છત્તીસગઢ : પેપર ફેક્ટરીમાં ગૅસ લીકેજ, ત્રણ મજૂરોની સ્થિતિ ગંભીર

  • આલોક પ્રકાશ પુતુલ
  • બીબીસી ગુજરાતી માટે
છત્તીસગઢ

ઇમેજ સ્રોત, DPR CG

ગુરૂવારે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગૅસ લીકેજની ઘટના પછી હવે છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક ફેકટરીમાં ગૅસ લીકેજની ઘટના સામે આવી છે.

રાયગઢના તેતલામાં શક્તિ પેપર મિલમાં ઝેરી ગૅસ લીકેજની ઘટના બનતા સાત મજૂરોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

સાત મજૂરો પૈકી ત્રણની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે અને તેમને સારવાર માટે પાટનગર રાયપુર ખસેડવામાં આવ્યા છે.

બિલાસપુર રેન્જના આઈજી પોલીસ દીપાંશુ કાબરાએ બીબીસીને કહ્યું કે, લૉકડાઉનને કારણે બંધ પડેલી એક કાગળની ફેકટરીમાં સાફસફાઈનું કામ ચાલી રહ્યું હતું અને એ સમયે ઝેરીલો ગૅસ પ્રસર્યો અને કામ કરી રહેલા મજૂરો એનો ભોગ બન્યાં.

ઇમેજ સ્રોત, DPR CG

ઇમેજ કૅપ્શન,

રાયગઢ

આ ઘટના બુધવારે બની હતી અને જિલ્લા વહીવટીતંત્રને એની જાણકારી ગુરૂવારે મળી.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ રાયગઢના પોલીસ અધિક્ષક સંતોષસિંહે કહ્યું કે ફેકટરીના માલિકે ઘટનાની વિગતો છુપાવવાની કોશિશ કરી અને પોલીસને આ વિશે જાણ ન કરાઈ. આ અંગે માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનને પગલે છત્તીસગઢમાં તમામ ઉદ્યોગધંધા બંધ છે. ગત અઠવાડિયે કેટલીક શરતો સાથે સરકારે ઉદ્યોગો શરૂ કરવાનું કહ્યું હતું.

પોલીસના કહેવા મુજબ ફરીથી કામકાજ શરૂ કરવા માટે પેપરમિલની સાફસફાઈ ચાલી રહી હતી. સ્થાનિક મજૂરો એક રિસાઇકલ ચૅમ્બરની સફાઈ કરી રહ્યા હતા એ સમયે ગૅસ લીકની ઘટના બની અને એક પછી એક મજૂરો બેભાન થઈ ગયા.

ફેકટરીના માલિકે તમામ મજૂરોને રાયગઢની સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા જે પૈકી ત્રણને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

પાછળથી ત્રણેયને વધુ સારવાર માટે રાયગઢ લઈ જવામાં આવ્યા છે.

ગૅસ લીકનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસનું કહેવું છે કે આ મુદ્દે તપાસ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો