શું AC વાપરવામાં કોરોના વાઇરસનું જોખમ છે?
- ગુરપ્રીત સૈની
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, EPA
છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું છે, છતાં ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદની બેવડી ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે.
પરંતુ સોશિયલ મીડિયા અને વૉટ્સઍપમાં એવા મૅસેજ ફરે છે કે ACમાં કોરોનાના ચેપનું જોખમ વધી જાય છે. તેના કારણે લોકોના મનમાં AC ચલાવવું કે કેમ તેની અવઢવ ઊભી થઈ છે.
સાચી વાત શું છે? ઍઇમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે AC ચલાવવા અંગે મુશ્કેલી નથી, સમસ્યા ક્રૉસ વૅન્ટિલેશન (એટલે કે હવાની અવરજવર)ને કારણે થઈ શકે.
ઘર અને કારનું AC
ડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, જો તમારા ઘરમાં વિન્ડો AC લગાવેલું હશે, તો હવા રૂમમાં જ ફર્યા કરશે. આ હવા બીજા ઓરડામાં કે બહાર જશે નહીં.
તેથી વિન્ડો AC હોય ત્યાં કે કારમાં AC ચલાવવામાં કોઈ મુશ્કેલી નથી.
પરંતુ એ યાદ રાખવું પડે કે વિન્ડો ACનો ઍક્ઝૉસ્ટ બહારની તરફ હવા સારી રીતે નીકળી જાય તે રીતનો હોવો જોઈએ. ઍક્ઝૉસ્ટ એવી જગ્યાએ ના નીકળવો જોઈએ, જ્યાં લોકો એકઠા થતા હોય.
ડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, કચેરી અને જાહેરસ્થળોએ સેન્ટ્રલ AC લાગેલું હોય છે. તેનો અર્થ એ કે બધા કક્ષમાં તે હવા સર્ક્યુલેટ થતી હોય છે. તેથી એવો ડર રહે ખરો કે કોઈ એક જગ્યાએ કોઈને છીંક કે ખાંસી આવે ત્યારે તેના જંતુઓ ડક્ટમાં (હવાની અવરજવર માટેની વ્યવસ્થા) થઈને બાજુની જગ્યામાં જઈ શકે.
હૉસ્પિટલોમાં સેન્ટ્રલ AC બંધ
ઇમેજ સ્રોત, Getty Images
જે હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓને રાખવામાં આવ્યા છે, ત્યાં સેન્ટ્રલ AC બંધ કરી દેવામાં આવ્યાં છે. તેની જગ્યાએ વિન્ડો AC લગાવવામાં આવ્યાં છે.
ડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર હૉસ્પિટલોમાં AC જરૂરી છે, કેમ કે વધતી ગરમી સાથે ડૉક્ટરો અને આરોગ્યકર્મચારીઓ માટે પણ કામ કરવું મુશ્કેલ બનશે.
હાલમાં તે સૌ પી.પી.ઈ. (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ) પહેરીને કામ કરતા હોય છે. તેથી ગરમીને કારણે તેમને ભારે પરસેવો વળે. આવી ગરમીમાં દર્દીની સંભાળ લેવી મુશ્કેલ બની જાય.
કોરોના એ.સી. અને સંશોધન
ઇમેજ સ્રોત, BBC\Kirtish Bhatt
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને ચીનના એક AC રેસ્ટોરાંમાંથી કોવીડ-19 ફેલાયો હતો કે કેમ તેની તપાસ માટે સંશોધન કર્યું છે. ગ્વાંગ્ઝૂ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનની ઍથિક્સ કમિટીએ પણ આ સંશોધનને માન્ય કર્યું હતું.
સંશોધન અનુસાર 26 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી 2020 સુધી નોવેલ કોરોના વાઇરસના કારણે ત્રણ પરિવારના 10 સભ્યોને ચેપ લાગ્યો હતો. આ બધા જ ચીનના ગ્વાંગ્ઝૂ શહેરના હતા અને તે બધા કુટુંબોએ આ રેસ્ટોરાંમાં ભોજન લીધું હતું. તેઓ એક બીજાથી એક મીટર દૂરના ટેબલો પર બેઠા હતા.
તેમાંથી એક પરિવાર વૂહાનની મુલાકાત લઈને પરત આવ્યો હતો. 24 જાન્યુઆરીએ આ 'A' પરિવારે રેસ્ટોરાંમાં ભોજન લીધું હતું. તેમની નજીકના જ ટેબલો પર પરિવાર 'B' અને 'C' ભોજન લેવા માટે બેઠા હતા.
પરિવાર 'A'ના એક સભ્યને બીજા દિવસે કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. પાંચ ફેબ્રુઆરીએ તે પરિવારના બીજા ચાર સદસ્યો અને પરિવાર 'B'ના ત્રણ અને પરિવાર 'C'ના બે સભ્યો પણ બીમાર પડી ગયા હતા.
તે રેસ્ટોરાંમાં સેન્ટ્રલ AC લાગેલું હતું. તેના પાંચ માળની ઇમારતમાં ક્યાંક બારી પણ રાખવામાં આવી ન હતી.
આ અભ્યાસમાંથી એ તારણ નીકળ્યું કે સેન્ટ્રલ ACના વૅન્ટિલેશનને કારણે ડ્રૉપલેટ (છાંટા) એકથી બીજા સુધી ફેલાયા. ફરતી હવા ચેપ ફેલાવાનું મુખ્ય કારણ છે.
સંશોધનમાં એવી પણ સલાહ આપવામાં આવી કે ચેપને ફેલાતો રોકવા માટે વૅન્ટિલેશન (હવાની અવરજવર) વ્યવસ્થિત હોવી જોઈએ.
તપાસની મર્યાદાઓ
ઇમેજ સ્રોત, Getty Images
જોકે અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શને એમ પણ જણાવ્યું હતું કે આ સંશોધનની કેટલીક મર્યાદાઓ પણ છે. તેમાં ઍરબોર્ન ટ્રાન્સમિશન રૂટ માટે અભ્યાસ કરવામાં આવ્યો નહોતો. બીજું કે તે રેસ્ટોરાંમાં જમવા આવેલા બીજા લોકોનાં સૅમ્પલનો અભ્યાસ કરી શકાયો નહોતો.
સંશોધન અનુસાર રેસ્ટોરાંના કોઈ કર્મચારી અથવા ત્યાં જમવા આવેલા બીજા લોકોને ચેપ લાગ્યો નહોતો. ACનાં સ્મિયર સૅમ્પલ લેવાયાં હતાં, તે પણ નૅગેટિવ નીકળ્યાં હતાં.
ચેપ ક્યાંથી લાગ્યો હશે તેની સંભાવના પર સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ડ્રૉપલેટના ટ્રાન્સમિશનના કારણે ચેપ ફેલાયો હશે. જોકે સંશોધન જણાવે છે કે માત્ર આ જ કારણ હોય તેવું જરૂરી નથી.
શ્વાસ અને મોંના છાંટા હવામાં થોડો સમય માટે જ રહે છે અને તે બહુ થોડે દૂર સુધી જ ઊડે છે. તેથી સંશોધનમાં એવું તારણ કઢાયું હતું કે ACમાંથી જોરથી હવા ફૂંકાતી હોય તેના કારણે ડ્રૉપલેટ એક ટેબલથી બીજા ટેબલ સુધી પહોંચ્યા હશે.
આ વિશે દિલ્હીના સાકેતમાં આવેલી મૅક્સ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના એસોસિએટ ડિરેક્ટર ડૉ. રોમેલ ટિકૂ કહે છે : "સામાન્ય રીતે એવું ના થાય કે કોઈને ખાંસી આવે એટલે જંતુઓ ACના માધ્યમથી સર્ક્યુલેટ થઈ જશે અને બધાને ચેપ લાગી જશે. તે માટે હજી કોઈ પુરાવા મળ્યા નથી."
"એ વાત ખરી કે તેના કારણે સપાટી પરથી લાગતો ચેપ લાગી શકે છે."
"કોઈ દર્દીને ઉધરસ આવે તો ACને કારણે આસપાસની ફરસ પર જંતુઓ ફેલાઈ શકે છે. પરંતુ AC પોતે વાઇરસને આગળ વધારે છે તેવા કોઈ પુરાવા નથી."
મહારાષ્ટ્ર સરકારની સલાહ
ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રણદીપ ગુલેરિયા
કેટલાક દિવસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને સલાહ આપી હતી કે ACનો ઉપયોગ ટાળવો જોઈએ. તેણે કહ્યું કે કેન્દ્રની માર્ગદર્શિકા પ્રમાણે બિનજરૂરી ઠંડક અને ભેજથી બચવું જોઈએ.
21 માર્ચે મહારાષ્ટ્ર સરકારે ACનો ઉપયોગ કરવા માટે પરિપત્ર પણ જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું:"સૂર્યપ્રકાશ અંદર આવે તે માટે બારીઓ ખુલી રાખવી જોઈએ અને બહુ જરૂર લાગે ત્યારે જ AC ચલાવવું જોઈએ."
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે કોરોના વાઇરસ AC ડક્ટ અને વૅન્ટ મારફતે આવી શકે છે. માર્ચમાં કર્ણાટક સરકારે પણ રેસ્ટોરાંમાં AC બંધ કરી દેવા માટે આદેશ આપ્યો હતો.
ઇમેજ સ્રોત, Getty Images
PPE કિટને કારણે તબીબી સ્ટાફને વધુ ગરમી લાગે
હાલમાં તો લૉકડાઉનના કારણે રેસ્ટોરાં જ બંધ છે. ઓફિસો બંધ હોવાથી મોટા ભાગના લોકો ઘરે કામ કરે છે તેથી સેન્ટ્રલ AC પણ બહુ ઓછી જગ્યાએ ચાલે છે.
આમ છતાં સવાલ ઊભો જ રહે છે કે શું સેન્ટ્રલ AC વાઇરસ ફેલાવામાં કારણભૂત બને ખરું?
આ વિશે ડૉ. રોમેલ ટિકૂ કહે છે કે હજી સુધી તેની ખરાઈ થઈ શકી નથી. હજી સુધી એવો કેસ આવ્યો નથી કે ACને કારણે ચેપ લાગ્યો હોય. હવાને કારણે વાઇરસ રિસાઇકલ થાય છે તેવી વાતો આવી હતી, પણ હજી સુધી તેની ખરાઈ થઈ શકી નથી.
તેમના જણાવ્યા અનુસાર ACના ફિલ્ટર વાઇરસ જકડી લે છે. AC ડક્ટ અને વૅન્ટમાં વાઇરસ મળ્યા પણ છે, પરંતુ ACને કારણે વાઇરસ સર્ક્યુલેટ થાય છે તેની ખાતરી નથી.
ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકાર દ્વારા આ ઍરકંડિશનર અંગે કોઈ માર્ગદર્શિકા નથી અપાઈ
ડૉ રોમેલ કહે છે, "સાવચેતી માટે હૉસ્પિટલોમાં સેન્ટ્રલ AC બંધ કરવામાં આવી રહ્યા છે, કેમ કે આ એક નવો વાઇરસ છે."
"આજે આપણે જે જાણીએ છીએ તે કાલે ખોટું પણ નીકળે કે કોઈ નવી વાત સામે આવે કે AC જવાબદાર છે. તેથી સાવધાની રાખવી જરૂરી છે."
આ બાબતમાં હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી કોઈ માર્ગદર્શિકા આપવામાં આવી નથી. પીઆઈબીના પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની ફેક્ટ ચેક ટીમને બીબીસીએ એક પત્ર લખીને માહિતી માગી છે. તેના તરફથી જવાબની રાહ છે. બીજું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો