કોરોના વાઇરસ : એ માતાઓ જે બાળકોથી દૂર રહીને પલીસકર્મીની ફરજ બજાવે છે

  • કમલેશ
  • બીબીસી સંવાદદાતા
કૉન્સ્ટેબલ સાધના યાદવ

પોતાની ડ્યૂટી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવાનું મહિલા પોલીસ કર્મચારીઓ માટે હંમેશા પડકારજનક હોય છે, પણ કોરોના વાઇરસના સંક્રમણ દરમિયાન આ પડકાર વધુ મોટો થઈ ગયો છે.

જેમનાં સંતાનો રોજ મમ્મીનાં ઘરે પરત આવવાની રાહ જોતાં હોય અને તેને ભેટી પડવાં ઈચ્છતાં હોય એવી મહિલા પોલીસ કર્મચારીઓ માટે આ પડકાર ખરેખર જંગ હોય છે.

એ મહિલા પોલીસ કર્મચારીઓ ઇચ્છા હોવા છતાં તેમનાં બાળકોને છાતીએ વળગાડીને પપ્પી કરી શકતી નથી. તેમને પ્રેમ કરી શકતી નથી.

એટલું જ નહી, તેમણે તેમનાં વહાલસોયાં સંતાનોને જ નજરથી દૂર રાખવાં પડે છે. તેમ છતાં મહિલા પોલીસ કર્મચારીઓ કોઈ ફરિયાદ વિના રાતદિવસ ફરજ બજાવી રહી છે.

દીકરીને દૂર મોકલી

ઇમેજ સ્રોત, Getty Images

કૉન્સ્ટેબલ સાધના યાદવે તેમની ચાર વર્ષની દીકરીને ખુદથી દૂર પોતાની મમ્મી પાસે મોકલી આપી છે. સાધનાને ડર છે કે પોતાના મારફત દીકરીને ક્યાંક વાઇરસનો ચેપ ન લાગી જાય.

સાધના યાદવનું પોસ્ટિંગ પહેલાં લખનૌમાં હતું, પણ થોડાં સમય પહેલાં જ તેમને ડિબિયાપુર પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યાં છે. ડિબિયાપુર પોલીસ સ્ટેશન ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં આવેલું છે.

ઓરૈયા જિલ્લામાં કોરોના વાઇરસના આઠ કેસ બહાર આવ્યા છે. તબલીગી જમાત સંબંધિત કેસો પણ અહીં મળી આવ્યા હતા. તેથી કોરોના વાઇરસને મામલે સમગ્ર જિલ્લામાં ચાંપતી સાવધાની રાખવામાં આવી રહી છે.

સાધના યાદવ અગાઉ તેમની દીકરી સાથે રહેતાં હતાં, પણ કોરોનાના સંક્રમણ દરમિયાન ફરજ બજાવતાં હોવાથી તેમણે દીકરીને તેમની મમ્મીને ત્યાં મોકલી આપી છે.

સાધના કહે છે, "આવા સમયે બાળકોને સાથે રાખવા યોગ્ય નથી. નાની દીકરીને મારી જરૂર હોય એટલે હું તેને મારી સાથે લાવી હતી, પણ આ બધાની વચ્ચે હું તેનું બરાબર ધ્યાન રાખી શકતી નથી. એકલી રહું તો તેના પર બહુ ધ્યાન ન આપવું પડે. બધું પૂર્વવત થઈ જશે પછી રજા લઈને દીકરીને મળવા જઈશ."

સાધના યાદવે ઘણીવાર ફિલ્ડમાં જવું પડે છે. તેઓ જણાવે છે કે ઘણા લોકો રૅશન અને ભોજન વહેંચવા ઇચ્છતા હોય છે, પણ ભોજનનું વિતરણ કરવાથી પોતાને કોરોનાનો ચેપ લાગશે એ વાતે ડરતા હોય છે. એવા લોકો પોલીસ સ્ટેશનમાં વિતરણનો સામાન આપીને ચાલ્યા જાય છે. પછી અમે જરૂરતવાળા લોકોમાં એ સામાનનું વિતરણ કરીએ છીએ.

સાધના યાદવની માફક અન્ય પોલીસ કર્મચારીઓ પણ આવા પડકારોનો સામનો કરી રહી છે.

'દીકરાને ભેટી પણ શકતી નથી'

કૉન્સ્ટેબલ ગીતાંજલિ પણ ડિબિયાપુર સ્ટેશનમાં તહેનાત છે. લોકોનો કૉલ આવે ત્યારે તેમની મદદ કરવા ગીતાંજલિએ જવું પડે છે. ઘણીવાર તેમને રૅશન અને ભોજનના વિતરણની જવાબદારી પણ સોંપવામાં આવે છે.

તેઓ બે વર્ષના દીકરાની મમ્મી છે. દીકરો ગીતાંજલિનાં મમ્મી સાથે રહે છે. ગીતાંજલિ ડ્યૂટી પરથી ઘરે પાછાં ફરે કે તરત દીકરો તેમના ખોળામાં બેસવા દોડે છે, પણ ગીતાંજલિએ તેને દૂર હડસેલી દેવો પડે છે.

ગીતાંજલિ કહે છે, "અગાઉ ડ્યૂટી પરથી ઘરે જતી ત્યારે તેને ઉંચકીને ખોળામાં બેસાડી લેતી હતી, પણ હવે એવું કરી શકતી નથી. કોરોના વાઇરસની શરૂઆતના દિવસોમાં ઘરનો દરવાજો ખોલતાંની સાથે એ દોડતો મારી પાસે આવતો હતો, પણ હું તેનાથી દૂર રહેતી હતી. એટલે એ રડતો હતો, પણ મારી મમ્મી તેને શાંત કરતી હતી."

ગીતાંજલિ ઉમેરે છે, "જોકે, હવે મારો દીકરો સમજી ગયો છે અને મને જોઈને કહે છે કે 'મમ્મા, હૅન્ડવૉશ.' એ રોજ મને ઘરે આવીને સીધી વૉશરૂમમાં જતી જુએ છે. ઘરે તો મમ્મી દીકરાની સંભાળ રાખે છે અને હું તેનાથી બને તેટલી દૂર રહું છું. મારા પતિ અહીં નથી એટલે દીકરાને મારી જરૂર વધારે હોય છે. ખૈર, ફરજ તો બજાવવી જ પડે."

'18 મહિનાની બાળકીને શું સમજાવું?'

કૉન્સ્ટેબલ નીલમ દિલ્હીના ગ્રેટર કૈલાશ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ સવારે નવ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચે છે અને સાંજે સાત વાગ્યે ડ્યૂટી પૂર્ણ કરીને ઘરે પાછાં જવા નીકળે છે.

નીલમ પોલીસ સ્ટેશનમાં જ માસ્ક બનાવે છે અને એ માસ્ક ગ્રેટર કૈલાશ વિસ્તારના લોકોને મફતમાં વહેંચે કરે છે.

નીલમ 18 મહિનાની એક બાળકી અને 11 વર્ષના દીકરાનાં મમ્મી છે. તેમના પરિવારમાં બે બાળકો ઉપરાંત પતિ અને 80 વર્ષની વયનાં સાસુ-સસરાનો સમાવેશ થાય છે.

નીલમ ઘરની બહાર નીકળે છે ત્યારે સૌથી વધારે જોખમ તેમનાં પર જ હોય છે. તેથી તેઓ પરિવારજનોથી દૂર રહીને ફરજ બજાવી રહ્યાં છે.

નીલમ ઉમેરે છે, "કોરોના વાઇરસની ડ્યૂટી શરૂ થઈ છે ત્યારથી અમારી રજાઓ રદ થઈ ગઈ છે. હવે મારો દીકરો પૂછે છે કે તમે રજા ક્યારે લેશો? અમારી સાથે ક્યારે રહેશો?

જોકે, મારા માટે નોકરી કેટલી જરૂરી છે તે હવે દીકરો સમજી ગયો છે. ઘરે પાછી ફરું પછી ઘરની એક પણ ચીજને અડતી નથી. દીકરી તો પપ્પાની પાસે જ રહે છે. પતિ દરવાજો ખોલીને પાણી ગરમ કરવા મૂકી દે છે. હું કોઈને સ્પર્શ કર્યા વિના સીધી બાથરૂમમાં જાઉં છું અને સ્નાન કર્યા બાદ જ બીજું કંઈ કામ કરું છું."

નીલમ ઉમેરે છે, "આખો દિવસ ઘરની બહાર રહી હોવાથી દીકરી પાસે જતાં ડર લાગે છે, પણ નાના બાળકને કેટલું સમજાવી શકાય? હું ઘરે હોઉં ત્યારે એ મારા હાથે જ ભોજન કરે છે. મને તેની પાસે ઉંઘી જવા કહે છે. સાસુ-સાસરા વૃદ્ધ છે. તેથી તેમના માટે અલગ ડર હોય છે. જોકે, આ પરિસ્થિતિ હોવા છતાં ફરજ બજાવવા જઈએ છીએ ત્યારે બધું જાણે કે ભૂલી જઈએ છીએ."

ઘરે પરત આવવાનું મુશ્કેલ

ઇમેજ સ્રોત, Getty Images

સબ ઇન્સપેક્ટર નીરજ ત્યાગીનું વધારે પડતું કામકાજ ફિલ્ડમાં હોય છે. તેમણે ભોજનના વિતરણથી માંડીને બહારથી આવતા ફોન કૉલ સંબંધે મદદ માટે ફિલ્ડમાં જવું પડે છે.

ઓરૈયા જિલ્લાના ડિબિયાપુર સ્ટેશનમાં ફરજરત નીરજ ત્યાગી તેમના 11 વર્ષના દીકરાને ઘરે રાખીને રોજ સવારે આઠ વાગ્યે ડ્યૂટી પર આવવા નીકળે છે.

નીરજ ત્યાગી કહે છે, "આજકાલ જવાબદારી બહુ વધી ગઈ છે. સવારે ઘરેથી વહેલાં નીકળવું પડે છે અને મોડું પાછું ફરવાનું થાય છે. અમારી દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. બાળક માટે સવારે જેમતેમ કરીને ભોજન બનાવું છું અને પછી નીકળી પડું છું. ઘણી વખત તો ભોજન પણ બનાવી શકતી નથી. એ ભૂખ્યો રહે છે અથવા કંઈક હળવું ખાઈ લે છે."

નીરજ ત્યાગી ઉમેરે છે, "સૌથી વધુ મુશ્કેલી ઘરે પાછાં ફર્યા બાદ થાય છે. બાળક સાથે બે મિનિટ આરામથી બેસી શકાતું નથી. ડ્યૂટી પરથી આવીને સીધી સ્નાન કરવા જાઉં છું. યુનિફોર્મ ધોઈ નાખું છું. એ પછી બાળક પાસે જાઉં ઠું અને તેના માટે ભોજન બનાવું છું. મારું મોટાભાગનું કામ ફિલ્ડમાં હોય છે. તેથી ક્યારે ચેપ લાગી જાય એ ખબર પડતી નથી. એટલે થોડો સમય તકલીફ ભોગવીને સાવચેત રહેવાનું મને વધારે ગમે છે."

'ડર અને અપરાધની અનુભૂતિ'

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં અંજુ આજકાલ ડ્યૂટી ઑફિસરની જવાબદારી સંભાળી રહ્યાં છે અને જરૂર પડ્યે ફિલ્ડમાં પણ જાય છે.

તેઓ 18 અને 19 વર્ષની વયના બે સંતાનોના માતા છે. તેઓ બાળકોથી આજકાલ બને તેટલાં દૂર રહે છે. એ ઉપરાંત આજકાલ તેઓ એક અલગ જ પ્રકારના ડર અને અપરાધની અનુભૂતિ કરી રહ્યાં છે.

અંજુ કહે છે, "અગાઉ ઘરે પહોંચતી ત્યારે બાળકોને ભેટી પડતી હતી. હવે તેમની બાજુમાં બેસતી સુદ્ધાં નથી. હું ઘરે પહોંચું એ પહેલાં બાળકો ઘરનો દરવાજો ખોલી રાખે છે, જેથી મારે કોઈ ચીજને અડવું ન પડે. હું સ્નાન કરી, યુનિફોર્મ ધોઈને જ રસોડામાં જાઉં છું. મારા પરિવારજનોને કોઈ તકલીફ ન થાય એટલા માટે હું થોડી અલગ જ રહું છું."

અંજુના જણાવ્યા અનુસાર, તેમનાં મનમાં એ ડર હંમેશા રહે છે કે તેમના કારણે બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અંજુ કહે છે, "બઘાં ઘરમાં જ હોય ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે, પણ અત્યારે હું એકલી જ ઘરની બહાર હોઉં છું. પતિ અને બાળકો ઘરમાં હોય છે. મને લાગે છે કે તેમને ચેપ લાગશે તો તેનું કારણ હું જ બનીશ. આમ પણ આ થોડા દિવસોનો મામલો નથી. ખબર નહીં, આવું ક્યાં સુધી ચાલુ રાખવું પડશે? "

તેથી અંજુ માત્ર ઘરમાં જ નહીં, ઑફિસમાં પણ એકદમ સાવધ રહે છે. ઑફિસનો સામાન રોજ સવારે સૅનિટાઇઝરથી સાફ કરે છે. ઓછામાં ઓછા કપડાંનો ઉપયોગ થાય એટલે તેઓ ઘરેથી આવતી અને પાછા જતી વખતે યુનિફોર્મ જ પહેરે છે.

મહિલાઓની શારીરિક અને માનસિક મજબૂતી બાબતે હંમેશા શંકા સેવવામાં આવતી હોય છે. મહિલાઓને ભાવનાત્મક રીતે નબળી ગણીને તેમને મહત્વની જવાબદારીથી વંચિત રાખવામાં આવતી હોય છે.

જોકે, એ ધારણાને કોરોના વાઇરસ સામેની આજની લડાઈમાં મહિલા પોલીસકર્મચારીઓ ખોટી સાબિત કરી રહી છે. તેઓ તેમની શારીરિક જ નહીં, માનસિક મજબૂતીનો પરિચય પણ આપી રહી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો