ઇરફાન ખાનના અવસાન અંગે નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન સહિતના લોકોએ શું કહ્યું?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
ઇરફાન ખાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બુધવારે સવારે મુંબઈમાં ઍક્ટર ઇરફાન ખાનના અવસાન બાદ કલાકારો અને રાજનેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી.

અમિતાભ બચ્ચને કહ્યું કે એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે, જ્યારે લિટલ માસ્ટર સચીન તેંડુલકરે કહ્યું કે 'મેં તેમની તમામ ફિલ્મ જોઈ હતી.'વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના વિચાર વ્યક્ત કર્યા હતા.

મુંબઈના વરસોવા ખાતેના કબ્રસ્તાનમાં પરિવારજનોની હાજરીમાં બુધવારે બપોરે તેમની દફનવિધિ થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું: "ઇરફાન ખાનના અવસાનથી સિનેમા તથા થિયેટરજગતને ખોટ પડી છે. અલગ-અલગ માધ્યમોમાં તેમણે ભજવેલી વૈવિધ્યસભર ભૂમિકા બદલ તેઓને યાદ રખાશે."

વડા પ્રધાન ઇરફાનના પરિવાર, મિત્રો તથા ચાહકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી અને આત્માને શાંતિની પ્રાર્થના કરી હતી.

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "ઇરફાન ખાનના અવસાન વિશે સાંભળીને ખેદ થયો. એક બહુમુખી અને પ્રતિભાશાળી અભિનેતા, તેઓ વૈશ્વિક ફિલ્મ અને ટીવી મંચ પર જાણીતા ભારતીય બ્રાન્ડ ઍમ્બૅસૅડર હતા. તેઓ બહુ યાદ આવશે. દુ:ખના આ સમયે તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના."

અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું, "હાલ ઇરફાન ખાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા... આ ઘણા વ્યથિત કરે તેવા અને દુઃખદ સમાચાર છે. એક અદભુત ટૅલેન્ટ... એક ઉદાર સાથી.... સિનેમાની દુનિયામાં મહત્ત્વનું પ્રદાન આપનાર.. બહુ જલદી છોડીને ચાલ્યા ગયા... એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. પ્રાર્થનાઓ અને દુવાઓ."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું,"ઇરફાનના નિધન અંગે સાંભળીને સંતાપ થયો. કળા દ્વારા તેમણે વૈશ્વિકસ્તરે ખ્યાતિ તથા ઓળખ હાંસલ કરી હતી. તેઓ ફિલ્મજગતનું ઘરેણું હતા. દેશે એક ઉત્કૃષ્ટ અભિનેતા ગુમાવ્યા છે."

તેમણે પરિવાર તથા ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે કહ્યું કે ઇરફાન ખાનના અવસાનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. તેઓ મારા પસંદગીના અભિનેતાઓમાંના એક હતા અને મેં તેમની લગભગ તમામ ફિલ્મો જોઈ છે. છેલ્લી એક 'અંગ્રેજી મીડિયમ' છે. અભિનય તેમનમાં ઘણો સહેલાઈથી ઊતરી આવ્યો હતો. તે માત્ર જબરજસ્ત હતા. તેમના આત્માને શાંતિ મળે. તેમના પ્રિયજનો પ્રત્યે સંવેદના.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઇરફાન ખાનને એક સારા ક્રિકેટર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું, "ઇરફાન ખાનના અકાળે અવસાન સાથે, આપણે એક બહુમુખી અભિનેતા ગુમાવ્યા છે. માત્ર એક મહેનતુ અભિનેતા જ નહીં પરંતુ તે એક સારા ક્રિકેટર પણ હતા. પરંતુ નાણાના અભાવે તેઓ આગળ વધી શક્યા નહોતા. તેમની ટીવી અને ફિલ્મમાં હાજરી અપ્રતિમ છે અને તેમણે ઘણા લોકોને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી છે.

આમિર ખાને ઇરફાનને જીવનમાં આનંદ લાવનાર ગણાવીને કહ્યું, "અમારા પ્રિય સહયોગી ઇરફાન વિશે સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. કેટલું કરુણ અને દુ:ખદ છે. કેવી અદ્ભુત પ્રતિભા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના."

"તમે તમારા કામ દ્વારા અમારા જીવનમાં જે આનંદ લાવ્યા તેના માટે ઇરફાનનો આભાર. તમને પ્રેમથી યાદ કરવામાં આવશે. લવ."

ઍક્ટ્રેસ તાપસી પન્નુએ કહ્યું કે જ્યારે આપણે વિચાર્યું કે કાંઈ ખરાબ થશે નહીં ત્યારે આ થયું છે. મને લાગે છે કે તમારા કામને વારંવાર જોઈને આપ હયાત નથી તે વાતને નહીં સ્વીકારું. હું તમને જે પ્રકારે જાણું છું તે જ પ્રકારે જાણતી રહીશ અને કાયમ માટે જાણીશ. તમે સર્વશ્રેષ્ઠ છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો