રાહુલ ગાંધીએ કહ્યું, આ નરેન્દ્ર મોદી સાથે જીભાજોડીનો નહીં, કોરોના સામે લડવાનો સમય

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકારપરિષદમાં તેમણે સરકારની ટીકા કર્યા વગર કોરોના વાઇરસની મહામારીને થવા અંગે સૂચનો કર્યા અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ નરેન્દ્ર મોદીએ શું ભૂલો કરી છે તે અંગે તેઓ દેશ કોવિડ-19ને હરાવી દેશે એ પછી વાત કરશે.

એમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સાથે અનેક બાબતે અસંમત છું પરંતુ આ પક્ષ-વિપક્ષની લડાઈ નથી દેશની લડાઈ છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

એમણે સરકારે આપેલા આર્થિક પૅકેજને વધારવાનું સૂચન કર્યું તથા સરકારી ગોડાઉનોમાં રહેલુ અનાજ તાત્કાલિક લોકોને આપવા કહ્યું.

તેમણે વાંરવાર રણનીતિપૂર્વક વધારે ટેસ્ટિંગ પર ભાર મૂક્યો. રાહુલ ગાંધીએ અર્થતંત્ર અને આરોગ્ય એમ બેઉ રણનીતિઓના તાલમેલની વાત પણ કહી.

એમણે કહ્યુ કે કોરોના સામે લડવામાં આપણી સોચ મહત્ત્તવની છે અને ઉતાવળમાં પોતાને વિજયી ઘોષિત કરી દેવાની ભૂલ ન કરવી જોઈએ.

નરેન્દ્ર મોદી કોઈને કૅડ્રિટ નથી આપવા માગતા એટલે વિપક્ષના રાજ્યોની વાત નથી સાંભળતા એ મુદ્દે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું, જેને કૅડ્રિટ લેવી હોય એ લે, અત્યારે કોવિડ-19ને હરાવવો અને દેશ બચાવવો મહત્ત્વનો છે.

રાહુલ ગાંધીએ વીડિયો દ્વારા યોજેલી પત્રકારપરિષદ ની મુખ્ય વાતો.

 • લૉકડાઉનથી થોડી વખત વાઇરસને પૉઝ કરી શકાશે પંરતુ ફક્ત લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય.
 • દેશની કુલ સરેરાશ ટેસ્ટિંગ પ્રતિજિલ્લા 350 જેટલી પણ નથી.
 • સરકારે મહત્ત્મ ટેસ્ટિંગ કરે અને તે ખાસ રણનીતિથી કરે. ટેસ્ટિંગ લેવલ ઓછું થઈ રહ્યું છે અને કોઈ રણનીતિ વગર થઈ રહ્યું છે જે સારી વાત નથી.
 • લૉકડાઉન પછી ઍક્ઝિટ રણનીતિ શું હશે એ નક્કી કરવું પડે અને એમાં વાર ન થવી જોઈએ.
 • મને દુખ થાય છે કે અનાજનો જથ્થો લોકો સુધી નથી પહોંચ્યો.
 • આ નેશનલ મુદ્દો છે, સુરક્ષાનો મુદ્દો છે અને કટોકટીની સ્થિતિ છે.
 • જો સરકાર કોઈ બાબતે 20 તારીખે ખોલવા પણ માગતી હોય તો પણ એમાં રણનીતિ હોવી જોઈએ.
 • જ્યારે તમે લોકોને લૉક કરો છો તો વાઇરસ લૉક થઈ જાય છે પંરતુ જેવું તમે લૉક ખોલો છો વાઇરસ ફેલાશે.
 • અર્થતંત્ર પર ભારણ વધશે. અર્થતંત્રનો મોટો હિસ્સો લોકોને બચાવવામાં લાગશે. એમાં ચોક્કસ રણનીતિ હોવી જોઈએ. એ પણ જોવું પડે કે લોકોને બચાવવામાં અર્થતંત્ર ન પડી ભાંગે.
 • કેન્દ્ર સરકારે મુખ્ય મંત્રીઓને વધારે સત્તા આપવી જોઈએ. જે થઈ ગયું છે એ થઈ ગયું છે પરંતુ હું ચોક્કસ રણનીતિથી લૉકડાઉન ખુલે તે જોવું જોઈએ. હું રણનીતિ આધારિત કામ થાય એની વકીલાત કરું છું.
 • ગરીબોને આપી શકાય એટલા પૈસા આપો પરંતુ આવનારા સમયમાં જે તંગી સર્જાવાની છે એના પર પણ ધ્યાન આપવું પડશે.
 • આ લડાઈ હજી શરૂ થઈ છે. એમાં ઉતાવળમાં પોતાને વિજયી ઘોષિત કરવા ખૂબ ખોટું ગણાશે.
 • હું બાકીના દેશોની નહીં પરંતુ હિંદુસ્તાન જે કરી રહ્યું છે એની ફિકર કરું છું. બાકીના દેશો ભારત જેવા કૉમ્પિલિકેટેડ નથી અને મોટા નથી.
 • કોવિડ સામેની લડાઈ ટેસ્ટિંગ વગર નહીં જીતી શકાય. અત્યારે આપણે વાઇરસને ચૅઝ કરીને એની પાછળ દોડી રહ્યાં છે. આપણે રૅન્ડમ ટેસ્ટિંગ કરીશું તો એને રોકી શકીશું નહીં તો એ હાથમાં જ નહીં આવે.
 • ગોડાઉનમાં અનાજ છે એ લોકો સુધી 10 દિવસ પહેલાં જ આપી દેવાની જરૂર હતી. ગોડાઉનો ખૂબ ભરેલા છે અને આગામી ખેતીની સિઝનમાં એ ગોડાઉનો વધારે ભરાશે.
 • નરેન્દ્ર મોદીએ શું ભૂલો કરી એ કોવિડને હરાવી દઈએ પછી કહીશ.
 • હું નરેન્દ્ર મોદી સાથે અનેક વાતે અસંમત છું પણ આ એમની સાથે લડવાનો ટાઇમ નથી.આ આપણા દેશની પરીક્ષા છે. જો હિંદુસ્તાન એકસાથે રહેશે તો આપણે આસાનીથી કોરોનાને હરાવી દઈશું.
 • કૅડ્રિટ જેને લેવી હોય એ લઈ લે, અમારું કામ આવા સમયે રચનાત્મક સૂચન કરવાનું છે. સરકાર માને કે ના માને અમે અમારુ કામ કરતા રહીશું.
 • કોરોના પછી ભારતીય લોકતંત્ર બદલાશે એવી કેટલી શક્યતા છે એ સવાલના જવાબમાં કહ્યું કે, એવી શક્યતા છે ખરી પરંતુ હાલ વાઇરસને હરાવવો જરૂરી.
 • સરકારના પૅકેજ બાબતે કહ્યું કે જે લોકોને આપવામાં આવ્યું છે તે પૂરતું નથી. એમાં મોટો વધારો થવો જોઈએ.
 • જો સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સામાજિક સંઘર્ષ ઊભો થશે.
 • હું નરેન્દ્ર મોદી સાથે અનેક વાતે અસંમત છું પણ આ એમની સાથે લડવાનો ટાઇમ નથી. આ પક્ષ-વિપક્ષની નહીં કોરોના સામેની લડાઈ છે.
 • જો કોરોના સામે લડવું હશે તો હિંદુસ્તાને જાત-કોમ-ધરમ છોડીને એક થવું પડશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો