કોરોના વાઇરસ : ગુજરાતના પોલીસકર્મીઓ કેવી રીતે સંક્રમણની ઝપેટમાં આવ્યા?

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા
ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં એક તરફ કોરોના વાઇરસના ટેસ્ટની સંખ્યા વધી રહી છે અને કોરોના પૉઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યાં ફ્રન્ટલાઇન ફાઇટર એવા પોલીસ કર્મચારીઓ પણ તેના ચેપથી બાકાત નથી રહ્યા.

રવિવારના રોજ 21 પોલીસ કર્મચારીઓને કોરોના પૉઝિટિવ કેસની માહિતી બાદ સોમવારે વધુ એક SRP જવાનનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

ઉપરાંત બે હોમગાર્ડ જવાનોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યા હતા. આમ ગ્રાઉન્ડ ઉપર ફરજ બજાવતા લોકોના કોરોના પૉઝિટિવ કેસ પોલીસખાતા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે.

જોકે પોલીસ જવાનોને યોગ્ય સારવાર મળે અને હવેથી પોલીસ ફિલ્ડ પરના જવાનોને પીપીઈ કિટ પણ મળી રહે તેવાં તમામ પગલાં લેવાનો પોલીસ દાવો કરી રહી છે.

અમદાવાદમાં હાલમાં 16 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે, જેમાં કોટ વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં હાલમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.

આ કર્ફ્યૂમાં માત્ર બપોરે 1થી 4 વાગ્યાના સમય દરમિયાન છૂટ આપવામાં આવે છે અને દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડે છે.

આ કર્ફ્યૂવાળા વિસ્તારોમાં અમદાવાદનાં સાત પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે અને આ તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ કોરોના પૉઝિટિવ લોકોના સીધા સંપર્કમાં આવે છે.

અમદાવાદમાં કોવિડ-19ના 1100થી વધુ કેસ નોંધાયા છે, જેમાં મોટા ભાગના કેસ અમદાવાદના આ સાત પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયા છે. હાલમાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની સંખ્યા કોવિડ-19ના પૉઝિટિવ કેસમાં સૌથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ આ વિસ્તારથી છે.

હજી સુધી કુલ 21 પોલીસ કર્મચારીઓ સંક્રમિત થયા છે, જેમાંથી કેટલાક પોલીસકર્મી ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જોકે અમુક પોલીસ કર્મચારીઓ એક જ રૂમમાં રહેતા હોવાને કારણે પણ ચેપ લાગી ગયો છે, તેવું પોલીસ અધિકારીઓનું માનવું છે.

અમુક લોકો ટ્રાફિક શાખામાં કામ કરતા હોવાથી લોકોના સીધા સંપર્કમાં આવવાના કારણે પણ સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.

પોલીસકેવી રીતે ઝપેટમાં આવે છે?

ઇમેજ સ્રોત, PIYUSH SOLANKI AND JAYNAM SOLANKI

ઇમેજ કૅપ્શન,

કોરોના સંક્રમિત થનાર ખાડિયાના પોલીસ ઇન્સ્પેક્ટર

મોટા ભાગના પોલીસ અધિકારીઓને રૅશનની દુકાનો ઉપર, દૂધની ડેરીઓ પાસે, ટ્રાફિક પૉઇન્ટ પર, કિટ ડિસ્ટ્રિબ્યૂશન સમયે અને શાકભાજીની લારીઓ પાસેના પૉઇન્ટ પર નોકરી કરવાની રહે છે.

હાલમાં પોલીસ સ્ટેશનમાં ઍડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ઉપરાંત લગભગ દરેક પોલીસ કર્મચારી અને અધિકારીને ફિલ્ડ પર તહેનાત કરવામાં આવ્યા છે.

આ તમામ પૉઇન્ટ પર પોલીસ કર્મચારીને સીધી રીતે લોકોના સંપર્કમાં આવવાનું રહે છે. જેમ કે રૅશનની દુકાન પર લોકોને એકબીજાથી દૂર ઊભા રાખવાનું વ્યવસ્થા ત્યાં સુધી શક્ય નહીં બને જ્યાં સુધી કોઈ પોલીસ કર્મચારી ત્યાં હાજર ન હોય.

એક પોલીસ કૉન્સ્ટેબલ જેઓ ખાડિયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. તેમણે નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને કહ્યું કે અમદાવાદના કોટ વિસ્તારમાં લોકોને એકબીજાથી અલગ રાખવા મુશ્કેલ છે.

"અમે ગમે તેટલો પ્રયાસ કરીએ, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જ રાખતા, અમારે તેમની નજીક જઈને, ઘણી વખત તેમને અડીને પણ દૂર કરવા પડે છે."

આ પોલીસ કૉન્સ્ટેબલ હાલમાં પણ એ જ વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ કહે છે કે હાલમાં તો અમારા માટે પીપીઈ કિટ આવી ગઈ છે એટલે થોડી રાહત છે, પરંતુ જો લોકો સહકાર જ ન કરે તો આ પીપીઈ કિટ પણ કંઈ કામ નહીં આવે.

લોકો ક્વોરૅન્ટીનમાં રહે તે નિયમિત રીતે તેમના ઘરે જઈને ચકાસવાની જવાબદારી નિભાવતા ખાડિયા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

તેઓ હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીબીસી ગુજરાતીએ જ્યારે તેમની સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેમને ખુદને ખબર નથી કે તેમને ચેપ ક્યાંથી લાગી ગયો. પરંતુ છેલ્લા અમુક દિવસોથી તેઓ અલગ-અલગ પ્રકારનું કામ કરી રહ્યા હતા.

મુખ્યત્વે ક્વોરૅન્ટીન થયેલા લોકો ક્વોરૅન્ટીનનું પાલન કરે છે કે નહીં એ જોવા માટે તેઓ વારેઘડીએ ખાડિયાનાં અનેક સ્થળોએ જતા હતા.

તેઓ માને છે આવા જ કોઈ સમય દરમિયાન તેવા કોઈ લોકોના સીધા સંપર્કમાં આવવાથી તેમને ચેપ લાગી ગયો હશે.

આવી જ રીતે અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઑફિસર (પીએસઓ)ની ફરજ બજાવતા કર્મચારીનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

પોલીસે જ્યારે તેમની કૉન્ટેક્ટ હિસ્ટ્રી જાણી તો ખબર પડી કે તેઓ એક શાકભાજીની લારીવાળી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આ શાકભાજીવાળાની સામે પોલીસે કલમ-188 હેઠળ ફરિયાદ નોંધી હતી અને તેઓ તેમને પકડવા ગયા હતા.

આ શાકભાજીની લારીવાળી વ્યક્તિ કોરોનો સંક્રમિત હતી અને પી.એસ.ઓ. એમના સંપર્કમાં આવ્યા તો એમને પણ કોરોનાનો ચેપ લાગી ગયો.

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ, (સીઆઈડી ક્રાઇમ) શમશેર સિંઘને હાલમાં અમદાવાદના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્તની ખાસ જવાબદારી આપવામાં આવી છે.

લોકોના સીધા સંપર્કમાં આવવાથી પોલીસને ચેપ લાગી રહ્યો છે, તે વિશે જ્યારે તેમની સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે કહ્યું, "હવેથી અમે એફ.આઈ.આર. કર્યા બાદ આરોપીને માત્ર નોટિસ ફટકારીશું, તેની ધરપકડ કરવા માટે કોઈ પોલીસ તેમના ઘર સુધી નહીં જાય."

"આવું કરવાથી સામેવાળી વ્યક્તિને પણ ખબર પડી જશે કે તેઓ વાંકમાં છે અને પોલીસ પણ તેમના સંપર્કમાં નહીં આવે."

મોટા ભાગની તહેનાતી જે કરિયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ કે દૂધની દુકાનો પર હતી તેવા પોલીસ અધિકારીઓ કોરોના માટે વધારે વનરેબલ છે, તેવું સિંઘે કહ્યું.

પીપીઈ કિટ વિશે વધુ વાત કરતા શમશેર સિંઘે કહ્યું કે હાલમાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને પણ પીપીઈ કિટ મેળવવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદ શહેરના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારને હાલમાં દરરોજની 1500 પીપીઈ કિટ મળી રહી છે.

પોલીસને જ બૅડ મળવામાં વાર લાગી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક

સોશિયલ મીડિયા પર પોલીસ કંટ્રોલ રૂમનો એક મૅસેજ મળ્યો હતો.

જેના પ્રમાણે રાજેશ મકવાણા નામના એક પોલીસ હેડ કૉન્સ્ટેબલે પોલીસ કંટ્રોલ રૂમમાં મૅસેજ કર્યો હતો કે તેમનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ દાખલ થવાના અમુક કલાકો સુધી પણ તમને કોઈ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

તેમણે કંટ્રોલમાં કરેલો મૅસેજ મીડિયા સુધી પહોંચ્યો અને લોકો તેના વિશે ચર્ચા કરવા લાગ્યા પછી અમદાવાદ પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને મકવાણા તેમજ બીજા પોલીસ કર્મચારીઓને હૉસ્પિટલમાં સંપૂર્ણ સગવડ મળે તેવી વ્યવસ્થા કરી આપી હતી.

આ વિશે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "હાલમાં તમામ લોકોને સારી મેડિકલ સારવાર મળે તે માટે અમે તમામ આયોજન કરી દીધું છે. જોકે હવે આગળથી પોલીસ વધુ સાવચેત રહેશે."

"હવેથી અમદાવાદમાં પોલીસ કર્મચારીઓ પાસે પોર્ટેબલ માઇક્રોફોન જોવા મળશે, જેથી તેઓ લોકોના સંપર્કમાં આવ્યા વગર જ સોશિયલ ડિસ્ટન્સિંગ ન પાળતા લોકોને સૂચનાઓ આપી શકશે."

ભાટિયાએ કહ્યું કે આખા અમદાવાદમાં હાલમાં પોલીસ માટે 2500 જેટલી પીપીઈ કિટ આવી ગઈ છે અને હવેથી દરેક પોલીસ કર્મચારી આ પીપીઈ કિટ પહેરીને ફિલ્ડ પર રહેશે.

આ પીપીઈ કિટમાં એક ફુલ કવર ડ્રેસ ઉપરાંત મોજાં, કેપ, માસ્ક, કવર વગેરેનો સમાવેશ થાય છે.

ઑનલાઇન પ્રેસ-કૉન્ફરન્સમાં બીબીસી ગુજરાતીના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું કે હાલમાં આખા શહેરમાં 16,403 પોલીસ કર્મચારીઓ લૉકડાઉનના અમલ માટે કાર્યરત્ છે. જેમાં પોલીસ ઉપરાંત, અર્ધ મિલિટરી દળો, એન.સી.સી. અને એન.એસ.એસ.ના વૉલેન્ટિયરો, એસ.આર.પી., સી.આર.પી.એફ. વગેરેનો સમાવેશ થાય છે.

જોકે અમદાવાદના કોટ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસે પૂરતી પીપીઈ કિટની વ્યવસ્થા કરી છે, જેમાં એએમસી દ્વારા પણ વધારાની કિટ પોલીસને આપવામાં આવે છે.

આ પીપીઈ કિટ ડિસ્પૉઝેબલ હોઈ એક વખત તેનો ઉપયોગ કરીને તેનો નાશ કરી દેવાનો હોય છે.

હૉસ્પિટલમાં દાખલ પોલીસકર્મીનું મૉનિટરિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સૅનિટાઇઝરનો ઉપયોગ કરતાં પોલીસકર્મીઓ

શમશેર સિંઘ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તમામ પોલીસ કર્મચારીઓ કે જેઓ હાલમાં દાખલ છે તેમને દર કલાકનો રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડાય છે અને આ તમામ કર્મચારીઓને સતત કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.

ભાટિયાએ પણ કહ્યું કે હાલમાં પોલીસ કર્મચારીઓને સારી રીતે સગવડ અને વ્યવસ્થા મળે તેવું આયોજન સિવિલ તેમજ એસવીપી હૉસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો