ગુજરાત કોરોના અપડેટ : અમદાવાદમાં કૅશ-ઑન-ડિલિવરી કેમ બંધ કરાશે?

ચલણી નોટો તથા માસ્કની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને લૉકડાઉન બાદની સ્થિતિને પહોંચી વળવા માટેની વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.

જે મુજબ હૉમ ડિલિવરી કરનાર ડી-માર્ટ, બિગ-બાઝાર, સ્વિગી, ઝોમેટો વગેરેને જણાવવામાં આવ્યું છે કે તેમના સંપૂર્ણ સ્ટાફનું સ્ક્રિનિંગ કરાવી લેવામાં આવે.

આ સિવાય ચલણી નોટો ઉપર અનેક દિવસો સુધી કોરોના વાઇરસ રહી શકતો હોવાથી તા. 15મી મે પછી કૅશ-ઑન-ડિલિવરી બંધ થઈ જશે અને કૅશલૅસ ચૂકવણીઓને પ્રોત્સાહન અપાશે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરીને હૉમ ડિલિવરી માટેનો પ્રૉટોકૉલ નક્કી કરવામાં આવ્યો હતો.

  • કન્ટૅઇનમેન્ટ ઝોનમાંથી કોઈ ડિલિવરી બૉયને ડિલિવરીનું કામ ન સોંપવું.
  • એ.એમ.સી. દ્વારા હેલ્થકાર્ડ આપવામાં આવશે, જેને સાત દિવસ બાદ રિન્યૂ કરાવવાનું રહેશે
  • ડિલિવરી બૉયે હાથમોજાં, સૅનિટેશન કૅપ અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે
  • ડિલિવરી બૉયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે
  • ડિલિવરી સ્ટાફે તેમના મૉબાઇલમાં ફરજિયાતપણે આરોગ્યસેતુ ઍપ્લિકેશન ડાઉનલૉડ કરવાની રહેશે
  • કૅશ-ઑન-ડિલિવરીના બદલે માત્ર કૅશલેસ વ્યવહાર કરવા માટે પ્રોત્સાહન અપાશે
  • જીવજરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓ પાસે પેમેન્ટ-ઍપ ડાઉનલૉડ કરાવડાવાશે

આ સિવાય 15મી મેથી રિટેલ વેચાણ કેવી રીતે કરવું, તે અંગે અલગથી યાદી બહાર પાડવામાં આવશે.

કોરોના વાઇરસ : ગુજરાતમાં પૉઝિટિવ કેસો આઠ હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસનું સંક્રમણ ગુજરાતમાં દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 398 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

આ સાથે કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 8195 થઈ ગઈ છે.

આ યાદીમાં 5818 કેસ સાથે અમદાવાદ પ્રથમ ક્રમ પર છે. આ ઉપરાંત વડોદરામાં 518 અને સુરતમાં 895 કેસ નોંધાયા છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે અને આ સાથે મૃતકાંક 493 થઈ ગયો છે.

AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. રાજ્યમાં મરણાંકમાં ઉછાળો આવતાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા.

અહીં તેમણે તબીબો સાથે રૂબરૂ તથા દૂરસંચાર માધ્યમથી સંપર્ક સાધ્યો હતો અને તેમને માર્ગદર્શન આપ્યું હતું.

તેમની સાથે દિલ્હીથી ડૉ. મનીષ સુનેજા પણ શુક્રવારે રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા અને શનિવારે તેમણે સરકારી હૉસ્પિટલોની મુલાકાત લીધી હતી.

ડૉ. ગુલેરિયાએ જૂન-જુલાઈ મહિનામાં ભારતમાં કેસોની સંખ્યા ચરમ શિખર ઉપર પહોંચશે, તેવી શક્યતા વ્યક્ત કરી હતી, જો કે તેમણે કયા મૉડલના આધારે આ સંભાવના વ્યક્ત કરી છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી ત્રણ નિષ્ણાત તબીબોને ગુજરાત મોકલવા માગ કરી હતી.

જેમાં ડૉ. ગુલેરિયા, ડૉ. રાજેશ ચાવલા (ઍપોલો હૉસ્પિટલ, દિલ્હી) ચતથા ડૉ. રોહિત પંડિત (મુંબઈ)ને ગુજરાત મોકલવા માટે માગ કરી હતી.

શુક્રવારની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના સંક્રમણના સાત હજારથી વધારે દરદીઓ હોવાની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોના 7402 કેસ છે અને મરણાંક 449 થઈ ગયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 390 નવા કેસ સામે આવ્યા છે અને 24 મૃત્યુ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 7403 કેસની પુષ્ટિ થઈ ગઈ છે અને મરણાંક 449 છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમણમાંથી 1872 લોકો સાજા થયા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઍપિસેન્ટર બનેલા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 269 કેસ આવ્યા અને રાજ્યમાં નોંધાયેલા 24માંથી 22 મૃત્યુ અમદાવાદમાં થયા હતા.

વડોદરા અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 25-25 નવા કેસ આવ્યા.

અરવલ્લીમાં 20 નવા કેસ સામે આવ્યા છે. અરવલ્લીમાં કુલ 61 કેસ છે જેમાંથી 45 કેસ છેલ્લા બે દિવસમાં આવ્યા છે.

સુરતમાં કુલ 824 થઈ ગયા છે અને વડોદરામાં 465 કેસ છે.

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 1,975 કેસ સામે આવ્યા છે.

પ્રવાસી મજૂરોને પરત વતન મોકલવા માટે શુક્રવારે પણ 33 ટ્રેનો રવાના કરવાની માહિતી આપવામાં આવી હતી.

ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહેબ થોરાટે એક ટ્વીટ કરીને કહ્યું કે પરપ્રાંતીય મજૂરોનો પ્રશ્ન ગંભીર છે, કૉંગ્રેસ પાર્ટી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોની યાત્રાનો ખર્ચ ઉપાડવા માટે તૈયાર છે. છતાં ગુજરાત સરકાર નાગરિકોને સ્વીકાર નથી કરી રહી, એ દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમણે લખ્યું કે ગુજરાત સરકારે હજી સુધી મુંબઈથી સામખિયાળી (કચ્છ) સુધી 1,299 ગુજરાતી ભાઈઓની યાત્રાને મંજૂરી નથી આપી. એ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજ્યોએ પણ પોતાના પ્રવાસી મજૂરોને પ્રવેશની પરવાનગી નથી આપી.

અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં લોકો અને પોલીસ વચ્ચે પથ્થરમારો

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના મહામારીમાં અમદાવાદને સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે શાહપુર વિસ્તારમાં લોકો અને પોલીસ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે.

સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગૅસના 4 સેલ છોડ્યા હતા.

પોલીસે લૉકડાઉનનો કડક અમલ કરાવતા સ્થાનિક લોકો સાથે ઘર્ષણ થયું હતું. જેને પગલે પથ્થરમારાની ઘટના બની હતી.

ડીસીપી ધર્મેન્દ્ર શર્મા એ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવા ગયેલી પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે. આ મુદ્દે એક પોલીસકર્મીને સામાન્ય ઇજા થઈ છે. પોલીસે આ ઘટનામાં ત્રણ લોકોની અટકાયત કરી છે.

સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ સ્ટાફના દેખાવો

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના પરિસરમાં આવેલી કૅન્સર હૉસ્પિટલમાં 14 જેટલા સ્વાસ્થ્યકર્મીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા ગભરાટનો માહોલ ઊભો થયો છે.

કર્મચારીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવતા નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ હૉસ્પિટલમાંથી બહાર આવી ગયા અને મૅનેજમૅન્ટ વિરુદ્ધ દેખાવો કર્યા છે.

કોરોના વાઇરસની મહામારીના પગલે ગુજરાતમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં અમદાવાદ કોરોના વાઇરસનું હૉટસ્પૉટ બન્યું છે.

તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા એલ. ડી. ઍન્જિનિયરિંગ કૉલેજની હૉસ્ટેલમાં આગામી દિવસોમાં આઇસોલેશન સેન્ટર ઊભું કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.

આ માટે એએમસી તરફથી કૉલેજને પત્ર પાઠવવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે રાજ્યમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા વધતાં હવે લક્ષણો ન દેખાતા હોય તેવા દર્દીઓને પણ આઇસોલેશનમાં મૂકવા જરૂરી છે.

હાલ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી ત્યાં આઇસોલેશન સેન્ટર ઊભું કરવાની તૈયારી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કરી છે.

આ ઉપરાંત સરકારે 60 પ્રાઇવેટ હોટલોને કોવિડ કેર સેન્ટરમાં તબદિલ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી મોટાભાગના કેસ અમદાવાદના છે.

સરકારી મેડિકલ સ્ટાફનું વીમા પૅકેજ ખાનગી હૉસ્પિટલોને પણ લાગુ પડશે

અમદાવાદમાં બંધ પડેલા ખાનગી ક્લિનિક, હૉસ્પિટલ અને નર્સિંગ હોમ્સને શરૂ કરવા બાબતે એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ કુમાર ગુપ્તાએ અમુક નિર્ણયો બાબતે માહિતી આપી છે.

અમદાવાદમાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાતા સંક્રમણને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે ત્રીજી બેઠક થઈ જેમાં અમુક નિર્ણયો લેવાયા હતા.

ખાનગી હૉસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને ક્લીનિકના મેડિકલ અને પૅરામેડિકલ સ્ટાફને લાવવા-મૂકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન 25 ઍરકન્ડિશન બસની વ્યવસ્થા કરશે.

જો કોવિડ હૉસ્પિટલ તરીકે નિમાયેલી ખાનગી હૉસ્પિટલના ડૉક્ટર અથના પૅરામીડિક સ્ટાફને ડ્યૂટી પર કોરોના સંક્રમણ થાય તો તેમની સારવાર ખાસ ખાનગી હૉસ્પિટલમાં કરાવવામાં આવશે જેની કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં તેમને એ જ સગવડ મળવી જોઈએ જે એએમસી અથવા સરકારી હૉસ્પિટલના કર્મચારીઓને મળે છે.

એ સિવાય તેમણે જાહેરાત કરી કે સરકારે વીમાનું જે પૅકેજ માન્ય રાખ્યું છે તે ખાનગી હૉસ્પિટલોમાં પણ લાગુ પડશે.

ડ્યૂટી પર કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત થયા હોય તેવા તબીબી અને પૅરામીડિક કર્મીઓને અતિરિક્ત નાણાકીય મદદ મળશે જેમાં ડૉક્ટરોને 25 હજાર, નર્સિંગ સ્ટાફને 15 હજાર અને લૅબ ટેક્નિશિયન તથા અન્ય સપોર્ટિંગ સ્ટાફને દસ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વીડિયો કૅપ્શન,

Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

60 હોટલોમાં બનશે કોવિડ કેર સેન્ટર

સરકારે કોવિડ કેર સેન્ટર જાહેર કરેલી આ 60 હોટલોમાં કુલ 3,000 પથારીઓની સુવિધા છે અને આ હોટલોનો તમામ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ભોગવશે.

અમદાવાદના ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને ડૉ. રાજીવ કુમારની ગુપ્તાની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપરાંત ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીને નાથવા માટે રાજ્યની સરકારે વધારે 8 ખાનગી હૉસ્પિટલોને કોવિડ-19 હૉસ્પિટલ તરીકે જાહેર કરી છે.

જેમાં ચાંદખેડાની એસએમએસ મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ, કુબેરનગરની સિંધુ હૉસ્પિટલ, આંબાવાડીની અર્થમ હૉસ્પિટલ, બાપુનગરમાં સ્ટાર હૉસ્પિટલ, મેમકોની આનંદ સર્જિકલ, સાયન્સ સિટીની સીઆઈએમએસ હૉસ્પિટલ, મણિનગરના રામબાગમાં આવેલી સરદાર હૉસ્પિટલ અને કાંકરિયા વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક હૉસ્પિટલ સામેલ છે.

આ હૉસ્પિટલોમાં કોવિડ-19 દરદીઓ માટે 800 પથારીની વ્યવસ્થા થશે.

રાજ્ય સરકાર પ્રમાણે હવે 15 ખાનગી હૉસ્પિટલને કોરોના વાઇરસ સામેની લડતમાં લગાવી છે જેમાં 1600 જેટલા બેડ ઉપલબ્ધ રહેશે.

આ પહેલા સરકારે અમદાવાદમાં ખાનગી ક્લિનિક, નર્સિંગ હોમ અને હૉસ્પિટલો ખોલવા અંગે પણ નિર્દેશ જાહેર કર્યા હતા.

એડિશલન ચીફ સેક્રેટરી રાકેશ કુમાર ગુપ્તા દ્વારા બહાર પાડવામાં આવેલ એક યાદી મુજબ 228 દવાખાનાઓ અને હૉસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોનાના કેસોની ગુરૂવાર સાંજની સ્થિતિ

ગુજરાતમાં કોરોના સંક્રમણના સાત હજારથી વધારે દરદીઓ હોવાની પુષ્ટિ થઈ છે.

અત્યાર સુધી રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોના 7013 કેસ છે અને મરણાંક 425 થઈ ગયો છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ વધવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 275 કેસ એકલા અમદાવાદમાં સામે આવ્યા છે.

અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં જેમાં ધોળકા, દરક્રોઈ, બાવળા પણ સામેલ છે , ત્યાં કોરોના સંક્રમણના 82 કેસ સામે આવ્યા છે.

અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 25 કેસ સામે આવ્યા છે. સુરતમાં 45 અને વડોદરામાં 19 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા 29 મૃત્યુમાંથી 23 અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 209 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જિલ્લાવાર આંકડા જોઈએ અમદાવાદમાં કુલ 4991 કેસ અને મરણાંક 321 છે. સુરતમાં 799 કેસ અને મરણાંક 37 છે ત્યારે વડોદરામાં 440 કેસ છે અને મરણાંક 31 છે.

રાજકોટમાં 64 કેસ સામે આવ્યા છે ત્યારે ભાવનગરમાં 83 અને ગાંધીનગરમાં 88 કેસ સામે આવ્યા છે.

ગુજરાત આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં અત્યાર સુધી 1,00,553 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અને કુલ 1700થી વધારે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

શ્રમિકોને લઈ સુરતથી ઓડિશા જનારી ત્રણ ટ્રેનો રદ

સુરતથી બીબીસીના સહયોગી ધર્મેશ અમીન જણાવે છે કે લૉકડાઉનમાં સુરતમાં અટવાયેલા પરપ્રાંતીય શ્રમિકો માટે નવી એક મુસીબત ઊભી થઈ છે.

સુરતના કલેકટર ધવલ પટેલે કહ્યું કે શ્રમિકોને સુરતથી ઓડિશા જનારી ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે.

ધવલ પટેલે કહ્યું કે, માનનીય ઓડિશા હાઈકોર્ટે એવો ચુકાદો આપેલો છે કે ઓડિશામાં પ્રવેશનારનો કોરોનો રિપોર્ટ નેગેટિવ હોવો અનિવાર્ય છે અને એ નિર્ણયને ઓડિશા સરકારે પરવાનગી પરત લીધી છે જેથી જે ત્રણ ટ્રેનો ઓડિશા જવાની હતી તે અનિવાર્ય સંજોગોમાં રદ કરવામાં આવી છે.

એમણે એમ પણ કહ્યું કે જે શ્રમિકોને ટિકિટનું રિફંડ આપવામાં આવશે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે અવરવજર પ્રતિબંધિત

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં દૂધ અને દવા સિવાય સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે શહેર અન્ય મહાનગર રાજકોટથી અલગ થયું છે.

રાજકોટના કલેકટર રમ્યા મોહને રાજકોટ અને અમદાવાદ વચ્ચેનો તમામ વાહનવ્યવહાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને પગલે હવે રાજકોટ-અમદાવાદ વચ્ચે મેડિકલ વાન અને ઍમ્બુલન્સ સિવાય કોઈ જ અવરજવર નહીં થઈ શકે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. હાલ રાજકોટમાં 62 પૉઝિટિવ કેસ છે. ગુજરાતના મોટા શહેરોમાં સૌથી ઓછો મરણાંક રાજકોટમાં છે. રાજકોટમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે તો 26 લોકો સાજા થયા છે.

કેડિલાના 26 કર્મચારીઓ પૉઝિટિવ, ધોળકા પ્લાન્ટ બંધ કરાયો

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર સંસ્થા એએએનઆઈનો અહેવાલ જણાવે છે કે અમદાવાદના ધોળકા સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીનો પ્લાન્ટ 26 કોરોના પૉઝિટિવ કેસો સામે આવતા બંધ કરી દેવામાં આવ્યો છે.

કંપનીમાં કાર્યરત 26 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ ઘટનાને પગલે પ્લાન્ટને સૅનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું છે કે શહેરમાં દવા-દૂધ સિવાયની દુકાન ખોલનારની ધરપકડ કરવામાં આવશે.

ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે દૂધ અને દવા સિવાયની દુકાનો બંધ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં કેસોની સંખ્યા 5000ની નજીક પહોંચી ગઈ છે.

કમિશનરે ફળો, શાકભાજી અને કરિયાણું સહિત તમામ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી હતી.

કમિશનરનો આદેશ મધરાતથી અમલમાં આવ્યો અને 15 મે સુધી લાગુ રહેશે.

કમિશનરની આ જાહેરાતને પગલે લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે બહાર આવ્યા હતા. ખાસ કરીને શાકભાજી અને કરિયાણુંની ખરીદી માટે ગૃહિણીઓ મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળેલી જોવા મળી હતી.

શહેરમાં એપીએલ-1 રૅશનકાર્ડ ધરાવનાર પરિવારોને અનાજવિતરણ શરૂ થવાનું હતું તે પણ મુલતવી રાખવામાં આવ્યું છે.

આ ઉપરાંત કમિશનર મુકેશ કુમારે આપેલા અન્ય એક આદેશ મુજબ શહેરની અન્ય સાત હૉસ્પિટલોને કોવિડ-19 હૉસ્પિટલો જાહેર કરવામાં આવી છે.

આ હૉસ્પિટલોમાં જીસીએસ હૉસ્પિટલ (નરોડા રોડ), કોઠિયા હૉસ્પિટલ (નિકોલ), શુશ્રૂષા હૉસ્પિટલ (નવરંગપુરા), નારાયણી હૉસ્પિટલ (રખિયાલ), પારેખ હૉસ્પિટલ (શ્યામલ ચાર રસ્તા), બૉડીલાઇન હૉસ્પિટલ (પાલડી) અને જીવરાજ મહેતા હૉસ્પિટલ (વાસણા)નો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કેસોની બુધવારની સ્થિતિ

ઇમેજ સ્રોત, Mukesh Kumar Social

ઇમેજ કૅપ્શન,

અમદાવાદના કમિશનર મુકેશ કુમાર

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે દૂધ અને દવા સિવાયની દુકાનો બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદમાં કેસોની સંખ્યા 5000ની નજીક પહોંચી ગઈ છે.

બુધવાર સાંજની માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 કેસ સામે આવ્યા છે અને 28 મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમા એકલા અમદાવાદમાં 291 કેસ સામે આવ્યા છે અને વડોદરામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 33 નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મૃત્યુ થયાં છે અને 74 જેટલા લોકોને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

કોરોના સંક્રમણની કુલ સંખ્યા અમદાવાદમાં 4735 થઈ છે ત્યારે સુરતમાં 772 થઈ છે. વડોદરામાં હાલ 421 કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 119 દર્દીઓ સાજા થઈ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસની કુલ સંખ્યા 6662 થઈ છે અને મરણાંક 391 થયો છે.

રાજ્યમાં અત્યાર સુધી 1500 લોકો સાજા થઈને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે.

આખા રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે જેટલા મૃત્યુ થયા છે તેમાંથી લગભગ 76 ટકા મૃત્યુ અમદાવાદમાં થયા છે. અમદાવાદમાં મરણાંક 298 પર પહોંચી ગયો છે.

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબુની બહાર જતી દેખાતા રાજ્ય સરકારે અનેક પગલા લેવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલમાં ભારતના વરિષ્ઠ તબીબી નિષ્ણાતોને અમદાવાદ મોકલવા માટેનો અનુરોધ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

નવી દિલ્હીમાં આવેલ દેશની સર્વોચ્ચ હૉસ્પિટલ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા, અપોલો હૉસ્પિટલના ડૉ રાજેશ ચાવલા અને મુંબઈના પલમનૉલૉજિસ્ટ ડૉ રોહિત પંડિતને અમદાવાદ મોકલવા માટે વિનંતિ કરવામાં આવી છે.

જેથી તેઓ અમદાવાદમાં કોરોના સંક્રમણથી પીડાતા દર્દીઓની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફને માર્ગદર્શન આપે.

એ સિવાય અમદાવાદમાં 15 મે સુધી સુધી દૂધ અન દવા સિવાયની તમામ દુકાનો બંધ કરવાની જાહેરાત કમિશનર મુકેશ કુમારે કરી છે.

કમિશનરની આ જાહેરાતને પગલે શહેરમાં અનેક જગ્યાએ લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં નીકળી પડ્યા હતા.

અમદાવાદમાં સતત વધી રહેલા કેસોની મંગળવારની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદમાં સૌથી વધારે 349 કેસ સામે આવ્યા છે. હાલ અમદાવાદમાં કુલ 4425 કેસ સામે આવ્યા છે અને મરણાંક 273 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા હવે છ હજારને પાર કરી ગઈ છે અને મરણાંક 368 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં અત્યાર સુધી 1381 લોકો સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 441 નવા કેસ નોંધાયા અને 49 લોકોનાં મૃત્યુ થયા છે જેમાંથી અમદાવાદમાં 39 મૃત્યુ થયા છે.

વડોદરામાં ત્રણ અને સુરતમાં બે મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયા છે.

બાકી અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, મહીસાગર જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે એક-એક મૃત્યુ થયું છે.

રાજ્યમાં થયેલા ટેસ્ટિંગની વિગત આપતા આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ગુજરાતમાં અત્યાર સુધી 80 હજાર 632 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 83387 લોકોના સૅપ્મલનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

અમદાવાદ જ્યાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યાં છેલ્લા 24 કલાકમાં 84 લોકો સાજા થઈ જતા હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા છે.

અમદાવાદના કમિશનર વિજય નહેરા હોમ ક્વોરૅન્ટીન

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નહેરા કોરોના પૉઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા તેમને બે અઠવાડિયા માટે ઘરે ક્વોરૅન્ટીન થયા છે.

એમણે ટ્વીટર પર આ અંગે જાણકારી આપી હતી.

વિજય નહેરાની ગેરહાજરીમાં એમનો ચાર્જ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચૅરમૅન અને સીઈઓ મુકેશ કુમારને આપવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના સંકલન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારી તરીકેની કામગીરી વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાને સોંપવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતભરની કોવિડ-19ની સંકલન અને મોનિટરિંગ માટે વિશેષ અધિકારીની નિમણુક કરવામાં આવી છે અને તે જવાબદારી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને આપવામાં આવી છે.

અમદાવાદમાં પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદમાં સોનીની ચાલી વિસ્તારમાં અનેક પરપ્રાંતીય શ્રમિકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

પરપ્રાંતીય શ્રમિકો ઘરે મોકલવાની માગણી સાથે ભેગા થયા છે.

કોરોના મહામારીને પગલે લૉકડાઉન જાહેર થયું ત્યારથી પરપ્રાંતીય શ્રમિકોનો પ્રશ્ન સતત સામે આવી રહ્યો છે.

ગઈકાલે સુરતમાં પણ પરપ્રાંતીય શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી.

પોલીસવડા શિવાનંદ ઝાએ કહ્યું કે, શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા થઈ રહી છે. સંખ્યા વધારે હોવાથી વાર લાગી શકે છે.

એમણે કહ્યું કે, તંત્ર સાથે સંઘર્ષમાં ન ઉતરો અને ધીરજ રાખો.

એમણે એમ પણ કહ્યું કે, ગઈકાલે સુરતમાં પોલીસ સાથે સંઘર્ષની જે ઘટના બની હતી તેમાં પોલીસે 204 લોકોની ધરપકડ કરી છે.

વતન જવા ઇચ્છતા લોકો જેલમાં ન પહોંચે અને વતન પહોંચે એ માટે સહયોગ આપવાની અપીલ કરું છું.

પોલીસવડાએ શ્રમિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા કહ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 29 મૃત્યુ, એકલા અમદાવાદમાં જ 26 મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મૃત્યુ થયાં છે જે પૈકી 26 મૃત્યુ અમદાવાદમાં થયાં છે.

ગુજરાતમાં સોમવારે કુલ 371 નવા કેસ આવ્યા છે અને 153 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 5804 કેસ છે અને કુલ 319 મરણાંક છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 મૃત્યુ નોંધાયા જેમાંથી 16 મૃત્યુ પ્રાથમિક રીતે કોવિડ-19ના કારણે અને 13 મૃત્યુ કોમોર્બિડિટી, હાઈરિસ્ક બીમારીઓ અને કોવિડ -19ના કારણે બતાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે જેમાં 259 કેસ છે ત્યારે ભાવનગરમાં નવા 21 કેસ નોંધાયા છે.

વડોદરામાં કોરોના સંક્રમણના નવા 35 કેસ આવ્યા છે અને સુરતમાં 20 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં સાત કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં સોમવારે 24 કલાકની અંદર 26 મૃત્યુ નોંધાયા છે.

અત્યાર સુધી ગુજરાતમાં સૌથી વધારે કેસ અને મરણાંક અમદાવાદમાં જ નોંધાયો છે.

એકલા અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો ચાર હજારને પાર કરી ગયો છે અને કુલ મરણાંક 234 થયો છે.

સુરત પણ ગુજરાતનું અન્ય હૉટસ્પૉટ છે જ્યાં અત્યાર સુધી 706 કેસ સામે આવ્યા છે.

વડોદરામાં 385 ચેપગ્રસ્ત છે ત્યારે અહીં મરણાંક 27 છે. ભાવનગરમાં કુલ કેસની સંખ્યા 75 અને આણંદમાં 75 થઈ ગઈ છે.

પરપ્રાંતીય મજૂરો માટે અમદાવાદમાં શરૂ થઈ હેલ્પલાઇન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ગુજરાત સરકાર પ્રમાણે અન્ય રાજ્યોના 21, 500 જેટલા મજૂરોને ત્રણ દિવસમાં 18 જેટલી વિશેષ ટ્રેનથી તેમના રાજ્યમાં મોકલવામાં આવ્યા છે.

ત્યારે સૌરાષ્ટ્રના રત્નકલાકારો જે સુરતમાં કામ કરીને ગુજરાન ચલાવે છે તેમને તેમના શહેર-ગામ મોકલવા વિશે સરકાર યોગ્ય સમયે નિર્ણય લેશે તેવી માહિતી આપવામાં આવી છે.

સરકારનો દાવો છે કે સુરતથી ઓડિશા, ઝારખંડ અને બિહાર માટે ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ વડોદરા, નડિયાદ અને પાલનપુરથી પણ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરપ્રાંતીય મજૂરોને જે પોતાના વતન પરત ફરવા માગતાં હોય તેમના માટે અમદાવાદ ક્લેક્ટર દ્વારા હેલ્પ લાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના ક્લેક્ટરે ટ્વિટર પર માહિતી આપી હતી કે જે શ્રમિકો બીજા રાજ્યમાં જવા માગે છે તે કોઈ બીજો નંબર ડાયલ ન કરે તેના સ્થાને નીચે દર્શાવેલાં નંબર પર સંપર્ક કરે. 1800 233 9008 અને 079 26440626 એમ બે નંબર જાહેર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતીય મજૂરોનું ઘર્ષણ તંત્ર સાથે વારંવાર થઈ રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આજે બપોરે સુરતમાં પરપ્રાંતીય મજૂર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે ટિયરગૅસના સેલ છોડવા પડ્યા હતા.

સુરતમાં ફરી એક વખત કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા. લૉકડાઉનના ત્રીજા તબક્કાની જાહેરાત સાથે જ કામદારોએ રસ્તા પર આવીને વતન પરત જવા દેવાની માગ ઉઠાવી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુરતમાં અનેક વખત કામદારો રસ્તા પર આવ્યા હતા.

કોરોના વાઇરસનું સમક્રમણ ફેલાતા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત સાથે જ અન્ય પ્રાંતોમાંથી સુરતમાં કામ કરવા માટે આવતા કામદારોએ વતન પરત જવા દેવાની માગ કરી હતી.

રસ્તા પર ઊતરી આવેલા કામદારોએ પથ્થરમારો અને તોડફોડ પણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

કોરોના અપડેટ : ગુજરાતમાં એક હજારથી વધારે દર્દીઓ સ્વસ્થ થયા

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 374 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે, આ સાથે કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 5,428એ પહોંચી છે.

આ સાથે જ આજે 146 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને આ સાથે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ચૂકી છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં 1042 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ ઉપરાંત આજે 28 દર્દીઓના મૃત્યુ થયાં હતાં.

નવા નોંધાયેલા 374 કેસ પૈકી 274 કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આ ઉપરાંત 25-25 કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે, જ્યારે 21 કેસ મહેસાણામાં નોંધાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના પાંચ હજારથી વધારે કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 250 સહિત રાજયમાં 333 નવા કેસ નોંધાયા છે. જે પછી કુલ પૉઝિટિવ કેસોની સંખ્યા 5,054 થઈ ગઈ છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ અમદાવાદમાં 3,543 નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 661, વડોદરામાં 325 અને રાજકોટમાં 58 કેસ નોંધાયા છે.

સુરતથી મજૂરોને ઓડિશા લઈ જતી બસનો અકસ્માત, એકનું મૃત્યુ

ગઈ કાલે મોડી રાત્રે મજૂરોને સુરતથી ઓડિશા લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર સુરતથી પરપ્રાંતીય મજૂરોને ઓડિશા લઈ જતી બસનો ઓડિશાના કલિંગા ઘાટ અને બેરહામપુરની વચ્ચેના રસ્તે અકસ્માત થયો હતો.

દક્ષિણ રેન્જના ડીઆઈજી સત્યબ્રતા ભોઈએ કહ્યું, "એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી. 40થી વધારે લોકોને બચાવી લેવાયા છે."

બસમાં લગભગ 50 મુસાફરો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Daxesh Shah

ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોને અલગ કરતી દાહોદ-ખંગેલા સરહદ પાસે વતન પરત જવા દેવાની માગ સાથે પરપ્રાંતીયો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

જેમાં પોલીસનાં વાહનો અને અન્ય બસો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ફસાયેલા અન્ય પ્રાંતના શ્રમિકોને તેમના વતનમાં પરત મોકલવાની કામગીરી આદરવામાં આવી હતી.

જોકે શ્રમિકોને સરહદ પાસે અટકાવી દેવાતાં તેમણે પથ્થરમારો કર્યો હતો,.

આ અંગે દાહોદના પોલીસ અધીક્ષક હિતેષ જોયસરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશની સરહદ સીલ હોવાથી આ પરપ્રાંતીયોને પરત ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું, "જેથી આ લોકોને અહીં જરૂરી સુવિધાઓ આપવામાં આવી હતી. છતાં તેમણે ચક્કાજામ કર્યો હતો અને તોડફોડ કરી હતી."

ઇમેજ સ્રોત, ANI

કોરોના વાઇરસના સંક્રમણ અને લૉકડાઉનની વચ્ચે રાજકોટમાં વિદ્યાર્થીઓને શાળામાં એકઠા કરવાની ઘટના સામે આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે લૉકડાઉન વચ્ચે રાજકોટના પારડી વિસ્તારની એક સ્કૂલમાં 100 જેટલા વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાનાં પરિણામો લેવા ભેગા કરાયા હતા.

જિલ્લા પંચાયત સમિતિના ચૅરમૅન કે. ડી. પાદરિયાએ કહ્યું, 'આ અંગે તપાસ ચાલી રહી છે અને જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાશે.'

ગુજરાતમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 326 કેસો નોંધાયા છે. જ્યારે કુલ 22 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

સાથે જ રાજ્યમાં કુલ દરદીઓની સંખ્યા 4721 થઈ છે, જ્યારે મૃતકાંક 236 થયો છે. જોકે, આ દરમિયાન 736 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ પણ કરાયા છે.

અમદાવાદમાં 30 અપ્રિલ સાંજે પાંચ વાગ્યા પછી એક મે સાંજ સુધી 16 મૃત્યુ થયાં છે.

છેલ્લા 24 કલાકમાં વડોદરામાં ચાર અને સુરત તથા પંચમહાલમાં એકએક મૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 22 મૃત્યુ નોંધાયા છે અને 123 લોકો ડિસ્ચાર્જ થયા છે.

અમદાવાદમાં 267 નવા કેસ આવ્યા અને હવે શહેરમાં કુલ 3293 કેસ થયા છે.

સુરતમાં શુક્રવાર સાંજ સુધી 26 કેસ આવ્યા છે અને અહીં ચેપગ્રસ્તોનો કુલ આંકડો 644 થયો છે.

રેડ, ઑરૅન્જ અને ગ્રીન ઝોનમાં રાજ્યના કયા જિલ્લા વહેચાયા?

કોરોના વાઇરસના કોપને જોતાં ભારતમાં લાગુ કરવામાં આવેલું લૉકડાઉન આગામી ત્રણ મેએ ખતમ થશે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના તમામ જિલ્લાને રેડ ઝોન, ઑરૅન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વહેંચી દીધા છે. જે અંતર્ગત 130 જિલ્લાને રેડ ઝોનમાં, 284 જિલ્લા ઑરેન્જ અને 319 જિલ્લા ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાનના જણાવ્યા અનુસાર ગ્રીન ઝોન એવા વિસ્તારો છે, જ્યાં છેલ્લા 21 દિવસમાં કોરોના વાઇરસો એક પણ કેસ નોધાયો નથી. જ્યારે ઑરૅન્જ ઝોન એવા વિસ્તારો છે, જ્યાં સંબંધિત દિવસોમાં પાંચ કેસ નોંધાયા છે, જ્યારે રેડ ઝોનમાં મોટા પ્રમાણમાં કેસો સામે આવ્યા છે.

આ અંતર્ગત ગુજરાતના જિલ્લાને પણ આ પ્રમાણે વહેચી દેવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે શું કર્યું?

ગુજરાત સરકારના મુખ્ય મંત્રીના કાર્યાલયના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના પગલે દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉનમાં જે ગુજરાતીઓ બીજાં રાજ્યોમાં ફસાઈ ગયા છે, તેમને પરત લાવવામાં આવશે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ માટે 16 નૉડલ ઑફિસરોની નિમણૂક કરી છે અને આ અંગે તેમના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાતંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રીના કાર્યાલયે એવું પણ જણાવ્યું અત્યાર સુધી આ 2720 ગુજરાતીઓની લાવવામાં આવ્યા છે અને બાકીની કામગીરી દસથી પંદર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

નોંધનીય છે કે રાજસ્થાનમાંથી 991, ઉત્તરપ્રદેશમાંથી 464, ઉત્તરાખંડમાંથી 743, મધ્ય પ્રદેશમાંથી 283, છત્તીસગઢથી 95 સહિત કુલ 2720 ગુજરાતીઓને પરત લાવવામાં આવ્યા છે.

જોકે, કોરોના વાઇરસનાં લક્ષણો ન ધરાવતી વ્યક્તિને જ આવી રીતે રાજ્યમાં પરત ફરવાની પરવાનગી અપાશે.

આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 4082એ પહોંચી છે.

બુધવારે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કરેલી જાહેરાત પ્રમાણે 24 કલાકમાં 308 નવા પૉઝિટિવ કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં 3324 ઍક્ટિવ કેસ છે, જ્યારે 34 દરદી વૅન્ટિલેટર પર છે.

આ સાથે તેમણે જણાવ્યું કે જામનગર, પોરબંદર અને મોરબી કોરોનામુકત થયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીજા તબક્કાના લૉકડાઉનની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે અન્ય રાજ્યોમાં ફસાયેલાં નાગરિકોને વતન પરત ફરવા માટેની સશર્ત છૂટ આપી છે.

જેમાં હેરફેરના માધ્યમ તથા મુસાફરની આરોગ્યની ચકાસણી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે તા. ત્રીજી મેના દિવસે 19 દિવસનું બીજા તબક્કાનું લૉકડાઉન સમાપ્ત થશે.

દેશમાં તા. 25મી માર્ચથી પ્રથમ તબક્કાનું 21 દિવસીય રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

નિષેધ અને નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશ પ્રમાણે, દરેક રાજ્યે (કે કેન્દ્ર શાસિત પ્રદેશે) પોતાના વિસ્તારમાં ફસાયલાઓની યાદી તૈયાર કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ વતન પરત ફરવા માગે તો રોડ માર્ગે તેમને મોકલી શકાશે.

જે દરદીઓમાં કોરોનાના લક્ષણ ન જણાય, તેમને બસ મારફત પરત મોકલી શકાશે. બસને સૅનિટાઇઝ કરવાની રહેશે તથા તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જોવાનું રહેશે.

બે રાજ્યો વચ્ચે આવતા રાજ્યો આ હરફરને અટકાવશે નહીં. જ્યારે વ્યક્તિ વતન પરત ફરે એટલે તેમના આરોગ્યની ચકાસણી થશે.

આ સિવાય પરત ફરનારે હૉમ ક્વોરૅન્ટીનનું પાલન કરવાનું રહેશે અને સમયાંતરે તેમની તબીબી તપાસ કરવાની રહેશે. જો જરૂર જણાય તો તેમને ક્વોરૅન્ટીન ફૅસિલિટીમાં દાખલ કરાશે.

તા. 24મી માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરતી વેળાએ 'જે જ્યાં છે, ત્યાં જ રહે'ની વાત કહી હતી.જેના કારણે અન્ય રાજ્યમાં પહોંચેલા પર્યટક, શ્રમિક, યાત્રાળુ તથા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા.

સુરતમાં પોલીસ પર પથ્થરમારો, એક પોલીસકર્મીને ઈજા

સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસકર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક પોલીકર્મીને ઈજા થઈ હોવાની વિગતો મળે છે.

અહીં ફરી એક વખત મોટી સંખ્યામાં કામદારો રસ્તા પર આવી ગયા હતા અને ઘરે પરત જવા દેવાની માગ ઉપાડી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુરતના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતીય કામદારોએ રસ્તા પર આવી જઈને ઘરે પરત જવા દેવાની માગ કરી છે.

જોકે પોલીસે હાલ સ્થિતિને કાબૂમાં લઈ લીધી છે.

રાજ્યના ત્રણ જિલ્લામાં હજુ સુધી એક કોરોના વાઇરસનો પણ કેસ નોંધાયા નથી. જ્યારે 18 જિલ્લામાં એકી સંખ્યામાં જ કેસ નોંધાયા છે.

નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ, મજૂરો, કામદારો, નોકરિયાતોના હિતોને ધ્યાને રાખતાં એક સાથે લૉકડાઉનને હઠાવવાને બદલે ધીમેધીમે અને તબક્કાવાર કેન્દ્રની માર્ગદર્શિકા અનુસારન હઠાવવામાં આવશે.

શું દેશમાં લૉકડાઉન હજુ લંબાવવામાં આવશે?

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું કે આગામી મહિનામાં કોરોના વાઇરસની અસર ચાલુ રહેશે અને ફેસ માસ્ક લોકોના જીવનનો ભાગ હશે. તેમણે કહ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈની સાથે જ દેશના અર્થતંત્રને પણ મહત્ત્વ આપવું જરૂરી છે.

વડા પ્રધાન મોદીએ સોમવારે મુખ્ય મંત્રીઓ સાથે કોરોના વાઇરસને લીધે જન્મેલી સ્થિતિ અને અર્થતંત્રને લઈને વીડિયો કૉન્ફરન્સ કરી રહ્યા હતા.

પુડુચેરીના મખ્ય મંત્રી વી. નારાયનસામીએ કહ્યું કે વીડિયો કૉન્ફરન્સમાં મોટા ભાગના મુખ્ય મંત્રીઓએ લૉકડાઉન ચાલુ રાખવાની સલાહ આપી અને કહ્યું કે લૉકડાઉન હઠાવવા પર સાવધાની વર્તવી પડશે. જોકે, આર્થિક ગતિવિધિને પણ ધીમેધીમે ચાલુ કરવી પડશે.

ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 27 હજાર નજીક પહોંચવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા ત્રણ હજારને પાર કરી ગઈ છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ ગુજરાતના આરોગ્યવિભાગને ટાંકીને જણાવ્યું છે કે ગત 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસના નવા 230 મામલાઓ સામે આવ્યા છે. અને વધુ 18 દરદીઓના મૃત્યુ થયાં છે. આ સાથે જ રાજ્યમાં ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 3301 થઈ ગયો છે. જ્યારે આ સાથે જ રાજ્યમાં કુલ મૃતકાંક 151 થઈ ગયો છે.

જે નવા કેસો નોંધાયા છે એમાંથી સૌથી વધુ અમદાવાદમાં 178 કેસો નોંધાયા છે. એ બાદ સુરતમાં 30, આણંદમાં આઠ, રાજકોટ અને વડોદરામાં ચાર-ચાર, ગાંધીનગરમાં બે, જ્યારે ખેડા, નવસારી અને પાટણમાં નવો એક-એક કેસ નોંધાયો છે.

ગુજરાતમાં વધુ એક પત્રકાર કોરોના પૉઝિટિવ

અંગ્રેજી વેબસાઇટ 'ન્યૂઝ18'ના અહેવાલ અનુસાર અમદાવાદમાં કામ કરતા ઇલેક્ટ્રૉનિક મીડિયાના એક પત્રકારનો કોરોના વાઇરસનો ટેસ્ટ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં વાઇરસનો ચેપ લાગ્યો હો એવા પત્રકારોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.

જે પત્રકારનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, તેમનામાં કોરોના વાઇરસનાં કોઈ લક્ષણો જોવાં મળ્યાં નહોતાં એવો દાવો વેબસાઇટે કર્યો છે.

આ પહેલાં એક વીડિયો એડિટર અને એક કૅમેરામૅનનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં ભારે મૃત્યુદર માટે 'એલ' કોરોના વાઇરસ જવાબદાર?

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસને લીધે ગુજરાતમાં જોવામાં મળી રહેલા ભારે મૃત્યુદર પાછળ 'એલ' વંશીય કોરોના વાઇરસ જવાબદાર છે?

'ઇકૉનૉમિક ટાઇમ્સ'માં છપાયેલા એક અહેવાલ અનુસાર ગુજરાતમાં જોવા મળી રહેલા ઉચ્ચ મૃત્યુદર પાછળ 'એલ' વંશનો કોરોના વાઇરસ જવાબદાર હોઈ શકે છે.

આ એ જ વંશનો કોરોના વાઇરસ છે, જે વુહાનમાં જોવા મળ્યો હતો.

ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર સી. જી. જોશીએ સમાચાર સંસ્થા પીટીઆઈને આ અંગે વાત કરતાં જણાવ્યું, "વિદેશમાં વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાઇરસના દરદીઓના મૃત્યુદર પાછળ એલ-વંશના વાઇરસની અસર જોવા મળી છે. વાઇરસનો આ વંશ મોટા પ્રમાણમાં વુહાનમાં જોવા મળ્યો હતો."

નોંધનીય છે કે હાલમાં ગુજરાત ભારતમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ વાઈરસથી ચેપગ્રસ્ત છે અને અહીં મૃતાંક 150 કરતાં વધી ગયો છે.

જોકે, ગુજરાતમાં આ સંબંધનો કોઈ અભ્યાસ હજુ સુધી હાથ ધરાયો નથી.

વડા પ્રધાન અને મુખ્ય મત્રીઓ વચ્ચે વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાઇરસના કોપને લઈને તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સ થકી બેઠક યોજી છે.

કોરોના વાઇરસ સંબંધિત વડા પ્રધાન અને મુખ્ય મંત્રીઓની આ ત્રીજી બેઠક છે.

આ પહેલાં રવિવારે પ્રસારિત થયેલા 'મન કી બાત' કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશ આ વખતે યુદ્ધ વચ્ચે છે. લોકોએ સાવચેત રહેવાની અને બચાવનાં પગલાં ભરવાની જરૂર છે.

ગત દિવસોમાં ગૃહ મંત્રાલય દ્વારા લૉકડાઉનમાં અલગઅલગ રીતે છૂટ આપવાની જાહેરાત કરાઈ હતી. એ બાદ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનોને ખોલવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારે આ બેઠકમાં શો નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર રહેશે.

કોરોના વાઇરસના લીધે બદરુદ્દીન શેખનું નિધન

ઇમેજ સ્રોત, facebook/GujaratYouthCongress

ગુજરાત કૉંગ્રેસના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું છે. અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં શેખની સારવાર ચાલતી હતી.

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ દુઃખની ઘડીએ કૉંગ્રેસ પરિવારજનો સાથે છે.

ગુજરાત કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે શોક વ્યક્ત કરતાં શેખને બિનસાંપ્રદાયિકતાની મિસાલ ગણાવ્યા હતા.

શેખ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કાઉન્સિલર, ખ્વાજા ગરીબ નવાઝ-અજમેરના ટ્રસ્ટી, વક્ફ બૉર્ડમાં સેવા આપી હતી.

ગુજરાતમાં એક મહિનામાં આંકડા બદલાયા?

ઇમેજ સ્રોત, Getty Images

લૉકડાઉન પહેલાં 20 માર્ચે ભારતના આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દિલ્હી અને રાજસ્થાનમાં 17, કેરળમાં 28, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 52, ઉત્તર પ્રદેશમાં 23, કર્ણાટકમાં 15, તેલંગણામાં 17 અને ગુજરાતમાં 5 કેસ હતા.

પરંતુ એક મહિનામાં ગુજરાત આ સૂચિમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. તો પ્રશ્ન એ છે કે લૉકડાઉન છતાં કેસોની સંખ્યા કેમ વધી રહી છે?

ભારતના પરિવાર કલ્યાણ અને આરોગ્ય મંત્રાલય મુજબ 26 એપ્રિલના આંકડા મુજબ સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 8068 કેસો છે.

મરણાંકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને કારણે સૌથી વધારે 342 મૃત્યુ થયાં અને બીજા ક્રમે 26 એપ્રિલ સુધી ગુજરાતમાં 133 મૃત્યુ થયાં હતાં.

આવો નજર કરીએ કે ગુજરાતના આંકડા કેવી રીતે લૉકડાઉનનાં એક મહિનાના સમયગાળામાં બદલાયા.

ગુજરાતમાં મૃત્યુદર

માર્ચમાં જ્યારે કોરોના વાઇરસનો પગપેસારો હજી શરૂઆતી તબક્કામાં હતો ત્યારે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં મરણાંક ઓછો હતો પરંતુ કોરોના સંક્રમણને કારણે થનાર મૃત્યુનો દર વધારે હતો.

ભારતના પરિવાર કલ્યાણ અને આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આંકડા મુજબ 29 માર્ચ બપોર સુધીના આંકડા મુજબ હિમાચલ પ્રદેશ ( લગભગ 33 ટકા) અને બિહાર ( લગભગ નવ ટકા)ના પછી સૌથી વધારે મૃત્યુ દર ગુજરાતમાં હતો.

ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિતોમાંથી આઠ ટકા દર્દીનાં મૃત્યુ થયાં હતાં. મહારાષ્ટ્ર, દિલ્હી અને અન્ય રાજ્યોમાં આ દર ગુજરાત કરતાં ઓછો હતો.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં મરણાંક ઝડપથી વધ્યો છે.

15 એપ્રિલમાં રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે મરણાંક 36 હતો પરંતુ 23 એપ્રિલે મરણાંક 112 થયો હતી. આ સમયગાળામાં અમદાવાદમાં મરણાંક 16થી 63 સુધી પહોંચી ગયો હતો એટલે અઠવાડિયામાં 47 મૃત્યુ.

23 એપ્રિલે ગુજરાતના આરોગ્ય વિભાગના પ્રમુખ સચિવ જયંતી રવિએ રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે વધેલા મરણાંક વિશે વાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કારણે ગુજરાતમાં મૃત્યુ પામનાર 67 લોકોમાંથી 60 દર્દીઓમાં પહેલેથી ગંભીર બીમારીઓ હતી જેમકે કિડનીનો રોગ, હૃદય રોગ, ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન.

આ પ્રકારની ગંભીર બીમારીને કારણે પહેલેથી જ આ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હતી અને તેથી તેઓ કોરોના વાઇરસના સંક્રમણના શિકાર થયા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી.

તેમણે આગળ કહ્યું કે વલસાડના 21 વર્ષના યુવકનું મૃત્યુ 22 એપ્રિલે સુરત ખાતે નોંધવામાં આવ્યું, તેમને બ્રેઇન ટ્યૂમર હતું.

જયંતી રવિએ કહ્યું કે 60 વર્ષથી વધારે વયના લોકો કોરોના સંક્રમણથી વધારે પ્રભાવિત થયા છે ખાસ કરીને એ લોકો જે પહેલેથી ડાયાબિટીઝ, હાઇપર ટેન્શન અને અન્ય ગંભીર બીમારીથી પહેલાથી પીડિત હતા.

જે લોકો 40 વર્ષની વયની આસપાસના હતા તેઓ પણ કોઈ ગંભીર બીમારીથી બીમારીઓથી પીડાતા હતા.

તેમણે ઘર પરિવારમાં વૃદ્ધ લોકો, પાંચ વર્ષથી બાળકો, ગર્ભવતીઓ અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકોનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ પણ આપી.

અસિમ્પટૉમેટિક દર્દીઓએ વધારી ચિંતા

દેશમાં લક્ષણ વિનાના દર્દીઓએ સરકારની ચિંતા વધારી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ મુજબ દેશમાં કોરોના સંક્રમણના 69 ટકા દર્દીઓમાં કોવિડ-19ના સામાન્ય લક્ષણ નથી દેખાતા, જેમકે તાવ, શરદી અને સૂકી ખાંસી.

ગુજરાતમાં પણ લક્ષણ વિનાના દર્દીઓ એટલે કે અસિમ્પટૉમૅટિક દર્દીઓએ સરકારની ચિંતા વધારી છે.

જયંતી રવિએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 18 એપ્રિલથી 19 એપ્રિલ વચ્ચે 140 નવા કેસ સામે આવ્યા તેમાંથી 15 દર્દી જ એવા હતા જેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ દેખાતા હતા. મોટાભાગના અસિમ્પટૉમેટિક કેસ હૉટસ્પૉટમાં મળી આવ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે ત્યાં નવ એપ્રિલે એક જ વિસ્તારમાંથી 30 અસિમ્પ્ટૉમૅટિક દર્દી મળ્યા હતા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ મુજબ શહેરમાં 70 ટકા જેટલા દર્દીઓમાં લક્ષણને નહોતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો