કોરોના વાઇરસ : ખાણવિસ્તારના આદિવાસીઓ સાબુ અને માસ્કથી પણ વંચિત

  • જુગલ પુરોહિત
  • બીબીસી સંવાદદાતા
ખાણિયાઓ પ્રતીકાત્મક ધનબાદ

ઇમેજ સ્રોત, Getty Images

દેશના માઇનિંગ વિસ્તારમાં ખનીજો મોટા પ્રમાણમાં છે, પરંતુ અહીં ગરીબી પણ તેટલી જ વિકરાળ છે.

આ વિસ્તારો માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડીએમએફ) તૈયાર કરવામાં આવ્યા, પરંતુ કોવિડ-19ના આ સમયગાળામાં શું આ વિસ્તારના લોકોને માસ્ક અને સૅનિટાઇઝર મળી રહ્યા છે?

શું અહીંના લોકો આનાથી સુરક્ષિત છે? શું ડીએમએફનો યોગ્ય ઉપયોગ થયો છે? એવા અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે.

'શું તે અમને સાબુ અને પાણી આપી શકે છે?'

બાછેલી કસ્બામાં પોતાના ઘરમાં રહેલા ગોવિંદ કુંજમને લાગે છે કે સરકાર કોવિડ-19થી લોકોને બચાવવા કાંઈ કરી રહી નથી.

બાછેલી છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પડે છે. આ વિસ્તારની અધિકૃત વેબસાઇટ પ્રમાણે, આ જગ્યા સૌથી સારા લોહ અયસ્ક માટે દેશમાં જાણીતી છે.

સરકારી કંપની નેશનલ મિનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન (એનડીએમસી) અહીં પર 1977થી ખાણ ચલાવી રહી છે. સાથે જ કંપનીની સૌથી મોટી ખાણમાંની એક છે.

43 વર્ષીય કુંજમ એક પ્રાઇવેટ કૉન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે.

તે કહે છે, "કોરોનાને લઈને જાણકારી ઓછી છે. આપણે અભિયાન ચલાવી લોકોને જાગૃત કરવા જોઈએ. સાબુ, સૅનિટાઇઝર જેવી વસ્તુઓ લોકોને આપવી જોઈએ અને તેમને હાથ ધોવા, વધારે મેળાવડાઓ અટકાવવાનું મહત્ત્વ સમજાવું જોઈએ. હાલમાં અમારા જેવા લોકો જે કાંઈ વાંચી રહ્યા છે અને જાગૃત છે, તે જ આ લોકોને જાણકારી આપી રહ્યા છે."

જોકે તેમની મોટી ચિંતા બીમારી કરતાં પણ આજીવિકા છે.

તે કહે છે, "અમે સરકારી સ્કીમ હેઠળ મકાન બનાવીએ છીએ, પરંતુ હવે અમને કાચો માલ મળી રહ્યો નથી. એવામાં અમને તકલીફ થઈ રહી છે. જો આ જ સ્થિતિ બની રહી તો અમે વધારે સમય ટકી નહીં શકીએ."

35 વર્ષના ગણેશરામ બાગ પંચાયત સમિતિના સભ્ય અને એક વેપારી છે. તે ઓડિશાના રાજપુરના ઝારસુગુડા જિલ્લામાં રહે છે. આ જિલ્લામાં ખનીજ વિપુલ પ્રમાણમાં છે.

ગણેશરામ જ્યાં રહે છે તે જગ્યા આસપાસ હાજર કોલસાની ખાણને કારણે મશહૂર છે.

લોકોએ કોવિડ-19થી બચવાની તૈયારી કેવી રીતે કરી છે?

ઇમેજ કૅપ્શન,

ગોવિંદુ કુંજમ

શું લોકોને માસ્ક, સૅનિટાઇઝર્સ મળી રહ્યા છે, શું લોકોને જાગૃત બનાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે?

ગણેશરામ બાગ કહે છે, "અમારી પાસે હાલ સુધી આ વસ્તુ નથી. વાઇરસના કારણે ભય છે અને ગામવાળા ઘરની બહાર નથી નીકળી રહ્યા. તેમને કહેવામાં આવ્યું છે કે જો કોઈ બહારથી ગામમાં આવે તો તેની વિગતો બ્લૉક ડેવલપમૅન્ટ અધિકારી (બીડીઓ)ને આપવામાં આવે. આ પ્રકારના લોકો માટે આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે."

જોકે, તે કુંજમથી અનેક કિલોમીટર દૂર બેસેલા છે, પરંતુ બંનેની ભાવનાઓ એક જેવી જ છે.

તે કહે છે, "અહીં લોકો રોજ કમાઈને રોજ ખાય છે. સરકાર તરફથી એક હજાર રૂપિયા અને થોડા જ ભાત મળી રહ્યા છે. પરંતુ જો કામ નહીં થાય તો અમારા માટે મોટી મુશ્કેલી થઈ જશે."

કુંજમ અને બાગની વચ્ચે એક બીજી સમાનતા છે. તેમના જેવા હજારો લોકો દેશના માઇનિંગવાળા વિસ્તારોમાં રહે છે. ખનીજ સંશાધનોવાળા આ વિસ્તારોમાં માઇનિંગની ગતિવિધિઓની અસર પડે છે.

આ જગ્યાઓ પર લોકોની હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ ખાણ મંત્રાલય દ્વારા 2015માં જાહેર કરાયેલા આદેશથી કરી શકાય છે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે, "ખાણ સંબંધી કામકાજથી દેશના ઓછા વિકસિત અને દૂરના વિસ્તારો પર ખરાબ અસર પડી છે. સાથે આનાથી વસતિના નબળા વર્ગ, ખાસ કરીને આદિવાસીઓ પર પણ ભારે અસર પડે છે. એવામાં આ જરૂરી છે કે એક સંગઠિત અને સ્ટ્રક્ચર્ડ રીતે ખાસ ધ્યાન આપવામાં આવે અને તેમનો ખ્યાલ રાખવામાં આવે તો આ વિસ્તારો અને પ્રભાવિત લોકોનો ફાયદો થઈ શકે."

ડીએમએફની એન્ટ્રી અને બદલાવ

ઇમેજ સ્રોત, Getty Images

2015માં કેન્દ્ર સરકારે માઇન્સ એન્ડ મિનરલ (ડેવલપમૅન્ટ ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ) (એમએમડીઆર) 1957માં સંશોધન કર્યું. આ પછી એમએમડીઆર ઍમેન્ડમૅન્ટ ઍક્ટ, 2015 અને તે હેઠળ એક સેક્શન 9-બી પણ આવ્યો.

આમાં માઇનિંગ આધારિત કામકાજથી પ્રભાવિત થયેલા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડીએમએફ)નું ગઠન કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ડીએમએફનો હેતુ માઇનિંગના કારણે તેનાથી પ્રભાવિત થઈ રહેલા લોકો અને વિસ્તાર માટે કામ કરવાનો છે.

ખાણ કંપનીઓ ખાણવાળા જિલ્લામાં માઇનિંગ લીઝના સ્થાને 10થી 30 ટકા સુધી રૉયલ્ટી આપતી હોય છે. આ રકમ સીધી દરેક જિલ્લાના ડીએમએફમાં જાય છે. એકઠા થયેલા પૈસા ખાણ પ્રભાવિત લોકો પર ખર્ચ કરવામાં આવે છે. સાથે જે આના અસરગ્રસ્ત વિસ્તારમાં પણ ખર્ચ કરવામાં આવે છે.

અંદાજે 60 ટકા રૂપિયા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, પ્રદૂષણ કંટ્રોલ અન પર્યાવરણ સંરક્ષણ, સ્વાસ્થ્ય, શિક્ષા, સૅનિટેશન જેવાં કામોમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે 40 ટકા પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિંચાઈ, ઍનર્જી જેવી વસ્તુઓ પર લગાવવાનું પ્રાવધાન છે.

ડીએમએફમાં એક સ્થાયી રોજગારી અપાવવા માટે ખર્ચ કરવાની વાત કરવામાં આવી છે.

ખાણ મંત્રાલયના કહેવા પ્રમાણે, જાન્યુઆરી 2020 સુધી ડીએમએફ હેઠળ એકઠી કરવામાં આવેલી રકમ 35925.39 કરોડ રૂપિયા હતી. જે દેશના 21 રાજ્યના 574 જિલ્લામાં એકઠી કરવામાં આવી હતી.

અહીં છે કહાણીમાં ટ્વિસ્ટ

ઇમેજ કૅપ્શન,

ગણેશરામ બાગ

26 માર્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે રાજ્ય સરકારને કહેવામાં આવશે કે ડીએમએફ હેઠળ એકઠા થયેલી રકમનો ઉપયોગ મેડિકલ ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ અને બીજી વસ્તુઓ માટે કરો, જેથી કોવિડ-19ના ફેલાવાને રોકી શકાય. આ સિવાય આ પૈસા દરદીઓની સારવાર પાછળ પણ ખર્ચી શકાય.

આ 1.7 લાખ કરોડ રૂપિયાના વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળના રાહતપૅકેજ હેઠળ જ હતું.

જોકે, નાણામંત્રીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે આ આંકડો અંદાજે 25,000 કરોડ રૂપિયાનો છે, પરંતુ પછી કેન્દ્રએ સ્પષ્ટ કર્યું કે ડીએમએફ ફંડનો ઉપયોગ આનો એક તૃતીયાંશ એટલે 7000 કરોડ રૂપિયા જ રહેશે.

ખાણ ખનીજમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, "મેડિકલ ઇક્વિપમૅન્ટ્સ ખરીદવા, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા, ફેસ માસ્ક, સાબુ, સૅનિટાઇઝર જેવી વસ્તુઓ ખરીદવા અને ગરીબોને યોગ્ય ખાવાનું આપવા માટે ડીએમએફ ફંડ જિલ્લા અધિકારીઓને આપવામાં આવ્યું છે."

શું આવું ખરેખર થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images

છત્તીસગઢના દંતેવાડામાં એક બીજા કસ્બા કિરુંદલના એક પત્રકાર મંગલ કુંજમ કહે છે, "જ્યારે ડીએમએફ તૈયાર કરવામાં આવ્યું ત્યારે આ એક સારું પગલું હતુ. પરંતુ શું આનાથી આપણને કાંઈ ફાયદો થયો છે? હાલ સુધીમાં આવું કાંઈ જોવા નહોતું મળી રહ્યું કે આનાથી અમને કોઈ સુરક્ષા મળી રહી હોય. જે જિલ્લામાં પૈસા એકઠા થયા છે ત્યાં જ આને ખર્ચવા જોઈએ. જો રાજ્ય સરકારને આઝાદી મળી તો તે અમારી પ્રાથમિકતાની જગ્યાએ એમની પ્રાથમિકતા પર ખર્ચ કરી શકે છે."

તે કહે છે, "શહેરી વિસ્તારોની વિપરીત આદિવાસી બહારથી આવનારા સપ્લાય પર ઓછા ટકેલા હોય છે. પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમ દ્વારા થોડું રૅશન આવે છે. માત્ર ચણા અને મીઠાથી જ અમારું કામ ચાલી શકે છે, પરંતુ અમારે અમારી સુરક્ષા માટે ઉપાયોની જરૂરિયાત છે."

એક ગ્રામીણે નામ ન જાહેર કરવાની શરત પર કહ્યું, "આવું પહેલાં ક્યારેય થયું નથી. લોકોને જે મન થઈ રહ્યું છે, તે કરી રહ્યા છે. બહારના લાકોને આવવાથી રોકવામાં આવી રહ્યા છે. અમારે ત્યાં અનેક લોકો બહારથી આવ્યા હતા તે અહીં ફસાયેલા છે. એવામાં ગામમાં બેચેનીનો માહોલ છે."

તેમણે કહ્યું, "સ્થાનિક લોકોને ભાત, દાળ, મીઠું જોઈએ. વહીવટી તંત્ર આ વસ્તુઓ અમને આપી શકે છે. અમને સાબુની જરૂરિયાત છે, પરંતુ દુકાનો બંધ છે. વહીવટી તંત્રએ અમને સાબુ અપાવવા જોઈએ."

દંતેવાડા ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તોપેશ્વર વર્માએ કહ્યું, "ફંડની કોઈ અછત નથી. અમે અમારા સ્ટાફ અને આંગણવાડી વર્કર્સને સાબુ, માસ્ક અને સૅનિટાઇઝરનું વિતરણ શરૂ કરી દીધું છે અને ધીમે-ધીમે આ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે."

તેમણે કહ્યું કે ડીએમએફનો હાલ સુધી ઉપયોગ કરી શકાયો નથી. તે પણ સરકારના આદેશની રાહ જોઈ રહ્યા છે.

વહીવટી તંત્રે હાલ સુધી 2500 લોકોને ટ્રૅસ કર્યા છે જે બહારના જિલ્લામાંથી આવ્યા છે. સાથે જ 50 બેડની હૉસ્પિટલ, આઇસોલેશન વોર્ડ અને ક્વોરૅન્ટીન સેન્ટર તૈયાર કરવામાં આવ્યાં છે.

38 વર્ષના સુરેશ બીશી એક ટીચર છે. તેમનું ગામ ખૈતી ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં પડે છે. અહીં ઝડપથી કોલસાનું માઇનિંગનું કામ શરૂ થવાનું છે. કોવિડ-19 સિવાય તેમને વિસ્થાપનનો પણ ભય છે.

તેમણે કહ્યું, "મહામારીના કારણે લોકો ઘરની અંદર છે. લૉકડાઉનથી અમારી કમાણી બંધ છે. સરકારે અમારા ગુજરાન વિશે પણ વિચારવું જોઈએ."

તેમણે કહ્યું, "અમને પહેલાં પણ તકલીફ થઈ છે. માઇનિંગના કારણે અમારા પાણીના સપ્લાય પર ખરાબ અસર થઈ છે. જો હાથ ધોવા અને સૅનિટેશન સમયની જરૂરિયાત છે તો પહેલાં આપણે પાણીના સપ્લાયને ઠીક કરવું પડશે."

ઝરસુગુડાના જિલ્લા અધિકારી સરોજ કમલે બીબીસીને કહ્યું, "અમે તમામ માઇનિંગ અધિકારીઓને આદેશ આપ્યા છે કે તે અસરગ્રસ્ત ગામોને સૅનિટાઇઝ કરે. ગામના લોકોને સૅનિટાઇઝર અને માસ્ક આપવામાં આવે. ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ, 2005 લાગુ છે એવામાં તેમને આ કામ થોડા દિવસોમાં પૂર્ણ કરવું જ પડશે."

ડીએમએફ વિશે તેમણે કહ્યું, "અમે 100 બૅડની કોવિડ હૉસ્પિટલ અલગ-અલગ જગ્યાએ બનાવી રહ્યા છીએ. અમારે મેડિકલ કર્મચારીઓની અછતમાંથી પસાર થવું પડી રહ્યું છે."

ડીએમએફની હાલ સુધીની કહાણી

સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ ઍન્વાયરમૅન્ટ (સીએસઈ)ની પર્યાવરણ યુનિટમાં ડેપ્યુટી પ્રોગ્રામ મૅનેજર તરીકે કામ કરનાર ચિન્મઈ શાલ્યા કહે છે, "ડીએમએફને લોકોના અધિકાર તરીકે જોવામાં આવે. દેશમાં માઇનિંગવાળા વિસ્તારોની અજીબ વિડંબના છે. આ વિસ્તારમાં ખનીજો, જંગલો અને આદિવાસીઓ સમૃદ્ધ છે, પરંતુ અહીં ગરીબી પણ એટલી જ ભયંકર છે."

"સીએસઈએ 2018માં ડીએમએફનું વિસ્તૃત આકલન કર્યું હતું. આનાં પરિણામો ચોંકાવનારાં રહ્યાં. ન માત્ર વહીવટી તંત્ર અને જવાબદારી નબળી જોવા મળી, પરંતુ પ્રભાવિત લોકોનું ગવર્નિંગ બૉડીમાં પ્રતિનિધિત્વ પણ ઓછું હતું. જેને આનો ફાયદો મળવાનો હતો તેમની ઓળખ ન કરવામાં આવી. પ્લાનિંગ ન હતું. સ્ટડીથી ખ્યાલ આવ્યો. અનેક વખત એવાં પણ ઉદાહરણ જોવાં મળ્યાં કે ડીએમએફના પૈસાની મદદથી કન્વેન્શન હૉલ, મલ્ટિ લેવલ પાર્કિંગ પ્લોટ્સ જેવી વસ્તુઓ બનાવવામાં આવી."

"એ જ વર્ષે સંસદની કોલસા અને સ્ટીલ પરની સમિતિને ખ્યાલ આવ્યો કે ડીએમએફને વધારે જવાબદાર બનાવવાની જરૂરિયાત છે.

એવામાં કેન્દ્ર સરકારે કોવિડ-19 માટે આ ફંડનો ઉપયોગ કરવાનું એલાન કરવું શું યોગ્ય નિર્ણય છે?

શાલ્યા કહે છે, "આ એક અસાધારણ સ્વાસ્થ્ય ઇમરજન્સી છે અને હેલ્થકૅર પહેલાંથી જ એક હાઈ પ્રાયૉરિટી એરિયા છે. એવામાં આ ફંડનો આ કામમાં ઉપયોગ છે. વધારે માઇનિંગ જિલ્લામાં હેલ્થકૅરની સ્થિતિ ખરાબ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો