા તેમાંથી બે હિન્દુ હતા અને બે મુસલમાન."
"એ બીજા ગામથી માછલી પકડવા આવ્યા હતા, પણ ગામલોકોએ તેમને ઘેરી લીધા હતા. તેમની સાથે જે થયું એ ખોટું હતું. અમે ફરિયાદ નોંધી છે અને પાંચ લોકોની ધરપકડ કરી છે."
બેંગલુરુના અમરુતાલીમાં પણ સોમવારે હિંસાની ઘટના બની હતી.
સ્વરાજ અભિયાન સાથે જોડાયેલાં ઝરીન તાજ તેમના દીકરા તબરેઝ સાથે ઝૂંપડપટ્ટીમાં લોકોને રૅશન આપી રહ્યાં હતાં ત્યારે કેટલાક લોકોએ તેમને એવું કરતા રોક્યાં હતાં.
તબરેઝે બીબીસીને કહ્યું હતું, "લગભગ 20 લોકોએ અમને કહ્યું હતું કે હિન્દુઓને ખાવા આપશો નહીં, આપણા લોકો(મુસલમાનો)ને આપો."
"અમે તેમની સાથે દલીલ કરી ન હતી અને અમે નજીકના વિસ્તારમાં ચાલ્યા ગયા હતા. એ પછી લોકોનું એક ટોળું આવ્યું હતું અને અમને ડંડા વડે મારવા લાગ્યું હતું."
તબરેઝના જમણા હાથમાં ત્રણ ટાંકા આવ્યા છે અને માથા પર પણ કેટલાક ટાંકા લેવા પડ્યા છે.
23 વર્ષના તબરેઝ કપડાંના એક શો રૂમમાં કામ કરે છે અને ગત 14 દિવસથી યોગેન્દ્ર યાદવની સંસ્થા 'સ્વરાજ ઇન્ડિયા' પાસેથી મળતા રૅશનનું ગરીબોમાં વિતરણ કરે છે.
આ કિસ્સામાં પોલીસે છ અજ્ઞાત લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
અહીં અમે એવી ઘટનાઓની વાત કરીએ છીએ, જે સોશિયલ મીડિયા મારફત અમારા સુધી પહોંચી છે.
તબલીગ સાથે તાલુક
કોવિડ-19 એક રોગચાળો છે, જે કોઈ ધર્મ, લિંગ અને વંશથી પર છે. જે વ્યક્તિને તેનો ચેપ લાગે છે એ વ્યક્તિ તેનો ચેપ ફેલાવી શકે છે.
તબલીગી જમાતના કાર્યક્રમના આયોજન પછી દેશમાં કોવિડ-19નો ચેપ લાગ્યાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે એ વાત સાચી છે.
આરોગ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ-19ના 30 ટકા મામલાઓના તાર તબલીગી જમાત સાથે જોડાયેલા છે, પરંતુ જેમને જમાત સાથે કોઈ સંબંધ નથી એવા મુસલમાનો પણ સામાન્ય લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે.
કોઈ ધાર્મિક સંસ્થાની ભૂલને કારણે કોવિડ-19નો ચેપ ફેલાયો હોય તેવો ભારત એકમાત્ર દેશ નથી.
દક્ષિણ કોરિયાના ડેગૂ શહેરસ્થિત શિનચેઓંજી ચર્ચના પ્રમુખ લીમેન હીના કારણે ત્યાં કોરોનાના 4,000 કેસ બહાર આવ્યા હતા. એ પ્રમાણ દક્ષિણ કોરિયાના કુલ કોરોના કેસ પૈકીના 60 ટકા જેટલા છે.
લીમેન હીને દક્ષિણ કોરિયામાં કોરોનાની કટોકટીનું કેન્દ્રબિંદુ ગણાવવામાં આવ્યા હતા. બાદમાં તેમણે પોતાની ભૂલની માફી માગી લીધી હતી.
જૂઠાણાં મારફત ફેલાવી નફરત
ઇમેજ સ્રોત, BENGALURU POLICE
ભારતમાં કોરોનાને ધર્મ સાથે જોડવાનો સિલસિલો એમ જ શરૂ નથી થયો. ખોટી માહિતી, ખોટા વીડિયો સુઆયોજિત રીતે ફેલાવવામાં આવ્યા છે.
સામાન્ય લોકોના મનમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે મુસલમાનોને કોરોનાનો ચેપ લાગ્યો છે એટલું જ નહીં, તેઓ જાણી જોઈને કોરોનાનો ચેપ ફેલાવી રહ્યા છે.
આવા ઘણા ફેક અને ભ્રામક વીડિયો બહાર આવ્યા હતા, જે ખોટા હતા અથવા તો તેમનો સંદર્ભ જુદો હતો.
આવો જ એક વીડિયો બહાર આવ્યો હતો. એ વીડિયો મારફત દાવો કરવામાં આવ્યો હતો કે જમાતના કોરોના સંક્રમિત લોકો પોલીસ પર થૂંક્યા હતા, જેથી તેમને પણ ચેપ લાગે.
બીબીસીએ તે વીડિયોની સચ્ચાઈ પણ ચકાસી હતી. એ વીડિયો મુંબઈનો હતો, જેમાં કોર્ટ જતી વખતે કાચા કામના કેદીને પોલીસ સાથે બોલાચાલી થઈ હતી અને એ કેદી પોલીસ પર થૂંક્યો હતો.
જોકે, એ વીડિયોને એવા દાવા સાથે ફેલાવવામાં આવ્યો હતો કે કોવિડ-19નો ચેપ ફેલાવવાના હેતુસર જમાતના લોકો પોલીસ પર થૂંક્યા હતા.
કાચા કામના એ કેદીને જમાત સાથે કોઈ સંબંધ નથી.
ભોજન પેક કરતી વખતે થૂંકતાં મુસલમાનનો ફૅક વીડિયો
સોનમ મહાજને બીજી એપ્રિલે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. 45 સેકન્ડના એ વીડિયોમાં એક મુસલમાન યુવાન ભોજન પેક કરતી વખતે ભોજનની કોથળીમાં ફૂંક મારતો જોવા મળે છે.
એક વ્યક્તિએ ઝોમેટોના મુસલમાન ડિલિવરી બૉય પાસેથી પાર્સલ લેવાનો ઇન્કાર કર્યો હતો. સોનમ મહાજને વીડિયો ઉપરોક્ત ટ્વીટ કરીને એ ઘટનાને યોગ્ય ઠેરવી હતી.
ઑલ્ટ ન્યૂઝના અહેવાલ અનુસાર, એ વીડિયો એપ્રિલ-2019થી ઇન્ડોનેશિયા, સિંગાપુર અને સંયુક્ત આરબ અમિરાતમાં પણ અલગ-અલગ દાવાઓ સાથે શૅર કરવામાં આવ્યો હતો.
અલબત, એ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પાક્કી માહિતી નથી, પણ તે ઘણો જૂનો છે. તેને કોરોનાના ફેલાવા સાથે કોઈ સંબંધ નથી. હવે એ વીડિયોને ભારતમાં નવા હેતુ સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.
ફૅક્ટ ચેકર વેબસાઇટ ઑલ્ટ ન્યૂઝના તંત્રી પ્રતીક સિન્હા માને છે કે કોમી પ્રકૃતિના ફૅક વીડિયો અને મૅસેજીસ 30 માર્ચ પછી ઝડપભેર બહાર આવી રહ્યા છે.
પ્રતીક સિન્હાએ કહ્યું હતું, "ઘણા જૂના મૅસેજ વાઇરલ કરવામાં આવે છે. એવું અકસ્માતે થતું નથી. એવા મૅસેજીસ કોઈ શોધી લાવે છે."
"તેનું આખું નેટવર્ક છે, જે આવા મૅસેજ ફેલાવે છે. સામાન્ય માણસને એક જ પ્રકારના મૅસેજ મળ્યા કરે ત્યારે તેના માટે એ મૅસેજીસ પર ભરોસો કરવાનું આસાન થઈ જાય છે."
"આપણી વિચારધારાને અનુકૂળ હોય તેવા વીડિયો પર આપણે જલ્દી વિશ્વાસ કરી લેતા હોઈએ છીએ."
ઇમેજ સ્રોત, Getty Images
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી
તબલીગી જમાતના લોકો તુગલકાબાદ ક્વોરૅન્ટીન સેન્ટરમાં આરોગ્ય કર્મચારીઓ પર થૂંકી રહ્યા હોવાનો દાવો ઉત્તર રેલવેના પ્રવક્તાએ કર્યો, ત્યાર પછી ઉપરોક્ત પ્રકારના વધુ વીડિયો બહાર આવવા લાગ્યા હતા.
એ ઘટનાનો એકેય વીડિયો રેલવે સત્તાવાળાઓએ બહાર પાડ્યો ન હતો, પણ રેલવે કર્મચારીના દાવા સાથે અનેક પુરાણા વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને મોકલવામાં આવ્યા હતા.
આ ફેક વીડિયોની સૌથી માઠી અસર મુસ્લિમ સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને થઈ છે.
આ લોકો તબલીગી જમાતની બેદરકારી અને ફેક માહિતીની કિંમત પોતાની રોજીરોટી ગુમાવીને ચૂકવી રહ્યા છે અને ડર સાથે જીવવા મજબૂર છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો